ઑપરેશન ચક્રવ્યૂહ સિઝન-1 - 26 Jatin.R.patel દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

ઑપરેશન ચક્રવ્યૂહ સિઝન-1 - 26

ઑપરેશન ચક્રવ્યૂહ સિઝન-1

ભાગ:-26

અમદાવાદ

સવારના આઠ વાગે પોતાના કહ્યાં મુજબ રાજવીર શેખાવત ઇસ્કોન મંદિર આવી પહોંચ્યા, જ્યાં કેવિન પહેલાથી જ એમની રાહ જોઇને બેઠો હતો. એકવડીયા બાંધાનો હોવા છતાં કેવિન શારીરિક રીતે ખૂબ જ સક્ષમ લાગતો હતો. એને જેવું શેખાવતની ગાડીમાં સ્થાન લીધું એ સાથે જ શેખાવતે પોતાની કારને અમદાવાદના સરખેજ વિસ્તાર તરફ ભગાવી મૂકી, જ્યાં થઈને જુહાપુરા જવાતું હતું.

રસ્તામાં શેખાવતે રાજલને કોલ કરી અફઝલ પાશાની તપાસ ક્યાં પહોંચી એ અંગે અમુક સવાલો કરી કોલ ડિસ્કનેક્ટ કરી દીધો. રાજલ સાથે વાત થયાં બાદ શેખાવતે એક અન્ય નંબર ડાયલ કરી અમુક સૂચનો આપી કેવિન તરફ જોઈને પૂછ્યું.

"કેવિન, તૈયાર છે ને? તારી જીંદગીના સૌથી મોટા મિશન માટે."

"એમાં પૂછવાનું થોડું હોય!" કેવિનના અવાજમાં આત્મવિશ્વાસ ભરેલો હતો.

"રાજલે અફઝલ વિશે માહિતી મેળવવા જે યુક્તિ અજમાવી છે એ પરથી એવું લાગે છે કે અફઝલ દ્વારા બેંક ડિટેઇલમાં આપેલા એડ્રેસ સિવાય પણ અફઝલ જુહાપુરામાં અન્ય કોઈ જગ્યાએ છુપાયો હશે તો એની જાણકારી મળીને જ રહેશે." કારને સરખેજથી જુહાપુરા તરફ જતાં રસ્તે વાળતા શેખાવતે કહ્યું. "શી ઈઝ સો ટેલેન્ટેડ.!"

શેખાવતે જુહાપુરા પહોંચી પોતાની કારને એક કપડાની દુકાન જોડે થોભાવી અને કેવિન સાથે કારમાંથી નીચે ઉતરી દુકાનમાં ઘૂસી ગયાં.

"સાહેબ, ઉપર ચાલ્યા જાઓ." શેખાવતને ત્યાં આવેલા જોઈ દુકાનનો માલિક સીડીઓ તરફ ઈશારો કરતા બોલ્યો.

"કેવિન, ચાલ મારી સાથે." કેવિનને ઉદ્દેશી રાવે કહ્યું અને સીડીઓ ચડવા લાગ્યા.

પ્રથમ માળે આવીને શેખાવત એક રૂમમાં પ્રવેશ્યાં જ્યાં એક લેપટોપ અને વાતચીત કરવા માટેનાં અદ્યતન ગેઝેટ મોજુદ હતાં. રૉ દ્વારા પોતાના ખાસ મિશનોને અંજામ આપવા અવારનવાર આવા ટેમ્પરરી સેટઅપ તૈયાર કરાતા હોય છે; જે મિશનના સ્થાનની નજીક હોય, જેથી મિશનને યોગ્ય રીતે નિયંત્રિત કરી શકાય.

"કેવિન, આ બે એરબડ તારી જોડે રાખ. એક તારા કાનમાં ભરાવી દે અને બીજું રાજલને આપજે." શેખાવતે કેવિનને ત્યાં મૂકેલા એરબડ આપતા કહ્યું. "રાજલનો ગમે ત્યારે કોલ આવી શકે છે, એ પહેલા તું તારો ગેટઅપ બદલી નાંખ."

