પવનચક્કીનો ભેદ
(કિશોર સાહસકથા, ૧૯૮૨)
પ્રકરણ – ૧૨ : છોકરો એક થયો ગુમ
ભરત જ્યારે પવનચક્કીના અંધારા ભોંયરામાં પડ્યો હતો ત્યારે રામ અને મીરાં એનાથી બે કિલોમીટર દૂર હતાં. નદીનો પટ જ્યાં સારો એવો પહોળો હતો ત્યાં એમણે ધામા નાખ્યા હતા. અહીં ઝાડ ઘટાદાર હતાં. શીતળ પવન વાઈ રહ્યો હતો. આકાશમાં રૂના પોલ જેવાં સફેદ વાદળાં આમતેમ દોડાદોડ કરતાં હતાં.
રામ એક શિલાનું ઓશીકું કરીને હરિયાળા ઘાસ પર આડો પડ્યો હતો. મીરાં નદીના પાણીમાં પગ બોળીને ગીત ગણગણતી હતી. છેલ્લા બે કલાકમાં પાંચમી કે છઠ્ઠી વાર એ બોલી, “મને લાગે છે પેલા ઢીલાશંકર પોચીદાસે પગના ડંખ ઉપરની પટ્ટી નહિ જ બદલી હોય. હું એને પટ્ટી બદલવાનું કહી તો આવી હતી પણ.....”
રામ કંટાળાથી બોલ્યો, “અરે, એણે પટ્ટી ના બદલી હોય તો પણ શું થઈ ગયું ?”
“શું થઈ ગયું કેમ ? ડંખ પાકી જાય તો ભારે થાય. અને ભરત છે સાવ ઢીલો. એ ડંખને પકવી બેસે એવો જ છે. પછી તો નાનાં માસી આપણને ધોઈ જ નાખે !”
રામ હવે તો ખરેખરો ચિડાઈ ગયો. “સાંભળો, મીરાં બહેની ! આપણે આ ભરતને સાથે લાવ્યાં એ જ ભૂલ કરી છે. એને સાથે લીધો ત્યારથી જ એને વિષે ચિંતા કરવા સિવાય બીજું કાંઇ કર્યું છે આપણે ? પણ આખરે તું છોકરી એટલે છોકરી. એની ચિંતા કર્યા વિના તને નહિ ચાલે. બહુ લાગતું હોય તો ચાલ પાછાં જઈએ.”
મીરાંએ ઊભાં થતાં કહ્યું, “એ વાત પણ ઠીક છે. આપણને આવ્યાંને ઠીકઠીક વખત થયો. હવે જઈએ.”
એ લોકો મોટાં માસીની હવેલીએ પહોંચ્યાં ત્યારે કેપ્ટન બહાદુર બારણામાં ઊભો ઊભો એની બગલની ઘોડી પછાડતો હતો. એણે પૂછ્યું, “ભરત ક્યાં ?”
રામ અને મીરાંએ પૂછ્યું, “એ ઘરમાં નથી ?”
બહાદુરે સામું પૂછ્યું, “એ તમારી સાથે આવ્યો નથી ?”
બંનેએ ડોકાં ધુણાવ્યાં.
“તો પછી એ ક્યા પિંઢારાઓ સામે લડવા ટળ્યો છે ?” બહાદુરે ઘાંટો પાડ્યો. “ઘરમાં તો એ ક્યાંય નથી.”
રામે કહ્યું, ‘હશે આટલામાં જ ક્યાંક. પગે ફોલ્લા છે, એટલે એ ઢીલાશંકર પોચીદાસ છેટા તો ક્યાંય જાય નહિ. હમણાં આવશે.”
એમ કરતાં કરતાં સાંજ પડી. ભરત ક્યાંય દેખાયો નહિ. સૌના જીવ ઊંચા થઈ ગયા. સાંજનું વાળુ કોઈને ભાવ્યું નહિ. હાથ ધોતાં ધોતાં કેપ્ટન બહાદુરે કહ્યું, “આપણે આસપાસમાં તપાસ કરવી જોઈએ. રાત પહેલાં એને શોધી કાઢવો જોઈએ.”
