ઑપરેશન ચક્રવ્યૂહ સિઝન-1 - 24 Jatin.R.patel દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

ઑપરેશન ચક્રવ્યૂહ સિઝન-1 - 24

ઑપરેશન ચક્રવ્યૂહ સિઝન-1

ભાગ:-24

ક્રિસ્ટ ચર્ચ, રાવલપિંડી, પાકિસ્તાન

હાથમાં એ.કે 47 પકડીને ઊભેલા મિર્ઝા અને અન્ય છ લોકોથી ઘેરાઈ ગયેલા માધવ, નગમા અને નાથન સમજી ચૂક્યા હતાં કે એમનું મોત હવે નજીક આવી ગયું છે. એમાં પણ તાહીરે મારેલાં મુક્કાના લીધે માધવનું જડબું હજી પણ દુઃખી રહ્યું હતું.

"કોણ છો તમે?" રુક્ષ સ્વરે નગમા તરફ જોઈને તાહીર બોલ્યો.

"અમે કેમ જણાવીએ?" નગમાએ ઉદ્ધતાઈથી કહ્યું. "અમે કોણ છીએ એ જાણીને તમારે શું લેવું છે?"

"તમે બે દિવસ પહેલા મોડી રાતે અંસારીના ઘરમાં ગયાં હતાં એ અમને ખબર છે.." મિર્ઝા બોલ્યો. "ત્યાંથી તમને કંઈક વસ્તુઓ મળી હતી જે લઈને તમે બે જણા અને એક ત્રીજો કદાવર વ્યક્તિ હોટલ ખેબર લોજમાં ગયાં હતાં એ બધી અમને ખબર છે, તો મહેરબાની કરીને અમે જે પૂછીએ એના સાચા જવાબ આપો એમાં જ મજા છે."

આખરે મિર્ઝા અને તાહીર કોણ હતાં એનો અંદાજો નગમા, માધવ અને નાથનને આવી ચૂક્યો હતો. આ ઉપરાંત એ લોકોની વાતો પરથી એ ત્રણેયે એ પણ અનુમાન બાંધ્યું કે એમને બલવિંદરની સાચી ઓળખ એ લોકોને હજુ સુધી ખબર નથી.

"મારું નામ નૂરજહાં સિદ્દીકી છે અને આ મારાં શૌહર યાસીર સિદ્દીકી." નગમાએ પોતાની સાચી ઓળખ છૂપાવતા કહ્યું.

"અને આ?" નાથન તરફ ઈશારો કરતા મિર્ઝા બોલ્યો.

"આ મારાં શૌહરના દોસ્ત છે, ઈબ્રાહીમ મલિક.!" નગમા બોલી.

"હવે એ જણાવો કે અંસારીના ઘરે તમે કેમ ગયાં હતાં અને ત્યાંથી તમને શું મળ્યું.?" તાહીરે પૂછ્યું.

"એ તો અમે..હમ્મ.." નગમા કંઈક બોલે એ પહેલા માધવ તાહીરના સવાલનો જવાબ આપતા બોલ્યો.

"અંસારી મારો માસીનો દીકરો છે, એને મારાં જોડેથી ત્રણ લાખ રૂપિયા ઉધાર લીધા હતાં. હું જ્યારે મારાં આપેલા રૂપિયા પાછા માંગતો તો એ આપવાની મનાઈ ફરમાવી દેતો. એક અઠવાડિયા પહેલા જ મને માલુમ પડ્યું કે એને આત્મહત્યા કરીને જીવન ટૂંકાવી લીધું છે તો હું મારાં રૂપિયા લેવાની લાલચે એના ઘરે આવ્યો, અંસારીએ ઘરમાં એક લોકર બનાવ્યું હતું એવું એને મને એકવાર કહ્યું હતું તો મને એમ કે એ લોકરમાંથી જે થોડી ઘણી રકમ કે દાગીના મળે."

માધવનો જવાબ સાંભળી મિર્ઝા અને તાહીરે એકબીજા તરફ જોયું, એમનાં ચહેરાનાં ભાવ પરથી એ સ્પષ્ટ હતું કે માધવનો જવાબ એમને હજમ નહોતો થયો.

"તો કાંઈ મળ્યું કે નહીં?" તાહીરે માધવ ભણી જોતા સવાલ કર્યો.

"માત્ર પચ્ચીસ હજાર રૂપિયા અને અમુક નકામા કાગળિયાં." માધવે તુરંત જવાબ આપી દીધો.

"તમારી જોડે આવ્યો હતો એ વ્યક્તિ કોણ હતો અને અત્યારે એ ક્યાં છે?" દિલાવર અંગે પ્રશ્ન પૂછતા મિર્ઝા બોલ્યો.

