ભાગ..22
ચારે સખીઓ પોતાના સંસારમાં વ્યસ્ત છે. બધાની પોતપોતાની સમસ્યા અને ઉપાય પણ છે. થોડું લેટ- ગો કરવાથી જીવન સરળ બને જ છે. બાકી બધું બધાને મળવું મુશ્કેલ છે. હવે આગળ...
સુહાની આજ બહુ જ ખુશ હતી કારણ એનો પરિવાર ફરી એક છત નીચે રહેશે. આજ સવારથી જ એ ભાગદોડમાં હતી. એને પોતાના બંગલાનો દક્ષિણ દિશામાં આવેલો રૂમ જ્યાં એને બગીચો બનાવ્યો હતો એ સાફસફાઈ કરી ચકાચક કરી દીધો હતો. એ એના સાસુને કાયમી ધોરણે એ રૂમ આપવા માટે ઉતાવળી હતી. બીજા માળે આવેલ રોડ સાઈડનો રૂમ એણે પોતાના દિયર માટે ખાલી કરી દીધો. પોતાના માટે એણે નીચેનો રૂમ સિલેકટ કર્યો. એના સાસુની પણ ઉંમર હતી એટલે એમની દેખરેખ માટે એણે પોતાની ચીજવસ્તુઓ નીચે જ શિફ્ટ કરી લીધી હતી.
સાગરે પણ જોયું કે જે સુહાનીને એનાથી કાયમ કોઈ ને કોઈ ફરિયાદ રહેતી આજ એ બિલકુલ નવરી જ નથી. એટલા બમણા ઉત્સાહથી એ કામે વળગી હતી કે આજ સાગર માટે પણ એને સમય ન હતો.
પાયલ પણ ઓફિસે જવા નીકળી. આજ એ પણ પોતાની લગ્નની ખરીદી માટે તૈયારીમાં હતી. ઘરની જવાબદારી, ઓફિસની જવાબદારી અને પોતાની તમામ ખરીદી આ વિચાર એને બહુ જ થકવતો હતો. એને પછી યાદ આવે છે કે એની ત્રણ સખીઓને એ થોડી થોડી જવાબદારી સોંપી દેશે એટલે એ થોડી રિલેકસ રહે.
સીમાએ પણ સુહાનીને રેખાની વાત કરી. એ પણ સુહાનીના વિચારથી સહમત હતી કે રેખાએ થોડું જતું કરીને માધવનું વિચારવું જ જોઈએ. રેખાની આનાકાની માધવના ભવિષ્ય માટે ખતરો બની શકે. માધવની ઉંમર મુજબ એના સવાલ પણ વધશે જ. જ્યારે સત્ય સામે આવે ત્યારે કદાચ એ હેબતાઈ જાય તો એની આગળની લાઈફનું શું ? આમ ને આમ એ બાળક મુંઝવણમાં જ મોટું થાય. કોઈ એકલી સ્ત્રી કે કોઈ એકલો પુરુષ કયારેય કોઈનું પૂરક ન જ બની શકે. કમી એ કમી જ રહે છે. સમય જતા વધઘટ થાય સમજણમાં પણ ખાલી જગ્યા પૂરવી કે ખાલી જ રાખવી એ આપણા હાથની વાત છે.
આજ રેખા પણ બહુ થાકી હતી. એને શારિરીક કરતા માનસિક થાક બહુ પજવતો. ગમે તેટલી હિંમત દાખવે તો પણ કોમળ હ્રદય પાષાણનું થોડું બને ? આ તો મમતાળી અને જવાબદારીવાળી મા એ તો કોને ફરિયાદ કરે? એને તો જે સંભાળ રાખવાની છે, જે કમાવવાનું છે કે જે સાચવવાનું છે એકલા હાથે જ કરવાનું હતું. આજે એના ભાઈ-ભાભીએ પણ માધવને દત્તક લેવા માટે રેખાને આજીજી કરી પણ. રેખાએ એના સાસરિયાના ડરથી એ વાતની મનાઈ કરી.
પાયલે સાંજે પરવારીને સીમાને કોલ કર્યો એના ઘરે બોલાવવા માટે. સીમા પણ આવી એને જોયું કે પાયલ બહુ જ થાકેલી હતી. પાયલે સીમાને પોતાની લગ્નની તારીખ લેવાઈ ગઈ અને હવે ખરીદીથી માંડીને નાની મોટી તૈયારીમાં
મદદરૂપ બનવા માટે સીમાને કહ્યું. સીમાએ હોંશે હોંશે હા પણ પાડી. પછી સુહાની સાથે થયેલી વાત પણ જણાવી. બીજે દિવસે જ બધાને બોલાવી ફરી ચર્ચા કરવાની સલાહ પણ આપી. પાયલે પણ હા પાડી કારણ એણે પોતે એક દિવસની રજા લીધી હતી ઓફિસમાં.
