મિત્રો,
આગળનાં અંકમાં આપણે જોયું કે સુજલ તોરલના કહેવાથી શ્રાવણની સાતમે પોતાના ગામ અને માતાજીના મેળામાં જરૂરથી હાજરી આપવા આવે છે. તોરલ સુજલને ગોકુળ અષ્ટમી કઈક ખતરનાક પ્લાન વિશે મજાક કરે છે. સુજલ મેળામાંથી ઘરે આવતો હોય ત્યા જ એણે લાગે છે કે કોઈક એનો પીછો કરી રહ્યું હોય. ચાલો વધુ જાણીએ.
સુજલ આમતો આ રસ્તેથી પહેલા પણ આવતો હતો. પણ આજે કોઈક પીછો કરી રહ્યું છે એવું લાગતા સાવધાનીપૂર્વક અને ઝડપથી આગળ ચાલવા લાગે છે. થોડા અંતરે એક વળાંક હોઈ ત્યાં અંધારામાં સુજલ સંતાઈ જાય છે.
એટલામાં ત્યાં બે માણસોના અવાજ સંભળાય છે.
"તને કયારનો કેતો ' તો. પેલા ગુડાણો હોત તો અતારે ઇને ભો ભેગો કરી દીધો હોત ને. "
સુજલને થોડો ડર લાગ્યો પણ હિમ્મત કરી બહાર જોવા પ્રયાસ કરવા લાગ્યો. ત્યાં 2 બુકાનીવાળા લોકો હાથમાં રામપુરી ચાકુ અને ધારિયા સાથે ઉભેલા જોયા. થોડીવાર સુધી એણે અહી જ રોકાવાનું નક્કી કર્યું. અડધા કલાક પછી સુજલ સાવચેતી સાથે નીકળી અને ઘરે પહોચ્યો પણ હજી એનાં મનમાં તો એ જ માણસોના વિચારો હતા.
"કોણ હશે એ માણસો? કેમ પીછો કરતાં હતા?"
એટલામાં ઘરે સુજલના મમ્મી શીતલબેન સુજલને જોઈ હર્ષઘેલા થઈ જાય છે.
શીતલબેન: "આવ દીકરા, મને હતું જ કે સાતમનો દિવસ તું જરૂરથી મેળામા આવીશ. એટલે જ તારી જે ભાવતી વસ્તુ છે એ બધી બનાવી લીધી હતી કાલે. લે તું હાથ મોઢું ધોઈ લે એટલે જમવાનું આપુ."
સુજલ: " હા મમ્મી, બસ બે મિનિટમાં આવ્યો. તે મારા માટે ફરશી પૂરી ને ઘૂઘરા બનાવ્યા છે ને. અને શક્કરપારા પણ. આ વખતે હું નાસ્તા તરીકે શક્કરપારા જ અમદાવાદ લઈ જઈશ."
શીતલબેન: " હા, બનાવ્યા જ હોય ને. તને ભાવે એટલા ખાજે ને તું. બીજા બનાવી આપીશ એ અમદાવાદ પણ લઈ જજે. તારા ભાઈબંધ ને પણ આપજે."
સુજલ: "ના મમ્મી, એ લોકો તો બધો નાસ્તો 2 દિવસમાં જ પતાવી દે છે."
એમ મજાક કરતાં સુજલ અને શીતલબેન સાથે જમે છે. જમીને સુજલ સુવા જાય છે પણ ફરીથી પેલા બે માણસો યાદ આવી જતા એ થોડો વિચલિત થઈ જાય છે. અંતે પોતાના મિત્ર રાકેશને આ બાબતે પૂછવાનું નક્કી કરે છે.
બીજા દિવસે ગોકુળ આઠમ હોવાથી સુજલ તૈયાર થઈને બાજુના ગામના રાધાકૃષ્ણના મંદિરે જવા નીકળે છે. દર વર્ષની જેમ આજે પણ ત્યાં રાત્રે કૃષ્ણ જન્મોત્સવ નિમિત્તે વિવિધ પ્રકારની તૈયારી થતી હોય છે.
તોરલ પણ પહેલેથી જ નક્કી હોય એમ સુજલની મંદિરે રાહ જોતી હોય છે. દર્શન કરીને તોરલ સુજલને કઈક વાત કરવી છે એમ કહીને મંદિરના પાસે આવેલાં બગીચામાં મળવાનું કહે છે.
સુજલ દર્શન કરીને બહાર આવે છે ત્યાં પૂજારીજી સામે મળે છે. પૂજારીની સાથે સુજલ ઘરની અને અમદાવાદની વાતો કરતો હોય છે. એટલામા એક હરિભગત ત્યાં આવીને ફૂલોની સજાવટ બાકી છે એવું કહીને મદદ માટે થોડા માણસોને મોકલવા કહે છે.
સુજલ સામેથી જ પૂજારીને ફૂલોની સજાવટ પોતે પણ કરાવશે એવું જણાવે છે. સેવાભાવી સુજલની વાત સાંભળીને પૂજારી અનુમતિ આપે છે અને બીજા 4-5 લોકોને મોકલવાનું કહે છે. આ બધી વાતોમાં સુજલ ભૂલી જાય છે કે તોરલ એની રાહ જોવે છે.
તોરલ બગીચામાં હિચકા પાસે બેઠી સુજલની રાહ જોતી હોય છે. નાનપણમાં અહી હિંચકા માટે સુજલ, રાકેશ, રાધિકા અને તોરલ હમેશા હરીફાઈ કરતા.