"એ અંસારીનો દોસ્ત હતો, શાહનવાઝ નામ હતું એનું. એ લાહોરથી ખાસ અમારી મદદે આવ્યો હતો તો અમારી સાથે હોટલમાં જ રોકાઈ ગયો." માધવે જેમતેમ કરી ઉપજાવી કાઢેલી વાત કહી સંભળાવી.

"હમમ..તો પછી એ અત્યારે ક્યાં છે?" ક્રુદ્ધ સ્વરે મિર્ઝાએ પૂછ્યું.

"જ્યાં હોવો જોઈએ; એના ઘરે લાહોર." માધવે ફટાફટ જવાબ આપી દીધો.

"તમારા ત્રણેય જોડે રિવોલ્વર ક્યાંથી આવી?" તાહીરનો આ પ્રશ્ન સાંભળી માધવ, નાથન અને નગમા ત્રણેય મૂંઝાઈ ગયાં.

"કેમ ચૂપ થઈ ગયાં.." એમને મૌન જોઈ તાહીર તાડુક્યો. "જવાબ આપો આ રિવોલ્વર ક્યાંથી આવી?"

"અમે સુલેમાન માટે કામ કરીએ છીએ, તો સુરક્ષા માટે રાખવી પડે." નાથન પ્રથમ વખત વાતચીતમાં બોલ્યો હતો. "તમે અમારી પર રિવોલ્વર તાકી એટલે અમારે સ્વબચાવમાં કાઢવી પડી..બાકી તો અમારે તમારી સાથે કોઈ દુશ્મની નથી."

સુલેમાન રાવલપિંડીનો મોટો બદમાશ હતો, જે દારૂ, હથિયારો, ડ્રગ્સ વગેરેનું સ્મગલિંગ કરતો હતો. સુલેમાન વિશે નાથન જાણતો હોવાથી એને જાણીજોઈને સુલેમાનના નામનો ઉપયોગ કર્યો હતો.

"મિર્ઝા, આ ત્રણેયના આઈડી ચેક કર.." મિર્ઝા તરફ જોઈ તાહીરે આદેશ આપ્યો.

માધવ અને નગમાએ મિર્ઝાને તુરંત પોતાના કુવૈતના ડ્રાઈવિંગ લાયસન્સ પકડાવી દીધાં જેમાં એમના નામ અનુક્રમે યાસીર સિદ્દીકી અને નૂરજહાં સિદ્દીકી હતાં. નાથને મિર્ઝાને જણાવ્યુ કે એ પોતાનું આઈડી લઈને નથી ફરતો એટલે આઈડી બતાવવામાં પોતે અસમર્થ છે.

પોતાની સામે તકાયેલી એ.કે 47 છતાં માધવ, નગમા અને નાથને જે મુજબ મિર્ઝા અને તાહીર જોડે બેબાકીથી વાતચીત કરી હતી એના લીધે તાહીર અને મિર્ઝા જેવા ખૂંખાર આતંકવાદીઓ પણ એમની વાત માનવા મજબૂર બન્યાં.

"ભાઈ, હવે આ લોકોને જવા દેવા જોઈએ.." તાહીરને ઉદ્દેશી મિર્ઝા બોલ્યો. "સુલેમાનભાઈએ આપણી ઘણી વાર મદદ કરી છે તો એમનાં માણસોને નુકશાન પહોંચાડવું ઉચિત નથી, એમાં પણ આ બે કુવૈતની નાગરિકતા ધરાવતા હોવાથી આમને કંઈક કરીને ખોટું રાજકીય દબાણ આ પરિસ્થિતિમાં ઊભું કરવામાં જોખમ છે."

"સાચી વાત છે તારી.." મિર્ઝાની વાતમાં હામી ભરતા તાહીરે માધવ, નગમા અને નાથનને ઉદ્દેશીને કહ્યું. "સારું ત્યારે તમે જઈ શકો છો, સુલેમાનભાઈ અને એમના બેગમ આસિફાબાનુને મારા એટલે કે તાહીરના સલામ આપજો."

"ચોક્કસ..! અમે એ બંનેને તમારી યાદ આપી દઈશું." નાથન કંઈ બોલે એ પહેલા તો બચવાની ખુશીમાં ને ખુશીમાં માધવ અને નગમા બોલી પડયા.

એમના આમ બોલતા જ મિર્ઝા અને તાહીર જોરજોરથી હસવા લાગ્યા, એમને હસતા જોઈ માધવ અને નગમા વિચારમાં પડી ગયાં કે આખરે એ લોકો આમ અચાનક હસવા કેમ લાગ્યા. એમનું આ અટ્ટહાસ્ય અને નાથનના ચહેરાના ભાવ વાંચી એ બંનેને એટલો અંદાજો તો આવી જ ગયો હતો કે નક્કી એમના દ્વારા કંઈક કાચું બફાઈ ગયું છે.

