તું પાછો આવીશ તો ખરા ને?
દરિયાનાં વહેતા ખડખડ મોજાં, મોજાંના એ તરંગો, પવનનો ઝીણો સુરીલો અવાજ, તેમાં સુર પુરાવતાં પક્ષીઓનો કલરવ, આસપાસ ફરતા પ્રેમી પંખીડાઓનો ઉભરતો સ્નેહ, આભમાં ખીલેલી એ સંધ્યા, આવા રમણીય વાતાવરણને એક જ નજરથી જોતી ધરતી, મનમાં વિચારોનાં વંટોળ સાથે, ત્યાં બેઠી હતી, વિચારતી હતી કે, "શું મને હક છે એક ભ્રણનો જીવ લેવાનો? એક એવા બાળકને મારી નાખવાનો કે જેને હજુ તો આ દુનિયામાં પગ નથી મૂક્યો! બધા વિચારો સાથે ધરતી ખૂબ ગૂંચવણમાં આવી ગઈ હતી.
ધરતી, દેખાવમાં સુંદર રૂપ ,કમળની જેમ હંમેશા હસતો ખીલતો ચહેરો, કોયલ જેવી મીઠી મધુર બોલી,રેશમી મુલાયમ વાળ, જાણે ભગવાને એકાંતની પળોમાં બેસીને ઘડેલી હશે એવું લાગે. પણ કહેવાય ને કે, "ભગવાન બધાને બધું નથી આપતા, ધરતીના બાળપણમાં જ તેનાં માતા-પિતા અકસ્માતમાં છીનવાઈ ગયા હતા. અનાથ ધરતીને લાડકોડથી ઉછેરી અને પોતાના સંતાન ન કરવાનું વચન લીધું તેવા તેના દયાળુ કાકા અને કાકી સાથે તે અમદાવાદની ચાંદની ચોક માં રહેતી હતી.
૨૦ વર્ષ પૂરા કરી આજે ધરતી ૨૧ માં વર્ષમાં પ્રવેશ કરવાની હતી. તેના જન્મદિવસ નિમિત્તે તેનો પાકો મિત્ર દેવ અને ધરતીના કાકા-કાકી બધા કેક કાપી ધૂમધામથી તેનો જન્મદિવસ ઊજવવાના હતા. ધરતીને આ સરપ્રાઈઝ વિશે ખબર ન હતી. તેથી જેવી તે ઘરમાં પ્રવેશે તે સાથે જ બધા હેપી બર્થ ડે ના નાદથી તેને વીશ કરવા લાગ્યા. તે ખૂબ ખુશ થઈ ગઈ તેના કાકા કાકી ના આશીર્વાદ લઇ , તે સીધી જ દેવને ભેટી અને થેન્ક્યુ કહેવા લાગી.
દેવ અને ધરતી નાનપણ થી જ સાથે રમતા, ભણતા ઝગડતા, મસ્તી કરતા, અને કયારેક બીજી ગલીના આવીને દેવ ને મારી જાય તો ધરતી તે બધાની અઠવાડિયા સુધી ખબર લેતી. બંનેના સુખ-દુઃખ એકબીજાને કહેતા, અને ક્યારેક તો કીધા વગર જ સમજી જતા, કહેવાય ને કે એક કોરી ટપાલ મોકલોને સામેવાળી વ્યક્તિ સમજી જાય તો એ વ્યક્તિ તમને સારી રીતે સમજે છે, બંને વચ્ચે આવી ગાઢ મિત્રતા હતી.
દેવ ઘણીવાર ધરતીને તેની કોલેજ લેવા-મૂકવા પણ જતો, ધરતી B.comના છેલ્લા વર્ષમાં હતી અને દેવને અભ્યાસમાં રસ ન હોવાથી તેને 12 ભણીને છોડી દીધું પછી, તે સારો એવો ધંધો કરતો. તેના મમ્મી-પપ્પાનો એકનો એક દીકરો હતો બંને ના પરિવાર ને પણ સારો મેળ હતો.
