સ્નાન પછીની એ સાંજ સેજકપર માટે સાવ બિહામણી થઈ ગઈ હતી. અત્યારે વિચારીએ તો થોડું વિચિત્ર લાગે પણ એ સમયે કોઈ આવા મોતના સમાચાર સાંભળે તો બહુ દુઃખ લાગતું. પછી એ દુશ્મન હોય તોય એ દુઃખમાં ભાગીદાર થવા આવી જતો. પુરા ગામમાં આ જ વાત ચાલતી હતી. આજે ઘણા દૂધના બોઘરા એમ જ પડ્યા રહ્યા હતા. મોટા ભાગના ઘરો શાંત હતા. શામજીભાઈ પોતાના ઘેર એકલો સૂતો આંસુ પાડતો હતો. હમીરભા સેજલબાને શાંત કરતા હતા. તો વળી ભીખુભાના ઘરના ભીખુભાને કાલ માટે શાંત રહેવા સમજાવતા હતા. સેજકપરની સૌથી લાંબી રાત પુરી થઈ અને સવાર પડવાની તૈયારીમાં હતું.
સવારે પાંચ વાગ્યામાં તો હમીરભા, ભીખુભા અને શામજીભાઈ સુલતાનપુર જવા માટે તૈયાર થઈ ચૂક્યા હતા. હમીરભા પોતાના ઘેર બે ઘોડીઓ તૈયાર કરીને શામજીભાઈ અને ભીખુભાની આવવાની રાહ જોતા હતા. એમને ખરખરે જવા સમયે પહેરવાના સફેદ વસ્ત્રો પહેરી અને આંટીયાળી નવઘરૂં(પાઘડી) બાંધી હતી. પોતાના ઘોડા સાથે એમની તલવાર બાંધી હતી અને પોતાની કેડમાં એક જમૈયો(નાની કટાર) બાંધી હતી.
" બધી વાત જાણીને તમારાથી જે થાય ઇ કરજો. હવે ઇ આપડો જમઇ નથી. સોડી રઇ નથી તો મારજાદા શું રાખવાની ? પણ સોડીના આતમને ઇમ થવું જોવે કે મારા ભાએ મારી લાજ રાખી. "
" સેજલ, હું આમ પણ આજ કોઈ મરજાદા નથી રાખવાનો. " હજુ તો બંને દંપતી સાથે વાર્તાલાપ ચાલે છે ત્યાં ભીખુભા અને શામજીભાઈ આવી ગયા.
એકેયના ચહેરા પર નૂર ના હતું. અને ક્યાંથી હોય ? હંમેશા હમીરભાની મશ્કરી કરતો ભીખુભા પણ સાવ શાંત હતો. શામજીભાઈની હાલત તો દયનિય હતી. પણ મનમાં ક્યાંક નાનકડી આશા જીવતી હતી. કે મારી દીકરી મરી ના હોય કારણ કે વિષ્ણુરામે કૂવામાંથી કાઢી એ વાત કરી હતી પણ અગ્નિસંસ્કાર તો એમને જોયો નહતો. એટલે મનમાં એમ થતું કે કદાચ પછી જીવ પાછો આવી ગયો હોય તો !!!! પણ આ બધા વિચારો તો પાણીમાં લીટા તાણી ખુશ રહેવા પૂરતા જ મર્યાદિત હતા.
" શામજી તારા હાટુ પણ ઘોડી માંગી આવ્યો સુ. અટલે હટ દઈને આપડે સુલતાનપુર પુગી જાવી. " એટલી વારમાં સેજલબાએ ચા બનાવી નાંખી હતી અને ભાત પણ ભરી દીધું હતું. ચા આપી ત્યારે શામજીભાઈએ તો ના પાડી પણ હમીરભાએ દેવલના સમ દીધા એટલે પીધી. ચા-પાણી પીને આ ત્રણેય સુલતાનપુર જવા નીકળી ગયા.
ગામના ચોરા પાસે પહોંચ્યા ત્યારે આજે સમય ન હોવાથી બહારથી જ માથું નમાવીને બેય અસવાર નીકળ્યા પણ આજે શામજીભાઈએ તો માથું પણ ના નમાવ્યું. એ તો કોઈ દિવસ મંદિરના પગથિયાં ચડ્યા નહોતા પણ દૂરથી પગે લાગી જરૂર નીકળતા પણ આજે તો એમને ભગવાન પરથી વિશ્વાસ ઊઠી ગયો હોય એવું લાગ્યું. આ હમીરભા અને ભીખુભાએ જોયું પણ કશું બોલ્યા નહિ. એટલામાં વિષ્ણુરામ આરતી કરીને ઘેર જતા હતા તો ચોરા પર જ મળી ગયા. ત્રણેય ઊભા રહી ગયા.
