ઑપરેશન ચક્રવ્યૂહ સિઝન-1 - 27 Jatin.R.patel દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

ઑપરેશન ચક્રવ્યૂહ સિઝન-1 - 27

ઑપરેશન ચક્રવ્યૂહ સિઝન-1

ભાગ:-27

હેંગસા આઈલેન્ડ, શાંઘાઈ, ચીન

યાંગ લી દ્વારા પોતાને એક લેડીઝ ટોઇલેટમાં લાવવામાં આવ્યા હોવાથી હુસેની અને રહેમાની બનેલા અર્જુન અને નાયકને અચરજની સાથે અજાણ્યો ડર પણ લાગી રહ્યો હતો છતાં એ બંને પોતાના મનના ઉચાટને છુપાવવામાં સફળ રહ્યાં હતાં.

"આ લેડીઝ ટોયલેટ હકીકતમાં લોન્ગ સુધી પહોંચવાનો પ્રવેશદ્વાર છે." આટલું કહી યાંગ લી એ ટોઇલેટમાં મોજુદ ત્રણ વોશબેસીનમાં વચ્ચે આવેલા વોશબેસીનના નળને ઉલટી દિશામાં ઘુમાવ્યો.

આમ થતાં જ ત્યાં થોડી ધ્રુજારી થઈ અને વોશબેસીનની સામેની દીવાલ એક તરફ સરકી ગઈ. આ સાથે જ અર્જુન અને નાયકની નજરો સામે એક એવી દુનિયા ઊભરી આવી જેની કલ્પના એ લોકો સ્વપ્નમાં પણ નહોતા કરી શકે એમ.

"ચલો.." આટલું કહી યાંગ એ નવા રસ્તે આગળ વધ્યો. કુતૂહલવશ અર્જુન અને નાયક પણ એની પાછળ દોરવાયા.

આ રસ્તો જિયોન્ગ લોન્ગના ડ્રગ્સ આધિપત્ય તરફ લઈ જતો હતો. આ એક ખૂબ જ સુરક્ષિત સ્થાન હતું જ્યાં પહોંચવા માટે ફિંગર પ્રિન્ટ સ્કેનરનો ઉપયોગ કરવો આવશ્યક હતો; જે માટે યાંગ લીએ પોતાના જમણા હાથની મદદ લીધી.

જિયોન્ગ લોન્ગ ડ્રગ્સ ઉત્પાદન ખૂબ જ મોટા પાયા પર ચલાવતો હતો એનો પુરાવો એ વાતથી મળી જતો હતો કે આ જગ્યા ફૂલ એરકંડીશનર લેબોરેટરી માફક લાગી રહી હતી. સેંકડો રાસાયણિક પ્રક્રિયા માટેના મશીનો, વિવિધ રંગબેરંગી કેમિકલો અને અદ્યતન યાંત્રિક ઉપકરણોથી આ જગ્યા સજ્જ હતી. અહીં કામ કરતા લોકો પણ એક ખાસ પ્રકારના સ્પેશિયલ ગણવેશમાં હતાં.

આ બધાં વચ્ચેથી પસાર થતો યાંગ લી અર્જુન અને નાયકને આગળ આવેલી એક ટનલમાં થઈને પસાર થતા રસ્તે એક એવી જગ્યાએ લઈ આવ્યો જ્યાંનું દ્રશ્ય જોઈને અર્જુન અને નાયકના શરીરમાં એક ભયનું લખલખું પસાર થઈ ગયું. ત્યાં જુદા-જુદા નાના તળાવ આકારનાં ત્રણ ખાડા હતાં, જે સાપોની વિવિધ પ્રજાતિઓથી ભરેલા હતાં. આ ખાડાઓની ફરતે દસેક ફૂટ ઊંચી એક દીવાલ હતી જેથી અંદર રહેલા સાપ ભૂલથી પણ બહાર ના આવી શકે.

દસેક લોકો અત્યારે એક ટ્રકમાંથી ઉંદર ભરેલા બોક્સ નીકાળી સાપોના ભોજન માટેની વ્યવસ્થા કરી રહ્યા હતાં. એ લોકોનું પૂરું શરીર રબરના ખાસ પોશાકથી સુરક્ષિત હતું. અર્જુને મનોમન સાપોની સંખ્યાનો જે અંદાજો લગાવ્યો એ દસેક હજારની આસપાસ હતો.

અર્જુન અને નાયક યાંગની સાથે એક ઊંચા સ્થાને ઊભા રહી સાપોને ભોજન આપવાની વિધિ જોઈ રહ્યાં હતાં ત્યાં એમની પાછળ ગોઠવેલા લાઉડ સ્પીકરમાંથી એક ઘેરો અવાજ એમનાં કાને પડ્યો.