શનિવારની રાતે બંને ધરતીના ઘરે અગાસી પર બેઠા હતા.પૂનમ હોવાથી ચાંદ પણ તેની મસ્તીમાં મશગૂલ હતો. આકાશ ને પણ ચંદ્રમાની ચાંદની જોઈને અાનંદ આવતો હતો. આ બાજુ દેવ ધરતી ને પૂછી રહ્યો હતો, "ધરતી તારા મેરેજ થઈ જશે પછી તો તું મને યાદ નહીં કરે ને ?" ધરતી તેના માથા પર ટપલી મારતા કહ્યું, " એ વાંદરા આવું શું વિચારે છે, પહેલા તો હું તારા લગ્ન કરાવીશ ,તને બલિનો બકરો બનાવીશ, તું તારી પત્નીની આગળ પાછળ ફરતો હોઈશ એ જોઈને હું બહુ તારી મજાક ઉડાવીશ, તારા છોકરાઓ ને આપણી મસ્તીઓ કહીશ. આ બધું ધરતી એક જ લયે બોલતી હતી ,અને તેને એકી નજરે નિહાળી રહ્યો હતો. તેના મનમાં ધરતી પ્રત્યે મિત્ર કરતાં વધુ લાગણી હતી. પણ તે કહી શકતો ન હતો, તેને તેની બાળપણની દોસ્તી તૂટવાની બીક હતી, એટલે ચૂપ રહેતો. પરંતુ ત્યારે જ ધરતીએ તેને અચાનક કહ્યું કે, "દેવલા સાંભળને એક વાત કહું તને ,પણ હા, કોઈને કહેતો નહીં તે બોલ્યો," બોલને તારા સિવાય હું પણ ક્યાં મારી વાત બીજાને શેર કરું છું." ધરતી એ થોડા ધીમા સ્વરે ચાલુ કર્યું ,"દેવ, મને મારી કોલેજમાં ભાવેશ નામનો એક છોકરો બહુ જ ગમે છે. આ શબ્દો સાંભળીને તો દેવના હોશ ઉડી ગયા તેને શું પ્રતિભાવ આપવો એ જ ખબર ન પડી. તે સૂનમૂન થઈ ગયો. જાણે જીંદગીમાંથી બધું છીનવાઇ જતું હોય તેવું લાગવા લાગ્યું. તેનો હાથ હલાવતા ધરતી બોલી,એ વાંદરા તું કેમ ચૂપ થઈ ગયો? હજુ હું તેની સાથે સાસરે નથી જતી રહી ,તે તેની મસ્તીમાં એટલી અંદર ઉતરી ગઈ હતી કે, તેને દેવની ઉદાસી,ચિંતાભરી લાગણી દેખાઈ જ નહીં.
દેવ હવે ધરતી સાથે બહુ મસ્તી ન કરતો, ક્યારેક જ તેને લેવા મૂકવા જતો.પરંતુ ધરતીને આ વાતનો અંદાજ હતો, કેમ કે બીજી બાજુ તેની અને ભાવેશ ની બધી જતી ગાઢ દોસ્તીથી તે ખુશ હતી, તેને જાણે બધી ખુશી મળી ગઈ હોય એવું લાગતું હતું.તેને તો ૭માં આસમાને પહોંચીને કેટકેટલાં સપનાં સજાવી લીધા હતા.
તેને ભાવેશ ને કે તેના પરિવારને ઓળખ્યા વગર જ પ્રેમ કરી લીધો, તેનું પસંદગીપાત્ર ક્યાંથી આવે છે? શું કરે છે? કશું જ તેને જાણવાની કોશિશ ન કરી, કહેવાય છે ને કે પ્રેમ આંધળો હોય છે. ધરતીએ પોતે સામે ચાલીને ભાવેશ સામે પોતાના પ્રેમનો પ્રસ્તાવ મૂક્યો , અને તેની ખુશી બમણી તો ત્યારે થઇ કે, ભાવેશે પણ સહજ સ્વીકારી લીધો, હવે તો બંને સાથે સમય ગાળતા આખો દિવસ ફરવા જાય, ત્યાં ફોટા પાડતા અને રાતે ઘરે આવ્યા પછી પણ મેસેજમાં મોડી રાત્રિ સુધી વાતો કરતા. ક્યારેક ભાવેશ ધરતી પાસે તેના પર્સનલ ફોટો પણ માંગતો. પરંતુ ધરતી ના પાડતી. એક વખત ભાવેશે બહુ જીદ કરી પરંતુ ધરતી એ ના પાડી તો બે દિવસ સુધી તેની સાથે બોલ્યો જ નહીં. ધરતીને પણ તેના વગર રહેવાતું હોવાથી પ્રેમમાં આંધળી થઈ તેને એક દિવસ તેના પર્સનલ ફોટો મોકલી દીધા.