" સીતારામ મા'રાજ " ભીખુભા અને હમીરભા એકસાથે બોલી પડ્યા. પણ અવાજ થોડો મંદ હતો. શામજીભાઈ તો જાણે ઝમકુના જ વિચારમાં હોય એમ ઘોડી પર સવાર હતા. પણ પછી ખ્યાલ આવ્યો કે વિષ્ણુરામ ઊભા છે એટલે હમીરભા ઊભા રહ્યા છે. પછી તો શામજીભાઈએ પણ સીતારામ કર્યા. અને એ ઘોડા પરથી નીચે ઉતરીને પગે પણ લાગ્યા. પગે લાગીને ....
" ભામણદેવ ! કાલ થોડું વધુ બોલી ગ્યો મને માફ કરી દેજો " આટલું બોલતા તો એ માણસ રડી પડ્યો. વિષ્ણુરામને પણ થયું કે અત્યારે શામજીને એક ટેકાની જરૂર છે. એટલે જ એ સમયનો પવિત્ર બ્રાહ્મણ સમાજની ચિંતા કર્યા વગર જ એ ગરીબ શામજીને બથ ભરીને રડી પડ્યો.
" શામજી ! માફ તો તારે મને કરવાનો સે. મારી બુદ્ધિ કરતા મને મારું પાપી પેટ વધુ વા'લુ લાગ્યું. ઝમકુ કરતા મને મારો જજમાન વધુ વા'લો લાગ્યો. જો હું વ્યાળું કરવા નો ગ્યો હોત તો આપડે ઝમકુને નો ખોઈ હોત. પણ શામજી !! મારા ઠાકોરજીના સમ મને નો'તી ખબર મારુ ભણાવેલી સોડી આવું પગલું ભરી લેશે. માફ કરી દે ભલા માણહ ! સુલતાનપુરના લોકો કરતાય મોટો ગુનેગાર તો હું સુ. " બથ ભરી બંને એકબીજાની માફી માંગી રહ્યા હતા. હમીરભા બંનેને શાંત કરવા માટે નીચે ઉતર્યા. અને આશ્વાસન આપ્યું.
" હશે હવે જે થઈ ગયું ઇ તો બદલાવવાનું નથી અટલે હવે નાહકનું દુઃખી થવાનો કોઈ મતલબ નથી. અને શામજી મારા ભઈ હિંમત રાખ. મને ખબર સે તારા ઉપર શું વીતતી હશે પણ આમ હિંમત હારી જવાથી થોડું હાલશે. ઝમકુનો આત્મા તને જોશે તો દુઃખી થાશે. " હમીરભાની આંખો પલળવાની તૈયારીમાં જ હતી પણ કદાચ એ છુપાવવાની કોશિશ કરતા હતા.
" હમીરભા ! ઇ કરણુ અને કાન ભરવાવાળાને સોડતા નઈ. અને બીજી વાત કે જે હું એક જ અભાગ્યો એવો સેજકપરનો સુ જે જાણું સુ. કાલ મારી જીભ નો ઉપડી. "
" શુ વાત સે મા'રાજ ? " ભીખુભા પણ ઘોડા પરથી ઉતરી ગયા.