"લી, અહીં શું કરે છે? મહેમાનોને લઈ મારી ચેમ્બરમાં આવ." આ અવાજ લોન્ગનો હતો એ જાણતો લી અર્જુન અને નાયકને લઈને ત્યાં આવેલી એક લિફ્ટ સુધી લઈ ગયો. લીએ લિફ્ટમાં મોજુદ એકમાત્ર લાલ રંગનું બટન દબાવ્યું, આમ કરતા તેઓ નીચે પહોંચ્યાં.

લિફ્ટની સામે દસેક લોકો હાથમાં ઓટોમેટિક મશીનગન સાથે મોજુદ હતાં. યાંગ લીને જોઈ એ લોકો ચાઈનીઝ લોકોની આદર આપવાની રીત મુજબ કમરેથી થોડાં ઝુક્યા. લીએ એમનું અભિવાદન સ્વીકાર્યું અને એ લોકોની વચ્ચેથી પસાર થતો એક મોટાં લાકડાના દરવાજા જોડે આવીને ઊભો રહ્યો.

જેવા એ લોકો ત્યાં પહોંચ્યા એ સાથે દરવાજો આપમેળે ખુલી ગયો. લીને અનુસરતા અર્જુન અને નાયક દરવાજાને વટાવી એક વિશાળકાય ચેમ્બરમાં આવ્યા, આ ચેમ્બર જિયોન્ગ લોન્ગની હતી.

દરવાજાની અંદર પ્રવેશ કરી ડાબી તરફ વીસેક ડગલા ચાલ્યા બાદ આવતો કાચનો દરવાજો વટાવી લી, અર્જુન અને નાયક એક ઓફિસ જેવા સ્થાને આવ્યા. અહીં એક ખુલ્લી જગ્યા હતી, જ્યાં રીસેપ્શન ટેબલ અને બે લાલ ભડકીલા રંગના સોફા પડ્યા હતાં. રીસેપ્શન ટેબલ પર એક ત્રીસેક વર્ષનો યુવક બેઠો હતો, જેની મૂછો ઉંદરની પૂંછડી જેવી પાતળી હતી. આ ઉપરાંત ત્યાં બીજા છ શસ્ત્રધારી લોકો ઊભા હતાં.

એ લોકોનું અભિવાદન સ્વીકારતો લી અર્જુન અને નાયકને લઈને એક કાચની ચેમ્બરમાં પ્રવેશ્યો, જ્યાં જિયોન્ગ લોન્ગ એમની રાહ જોઈ રહ્યો હતો. ગોળાકાર ચહેરો, ઝીણી આંખો, આંખો પર ધારણ કરેલા ચશ્મા, ગ્રે કલરનો શૂટ, સંપૂર્ણ ટાલ, માફકસરનો બાંધો અને માંડ પાંચેક ફૂટ ઊંચાઈ ધરાવતા લોન્ગને જોઈ માનવું અશક્ય હતું કે આ વ્યક્તિ ચીનમાં સૌથી વધુ ડ્રગ્સ ઉત્પાદન કરતો હતો. આમ છતાં લોન્ગનો કરડાકીભર્યો ચહેરો, ઘેરા કથ્થાઈ રંગની રહસ્યમય આંખો અને ગંભીર મુખમુદ્રા એ વાતની સાબિતી હતી કે આ માણસ એક ખૂબ જ ખંધો અને ચબરાક વ્યક્તિ હતો.

"વેલકમ મિસ્ટર હુસેની એન્ડ મિસ્ટર રહેમાની.!" પોતાની રોલિંગ ચેરમાંથી ઊભાં થઈ અર્જુન અને નાયક ભણી સ્મિત વેરતા લોન્ગ ધંધાદારી સ્વરે બોલ્યો.

લોન્ગે લંબાવેલા હાથમાં ઉષ્માભેર પોતાનો હાથ વારાફરતી મૂકી અર્જુન અને નાયકે આભારવશ સ્વરે કહ્યું.

"અમે ખુશનસીબ છીએ કે તમારી સાથે મુલાકાત થઈ."

"અરે ખુશનસીબ તો અમે છીએ જેમને તમારા જેવા ખાસ દોસ્ત મળ્યા." નાયક અને અર્જુનને પોતાના સામે મૂકેલી ખુરશી પર બેસવાનો ઈશારો કરી લોન્ગે કહ્યું. "તો પછી તમે તૈયાર છો ને અમારી શરતો મુજબ મિડલ ઈસ્ટમાં ડ્રગ્સનો કારોબાર કરવા."