શેખાવતનો આદેશ સાંભળી કેવિને એ રૂમની અલમારીમાં પડેલા સેલ્સમેનના કપડાં નિકાળ્યા અને પોતાની જાતને એ વેશમાં તૈયાર કરવામાં લાગી ગયો જેમાં હંમેશા એ રહેતો હતો. ફોર્મલ કપડા, ટાઈ, પાર્ટી શૂઝ અને ખભે લેઘર બેગ. હા એ વાત અલગ હતી કે અત્યારે બેગમાં મિશન માટે જરૂરી હથિયારો હતાં.

પોતે રાગી માસીને જે કાર્ય સોંપ્યું હતું એને રાગી માસીની કિન્નર ગેંગ યોગ્ય રીતે અંજામ આપવાની હતી એ વાતનો વિશ્વાસ ધરાવતી રાજલ જુહાપુરા આવી પહોંચી હતી. રાજલ અત્યારે બુરખામાં સજ્જ હતી, જેથી કરીને કોઈનું ધ્યાન એની તરફ ના જાય.

અફઝલના બેંક ડિટેઇલમાં મોજુદ સરનામાથી નજીક આવેલા શાકમાર્કેટમાં રાજલ સમય પસાર કરવા શાકભાજી ખરીદવાનો દેખાવ કરી રહી હતી.

દસ વાગવામાં દસ મિનિટ બાકી હતી ત્યાં રાજલનો ફોન વાઈબ્રેટ થયો, રાજલે બુરખાની અંદર હાથ નાંખીને ફોન બહાર નીકાળી ફોનની સ્ક્રીન તરફ દ્રષ્ટિ ફેંકી, કોલ રાગી માસીનો હતો.

"અસલ્લા વાલેકુમ માસીજાન, સબ ખેરીયત તો હૈ ના?" રાજલે કોલ રિસીવ કરતા કહ્યું.

"મેડમ તમારો શિકાર અહીં જ છે..પણ એ એકલો નથી એની જોડે અન્ય ચાર માણસો પણ છે."

"શુક્રિયા...વોહ મેં સંભાલ લૂંગી. ખુદા હાફિઝ.!" આટલું કહી રાજલ રાગી માસી જોડે સંપર્ક વિચ્છેદ કરી નાંખ્યો.

રાગી માસી જોડેથી અફઝલની મોજુદગીનું કંફર્મેશન મળી જતા રાજલ તાત્કાલિક શાકમાર્કેટમાંથી બહાર નીકળી અફઝલ જ્યાં હતો એ સ્થળ તરફ જતા રસ્તે અગ્રેસર થઈ. રસ્તામાં આગળ વધતી વખતે રાજલે શેખાવતને ટેક્સ્ટ મેસેજ કરી દીધો.

"રેડી ફોર એક્શન. હી ઈઝ હીયર.!"

રાજલનો મેસેજ મળતા જ શેખાવતે ઓલ ધ બેસ્ટના મેસેજ સાથે કેવિનને રાજલનો સાથ આપવા માટે જવાનું જણાવ્યું. પાંચ મિનિટની અંદર કેવિન નક્કી કરેલી જગ્યાએ આવી પહોંચ્યો, જ્યાં રાજલ ઓટોરીક્ષાની રાહ જોઈને ઊભી હોય એવો દેખાવ કરતી રોડને કિનારે ઊભી હતી.

કેવિનને જોતા જ રાજલ રોડની સામે આવેલી એક સાંકડી ગલી તરફ વધવા લાગી, કેવિન પણ એની પાછળ દોરવાયો. રાજલની નજીક પહોંચી કેવિને ખૂબ જ ચાલાકીથી શેખાવતે આપેલ એરબડ રાજલના હાથમાં પકડાવી દીધું.

રાજલે એરબડને કાનમાં નાંખ્યું; જેથી એ શેખાવત અને કેવિન સાથે સંપર્કમાં આવી ગઈ. કેવિન રાજલથી દસેક ડગલાં અંતર જાળવી એ સ્થળ તરફ આગળ વધવા લાગ્યો જ્યાં અફઝલ પાશા છુપાયો હતો.