બીજે દિવસે સાંજે બધાએ મળવાનું ગોઠવ્યું સીમાની ઘરે. રેખા આવી ગઈ સમયસર. પાયલ પણ પહોંચી ગઈ. આજ
સુહાની મોડી હતી આવવામાં. ચારે સખીઓ વાતોએ વળગી. સુહાનીએ એના સાસુ અને દિયર સાથે રહેવા આવ્યા એટલું જ જણાવ્યું. એણે સમજદારી દાખવીને મયંકની છુટાછેડાની વાત, કાશ્મીરાની લુચ્ચાઈ એવી કોઈ જ વાત ન કરી. પાયલે બધી સખીઓને થોડી થોડી જવાબદારી સોંપી દીધી. કપડાં અને ઘરેણાની ખરીદીમાં તો સુહાનીએ પૂરેપૂરી ઓળખાણ અપાવી બધું ઘરે જ પહોંચી જાય એવી સગવડ કરી દીધી. સીમાએ પણ આવનાર મહેમાનોની આગતાસ્વાગતાની મહદઅંશે જવાબદારી અપનાવી. રેખાને લગ્નના કપડાંની સિલાઈ કામનું સોંપ્યું. એનું કારણ માધવ નાનો હતો એટલે એને એકલો મૂકીને કે સાથે લઈ જાય એવી સ્થિતિ ન હતી. આ બધી ચર્ચાને અંતે વાત વાતમાં પાયલે ફરી રેખાને બીજા લગ્નના વિચાર માટે પૂછ્યું.
રેખાએ કહ્યું, " હું કદાચ સહમત થઈ પણ જાવ પરંતુ, માધવને ન ભૂલી શકું ન છોડી શકું. શરતો સાથે થયેલા સંબંધોમાં મધુરતા થોડી હોય. મોહનની યાદ હું છાના ખૂણે દબાવી દઈશ પણ માધવ તો મારી જીવવાની આશા છે. તમે બધા મારા માટે વિચારો છો એ સારાં માટે જ હશે પણ હું કોઈને અજાણ રાખી ખોટું પગલું તો નહીં ભરું."
સુહાની : "તું એકવાર પાયલની વાત શાંતિથી સાંભળ. જો યોગ્ય લાગે તો જ તારે વિચારવાનું છે. અમે પણ તારા માટે યોગ્ય તપાસ કરીને પછી જ તને વાત કરીશું."
પાયલ : "હા, યોગેશે મને કહ્યું જ છે કે એ છોકરો છે એ એની યુવાનીના જોશના ભૂલે પરણ્યો હતો. સાચી હકીકત તો લગ્ન પછી જ ખબર પડી. એ પણ તમારી જેમ હા ને ના કહેતા કહેતા જ તૈયાર થયો છે. યોગેશે વાત કરી હોય તો એ વ્યક્તિ ખરાબ નહીં જ હોય એવું હું માનું છું. યોગેશ સિવાય એ કોઈ સાથે બહુ આવતો જતો નથી. હું એના પરિવાર વિશે બીજું કંઈ જાણતી નથી. એકવાર મળવું જોઈએ તમારે એવી મારી સલાહ છે."
રેખા : "સારૂં, હું તૈયાર છું. આજ તમારા બધાની વાતોથી એવું. લાગે છે કે તમે બધાં મારા અને માધવના નવા જીવનને ઘડી રહ્યા છો. પણ-
સીમા - "કેમ અટકી ગઈ બોલ તો જરા..."
રેખા : "માધવને જ્યાં સ્વીકારવાની ના હશે ત્યાં હું બહુ સારું ઘર હશે તો પણ હા નહીં જ કહું."
પાયલ : "ડોન્ટ વરી, રેખાજી.. અમે પણ તમને માધવથી અલગ નહીં જ કરીએ..અમે પણ ખુશ અને તમે પણ.."
બધા હસી પડે છે. ઘણી બધી વાતો કરતા કરતા સીમાએ ઘરે બનાવેલો આઈસ્ક્રીમ બધાને ખવડાવ્યો. બધાએ દિલથી આઈસ્ક્રીમની સરાહના કરી. પાયલે તો કહી જ દીધું કે "મારા
લગ્નમાં આઈસ્ક્રીમનો ઓર્ડર તો તમને જ આપવો છે."
આગળનો ભાગ હવે અંતનો ભાગ છે. આપનો અમૂલ્ય પ્રતિભાવ અમને લખવા પ્રેરિત કરે છે. આપનો સાથ અમારા માટે હિંમત અને આત્મવિશ્વાસ બની રહ્યો...
--------------- ( ક્રમશઃ) ------------------
લેખક : Doli modi ✍️
Shital malani ✍️
૭-૧૦-૨૦૨૦
બુધવારp