અમાસનો અંધકાર - 19 શિતલ માલાણી દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

અમાસનો અંધકાર - 19

આપણે આગળ જોયું એ મુજબ વીરસંગને શ્યામલી લગ્ન બંધને બંધાઈ ગયા છે. સપ્તપદીના વચને એકમેકના જીવનસાથી બની ગયા છે. હવે આગળ...

આખા સમાજ તેમજ કુટુંબીજનોની સાક્ષીમાં બે પ્રેમીપંખીડાએ એકબીજા સાથે ધામધૂમથી સંસારમાં એકબીજાના સાથી બનવાના કાયદેસરના હકને પામી જ લીધા. શ્યામલી તો ખૂબ જ ખુશ હતી. રૂકમણીબાઈ તો બે હાથ જોડી ઊપરવાળાનો આભાર માને છે. એ મનોમન પોતાના પતિને યાદ કરતી અદ્રશ્ય રીતે પણ વીરસંગને શુભ આશિષ આપવા કહે છે. વડીલોના આશીર્વાદ અને ઉતમ ભેટસોગાદોથી નવયુગલ ભાવવિભોર થઈ રહ્યું હતું. હવે બેય પક્ષેથી લેવાતા નિર્ણયોને બન્નેએ માન્ય રાખવા જોઈશે એવા વચન સાથે બન્ને બાજોઠ પરથી ઊભા થઈ આગળ વધે છે. શ્યામલી મંડપની થાંભલીને વધાવે છે સાથે સાથે એ એના માતા-પિતાને પણ જયારે જરૂર પડે ત્યારે એમની સાથે એ મંડપની થાંભલીની જેમ મજબૂત ટેકો બનવા પણ કટિબદ્ધ થાય છે.

ચતુરદાઢી તો જમણવારનું આયોજન જોઈ દંગ રહી જાય છે. એ એક પછી એક વાનગીનો રસાસ્વાદ માણતા માણતા જુવાનસંગને એના વખાણ કરતો જાય છે. જુવાનસંગ અને એના પરિવાર માટે અલગ વ્યવસ્થા ગોઠવાઈ હોય છે. ગળેથી કોળિયો નથી ઊતરતો આ મા-દીકરીને. કારણ, આંગણાનું પંખીડું હવે પિંજરે પૂરાશે. લાડકી હવે વિદાય લેશે. શ્યામલીની કાજળઘેરી આંખો હવે વાદળની જેમ વરસી પડી છે.
રૂકમણીબાઈ શ્યામલીનો હાથ પકડી એને છાની રાખવા પ્રયાસ કરે છે. ચંદા તો અર્ધ બેભાન હાલતમાં જ દીકરીને વળાવતા વળાવતા ખોળે મગ નાળિયેર નાંખે છે.
કુમકુમ પગલે આજ શ્યામલી હર કોઈને રડવા મજબૂર કરે છે. વીરસંગ અને શ્યામલીનું પ્રસ્થાન એક સાજ સજેલા
ગાડાંમાં થાય છે. એ બળદને પણ ઝુલ ઓઢાડી સજાવ્યા હોય છે.
ગામને પાદરે શ્યામલીની સખીઓ રડતી આંખે પાણીનો કળશો હાથમાં આપીને છેલ્લી વિદાય આપે છે. હવે ધીમે-ધીમે નાનાગઢની સીમ ઓળંગીને જાન પોતાના ગંતવ્ય સ્થાન બાજુ પ્રયાણ કરે છે. આખે રસ્તે શ્યામલીના મૂંગા ડૂસકાં વીરસંગને બેચેન કરે છે. એ હળવેથી શ્યામલીનો હાથ પકડે છે અને એ એની સાથે જ છે એવો અહેસાસ કરાવે છે.

વીરસંગ : " શ્યામલી, હું તું કહે એ કરીશ પણ શાંત થા. મારાથી તારા આંસુ નથી જોવાતા."

શ્યામલી : હા !

વીરસંગ : "મેં તારા માતા-પિતાને વચન આપ્યું છે કે હું તને સદાય ખુશ રાખીશ. તો તું આટલું રડે તો એમને થોડી શાંતિ થશે? "

શ્યામલી : "પણ, હું એમનાથી દૂર પહેલીવાર જ રહીશ. જ્યાં મારા માટે તારા સિવાય બધા અજાણ જ છે."

વીરસંગ : "તું બધાને સાચવી લઈશ. હું છું જ ને સાથે"

શ્યામલી : " હા, હું તારા સહારે જ જીવીશ. હું પણ ખુશ રહીશ અને બધાને પણ ખુશ રાખી શકવાના પ્રયત્નો તો જરુર કરીશ જ."

વીરસંગ : "સારું, હવે શાંત થા જો આપણું નગર આવી ગયું. બધા ત્યાં તારી રાહ જોવે છે."

એ સજેલું ગાડું નગરના ઊંબરે ઊભું રહ્યું. સામૈયાની તૈયારીઓ થાય છે. ત્યાં જ શ્યામલીની નજર એક ઘરની બારીમાં પડે છે. અંદરથી એક વ્યક્તિ આશીર્વાદ આપતી નજરે પડે છે. એ વ્યક્તિ રડતી રડતી ઘડીક ઉપર ઘડીક આ બેયને નિહાળતી નિહાળતી કશુંક બોલી પણ રહી હતી. શ્યામલી આ જોઈ વીરસંગને બતાવવા જાય છે કે
જુવાન સંગની પત્નીઓ શ્યામલીનો હાથ પકડી એને નીચે ઊતારે છે. શ્યામલી રૂની પૂણી જેવી કોમળ હોય છે !

આમ જ શ્યામલી હવે એના સાસરે પહોંચી જાય છે. એના સાથી વીરસંગ સાથે.હવે આ નગરમાં એના વધામણા જોઈશું આગળના ભાગમાં....

------------------ (ક્રમશઃ) -------------------

લેખક : શિતલ માલાણી

૧૧-૧૦-૨૦૨૦

રવિવાર