આ મિશન માટે રાજલનું કોડનેમ આલ્ફા, કેવિનનું ચાર્લી અને શેખાવતનું બ્રાવો રાખવામાં આવ્યું હતું. રાજલ અને કેવિન બંને એક જીપીએસ સર્કિટ સાથે રાખે હતાં, જેની મદદથી શેખાવત એ બંનેની પોઝિશન પર ધ્યાન રાખી રહ્યાં હતાં. જેવા રાજલ અને કેવિન અફઝલ પાશા છુપાયો હતો એ ઈમારતની સામેના ભાગે આવ્યા એ સાથે જ રાજલ, કેવિન અને રાજવીર શેખાવત વચ્ચે કોડ અને સાંકેતિક ભાષામાં ચર્ચા ચાલુ થઈ ગઈ.

"આલ્ફા, શું કન્ડિશન છે?"

"મોબાઈલની સાથે ચાર બેટરીઓ છે."

"ચારેય બેટરીઓને ડિસ્ચાર્જ કરી મોબાઈલને રીપેરીંગ માટે લઈ આવો."

"હા એવું જ થશે.!"

આ વાતચીત સાથે જ બુરખામાં સજ્જ એસીપી રાજલ અને સેલ્સમેનના પહેરવેશમાં સજ્જ કેવિન અફઝલ પાશા જ્યાં છુપાયો હતો એ ત્રણ માળની ઈમારતના આંગણે આવી ગયાં હતાં. બંને જાણતા હતા કે આગામી પંદર મિનિટ એમની જીંદગીના સૌથી અગત્યના પંદર મિનિટ બનવાના હતાં છતાં કોઈ ડર કે ઉચાટ વિના એ બંનેએ સીડીઓ તરફ આગળ વધવાનું શરૂ કરી દીધું.

************

રાવલપિંડી, પાકિસ્તાન

તાહીર અને પોતાના બાકીનાં સાગરીતોનો નાથન, દિલાવર, નગમા અને માધવના હાથે સફાયો થઈ ગયાં બાદ શારીરિક અને માનસિક બંને રીતે ઘવાયેલો મિર્ઝા ઈકબાલ મસૂદ જ્યાં છુપાયો હતો ત્યાં આવી પહોંચ્યો.

મિર્ઝાના લોહીથી ખરડાયેલા કપડા જોઈ ઈકબાલ મસૂદનો થોડો ઘણો એ વાતનો અંદેશો આવી ગયો કે નક્કી કંઈક ના બનવાનું બન્યું છે.

"શું થયું મિર્ઝા?" મિર્ઝાને ઉદ્દેશી મસૂદે પૂછ્યું. "તારી આવી હાલત કોને કરી? તાહીર અને મેં મોકલેલા આપણા બીજા માણસો ક્યાં?"

પોતાના આકા એવા મસૂદે પૂછેલા સવાલનાં જવાબમાં મિર્ઝાએ ક્રિસ્ટ ચર્ચ નજીક બનેલી પૂરી ઘટનાનો વૃતાંત કહી સંભળાવ્યો. મિર્ઝાની વાત સાંભળી મસૂદનો ભાવહીન ચહેરો ગુસ્સાથી રાતોચોળ થઈ ગયો. મસૂદે પોતાના ચહેરા પર ઊગી આવેલી દાઢીમાં હાથ ફેરવતા મિર્ઝાને સવાલ કરતા કહ્યું.

"તારા કહ્યાં મુજબ ત્યાં એક મહિલા અને એક પુરુષ પહેલા વાતચીત કરી રહ્યા હતાં, એમાં જે મહિલા હતી એ અંસારીના ઘરમાં શોધખોળ કરવા જનાર ત્રણ લોકોમાંથી એક હતી. ત્યારબાદ એમનો બચાવ કરવા એ યુવક આવ્યો જે એ મહિલા સાથે જ અંસારીનાં ઘરમાં જોયો હતો. છેલ્લે જે વ્યક્તિએ તમારી બધી બાજી પલટી નાંખી એ પણ એ મહિલા અને યુવક સાથે અંસારીના ઘરમાં જનારા લોકોમાંથી એક હતો."

"હા..!" મિર્ઝાએ ટૂંકમાં પતાવ્યું.