" આપડી...આપડી... " એ બ્રાહ્મણની જીભ પકડાવવા લાગી. જાણે શબ્દો નીકળવાનું નામ નો'તા લેતા. " હમીરભા, .... આપડી ઝમકુના હારા દી' જતા હતા. ચાર મહિના થયા હતા. એ સોડી મારી પાંહે આવી તારે બહુ ખુશ હતી. એની આંખોની ઇ ખુશી અને ઈનું હાસ્ય મને કાલે આખી સુવા નો'તું દેતું. મને કે 'સાહેબ તમે મારા પે'લા મામેરિયા સો. મારા ઘરે જમવા આવવાની ના નો પાડતા.' હુંય... બહુ ખુશ હતો. હું તો વિચારતો હતો કે શામજીને આ હમાચાર આપીશ તારે ઇ ચેટલો ખુશ થશે ? પણ કુદરતે આખી બાઝી ફેરવી નાખી. મારી સોડીના છઠ્ઠીના લેખ લખનાર વિધાતાને મોળા અક્ષર કાઢતા હાથ ચમ હાલ્યો હશે. " એ બ્રાહ્મણ ગાંડા જેવી વાત કરતો હોય એવું લાગતું હતું. બેઘડી તો કોઈને વિશ્વાસ ન આવ્યો કે આ ભૂદેવ શું બોલે છે. શામજીભાઈ તો આ વાત સાંભળી એક દિવાલના ટેકે ભોંય પર જ બેસી ગયા. હમીરભાએ શામજીભાઈને ઊભા કર્યા અને ભીખુભાએ વિષ્ણુરામને શાંત કર્યા. વિષ્ણુરામ તો તોય શામજીભાઈ પાસે માફી માંગવા જેવા શબ્દો બોલી ગાંડાની જેમ બોલતા હતા. વિષ્ણુરામને ઘર તરફ હાલતા કરીને ત્રણેય ઘોડા પર અસવાર થઈને સુલતાનપુર જવા રવાના થઈ ગયા.
હમીરભાનો ગુસ્સો સાતમા આસમાને પહોંચી ગયો હતો. એ તો જલ્દી સુલતાનપુર આવે એવા વિચારમાં બધી દાઝ પોતાની ઘોડી કાઢતા હતા. ભીખુભા અને શામજીભાઈ એમની સાથે ચાલવાની કોશિશ કરતા હતા પણ પાછળ રહી જતા હતા. ભીખુભા તો વારંવાર પોતાની અંઝારી કટાર તપાસતા હતા. જાણે કટારને કહેતા હોય કે 'આજ તને લોહી ચખાડવું છે' પણ નામ વિઠલનું લખ્યું હોય એવું લાગતું હતું કારણ કે શંકરાવાળી વાત તો ખબર નહોતી. વર્ષો બાદ સેજકપરમાંથી બહાર નીકળેલ શામજીભાઈને આ ગામતરું વહામુ લાગતું હતું. અનેક વિચારો રસ્તાને ભયંકર બનાવતા હતા. બપોર થતા થોડું ઘણું જમીને પાછા રવાના થયા. સાંજના લગભગ સાત વાગ્યા હશે ત્યાં એ લોકો સુલતાનપુરના પાદરમાં પહોંચી ગયા.
શામજીભાઈ પોતાની દીકરીનું સાસરું બીજીવાર જોતા હતા. વર્ષો પહેલા એ વિઠલ સાથે સગાઈ નક્કી કરવા આવ્યા હતા ત્યારે જોયું હતું અને એક આજની સાંજ હતી. વિચારોએ પાછી હડી કાઢી. ..જો... મારી ઝમકુ હોત તો હું એના ઘેર પહોંચુ ત્યારે કેવી દોડીને મને વળગી પડેત. હું એના ખબર-અંતર પુછેત. એ છોડી મારી કેવી સરભરા કરેત. ઘરમાં કેવી દોડા-દોડી કરેત. બે પાડોશીને પણ કહી આવેત 'મારા બાપા આવ્યા સે.' આ વિચારોએ પાછો શામજીને રોવડાવ્યો. એના હાથ પગ ધ્રૂજવા લાગ્યા હતા. એ સુલતાનપુરની હવા એને શ્વાસ લેવા નો'તી દેતી. એ તો બસ હમીરભા અને ભીખુભા પાછળ ચાલ્યો જતો હતો. વિઠલનું ઘર આવી ગયું એટલે હમીરભા અને ભીખુભા ઘોડીઓ પરથી ઉતરી ગયા પણ શામજીભાઈ તો હજુ વિચારોમાં જ હતા. હમીરભાએ એક ટકોર કરી ત્યારે તો એ નીચે ઉતર્યા.
