અમાસનો અંધકાર - 26 શિતલ માલાણી દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

અમાસનો અંધકાર - 26

શ્યામલી હવે કાળકોટડીમાં પૂરાઈ ગઈ છે. એને તો મહેંદીનો રંગ જોઈને જ રડવું આવતું હતું.એને કશું સુઝતું ન હતું. રૂકમણીબાઈ પણ અંધારે ખૂણે બેસી પોતાની જાતને મનોમન કોસી રહ્યા હતા. રાતનો ચાંદો પણ ભલે આજ મોટા મનથી અજવાળયો પરંતુ, આ અંધારી રાત પણ છાને ખૂણે ઝાકળ બની વરસતી જ હતી..

આજની રાત શ્યામલી પર ભારી હતી. એને તો સાત જન્મોના બંધનના સપના ખુલ્લી આંખે જોયા હતા ને આજ હવે એ ખુલ્લી હથેળીએ બધું ગુમાવી ગુલામ બની બેઠી એના જીવનની. એ પોતે આજ હવે ધીમે-ધીમે નિરાશાની અંધારી ગુફામાં જાતે જ કેદ થતી હોય એવું અનુભવી રહી ‌હતી. માથા પર વાળ તો નહોતા રહ્યાં પણ આખી જીંદગીની એકલતાનો બોજનો વજન એને લાગી રહ્યો હતો. ત્યાં પણે ખાટલો સેવતી એક વૃદ્ધા બોલી "જવાનીનો અભરખો આ અંધારી રાત ખાઈ ગઈ, ને વળી આ ગોઝારો ચાંદાને એમાં થીગડું મારવા ભગવાને મોકલ્યો લાગે છે ! આવડી કુમળી કળી જેવી વહુને તો જમીનદારે માફ કરી હોત તો ! મૂઆની લાલચ અને પ્રપંચ જ એને જીવવા નહીં દે. આજ એવી આંતરડી કકળે છે." એમ કહી ખાટલાની પાંગથને પકડી એ ડોશી ઓશિકું ભિંજવે છે.

શ્યામલી તો અધખુલ્લા હોઠે દીવા પાસે ઊડતા પતંગા જેવા જીવને જોઈને એની જીવન જીવવાની જીજીવિષા માટેની આખરી લડત જોવે છે. એનો ઝીણો અને તીણો અવાજ એના કાનને આરપાર વિંધી હવામાં ફેલાયો છે. એ એની હાથમાં અંકિત પાઘડીયાળો કાનુડો જોઈ આંખોથી એ વ્રેહભાવ વ્યક્ત કરે છે...અને...એ હાથની મહેંદીને મનની વાત કરે છે કે..

એને પણ ખબર હતી કે,
પ્રેમની નિશાની હું સાચવીશ,
એટલે એ અનંત.......
વિરહની ક્ષણ આપીને ગયો............

એ થાકેલી આંખે તોતિંગ દરવાજાને જોઈ રહી છે એકધારી એને એવો આભાસ થાય છે કે વીરસંગ એને તાકી રહ્યો છે અને છેલ્લી અસ્પષ્ટ આકૃતિ જે ધુમાડા જેવી ધુંધળી છાંયા બની એની આસપાસ એના કાનમાં બોલે છે " વ્હાલી, આ છેલ્લી અને આખરી મુલાકાત ! મને માફ કરજે. તને જેટજેટલી ફરિયાદો મુજથી રહી છે અને રહેશે એ ફરિયાદનો કાયમી ગુનેગાર હું છું. મને હસતા મોંએ વિદાય કરી મને માફ કર..."

એ શ્યામલી મનના ઊંડાણમાં પણ ગુસ્સો ઠાલવે જ છે.
'ન એની પાસે રૂપ રહ્યું ન એની પાસે રંગ રહ્યો. ન એની પાસે વિરાસત રહી સંબંધોની કે ન એની પાસે હિંમત રહી. ન એની પાસે જીવન રહ્યું કે ન એની પાસે જીવવાની ચાહત રહી..' એની પાસે ફક્ત અને ફક્ત બચી એક જ વાત...જેની સાથેના સપના જોયા જીંદગીની સફરના, એ આમ અણધાર્યો છોડીને એકલો શીદને જાય ? એ રડતા રડતા એ ધુંધળી પ્રતિકૃતિને નિહાળતા વેદનાની નદીઓ છલકાવે છે...

તું કહે તો સપનાની કાઢું રેલી ,

તારા સપને જ બની ગઈ ઘેલી,

તારી આશાની ઈમારતે જ ઉગાડી પ્રિતવેલી,

ને હવે એ કેમ ચાલે કે તું કહે આ મુલાકાત છેલ્લી ?

શું કાજ બન્યો મુજ દુઃખિયારીનો બેલી,

હવે તું કહે કે સ્ત્રીની જાત કાયમ મેલી,

તારા જેવા પ્રેમીએ જ પ્રિતને બનાવી પહેલી,

ને હવે એ કેમ ચાલે કે તું કહે આ મુલાકાત છેલ્લી ?

