અમાસનો અંધકાર - 17 શિતલ માલાણી દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

અમાસનો અંધકાર - 17

આપણે આગળ જોયું એ મુજબ શ્યામલી અને વીરસંગના મંડપ રોપાય છે.આજ શુભ ઘડી આવી ગઈ છે જ્યાં અગ્નિની સાક્ષીએ આજ એ બેય એક થશે...

આજ પરોઢની વેળા થઈ છે જ્યાં વહેલી સવારના મોરનાં ટહુકાર સંભળાય છે. જાણે પ્રસંગને શુકનિયાળ બનાવવા વહેલી ઊઠવાની હોડ માંડી હોય. આજ ઘરે ઘરે શુભ અવસરના ટાણા સાચવવા દીપ પ્રગટાવવામાં આવ્યા છે. બધા વીરસંગના આયુષ્ય,સુખી જીવન અને આવનારી લક્ષ્મીના સ્વાગતની મનોકામના કરે છે.

બધા આજે ખુશખુશાલ છે. જાનૈયા બધા સાફા, પાઘડી અને વડીલોના મસ્તકે માનભેર ટોપી પહેરી તૈયાર છે. જાનરડીઓ પણ લાલ ચણિયાચોળી, લીલા સાડલા અને આભલા મઢેલા ઓઢણાથી ઝગમગે છે. ગણપતિના રૂડાં ગાન સાથે વીરસંગને એની કાકી મોતીડે વધાવે છે. એક કાકી મોતીડા જીલે છે. વીરસંગની પિતરાઈ બહેનો રાઈ-મીઠાનાં શકન વેરવતી વીરસંગની પાછળ ચાલે છે.

રૂકમણીબાઈ પણ હરખે આંસુની હેલી વરસાવતી એના ધણીને યાદ કરતી કહે છે "આપણો જન્મયો પરણવા જાય છે તો અમી દ્રષ્ટિના બુંદ વરસાવજો." આજ તો વીરસંગનો મામો પણ કેદની બહાર આશિષ આપવા ઊભો‌ છે એને પણ વીરસંગની જુવાની પર ભારોભાર અભેમાન છે કે "મારો ભાણો મારી બેનડીનો દિ કોક દા'ડે તો વાળશે જ."

સફેદ ઘોડા પર સુંદર ભરત ભરેલું કપડું સજાવ્યું છે. જાણે ઈન્દ્રનો ઘોડો હોય એમ જ. વીરસંગને હાથે સાચી સોનાની કટાર હોય છે. જાન શુભ મુહૂર્તમાં નાનાગઢ જવા રવાના થાય છે. એક બગીમાં વીરસંગ અને એની માતા હોય છે. બીજી બગીમાં જુવાનસંગ અને એની પત્નીઓ હોય છે. પચાસ ગાડામાં બધી જાનરડી અને બધા જાનૈયા પોતપોતાના ઘોડા પર સવાર થઈ નીકળે છે.

શ્યામલી પણ આજ નવવધૂ બની એના પ્રિયતમની રાહ જોવે છે. કાળુભા તો આજ પોતે ભારે હૈયે દીકરીને વળાવવા મક્કમ બન્યા છે. ચંદા તો આખી સોને મઢાઈ છે પણ અંદરખાને એક ડર લાગે છે. શું થશે એ નથી સમજી શકતી એ !! વડીલ ડોશીઓ સમજાવે છે કે 'દીકરી વળાવવી અઘરી છે બેન, હ્રદયે પથ્થર રાખી સોંપવી જ પડે પારકા હાથે.'

શ્યામલીની સખીઓ પણ આજ થોડી વિહ્વળ બની છે. આજ એની બાળપણની સહેલીનો સાથ જો છુટવાનો છે. આજ ગામમાં પતાકા, તોરણો અને ફૂલતોરા બાંધ્યા છે પણ એ પણ શ્યામલીની વિદાયને નથી જોવા ઈચ્છતા.

શ્યામલીએ તો આજ સફેદને લીલા રંગના ચણિયાચોળી અને લાલ-ગુલાબી ઓઢણી ઓઢી છે. નખ-શિખ સોનાના ઘરેણા સ્વર્ગની અપ્સરાની ઝાંખી કરાવે છે. હાથીદાંતનો અને મણિયારા આગળ ઘડાવેલો સોહાગણ ચૂડલો હાથને ઓર સુંદરતા બક્ષે છે. મોગરા- ગુલાબની વેણી એના વાળને અદભૂત રીતે નિખારે છે. નાકમાં ઝોલા ખાતી નથડી અને લલાટે ચોંટાડેલી દામડી એના મસ્તક પર સપનાનો નવો સૂરજ ઊગ્યો હોય એવી આભા પ્રકટ કરે છે.

શ્યામલીનો સાવરિયો ગામને પાદર પહોંચી ગયો છે. ઢોલના અવાજે આખું નાનાગઢ મંગળ ગીત ગાતા ગાતા વરરાજા અને એની જાનનું સ્વાગત કરે છે. ગામની સ્ત્રીઓ અને મહિલાઓ દૂરથી જ વરરાજાના ઓવારણા લેતી ' લાંબુ જીવો' એવા આશિષ આપે છે. ત્યાં જ વીરસંગની કાકી હળવેથી કાન પાછળ કાજળનું ટપકું કરતી બોલે છે.. 'મારા કલૈયા કુંવરને નાનાગઢની નવેલીયુંની નજર ન લાગવી જોઈએ.' ....

વાજતે - ગાજતે શ્યામલીના આંગણે જાનનો ઘોડો ઊભો રહે છે. ખુદ કાળુભા વરરાજાને હાથ આપી ઘોડેથી નીચે ઊતારે છે. જાણે આજ સીતાને તોરણ એના રામ પધાર્યાં છે.ચંદા એના આંગણે કરેલા ઉંબરા પર જ વરરાજાના આગમનને વધાવે છે. એ મીઠું - રાઈથી વરરાજાની નજર ઉતારે છે. પછી વરરાજાને કેસરીયા દૂધ પીવડાવી બાજોઠ સુધી દોરી જાય છે..

બાજોઠ પાસે જઈને વીરસંગ એની શ્યામલીની વરમાળા સાથે પ્રતિક્ષા કરે છે. ત્યાં તો સોળે શણગાર સજી આવતી મૃગનયની, રૂપસુંદરી અને મનની મહારાણી એવી શ્યામલી નીચી નજરે ફૂલોથી ગૂંથેલ માળા સાથે વીરસંગ તરફ આવતી દેખાય છે. સખીઓ એક એક પગલે મગ-મોતી વેરે છે એને શ્યામલીના જીવનના રસ્તામાં આવતા શુકન ગણે છે. ધીમે-ધીમે અને પાયલના રણકારે છમ છમ કરતી એ કન્યા વીરસંગ સામે ઊભી રહે છે.

------------ ( ક્રમશઃ) --------------

લેખક : શિતલ માલાણી

૧૦-૧૦-૨૦૨૦

શનિવાર