ભાવેશ જયારે ધરતીની નજીક આવવાની કોશિશ કરી ત્યારે ધરતી એ આનાકાની કરી, પરંતુ અંતે તો ભાવેશની જીદ અને આંધળા પ્રેમને લીધે હારીને પોતાનું શરીર ભાવેશ ને સોંપી દીધું. ભાવેશે ભૂખ્યા હવસખોર રાક્ષસ જેવું ધરતી સામે વતઁન કયુઁ. ત્યારબાદની બીજી સવારથી વેકેશન પડ્યું એટલે હવે બંને ને મળવાનું ઓછું થતું.એકવાર ધરતી ની તબિયત સારી ન હોવાથી અને રોજ રહેતી નબળાઈ અને રજ્જોસ્ત્રાવ ગુમાવવાને લીધે તે ડોક્ટર પાસે ગઈ, ત્યારે ડોક્ટરે જણાવ્યું કે, " તમે મા બનવાના છો, આ સાંભળતા જ ધરતી ના પગ નીચેથી જમીન સરકી પડે તેની આખી દુનિયા સુનમન થઈ ગઈ, જાણે જિંદગી માંથી બધા રંગ ઊડી ગયા હોય એવું લાગવા લાગ્યું. તેને શું કરવું એ જ ખબર ના પડી ,આ વાત તેને તરત જ ભાવેશ ને કરી,આ બાજુ ભાવેશ પણ હેબતાઈ ગયો, આવેશમાં આવીને કરેલી ભૂલ તેને પણ ભારે પડી. ધરતી બોલી, "ભાવેશ શું કરવું? મને કંઈ સમજ નથી પડતી,
ઘરે ક્યાં મુખે આવી વાત કરવી!." ભાવેશ ગભરાતા અવાજે બોલ્યો, "શું ઘરે? તને કંઈ ખબર પડે આવી વાત ઘરે ન કેવાની હોય, પછી નિરાંતે કહ્યું કે, "આપણે કાલે મારા એક પરિચિત મિત્ર ડોક્ટર છે ત્યાં જાશું અને એબોર્શન કરાવી નાખશું ".ધરતી એ પણ હા પાડી, પરંતુ કોઈ સ્ત્રી માટે એક મા બનવાની ખુશી શું હોય એ બીજી કોઈ વ્યક્તિ ન સમજી શકે. પણ એક અપરણિત સ્ત્રી માં બને ત્યારે સમાજ પર એ કલંકના સ્વરૂપમાં ગણાય છે, દુનિયાના કેટલા મેણા ટોણા તેને સાંભળવા પડે છે તેના પરિવારની બદનામી થાય છે. ધરતી ને એકવાર તો મનમાં વિચાર આવ્યો કે, "દેવ ને આ વાત કરું તો? પણ પછી તેનું મન નો માન્યું એ વાત કહેવામાં એમ પણ દેવ હમણાં કામથી બહુ વ્યસ્ત રહેતો.
બીજા દિવસે ધરતી અને ભાવેશ ડોક્ટર પાસે ગયા, ડોકટરે બધા રીપોર્ટ ચેક કરી અને કહ્યું, " જો તમે બંને આ એબોર્શન ન કરાવો તો સારું રહેશે. ધરતીને પહેલેથી જ નબળાઈ અને થોડા વિટામિન્સની ખામીને લીધે આ ઓપરેશનથી તેનો જીવ ભારે જોખમમાં છે ,એટલે તમે બાળકને જન્મ આપો." ડોક્ટરની આ વાત સાંભળીને બંનેની આંખો પહોળી રહી ગઈ ,થોડીક વાર તો બંને એકબીજા સામે જોઈ રહ્યા ,શું કરવું એ જ ખબર નહતી પડતી. પછી ધરતીએ ભાવેશ ને કહ્યું કે ,"આપણે ઘરે કહી દઈએ એટલે આપણા લગ્ન વહેલી તકે કરાવી આપે." ભાવેશ તરત જ ગુસ્સાથી બોલ્યો ,"તારામાં બુદ્ધિ છે, ક્યાં મોઢે આ વાત કરશું? મારા પપ્પાની તેના બિઝનેસની દુનિયામાં ઈજ્જત શું રહેશે? ધરતી નિરાશાભયૉ અવાજે કહયું,' તો શું કરવું તુંં જ કહે?