"મતલબ કે એ લોકોનાં ઘરમાંથી જે કંઈપણ મળ્યું એનો સંબંધ એ ત્રીજા પુરુષ જોડે હતો જેને એ મહિલા મળવા ગઈ હતી." મનોમન કંઈક વિચારી મસૂદ બોલ્યો. "વળી, જે લોકોએ તમને રિવોલ્વરના જોરે માત આપી એ પરથી સાફ છે કે એ લોકો કોઈ સામાન્ય માણસો નહોતા."

"તો હવે ભાઈજાન.!" ડાબા હાથ વડે પોતાના જમણા હાથની કોણીમાંથી ટપકી રહેલા લોહીને રોકવાનો વ્યર્થ પ્રયત્ન કરતા મિર્ઝા બોલ્યો. "એ લોકોને જીવતા છોડવા યોગ્ય નથી."

"તને કોને કીધું કે એ લોકોને એમનેમ જવા દેવામાં આવશે.?" આંખો ઝીણી કરીને મિર્ઝા તરફ જોઈને મસૂદે કહ્યું. "એ ચારેય લોકોને એવી સજા આપીશ કે મર્યા પહેલા એ લોકો સો વાર મરશે."

"તે એ મહિલા અને યુવકનું આઈ.ડી જોયું હતું ખરું ને?"

"હા ભાઈ." હકારમાં ગરદન હલાવતા મિર્ઝા બોલ્યો. "એ મહિલાનું નામ છે નૂરજહાં સિદ્દીકી અને એના શોહરનું નામ છે યાસીર સિદ્દીકી."

"એ બંને કુવૈત સીટીના રહેવાસી છે એનો મતલબ એ થયો કે એમનાં અહીં આવવાની અને એમના સંબંધી જાણકારી મેળવી શકાય એમ ખરી.!" આટલું કહી મસૂદે એક નંબર ડાયલ કર્યો.

"બોલો માલિક, આજે અચાનક અમારી યાદ!" સામેથી કોલ રિસીવ થતાં જ એક પુરુષ અવાજ મસૂદના કાને પડ્યો.

"ઈમામૂલ, તારા લાયક એક કામ છે..જેને તારે પંદર મિનિટમાં પૂરું કરવાનું છે." મસૂદે કહ્યું. "જેવું તું એ કામ નિપટાવી લે એ સાથે જ જણાવજે."

"કામ બોલો, ભાઈજાન."

"કુવૈતથી આવનારા પેસેન્જરોમાંથી નૂરજહાં સિદ્દીકી અને યાસીર સિદ્દીકીની ડિટેઈલ, એમનાં ફોટો જે કંઈપણ પાકિસ્તાન વિઝા એમ્બેસીના ડેટામાં હોય એ બધું જ મને પંદર મિનિટની અંદર મોકલાવ."

"સારું ભાઈ, થઈ જશે."

ઈમામૂલ હક વિઝા એમ્બેસીમાં ઉચ્ચ પદે કામ કરતો વ્યક્તિ હતો, જે લશ્કર એ તોયબાના પ્રતિબંધિત આતંકવાદીઓ માટે વિવિધ દેશોના વિઝા આપવાનું કામ કરતો હતો.

ઈમામૂલ જોડે વાત થયાં બાદ ઈકબાલ મસૂદ વ્યાકુળ ભાવે પોતાને આગળ શું કરવાનું હતું એ અંગે વિચારવા લાગ્યો. દસ મિનિટની અંદર તો મસૂદને ઈમામૂલનો વ્હોટ્સઅપ મેસેજ મળ્યો જેમાં નગમા અને માધવના નૂરજહાં સિદ્દીકી અને યાસીર સિદ્દીકી નામના પાસપોર્ટના ફોટો હતાં. સાથે-સાથે એમના ઇસ્લામાબાદ એરપોર્ટના સીસીટીવી રેકોર્ડિંગમાંથી મળેલા ફોટો, જેમાં નગમાનો ફોટો કોઈ કામનો નહોતો કેમકે એ સમયે એ બુરખામાં હતી; પણ એનો ચહેરો પાસપોર્ટ પર લગાવેલા ફોટો પર સ્પષ્ટ દેખાતો હતો.