"સુલેમાને લગ્ન નથી કરેલા." નાથને હળવેકથી ઉચ્ચારેલા આ શબ્દો સાંભળી માધવ અને નગમા પોતાની જમીન પર પડેલી રિવોલ્વર લેવા આગળ વધ્યા જ હતાં ત્યાં તાહીર ક્રુદ્ધ અવાજમાં એમને ધમકાવતા બોલ્યો.

"કોઈ હોંશિયારી નહીં, જ્યાં છે ત્યાં જ ઊભાં રહેજો."

"હવે તમને છેલ્લો ચાન્સ આપી રહ્યો છું..જો ઈચ્છો તો તમારી સાચી ઓળખાણ આપો અને હમીદ જોડે તમારો સંબંધ શું છે એ જણાવો; નહીં તો તમારા મૃતદેહની એ દશા થશે કે એને ઓળખવો તમારા પરિવારજનો માટે પણ મુશ્કેલ બની જશે."

આવી પરિસ્થિતિમાં પોતાને હવે શું કરવું જોઈએ એ જાણવા માધવ, નગમા અને નાથન એકબીજાને તકવા લાગ્યા, નાથન તો કારણ વગરનો આ પળોજણમાં ફસાઈ ચૂક્યો હતો.

"હું ત્રણ સુધી ગણીશ, જો મારા પૂછેલા સવાલનો જવાબ ના આપ્યો તો તમારું શરીર ચાળણી બનાવી દઈશ." રુક્ષ સ્વરે મિર્ઝાએ કહ્યું.

"એક...બે...અને.." મિર્ઝા હજુ ત્રણ બોલે એ પહેલા તો બે ઘટનાઓ એકસાથે બની.

નાથને પોતાના હાથમાં પહેરેલી એક વીંટીને એ લોકો જ્યાં ઊભાં હતાં ત્યાં જોરથી ફેંકી, આમ કરતા જ માધવ, નગમા અને નાથનની આસપાસ સફેદ રંગનો તીવ્ર ધુમાડો પ્રસરાઈ ગયો; જેનાં લીધે એમની આસપાસનું સમગ્ર વાતાવરણ ધૂંધળું થઈ ગયું. મિર્ઝા, તાહીર અને મસૂદના બાકીનાં માણસો કંઈ સમજે એ પહેલા તો એમની પાછળથી ધડાધડ ગોળીઓ વરસવાની ચાલુ થઈ ગઈ.

અચાનક થયેલા આ હુમલાનો પ્રતિકાર કરે એ પહેલા તો મસૂદના સાતમાંથી પાંચ માણસો સ્વધામ પહોંચી ચૂક્યા હતાં. એકાએક શું બની ગયું એ જાણવામાં અસમર્થ મિર્ઝા, તાહીર અને મસૂદના બચેલા બે માણસ ત્યાં આવેલા વૃક્ષની ઓથે ભરાઈ ગયાં.

મિર્ઝાએ ધ્યાનથી જોયું તો એને જાણ્યું કે એમની ઉપર ગોળીઓ વરસાવનાર વ્યક્તિ એ જ હતો જે માધવ અને નગમા સાથે બલવિંદરના ઘરમાં આવ્યો હતો, એની અહીં હાજરીથી આશ્ચર્યાઘાત પામેલા તાહીર અને મિર્ઝા દિલાવરને મારી નાંખવાનાં ઉદ્દેશથી એની ઉપર ગોળીઓ વરસાવવા લાગ્યા.

ચાર-ચાર લોકોની ગોળીઓથી બચતા-બચતા દિલાવરે સડકની તરફ ભાગવાનું શરૂ કરી દીધું. આ દરમિયાન માધવ, નગમા અને નાથને પણ પોતપોતાની રિવોલ્વર ઉઠાવીને તાહીર, મિર્ઝા અને મસૂદના બાકીનાં બે લોકોનો મુકાબલો કરવાનું આરંભી દીધું હતું. રિવોલ્વરથી એ.કે 47નો મુકાબલો કરવાનું અશક્ય લાગતું કામ શક્ય કરી બતાવતા માધવ, નગમા અને નાથને મસૂદના બે માણસોને મોતને ઘાટ ઉતારી મૂક્યા હતાં જ્યારે તાહીરને ગંભીર રીતે ઘાયલ કરી મૂક્યો હતો.

"ચલો, અહીંથી નીકળીએ..મુસ્તફા ત્યાં સડકની પેલી બાજુ ગાડી લઈને આપણી રાહ જોતો ઊભો છે." નગમા, માધવ અને નાથનની નજીક પહોંચી દિલાવરે કહ્યું. "અને થોડીવારમાં અહીં પોલીસ આવી પહોંચશે, એમ થાય એ પહેલા અહીંથી નીકળી જવામાં ભલાઈ છે.