ભાવેશ તેના મનમાં ધરતીની જાણ બહાર કંઈક વિચારી રહ્યો હતો, તેને ધરતી ને કહ્યું, ' તારી વાત સાચી છે ,પરંતુ આ વાત મારાથી ફોનમાં નહીં થાય મારે મારા મમ્મી-પપ્પા સાથે રૂબરૂ વાત કરવા ગામ જવું પડશે , એટલે હું કાલે જ નીકળી જઈશ, અને તેમને મનાવીને જ પરત આવીશ. ધરતીને ભાવેશની વાતથી સહાનુભૂતિ મળી પણ ભાવેશના મનમાં તો કંઈક અલગ જ રમત રમાઈ રહી હતી. તે ગામ ગયો તો ખરા પણ પાછો આવ્યો જ નહીં. આ બાજુ ધરતી એકલી અટુલી કરમાઈ ગયેલા ફૂલની જેમ દરિયાના કિનારે બેઠી બેઠી તેના બાળક વિશે વિચારતી હતી, તેને તો હજુ પણ ભાવેશના આવવાની રાહ હતી ,પણ તેને ક્યાં ખબર હતી કે તે તો હંમેશા માટે છોડી ને જતો જ રહ્યો.
દિવસોના દિવસો વિતવા લાગ્યા, ધરતી ઘરેથી નીકળી હતી, તેને પણ બે અઠવાડિયા થઈ ગયા હશે. કાકા-કાકીની , દેવની આ સમયે બહુ યાદ આવતી હતી.તેને ભાવેશને કોન્ટેક્ટ કરવાનો ઘણો પ્રયાસ કર્યો પરંતુ તેને પણ સમજાય ગયું કે તે હવે કયારેય પાછો નહીં આવે.
ઘરેથી નીકળ્યા પછી તે એક આશ્રમમાં રહેતી ,ત્યાં નાના નાના બાળકોને ભણાવતી અને પોતાનું જીવન પણ ગુજારતી.રોજ સાંજે દરિયા કિનારે જઇ બેસતી, કયારેક આંખમાંથી આંસુ પણ વહી જતાં. એક દિવસ તે રડતી હતી, પાછળથી કોઈ વ્યક્તિનો અવાજ આવ્યો, "બસ ધરતી હવે બહુ થયું હવે કયાં સુધી રડવાની"તેને પાછળ ફરીને જોયું તો તે દેવ હતો. એક બાજુ તેને ખુશી હતી અને બીજી બાજુ શરમ પણ હતી. કયાં મોઢે તે દેવ સાથે વાત કરે. ત્યાં જ દેવે કહ્યું ,'ધરતી મને બધી જ ખબર છે, ને એ જાણીને જ હું તને લેવા આવ્યો છું.'ચાલ ઘરે, પણ ધરતી વિચારમાં હતી કે, "દેવને કેવી રીતે ખબર પડી? ત્યાં જ દેવ બોલ્યો, "તમે જ્યારે ડોક્ટર પાસે ગયા ત્યારે જ મેં તમને જોયા હતા. ત્યારપછી હું તરત જ ડૉક્ટર પાસે ગયો બહુ મનાવ્યા પછી ડોક્ટરે બધી વાત કરી અને મે તારો કોન્ટેક કરવાની ટ્રાય કરી પણ ન થયો,ભાવેશને પણ કર્યો તેમાંય હું અસફળ રહ્યો. પછી ધંધાના કામથી હું બહાર ગયો ત્યાં મને મારો મિત્ર મળ્યો. જે તારા આશ્રમનો ટ્રસ્ટી છે, તેને મને બધી વાત કરી. અને તને આ રીતે મે આખરે શોધી લીધી.