રાધિકા અને તોરલ બંને જણાં જિદ્દી એટલે રાકેશ અને સુજલને હિંચકા ખાવા બહુ રાહ જોવી પડતી. મોટા થતાં રાકેશ હિંચકા ખાવા બહુ ના આવતો પણ રાધિકા, તોરલ અને સુજલને તો હિંચકા ગમતા. આજે તોરલ ખુશ થઈને રાધિકા જોડે હિંચકા ખાતી હતી. પણ હજી સુધી સુજલ ના આવતા એને ગુસ્સો આવતો હતો. તોરલે પાછું મંદિરમાં જવાનું નક્કી કર્યું.
મંદિરમાં સુજલ અને બીજા 2 પુરુષો ફૂલોના હાર અને ગુચ્છા સાથે સરસ રીતે નિસરણી લઈને દિવાલો અને મંદિરની ગર્ભગૃહની સજાવટ કરતા હતા. પાસે પૂજારીની છોકરી શ્વેતા અને બીજી 3 છોકરીઓ ફૂલોના હાર બનાવતી હતી.
સુજલ બીજા ફૂલ લેવા જાય છે ત્યારે શ્વેતા નિસરણી પર ચઢીને ફૂલમાળા સજાવવા જાય છે. સંતુલન ના રહેતા શ્વેતા નિસરણી પરથી નીચે પડવા જાય છે. સમયસૂચકતા વાપરીને સુજલ એને પડતા પકડી લે છે. શ્વેતા ત્યારે સુજલના ઉપર પડે છે. ગુસ્સો કરતી તોરલ મંદિરમાં આવે છે અને આ દ્રશ્ય જોઈ જાય છે.
ઘણાબધા લોકો સુજલ પાસે આવે છે. શ્વેતા હેમખેમ બચી જતા પૂજારી અને શ્વેતા સુજલનો આભાર માને છે. ત્યાં જ તોરલ આવી જતા સુજલને યાદ આવે છે કે તોરલ એની રાહ જોતી હતી. થોડી ઝડપ સાથે એ તોરલ પાછળ જાય છે. પણ ગુસ્સે થયેલી તોરલ તરત જ પાછી વળીને રાધિકા હોય છે ત્યાં બગીચામાં જવા લાગે છે.
સુજલ મંદિરેથી દોડતો દોડતો બગીચામાં આવે છે. રાધિકા તોરલના ચહેરાને જોઈને પૂછે છે.
રાધિકા: " લો મહારાણી આવી ગયા મોઢું ફુલાવીને. આજે તો સુજલનું આવી જ બન્યું છે."
તોરલ: "રાધિકા, તું આજે કઈ બોલીશ તો તારું પણ આવી જ બનશે. "
સુજલ: " રાધિકા, તું મારી જોડે બોલ. જેનું આવી બનશે એ જોયું જશે. " (કહીને સામસામે તાળી આપવા હાથ રાધિકાને આપે છે. )
રાધિકા: "ના ભાઈ, તમારા બે ના ઝગડામાં હું નહી આવું. હું તો ચાલી. તમે જ જે વાત હોય એ ફોડી લો."
તોરલ: " જા ને, હજી પેલી સગલીને હાથમાં ઊંચકી લે ને."
સુજલ: " અચ્છા, તે જોઈ લીધું ને. કેવો કૂદકો મારી એને બચાવવા પહોંચી ગયેલો. હુ તો પહેલેથી બહાદુર છું." (કહીને તોરલના સામે મો બગાડીને મસ્તી કરે છે.)
તોરલ: " હા, તો જા એની જોડે જ લગ્ન કરી લે ને. પછી મારે રાખજે કૂદકા એનાં માટે મંદિરના ઝાડવા પર. હુ તો તારી રાહ જોઈને થાકી ગઈ પણ તને તો પેલી સગલી જોડે કૂદકા રમવું હતું ને. "
સુજલ: " અરે, માફ કરી દે. પૂજારીના કહેવાથી થોડુ ફૂલોની સજાવટ માટે મદદ જ તો કરતો હતો ને. બોલ શું વાત કેવી હતી?"
તોરલ: "હા, એ પૂજારીની જ દીકરી જોડે જોઈ કેવી મદદ કરતો હતો. એ જ પૂજારીને કહીને લગ્ન પણ કરાવી લેજે. આમેય મારા બાપુ એ મારા માટે મુંબઈનો છોકરો ગોત્યો છે."
(કહીને અહંકાર સાથે તોરલ જતી રહે છે.)
સુજલ થોડીવાર તો વિશ્વાસ નથી કરી શકતો. ગુમસુમ થઇને હીચકા પર બેસી જાય છે. થોડીવારે કળ વળતાં સુજલ તોરલના ઘરે જવાનું નક્કી કરે છે. હજી તો થોડે દૂર જાય છે ત્યાં જ એનો દોસ્ત રાકેશ એને મળે છે.
સુજલ: "રાકેશ, હુ તારા ઘરે જ આવતો હતો."
રાકેશ: (થોડા અણગમા સાથે) " મારા ઘરે તારે શું કામ આવવું પડે?"
સુજલ: "કાલે રાત્રે બે બુકાનીધારી મારો પીછો કરીને મને મારવા માગતા હતા. તને એનાં વિશે વાત કરવી હતી. "
રાકેશ: "હા, ખબર છે મને. એ માણસોને મે જ મોકલ્યા હતા. "
(ક્રમશ:)
આ અંકને અહી વિરામ આપીએ... તમને આ અંક કેવો લાગ્યો, તમારા અભિપ્રાય અને સૂચનો જણાવી શકો છો.
Email:tejdhar2020@gmail.com
Insta: tejdhar2020