દિલાવરની વાત માની નાથન, માધવ અને નગમા સડકની તરફ અગ્રેસર થયાં.. એમને કવર કરી રહેલા દિલાવરના ખભે મિર્ઝાએ છોડેલી એક બુલેટ ઘસરકો કરીને પસાર થઈ ગઈ. દર્દની પરવાહ કર્યાં વિના દિલાવર એ લોકોને સુરક્ષિત કાર સુધી દોરી આવ્યો.

"હવે ક્યાં જઈશું.?" વાનમાં બેસતા જ દિલાવરે માધવ, નગમા અને નાથનને ઉદ્દેશીને પૂછ્યું.

"ક્રિશ્ચિયન કોલોની!" ફટાક દઈને નાથને જવાબ આપ્યો, નગમાએ હકારમાં ગરદન હલાવતા દિલાવરે કારની ડ્રાઈવિંગ સીટમાં બેસેલા મુસ્તફાને કારને લઈને ક્રિશ્ચિયન કોલોની જવાનો દિશાનિર્દેશ આપ્યો. મુસ્તફાએ એક સેકંડ પણ ગુમાવ્યા વિના કારના એક્સીલેટર પર પગ મૂક્યો અને કારને ખ્રિસ્તી સમુદાયની બહુમતી ધરાવતા ક્રિશ્ચિયન કોલોની નામક વિસ્તાર તરફ દોડાવી મૂકી.

આ તરફ હાથમાં આવેલો શિકાર છટકી જવાથી ગુસ્સાથી રાતાચોળ બની ગયેલા મિર્ઝાએ પોતાના સાથીદારોના મૃતદેહો અને મૃતપાય હાલતમાં પડેલા તાહીરને જોઈ જોરદાર ત્રાડ નાંખી. શરીરમાં ચાર બુલેટ ઉતરી ગઈ હોવાનાં લીધે તાહીરનું ઘણું લોહી વહી ગયું હતું અને હવે એના જીવવાની ઉમ્મીદ પણ શૂન્ય બરાબર હતી. આવી પરિસ્થિતિમાં પોતાને શું કરવું જોઈએ એની ટ્રેઈનિંગ મેળવી ચૂકેલા મિર્ઝાએ પોતાની રિવોલ્વરમાંથી એક ગોળી તાહીરની ખોપડીમાં ધરબીને પોતાના ખાસ દોસ્ત તાહીરને મુક્તિ આપી દીધી.

પોલીસના આગમનની સાયરન વાગતા મિર્ઝાએ ત્યાં પડેલા તાહીરના અને પોતાના બાકીનાં સાથીદારોનાં મૃતદેહ તરફ અપલક નજર ફેંકી અને સીધો કાર પાર્કિંગમાં આવ્યો. અહીં આખરે જે કંઈપણ બન્યું હતું એનો ચિતાર આપવા અને આ માટે જવાબદાર લોકોને શું સજા આપવાની છે એની ચર્ચા કરવા મિર્ઝાએ કારને ઈકબાલ મસૂદના ગુપ્ત સ્થાન તરફ ભગાવી મૂકી.

************

ક્રમશઃ

આગળ શું થવાનું છે એ જાણવા વાંચતા રહો આ સુપર સસ્પેન્સ દિલધડક નવલકથા "ઑપરેશન ચક્રવ્યૂહ". આ નવલકથા દર ગુરુવારે અને રવિવારે આવશે એની નોંધ લેવી.

આ નવલકથા અંગે તમે તમારાં કિંમતી મંતવ્યો મારાં whatsup નંબર 8733097096 પર કે પછી ફેસબુક આઈડી author jatin patel પર આપી શકો છો.

માતૃભારતી પર મારી નાની બેન દિશા પટેલની નોવેલો દિલ કબુતર, ડણક, રૂહ સાથે ઈશ્ક, અનામિકા, haunted picture, રૂહ સાથે ઈશ્ક રિટર્ન અને સેલ્ફી નામક નવલકથાઓ વાંચી શકો છો.

મારી અન્ય નોવેલો માતૃભારતી પર મોજુદ છે જેનાં નામ છે.

ડેવિલ:એક શૈતાન, ડેવિલ રિટર્ન, બેકફૂટ પંચ, ચેક એન્ડ મેટ

સર્પ પ્રેમ, અધૂરી મુલાકાત, આક્રંદ:એક અભિશાપ.

હવસ, હતી એક પાગલ, પ્રેમ-અગન, રુદ્રની પ્રેમકહાની

પ્રતિશોધ અને મર્ડર@રિવરફ્રન્ટ

~જતીન.આર.પટેલ (શિવાય)