હકને થમ્સઅપનું ઇમોજી મોકલાવી મસૂદે એ બધી ડિટેઈલ એક વ્યક્તિને ફોરવર્ડ કરી. મેસેજ ફોરવર્ડ થતાં જ મસૂદે એક નંબર ડાયલ કર્યો; બે-ત્રણ રિંગ પછી જેવો એનો કોલ રિસીવ થયો એ સાથે જ મસૂદ બોલ્યો.

"અસ્સલામ વાલેકુમ જુનેદ મલિક, હેડ ઓફ પીટીવી ન્યૂઝ."

"બોલો ને મસૂદ ભાઈ, આજે અચાનક મને કેમ યાદ કર્યો?" થોડાંક ડર અને આશ્ચર્યમાં ભળેલો જુનેદ મલિકનો અવાજ ફોનમાં પડઘાયો.

"મેં તને વ્હોટ્સઅપ પર મેસેજ કર્યાં છે." સત્તાવાહી સ્વરે મસૂદ બોલ્યો. "પાશા ભાઈએ કહ્યું છે કે મેસેજમાં જે બે લોકોની ડિટેઈલ છે એમને હમણા ક્રિસ્ટ ચર્ચ પાછળ બનેલી ગેંગવોર માટે જવાબદાર ઠેરવવાના છે. પાંચ મિનિટની અંદર આ અંગેના ન્યૂઝ મારે લાઈવ જોઈએ, સમજી ગયો ને?"

"પણ, સત્ય જાણ્યા વગર.." મલિક આગળ કંઈ બોલે છે એ પહેલા મસૂદે કકર્ષ સ્વરે ધમકી ઉચ્ચારતા કહ્યું.

"મલિક લાગે છે હવે તને રાવલપિંડી યુનિવર્સિટીમાં ગ્રેજ્યુશન કરતી તારી દીકરી અહાના પર પ્રેમ નથી રહ્યો?"

"તમારું કામ થઈ જશે, ફિટ પાંચ મિનિટમાં એ લોકોને હું ક્રિસ્ટ ચર્ચની ઘટના માટે જવાબદાર ઠેરવતા ન્યૂઝ મારી ન્યૂઝ ચેનલ પર લાઈવ કરી દઈશ." ભયમાં ગરકાવ અવાજે મલિક બોલ્યો.

"બહોત ખૂબ..ખુદા હાફિઝ!" મલિકના પ્રત્યુત્તરની રાહ જોયા વિના જ મસૂદે એની સાથે સંપર્ક વિચ્છેદ કરી દીધો.

મલિક જોડે વાત કર્યાં બાદ મસૂદે કટુ સ્મિત વેરતા કહ્યું.

"હવે જોઉં છું કે ક્યાં સુધી એ લોકો છુપાતા ફરે છે?"

************

ક્રમશઃ

આગળ શું થવાનું છે એ જાણવા વાંચતા રહો આ સુપર સસ્પેન્સ દિલધડક નવલકથા "ઑપરેશન ચક્રવ્યૂહ". આ નવલકથા દર ગુરુવારે અને રવિવારે આવશે એની નોંધ લેવી.

આ નવલકથા અંગે તમે તમારાં કિંમતી મંતવ્યો મારાં whatsup નંબર 8733097096 પર કે પછી ફેસબુક આઈડી author jatin patel પર આપી શકો છો.

માતૃભારતી પર મારી નાની બેન દિશા પટેલની નોવેલો દિલ કબુતર, ડણક, રૂહ સાથે ઈશ્ક, અનામિકા, haunted picture, રૂહ સાથે ઈશ્ક રિટર્ન અને સેલ્ફી નામક નવલકથાઓ વાંચી શકો છો.

મારી અન્ય નોવેલો માતૃભારતી પર મોજુદ છે જેનાં નામ છે.

ડેવિલ:એક શૈતાન, ડેવિલ રિટર્ન, બેકફૂટ પંચ, ચેક એન્ડ મેટ

સર્પ પ્રેમ, અધૂરી મુલાકાત, આક્રંદ:એક અભિશાપ.

હવસ, હતી એક પાગલ, પ્રેમ-અગન, રુદ્રની પ્રેમકહાની

પ્રતિશોધ અને મર્ડર@રિવરફ્રન્ટ

~જતીન.આર.પટેલ (શિવાય)