લાગણી ભીનો અહેસાસ - ભાગ -4 તેજસ દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

લાગણી ભીનો અહેસાસ - ભાગ -4

મિત્રો,
આગળનાં અંકમાં આપણે જોયું કે સુજલ, રાકેશ, તોરલ અને રાધિકા બાળપણના મિત્રો હોય છે. તોરલ સુજલને મંદિરમાં બીજી છોકરીને મદદ કરતી જોઈને ઊંધું સમજે છે. સુજલ મેળામાંથી ઘરે આવતો હોય ત્યાં કોઈક એનો પીછો કરી રહ્યું હતું. રાકેશને એ વાત કરે છે ત્યારે રાકેશે એ માણસો મોકલ્યા હોય છે. હવે આગળ જાણીએ.

સુજલ: "કાલે રાત્રે બે બુકાનીધારી મારો પીછો કરીને મને મારવા માગતા હતા. તને એનાં વિશે વાત કરવી હતી. "

રાકેશ: "હા, ખબર છે મને. એ માણસોને મે જ મોકલ્યા હતા. "

સુજલ: "તે એ માણસોને મોકલ્યા હતા? પણ કેમ? "

રાકેશ: "હા, મેં માણસોને મોકલ્યા હતા. તને શું એમ લાગે છે તું દોસ્તીની આડાશમાં મારી બેન જોડે શું રમત રમે છે એ મને નથી ખબર? "

સુજલ: "કંઈ રમત? તું શું બક્વાસ કરે છે? આપણે બધા બાળપણના મિત્રો છીએ. નાનપણથી જોડે રમ્યા, જમ્યા અને મોટા થયા છીએ. તારા મગજમાં આવું કોણે નાખ્યું? મને એક વાર તારે વાત તો કરવી હતી. "

રાકેશ: "તું કાલે મેળામા તોરલને હાથ પકડીને મંદિર પાછળ કેમ લઈ ગયો હતો? દોસ્ત છે તો બધા હતાં ત્યાં વાત કરવી હતી ને. મને મારા માણસોએ બધું જ કહ્યું છે. "

સુજલ: "કાલે સાંજે રાધિકા પણ ત્યાં જ હતી. અમે ત્રણેય જોડે નાસ્તો કર્યો અને મેળામા ફર્યા. તારા માણસોએ એ ના કીધું તને? આપણા આટલા વર્ષોની દોસ્તી પર એક ઝાટકે તે પાણી ફેરવી દીધુ. હવે શું કરવું છે તારે એ પણ કહી જ દે. માણસો મોકલવા એના બદલે તું જ જે કરવું હોય તે કરી લે દોસ્ત. હુ કંઈ નહી બોલું. "

રાકેશ: "જો સુજલ, મારી બહેનના સગપણની વાત ચાલે છે. એટલે જ તારા સાથે સ્પષ્ટતા કરું છું. તું અને તોરલ માત્ર મિત્રો જ છો ને? "

સુજલ: "હા, રાકેશ. તું નિશ્ચિંત થઈ જા. મારી અને તોરલ વચ્ચે મિત્રતા જ છે અને રહેશે. "

રાકેશ: "હાશ, તે આ વાત કહીને મને જીતી લીધો દોસ્ત. માફ કરજે કાલના મારા ગેરસમજણ માટે. ચાલ ઘરે જઈને બાપુને મળી લે. એમણે તારા માટે ખાસ ભેટ મગાવી રાખી છે. "

બંને મિત્રો મુખીને ત્યાં જાય છે. સુજલ અત્યારે તો મિત્રતાની લાજ રાખવા આ બોલી જાય છે. પણ એના અંદર એક અલગ જ યુદ્ધ ચાલી રહ્યું હોય છે.

મુખીને ઘરે આવીને સુજલ બધા સાથે મળીને ખબર અંતર પૂછે છે. મુખી પણ સારો આવકારો આપીને ભણવાના અને અમદાવાદના રહેવા વિશે પૂછે છે અને સુજલને ભેટ આપે છે. સાથે જ ત્રણ દિવસ ગામમાં રોકાવાનું અને તોરલની સગાઈનું સહપરિવાર નિમંત્રણ આપે છે.

બધા જોડે મળી લીધા પછી સુજલ ઘરે જવાની અનુમતી માગે છે. ઘરે આવીને સુજલ એની મમ્મીને નિમંત્રણ વિશે જણાવે છે.

રાત્રે બરાબર 12 વાગ્યે કૃષ્ણજન્મ પ્રસંગે બધાં મંદિરે ઉત્સવમાં જાય છે. આરતી પછી કૃષ્ણ જન્મોત્સવ નિમિત્તે બધાને પંજરીનો પ્રસાદ આપવામાં આવે છે. કાર્યક્રમ પત્યા પછી રાકેશ ગાડી લઈને મુખી અને પરિવારના બીજા સભ્યોને ઘરે મૂકવા જાય છે. ત્યાં સુધી રાધિકા અને તોરલને સુજલ સાથે પાછા આવવાનું કહે છે.

તોરલ: "રાધિકા, તું જરા આગળ ચાલ. મારે સુજલને કઈક વાત કરવી છે."

રાધિકા: " હું શું કામ તારી વાત માનું? મને શું મળશે? "

તોરલ: " સારું, તને મારી પાયલ ગમે છે ને. એ હું તને આપીશ. પણ અત્યારે હું કહું એમ કર."

રાધિકા: "સારું. આ વખતે પાયલ ચાલશે."

તોરલ: " સુજલ, મારે તને એક વાત કરવી છે."

સુજલ: " મારે પણ તને એક વાત કરવી છે. પણ પહેલા તારી વાત."

તોરલ: " બાપુએ મારી સગાઈ નક્કી કરી દીધી છે પણ જ્યારથી સગાઈની વાત થઈ ત્યારથી મને તારી વધારે ચિંતા થવા લાગી છે. મને લાગે છે કે હું તને... કેમ કરીને કહું. તને સમજાય છે ને?"

સુજલ: "ના, મને નથી સમજાતું. તું શું કહે છે એ તને સમજાય છે?"

તોરલ: "મને પણ નથી સમજાતું કે શું થઈ રહ્યું છે? સગાઈ માટે બાપુએ મને કીધું. કંઈ પૂછ્યું નહી ફકત કીધું અને બસ બધું બદલાઈ ગયું."

સુજલ: " તારે જે કહેવું છે એ હજી મને નથી સમજાયું. સગાઈ વાત થઈ પછી ઘણુંબધું બદલાઈ જાય. આવું તો થાય."

તોરલ(બધી હિમ્મત ભેગી કરીને): "તને કેમ કરીને સમજાવું. મને સગાઈ નથી કરવી. મને એ છોકરો નથી ગમતો. મને તું ગમે છે. સમજ્યો?"

સુજલ: " ના, નથી સમજ્યો. મારે સમજવું પણ નથી. "

(ક્રમશ:)
શું સુજલ તોરલની વાત નથી સમજ્યો? સુજલે કેમ ના પાડી હશે? તોરલની સગાઈ એના બાપુએ નકકી કરેલા છોકરાં જોડે થઈ જશે? આ બધાં પ્રશ્નોના જવાબ મળશે આગળના અંકમાં. ત્યાં સુધી આ અંકને અહી વિરામ આપીએ... તમને આ અંક કેવો લાગ્યો, તમારા અભિપ્રાય અને સૂચનો જણાવી શકો છો.

Email:tejdhar2020@gmail.com
Insta: tejdhar2020