વિઠલના ઘરનું બારણું ખુલ્લું જ હતું. કારણ કે ઝમકુના ગયા બે દિવસ થયા હતા એટલે બધા ગામલોકો બેસવા આવ્યા હતા. એક મહારાજ કથા કરતા હતા અને બીજા બધા સ્ત્રી-પુરુષો કથા સાંભળતા હતા. વિઠલ તો જીવતી લાશ જેવો એક દિવાલના ટેકે બેઠો હતો. બાકી બીજા એમના સમાજના લોકો કથા સાંભળતા હતા. થોડા ઘણા લોકો ગામના હતા. પણ કરણુભા કે શંકરો ત્યાં હાજર નહોતા. એટલામાં હમીરભા, ભીખુભા અને શામજીભાઈ ઘરમાં દાખલ થયા. આ લોકોને જોઈને થોડા વડીલો ઊભા થયા અને રામ રામ કર્યા. શામજીભાઈએ તો બે દિવસ પહેલા લિંપેલી ગાર જોઈને રડવા લાગ્યા. બધા એમને હિંમત આપવા લાગ્યા. મહારાજે કથા બંધ કરી દીધી અને શામજીભાઈને જ્ઞાનની ભાષા સમજાવવા લાગ્યા. પણ બાપ-દીકરીના પ્રેમમાં જ્ઞાન થોડું લાગે ? બધા થોડીવાર બેસીને ઊભા થઈને ચાલતા થયા. છેલ્લે વધ્યા બે-પાંચ વડીલ, વિઠલ અને આ ઝમકુના પિયરીયા.
હવે વિઠલ ઊભો થયો અને સીધો હમીરભા અને શામજીભાઈના પગમાં પડી ગયો. અને બુદ્ધિહીન બાળક જેવી વાતો કરવા લાગ્યો.
" હવે શું રોવેશ નાલાયક ! તે તો તારા ઉજળા કુળને આગળ વધારનારની જિંદગીમાં આદુ વાવી દીધા. " ભીખુભા એકદમ ગુસ્સામાં આવી બોલવા લાગ્યા.
" બાપુ, શાંત થઈ જાવ. આમાં વિઠલનો કોઈ દોષ નથી. "
" શું દોષ નથી !! ઇ તો આનું ખોરડું ઉજાળવા આવી હતી. પણ આ નપાવટે ઇની કદર નો કરી " હવે હમીરભા પણ થોડા ગુસ્સામાં હતા.
" હા .. બાપુ, મેં ઇની કદર નો કરી મને મારી નાંખો. હું મરી જવા ત્યાર સુ. હુંય ઇ કૂવે કાલ રાતે જ્યો 'તો પણ મારી જીગર નો હાલી. તમે મને મારી નાંખો અટલે આ પાપમાંથી હું સુટુ. " વિઠલ આવી પાયાવિહોણી વાતો કરતો હતો પણ એ ક્યાંક તો સાચો હતો. પછી ગામલોકોએ આખી વાત કરી. શંકરો વિઠલને દારૂના વાડામાં મળ્યો હતો ત્યારે વિઠલને ના કહેવાનું કહ્યું હતું. અને કરણુભાને કાન ભરવામાં પણ એનો જ હાથ છે. હવે આખી વાત સમજાઈ ગઈ હતી.
" તો તમે બધા શું કરતા હતા ? મારી સોડી ઇના જીવતરની પોટલી બાંધી નીકળી જઈ અને સમાજ આખો જોતો રયો. આમ પણ આપડા સમાજને ઘરણ ટાણે જ સાપ કાઢવાનું હુઝે સે કાં ? !! " શામજીભાઈ પોતના સમાજને જ વગોવી રહ્યા હતા.
" વેવાઈ, તમારી વાત હાવ હાસી સે પણ અપડું જ માંડ પૂરું પડતું હોય ન્યા આવી વાતમાં કોણ પડે ?? એમાંય ઇ માથાભારે શંકરાને શું હમજાવે ?? અમે ગુનેગાર તો સિયે પણ શું કરીએ ? " એક વડીલે શામજીભાઈને ખભે હાથ મૂકીને કહ્યું.
" અને અમારા બાપુ !! ઇમને તો શંકરો અટલે હોનાનો. ઇ કે એટલું જ હાસુ. આપડે બધા ખોટા. " બીજા વડીલ બોલ્યા.
" આ આજ ઝમકુવવને બે દા'ડા થયાં પણ હજુ અમારા બાપુ કે શંકરો અયાં ડોકાણા નથી. " ત્યાં ત્રીજો બોલ્યો. આ બધું સાંભળીને હમીરભા અને ભીખુભાનો મગજ ગરમ થઇ ગયો.
" શામજી, તું અયાં જ બેહજે. અમે કરણુ પાંહે જઈને આવીએ સિયે. " ઘોડીઓ પર પલાણ થઈને હમીરભા અને ભીખુભા નીકળી ગયા.
ક્રમશ: .......
લેખક: અરવિંદ ગોહિલ