અમાસનો અંધકાર - 28 શિતલ માલાણી દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

અમાસનો અંધકાર - 28

શ્યામલીની નિરાશ જીંદગી ધીમે ધીમે આગળ વધી રહી છે. કોઈ ફરિયાદ ,હરખ કે શોખ .. બધું જ મૌન બની ગયું છે..એ નજરથી વાતો કરતી. બધે જ નજર રહેતી પણ બોલતી ઓછું. બધાને સાચવતી પણ પોતાની વાત આવે તો જણાવતી ઓછું..હવે આગળ...

એક દિવસ શ્યામલી હવેલીના મંદિરને પગથિયે બેઠી બેઠી કાળિયા ઠાકોરને જોઈ વિચારે ચડી છે કે રૂકમણીબાઈને માથું ટેકવતા અને હાથ જોડતા જુએ છે તરત જ એને ચમકારો થાય છે કે એના લગ્નના દિવસે જ્યારે એ વેલડામાંથી ઉતરે છે ત્યારે કોઈ બુઝુર્ગ એ બેયને આશિષ આપતો હતો. એ આદમીએ બે હાથ જોડી કંઈક સમજાવવાની કોશિશ પણ કરી હતી. એ દોડીને એના સાસુ પાસે જઈને એક શ્વાસે એ વાત જણાવે છે. રૂકમણીબાઈએ કહ્યું ," એ મારો ભાઈ છે. વીરસંગના બાપુના મોત પછી એ અમારી સંભાળ રાખવા બહુ પ્રયત્ન કરતો હતો. આપણા સમાજના આ જડ નિયમોને કારણે એ બધી બાજુ નિષ્ફળ જ રહ્યો. એનું માનસિક સંતુલન બગડી ગયું છે. એ જયારે જમીનદારને જુએ ત્યારે ગુસ્સામાં આવી ન કરવાનું કૃત્ય કરી બેસે છે. એ કેદ છે આ જ ગામમાં. કોઈ કોઈવાર એના સમાચાર ઊડતા મળી રહે પણ મિલન શક્ય નથી થયું. એ ઘણી વાતો કહેવા માંગતો હોય એવું મને પણ લાગે છે પણ કોની સાથે એ લાચાર જીવ સમાચાર મોકલે.

શ્યામલી કાંઈક શાનમાં સમજી ગઈ. એ એની દૈનિક પ્રવૃત્તિઓ સાથે આખી હવેલીનું ધ્યાનથી નિરીક્ષણ પણ કરતી હતી. એણે એના જેવી જ ચારેક બહાદુર સ્ત્રીઓને પણ હિંમત આપવાનું કામ શરું કર્યું હતું. એ સ્ત્રીઓ પણ બિલકુલ નહોતી માની શકતી કે એમના પતિનું મૃત્યુ પણ કુદરતી કે નાના મોટા છમકલાંમાં તો ન જ થાય. હવે શ્યામલીને પૂરેપૂરો વિશ્વાસ બેસી ગયો કે વીરસંગનું મોત પણ સમજી વિચારીને કરાયેલું કાવતરું જ હતું.

એક દિવસ જ્યારે એ પાછળના ભાગમાં આવેલ કૂવા પાસે પાણી ભરતી હતી ત્યારે જોયું કે એક બાજુની દિવાલમાં નાનું બાકોરું હતું. એ ત્યાં જોઈને બહારના ભાગે નજર ફેરવે છે. એક સૂમસામ રસ્તો ત્યાંથી પસાર થતો હતો. કોઈ ખાસ આવનજાવન ત્યાં થતી ન હતી. એને કંઈક વિચાર્યું અને પોતાની સાથેની સ્ત્રીઓને પણ જણાવ્યું. એ બધી સખીઓ સાથે એણે એ બાકોરાંને મોટું કરવાનું કામ આદર્યું. રોજ થોડું થોડું કરતા એ બાકોરાંને એક વ્યક્તિ એમાંથી આરામદાયક રીતે પસાર થઈ જાય એવું તો બનાવી જ દીધું. એ ખાલી જગ્યા દેખાય નહીં એ કાજે એણે ત્યાં નકામા પથ્થર અને ઈંટો ગોઠવી દીધી.

શ્યામલી અને એની સાથી સ્ત્રીઓ શું યોજના બનાવી રહી હતી એ વાત એમના પૂરતી જ સિમીત હતી. ત્યાં જ એક દિવસ અચાનક સૂરજ માથે ચડે એ પહેલાં જ જુવાનસંગ એની બગી લઈને ત્યાં આવી પહોંચે છે. શ્યામલી તો એ દ્રશ્ય જોઈ ચોંકી જાય છે જ્યારે એ જમીનદાર સાથે એના પિતા કાળુભાને પણ જુએ છે. હા, હવે આ શ્યામલી પીઢ થઈ ગઈ છે એ દોડીને એના પિતા પાસે નથી જતી. એ પોતે તો ખાલી બે આંખો દેખાય એવી મર્યાદા સાથે દૂરથી જ હાથ જોડે છે.

એ પિતા- પુત્રીનું મિલન મનમાં ચાલી રહ્યું હતું. ક્યો પિતા એની દીકરીને આવી દશામાં જોઈ શકવાનો. એ જમીનદાર પાસે શ્યામલી સાથે એકાંતમાં વાત કરવાની રજામંદી લે છે. એક ઓરડામાં ઢોલિયા પર નાનભા બેસે છે. આજ એ દીકરી જમીન પર બેસી પોતાના અંગુઠાના નખથી જમીન ખોંતરી રહી છે પણ આંખ નથી મિલાવતી. મૌન મુલાકાતમાં જ ઘણું સમજાઈ જાય છે. એ ઓરડામાં એક ઠીકરનું પાત્ર, એક લાકડાની પેટી, કુશનું આસન, મટકું અને ગ્લાસ સિવાય કશું ન હતું. એ ઓરડાની એક બાજુ પર લીંપણ કરેલું હતું. એ પિતા સમજી ગયા કે ત્યાં જ એની શ્યામલી સૂતી હશે.

થોડીવાર પછી ભારે હ્રદયે એ પિતા એની દીકરી પાસેથી વિદાય લે છે. જતાં જતાં એ દીકરીને હરહમેંશની જેમ શું લાવી આપું ? એ પૂછે છે..

શ્યામલીએ શું માંગ્યું હશે એ જાણવા આગળ વાંચતા રહો અમાસનો અંધકાર...

------------- ( ક્રમશઃ) ------------

લેખક : શિતલ માલાણી
૧૫-૧૦-૨૦૨૦
ગુરુવાર