"એમાં પૂછવાનું થોડું હોય." અર્જુન દરેક શબ્દને ખૂબ ચીવટથી ગોઠવતા બોલ્યો. "તમારાં જેવી મોટી પ્રતિભા સાથે કામ કરવાનો અવસર મળે એ અમારા માટે નસીબની વાત છે."

આ સાથે જ અર્જુન અને નાયકે પ્લાન મુજબ જિયોન્ગ લોન્ગ સાથે પ્રારંભિક સંવાદ શરૂ કર્યો. જેમાં જિયોન્ગ લોન્ગના ડ્રગ્સ એમ્પાયર, વિવિધ ડ્રગ્સની બનાવટ અને સ્નેક વેનમ ડ્રગ્સ અંગેના પ્રશ્નો મુખ્ય હતાં. લોન્ગે અર્જુન અને નાયક માટે વિશ્વની સૌથી વધુ આલ્કોહોલ ધરાવતી વાઈનમાંની એક સ્નેક વેનમ વાઈન પીવા માટે આપી. ગ્રેઇન વાઈનની સિલબંધ બોટલમાં સાપને ભરીને તૈયાર થતી આ વાઈન ત્રીસ થી ચાલીસ ટકા જેટલો આલ્કોહોલ ધરાવતી હોય છે.

પ્રબળ બુદ્ધિમત્તાનું પ્રદર્શન કરતા જિયોન્ગ લોન્ગ ફક્ત એ જ સવાલોના પૂર્ણ જવાબ આપી રહ્યો હતો જેટલા પ્રથમ મુલાકાતમાં કોઈકને આપવા જોઈએ. સ્નેક વેનમ ડ્રગ્સનું પોતે આટલા મોટાં પાયે ઉત્પાદન કેમનું કરે છે એનો જવાબ આપતા લોન્ગે અર્જુન અને નાયકને સાપની ખેતી સાથે જોડાયેલા એવા તથ્યો કહ્યાં જે સાંભળી અર્જુન અને નાયકનું મગજ સુન્ન મારી ગયું.

ચીનમાં ઝીશિકીયાઓ નામક એક ગામ આવેલું છે, જ્યાં યોંગ હોંગ નામક એક ખેડૂતે પરંપરાગત ખેતીમાં થતાં નુકશાનથી કંટાળી સાપની ખેતી કરવાની યોજના અમલમાં મૂકી. પોતાના બ્રિડિંગ સેન્ટરમાં સાપો વચ્ચે સમાગમ અને સાયન્ટિફિક રીતે યોંગ હોંગ મોટા પ્રમાણમાં સાપો પેદા કરી ચીનના વિવિધ શહેરોમાં આવેલી રેસ્ટોરેન્ટ, લેબ અને ડ્રગ્સ ઉત્પાદકોને વેચતો. યોંગ હોંગ આમ કરી લાખોની આવક મેળવવા લાગ્યો જેથી પ્રેરાઈને ધીરે-ધીરે એનું આખું ગામ સાપોની ખેતી કરવા લાગ્યું.

એક ગણતરી મુજબ ઝીશિકીયાઓ ગામમાં વર્ષે ત્રીસ લાખ સાપોની ખેતી થાય છે. જેમાં બૂમ સ્લેન્ગ, કોબ્રા, રસલ વાઈપર અને ખૂબ જ ઘાયક એવા ફાઈવ સ્ટેપ સ્નેકનો સમાવેશ થાય છે. લોન્ગે જણાવ્યું કે શરૂઆતમાં પોતે ઝીશિકીયાઓ ગામમાંથી સાપો મંગાવતો, પણ ધીરે-ધીરે એને જાતે જ સાપોની ખેતી આરંભી દીધી. અર્જુન અને નાયકે ઉપર જે જોયું હતું એ લોન્ગના સ્નેક બ્રિડિંગ સ્થાનકો હતાં.

પોતે કઈ રીતે ડ્રગ્સનું વિદેશોમાં સ્મગલિંગ કરે છે એની પણ ઉપરછલ્લી લોન્ગ દ્વારા અર્જુન અને નાયકને મળી. ઘણી બધી ચર્ચાઓ કરી લીધા બાદ ગુજરાતમાં લશ્કર એ તોયબા દ્વારા થનારા હુમલા સાથે લોન્ગને આખરે શું સંબંધ છે એ જાણવા અર્જુને ખૂબ ચાલકીથી વાતને બીજી દિશામાં વાળી.

"તમને નથી લાગતું કે હવે તમારે આ ડ્રગ્સ ઉત્પાદનથી આગળ વધીને દેશ માટે કંઈક કરવું જોઈએ.!" સ્નેક વેનમ વાઈનનો એક કડક ઘૂંટ ભરતા અર્જુન બોલ્યો.

