સમર્પણ - 10 Jasmina Shah દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

સમર્પણ - 10

" સમર્પણ " પ્રકરણ-10

આપણે પ્રકરણ-9 માં જોયું કે જીવરામશેઠના ઘરમાં ખુશીનો માહોલ છવાઈ ગયો હતો, નીમા અને નમ્રતાના ખોળા ભરતની વિધિ સુખરૂપ પૂર્ણ થઇ ચૂકી હતી અને ઘરના દરેક સભ્યએ પ્રભુને પ્રાર્થના કરી કે નીમા અને નમ્રતા બંને એક સુંદર સંતાનને જન્મ આપી માતા બનવાના અધિકારી બને....હવે આગળ...

નીમા અને નમ્રતા બંનેના માતા-પિતાની પણ ખુશીનો કોઈ પાર ન હતો, બંનેની માતાઓ પણ આવનાર બાળકની તૈયારીમાં પડી ગઈ હતી. તેમજ નીમા અને નમ્રતા બંને પોતાના આવનાર બાળકની તૈયારીમાં પડી ગયા હતા અને આવનાર બાળકના સપના જોતા હતા.

નીમા અને નમ્રતા બંનેને એકજ ડૉક્ટર- ડૉ.અંજનાબેનની દવા ચાલતી હતી. હવે તે દિવસ આવી ચૂક્યો હતો જે દિવસની સમગ્ર પરિવાર રાહ જોઇ રહ્યું હતું. નીમાને અને નમ્રતાને બંનેને લેબર પેઈન એકસાથે જ ઉપડતા બંનેને ડૉ.અંજનાબેનના ત્યાં લઈ જવામાં આવ્યા. નમ્રતાએ ટ્વીન્સ બાળકોને જન્મ આપ્યો જેમાં એક હતો દિકરો અને બીજી હતી દીકરી. પરંતુ નીમાની તબિયત થોડી ગંભીર થઈ ગઈ હતી તેને ઓપરેશન થિયેટરમાં લઈ જવામાં આવી. પણ કેસ વધુ બગડતો જતો હતો, મા તેમજ બાળક બંનેમાંથી એક જ જીવ બચે તેમ હતું તેથી ડૉક્ટરે નર્સ જોડે બહાર સમાચાર મોકલાવ્યા, ઘરના બધા સભ્યોની ખુશી ચિંતામાં ફેરવાઈ ગઈ હતી. આનંદે નર્સને કહ્યું કે મારી નીમાનો જીવ બચાવી લેજો. અને નીમાની કૂખે દિકરો તો જન્મ્યો પણ તે મૃત્યુ પામ્યો. નીમા હજુ બેભાન અવસ્થામાં જ હતી તેથી તેને આ વાતની ખબર શુધ્ધા ન હતી.

પરંતુ આ સમાચાર નમ્રતાને મળ્યા એટલે નમ્રતા ખૂબજ ઉદાસ થઈ ગઈ અને વિચારવા લાગી કે આટલા બધા વર્ષો સુધી રાહ જોવડાવ્યા પછી પણ નીમાભાભી તેમજ આનંદભાઈ પોતાના બાળકનું મોં ન જોઈ શક્યા...!! ઈશ્વર પણ કેવી અને કેટલી પરીક્ષા લે છે માણસની...!! અને નીમાભાભી જ્યારે ભાનમાં આવશે અને તેમને જ્યારે પોતાની કૂખે જન્મેલું મૃત બાળક જોવા મળશે ત્યારે તેમની શું હાલત થશે...?? કદાચ તે જીવતેજીવત મૃત્યુ પામશે...?? અને તે જ ક્ષણે તેને વિચાર આવ્યો કે મારી કૂખે બે બાળકો અવતર્યા છે તેમાંથી હું એક બાળક નીમાભાભીને આપી દઉં તો...?? એ બાળક ઘરમાં જ મારી નજર સમક્ષ જ રહેવાનું છે અને મારા કરતાં કદાચ તેની પરવરીશ નીમાભાભી અને આનંદભાઈ વધારે સારી રીતે અને અનેકઘણાં પ્રેમથી કરશે...કદાચ એટલે જ મારી કૂખે બે બાળકો અવતર્યા હશે....!!

અને તેણે પોતાની આ વાત અનિષને જણાવી અનિષ નમ્રતાની વાત સાંભળીને પોતાની પસંદગી ઉપર ગર્વ અનુભવવા લાગ્યો પછી આ વાત અનિષે તેના સમગ્ર પરિવારને જણાવી અને પરિવારના તમામ સભ્યો નમ્રતાની મહાનતા ઉપર ગર્વ અનુભવવા લાગ્યા અને નમ્રતા માટેનો તેમનો પ્રેમ તેમજ માન સૌને અનેકગણા વધી ગયા. આખુંય વાતાવરણ જાણે ખુશીથી મહેંકી ઉઠયું જીવરામશેઠના પરિવારમાં વહુના સ્વરૂપમાં જાણે સાક્ષાત દેવી પધાર્યા હતા અને ખુશીઓની વણઝાર લઈને આવ્યા હતા તેમ ખુશી ચોતરફ ફેલાઈ ગઈ હતી. અને દેવો પણ જાણે નમ્રતાને તેમજ તેના બાળકોને આશીર્વાદ આપી રહ્યા.

આનંદ તો અનિષ તેમજ નમ્રતાની આ વાત સાંભળીને ગદ્ ગદ્ થઈ ગયો, નમ્રતા અને અનિષના પગમાં પડી ગયો અને ધ્રુસકે ને ધ્રુસકે રડવા લાગ્યો. ઘરના દરેક સભ્યોની આંખમાં પણ આ દ્રશ્ય જોઇને આંસુ આવી ગયાં, સૌ નમ્રતાની મહાનતાને નિહાળતા રહ્યા.

નમ્રતાએ ઉદાર દિલે પોતાના પ્રાણથી પણ વધુ પ્યારો પોતાની કૂખે જન્મેલો રાજકુંવર જેવો દિકરો પોતાની જેઠાણીને આપી જેઠાણીનો ખોળો ભરી દીધો અને શેર માટીની ખોટ પૂરી કરી, ધન્ય છે આવી દેરાણીને જેણે પોતાના સ્વાર્થનો હસતા મુખે ત્યાગ કર્યો અને એક પરિવારને હસતું-ખેલતું કરી દીધું.
વધુ આગળના પ્રકરણમાં.....