આ સાંભળતા જ ધરતી દેવને ભેટી પડી અને જોરજોરથી રડવા લાગી. અને બોલી ," દેવ હું ક્યાં મોઢે ઘરે આવું ,મારે આવડી ભૂલ કોઈ મને માફ નહીં કરે. આ બાળકને જન્મ આપવા સિવાય કા તો મારા મરવા સિવાય મારી પાસે બીજો કોઈ રસ્તો જ નથી, લાગે છે મારે મરવું જ પડશે," ત્યાં તો દેવ બોલ્યો ,"બસ હવે તારે આવું વિચારવું પણ નથી, તારા ગયાં પછી તારા કાકા-કાકી કેટલા ચિંતિત છે એનો વિચાર તો કર, કેટલી કપરી પરિસ્થિતિ સહન કરી તને મોટી કરી છે." ધરતી બોલી, પણ મારા બાળકને કોણ સ્વીકારશે? કોણ તેને પોતાનું નામ આપશે? દેવ મક્કમ થઈને કહ્યું ," હું ધરતી, હું તારા બાળકને સ્વીકારીને મારું નામ આપીશ ત્યારે ધરતીની આંખો ખૂલી રહી ગઈ , અને તે બોલી, ના દેવ "હું તને આ મુશ્કેલી માં સામેલ કરવા નથી ઈચ્છતી ,એના કરતા હું જેવી છું તેમ મારા હાલ પર છોડીને જતો રહે. ત્યારે દેવે પોતાની દબાયેલી લાગણીને ખોલતા કહ્યું," હું તને કેટલા સમયથી પ્રેમ કરતો હતો, તે મને તારી ભાવેશ પ્રત્યેની લાગણી કહી ત્યારથી મેં પછી મારા પગ પાછળ ખેંચી લીધા ,કેમકે તારી ખુશી માં જ મારી ખુશી ,આજ પણ ધરતી હું તને અને આ બાળકને રાજીખુશી અપનાવવા તૈયાર છું હું ઘરે પણ બધું સંભાળી લઈશ."
તું આશ્રમ જઈને તારો સામાન પેક કર. હું હમણાં જ રીક્ષા લઈને આવું છું તારું આ હાલતમાં ધ્યાન રાખવું પડશે. દેવ ધરતી ને કહી અને ઉતાવળે જતો જ હતો ત્યાં ટ્રક સાથે અથડાયો અને પછી પટકાયને નીચે પડી ગયો ,ધરતી તે સાથે જ હાંફળીફાંફળી દોડતી તેની પાસે ગઈ અને દેવનું માથું પોતાના ખોળામાં રાખી, પવન નાખવાં લાગી, તેને શું કરવું એ જ ખબર ન પડી. તે આમતેમ બૂમ પાડીને મદદ માંગવા લાગી પણ ત્યાં કોઈ હતું જ નહીં. દેવે ધરતીનો હાથ પોતાના હાથમાં લઈને કીધુ, "sorry, ધરતી હું પણ તને છોડીને જાઉં છું ,માફ કરજે મને, પરંતુ મારી અંતિમ ઈચ્છા પૂરી કરીશ? ધરતી એ હેબતાઇ ગયેલા સ્વરે હકારમાં માથું હલાવ્યું. દેવ જાણે પોતાના શ્વાસ છોડતો હોય તેમ બોલ્યો," તારા ગર્ભમાં રહેલા બાળકની પાછળ મારું નામ લગાડીશ? ત્યારે ધરતીએ તેના હાથ માં રહેલો દેવનો હાથ વધારે મજબૂતાઈથી પકડયો જાણે તેને હંમેશા માટે પકડી રાખવાની લાગણીથી અને એક હાથ દેવના ગાલે વહાલથી ફેરવ્યો, અને તેની સામે એકીનજરથી જોતી રહી,દેવને પણ તેનો જવાબ મળી ગયો.આ સાથે જ દેવે પોતાના પ્રાણ ધરતીના ખોળામાં ત્યાગી દીધા. ત્યારે ધરતીએ જોરથી રુદન કર્યું અને આકાશ સામે જોઈને બોલી,"દેવ તું પાછો આવીશ તો ખરા ને?
થોડા મહિના બાદ ધરતી ને ત્યાં બાળકનો જન્મ થયો અને તેને તે બાળકનું નામ તેના અને દેવના નામ પરથી દેવધર પાડયું.