"દેશ માટે ભાઈ ઘણું બધું કરે છે પણ એમને રાજકારણમાં રસ નથી." લોન્ગને બદલે લી વચ્ચે બોલી પડ્યો.

"રાજકારણમાં આવ્યા સિવાય બીજી કઈ રીતે દેશની મદદ થઈ શકે?" નાયકે પહેલા લીની તરફ અને પછી લોન્ગની તરફ જોઈને કહ્યું. "એ વાત અલગ છે કે પછી તમે કોઈ સેવાભાવી સંસ્થા ચલાવતા હોય, જે તમે નહીં જ કરતા હોય."

નાયકે જે અદાથી આ વાત કહી હતી એ સાંભળી બધાનાં ચહેરા પર હાસ્ય ફરી વળ્યું.

"ડ્રગ્સના બંધાણીઓને ડ્રગ્સ પૂરું પાડવું એ સેવાનું જ કામ છે." લોન્ગ હસીને બોલ્યો.

"સાચી વાત છે, પણ ક્યારેક જીવનમાં કંઈક તો એવું કરવું જેનાથી પોતાના દેશનું ઋણ ઉતારી શકાય." અર્જુને મુદ્દાની વાત પર આવતા કહ્યું. "જેમકે હું અને મારો ભાઈ ઈસ્લામને દુનિયાભરમાં ફેલાવવા અમારી કમાણીનો અમુક હિસ્સો મદરેસાઓને મોકલાવતા હોઈએ છીએ. આમ કરીને ઘણું સુકુન મળે છે.!"

"તમને શું લાગે છે હું મારાં દેશ માટે કંઈ નહીં વિચારતો હોઉં." ચહેરા પર લુચ્ચાઈભર્યું સ્મિત લાવી લોન્ગ બોલ્યો.

"દેશના દુશ્મનોને શક્ય એટલું નુકશાન પહોંચાડવું એ એક રીતે દેશ સેવા જ છે, તમે જાણો છો ચીનનો સૌથી મોટો દુશ્મન કોણ છે.?"

"અમેરિકા, વળી બીજું કોણ?" અર્જુને જાણીજોઈને ભારતના બદલે અમેરિકાનો ઉલ્લેખ કર્યો.

"અમેરિકા દેશ ચીનનો દુશ્મન ખરો પણ સૌથી મોટો નહીં." લોન્ગના સ્વરમાં ઝનૂન ભળી ચૂક્યું હતું. "ચીનનો સૌથી મોટો દુશ્મન છે ભારત દેશ, જેને સબક શીખવાડવાની એક ભયંકર યોજના હું અમલમાં મૂકી ચુક્યો છું."

આખરે પોતાનું તીર ધાર્યા નિશાને લાગ્યું હતું એ જાણતા અર્જુન અને નાયકની આંખોમાં ચમક પથરાઈ ચૂકી હતી, લોન્ગ આખરે પોતાની ભારત વિરોધી કઈ યોજના અંગે વાત કરી રહ્યો હતો એ જાણવા અર્જુન અને નાયકે પોતપોતાના કાન સરવા કર્યાં.

************

ક્રમશઃ

આગળ શું થવાનું છે એ જાણવા વાંચતા રહો આ સુપર સસ્પેન્સ દિલધડક નવલકથા "ઑપરેશન ચક્રવ્યૂહ". આ નવલકથા દર ગુરુવારે અને રવિવારે આવશે એની નોંધ લેવી.

આ નવલકથા અંગે તમે તમારાં કિંમતી મંતવ્યો મારાં whatsup નંબર 8733097096 પર કે પછી ફેસબુક આઈડી author jatin patel પર આપી શકો છો.

માતૃભારતી પર મારી નાની બેન દિશા પટેલની નોવેલો દિલ કબુતર, ડણક, રૂહ સાથે ઈશ્ક, અનામિકા, haunted picture, રૂહ સાથે ઈશ્ક રિટર્ન અને સેલ્ફી નામક નવલકથાઓ વાંચી શકો છો.

મારી અન્ય નોવેલો માતૃભારતી પર મોજુદ છે જેનાં નામ છે.

ડેવિલ:એક શૈતાન, ડેવિલ રિટર્ન, બેકફૂટ પંચ, ચેક એન્ડ મેટ

સર્પ પ્રેમ, અધૂરી મુલાકાત, આક્રંદ:એક અભિશાપ.

હવસ, હતી એક પાગલ, પ્રેમ-અગન, રુદ્રની પ્રેમકહાની

પ્રતિશોધ અને મર્ડર@રિવરફ્રન્ટ

~જતીન.આર.પટેલ (શિવાય)