જીંદગી સાથે પણ તે રમત ખેલી,

ક્યાં વરસી તારી વાયદાની હેલી,

મેં પણ ઘણી કષ્ટિ છે ઝેલી,

ને હવે એ કેમ ચાલે કે તું કહે આ મુલાકાત છેલ્લી ?

આવા વાતવચનોમાં જ સૂરજ ઊગે છે ને અંધારી રાત જાય છે. વહેલી સવારે ફરી બધી વિધવાઓ શ્યામલીને સ્નાનાગારમાં લઈ જઈ કાળા મટકા જે આખી રાત વાદળાની શિતળ નજર હેઠે ઠંડા થયાં છે એના પાણીથી તેણીને નવડાવે‌ છે. પળવારમાં તો એ ઠંડીથી ધ્રુજી ઊઠે છે. ત્યાં ફરી એક કાળું ઓઢણું એની વ્હારે આવે છે. એમાં શ્યામલીને લપેટી
ભીનાં પગલે જ એ હવેલીમાં આવેલ મંદિરની બહારથી જ એને નતમસ્તક થઈ ઊભું રહેવા જણાવે છે. એ દરમિયાન જ રળિયાત બા પોતાના હાથમાં લાવેલ ચંદનથી શ્યામલીને કપાળે લાં.....બો લિસોટો કરે છે અને બે હાથની હથેળીમાં ચંદનને ઘસવા કહે છે. ભીના ચંદનની મહેંકથી એ અણસમજુ નાર વિચારી રહી છે કે "આ કરવા પાછળનું તથ્ય શું હશે?"

શ્યામલી જ્યાં ઊભી હતી એ આખી જગ્યાએ પાણી છંટકાવ થયો. એ બિચારી બધા કાર્યોને મૂઢતાથી સમજવા પ્રયાસ કરી રહી હતી. ત્યાં જ ખાટલે પડી પડી ડોશી બબડે છે, " આ હવે આપણી ન્યાતની થઈ તે એના પગલા પણ હવે આપણા જેવા જ થયા અભાગિયા...તો બધા એને સમય સમયના નિતિ નિયમો પાળતા શીખવજો. એને આ ઓઢણાની મલાજ પણ શીખવજો. ભૂલથી પણ ફરી રાતા રંગના સપનામાં પણ એ ન ખોવાય એની તકેદારી રાખતા શિખવજો. પરપુરુષની છાંયા પર પણ પગ મંડાય કે આપણો સ્ત્રીધર્મ લજવાય એવી ચેષ્ટા ન થાય એવી સહિયારી ભલામણ કરજો. જ્યારે કોઈ પુરુષ આ હવેલીએ પધારે તો ભૂલથી પણ ચહેરો તો દૂર આંખની પણ નીચી નજર રાખે એ ખાસ કહેજો. વડીલ મૂઈ છું તે પરાણે કહેવું પડે છે પણ આપણો વિધવાજીવનનો ક્રમ ન તોડતા."

શ્યામલી તો આ સાંભળી છક...જ થઈ ગઈ. એની આંખે આંસુ પણ નહોતું ફરકતું કે ગળે થૂંક પણ નહોતું ઊતરતું. ત્યાં જ વળી એ ડોશી પાણીનો કળશો ઘુંટ ઘુંટ કરતી પીતા પીતા જ વચ્ચે બોલી, બધા પાણીના માટલાં ભરવાની જવાબદારી આજથી આ નવી નવેલડીની......અને એ ભોંઠી પડી હોય એવા ભાવ સાથે ફરી બોલી..આ આપણી નાની વહુની...

રૂકમણીબાઈ તો બધાની સાથે વિચારે છે કે "જેણે સંસારમાં પગલું માંડ્યું પણ જીવનસંસાર ક્યાં ચાલું કર્યોં તો તે આવડી સજા મારી દીકરીને મળી !" એ હાથને હલાવી બધાને છૂટા પડવાનો હુકમ કરે છે. શ્યામલી પણ ઓરડે આવી વસ્ત્રોની સંદૂક ખોલે છે પણ આ શું.....? નાના મોટા બધા જ વસ્ત્રો શ્યામવર્ણા..હવે ક્યાં કોઈ પસંદગી કરવાની હતી? એને પળ પળ સખીઓ સાથેની બે દિવસ પહેલા થયેલી વાતચીત અને એના જીવનમાં રંગો બાબતે ઘટેલી ઘટનાઓ અક્ષરસઃ યાદ આવે છે.. અહીં તો બધી અજાણી અને દુઃખી આત્માઓ જ હતી..કોઈના મોં પર સમ ખાવાની હસી પણ એણે નહોતી જોઈ.

હવે આગળ શ્યામલીનું વર્તન અને જીવન બધાને પ્રભાવિત કરશે કે કેમ? એ જોવા વાંચતા રહો..અમાસનો અંધકાર

---------------- (ક્રમશઃ) ----------------

લેખક :શિતલ માલાણી
૧૫-૧૦- ૨૦૨૦