પણ રાત પહેલાં એમને ભરત જડ્યો નહિ ! રાત વધતી ગઈ, ચિંતા વધતી ગઈ, દોડધામ વધતી ગઈ. ભરત મળવાની આશા ઓછી ને ઓછી થતી ગઈ. કદાચ મોટાં ભાઈબેનથી રીસાઈને સ્ટેશને જતો રહ્યો હશે એવું માનીને સ્ટેશને જોઈ આવ્યાં. ભરત ત્યાં પહોંચ્યો નહોતો. આસપાસનાં ખેતરોમાં તપાસ કરી. બહાદુરે ટ્રેક્ટરને ખૂબ ચલાવ્યું. ઓળખીતા-પારખીતા સૌને જણાવી દીધું. એક છોકરો ખોવાયો છે, એને શોધી કાઢો. આખી સીમમાં દોડધામ મચી ગઈ.
થોડા સમયની શોધખોળ પછી રામ અને મીરાં હવેલીએ જ રહ્યાં હતાં. એમને આશા હતી કે ભરત આવી જશે. અથવા કોઈ એના સમાચાર લાવશે. મધરાત સુધી ભરતનો પત્તો જ ન ખાધો ત્યારે એમણે નક્કી કર્યું કે નાનાં માસીને જણાવવું જોઈએ કે ભરત ખોવાઈ ગયો છે. મધરાત બાદ બહાદુર પાછો આવ્યો ત્યારે એમણે આ દરખાસ્ત મૂકી.
પણ બહાદુરે સલાહ આપી, “થોડીક રાહ જુઓ. નાનાં માસીને નાહકનાં ગભરાવી મારવાની જરૂર નથી. ભરત કાંઇ છેટે ગયો નહિ હોય.”
રામ બરાડી ઊઠ્યો, “છેટે કે નજીક, એણે જવું જ શા માટે જોઈએ ?”
બહાદુરે સામો બરાડો પાડ્યો, “બેટમજી, એનો વાંક શા માટે કાઢો છો ? એને એકલો મૂકીને તમે બંને શા માટે ઊપડી ગયાં હતાં. ?”
મીરાંએ બંનેને શાંત પાડવા હાથ ઊંચા કરીને કહ્યું- “એમાં તમે બે જણા શાના ઘાંટાઘાંટ કરો છો ? ભરત છે જ એવો. નાનો હતો ત્યારથી ઢીલોપોચો અને માંદલો. હંમેશા કશીક મુસીબતમાં ફસાઈ જાય છે ! અને તમારે ઘાંટા પાડવા જ હોય તો મારી સામે પાડો. ભરતને મૂકીને ફરવા જવાનું રામને મેં કીધું હતું.”
બહાદુરે મીરાંનો ખભો થાબડ્યો. “તું ચિંતા ન કર, મીરાં. અમે કોઈની ઉપર ઘાંટા નહિ પાડીએ. ભરતને ખરેખર કશું જ નહિ થયું હોય. એ ફરવા નીકળ્યો હશે અને ભૂલો પડી ગયો હશે. ઓછામાં ઓછા વીસ માણસ અત્યારે એને શોધી રહ્યા છે. સવાર પડતાં તો આખી સીમમાં એના સમાચાર ફેલાઈ જશે.”
રામે અચાનક જ કહ્યું, “પોલીસને જણાવવું જોઈએ, એવું તને નથી લાગતું, બહાદુર ?”
એ સાંભળતાં જ બહાદુર જાણે ચોંકી ગયો હોય એવું લાગ્યું. એનાં ભવાં સંકોચાઈ ગયાં. એ જાણે ડરી ગયો હોય એમ ઉતાવળે બોલી પડ્યો, “પોલીસ ? છી : ! છી : ! છી : ! આમાં પોલીસની શી જરૂર ?”
“પણ પોલીસવાળાને ખોવાયેલા માણસોને શોધવાની ઘણી આવડત હોય છે. એમની પાસે માણસની ગંધે ગંધે જનારાં તાલીમ આપેલાં કૂતરાં હોય........”
“હા, હા !” બહાદુરે રામની વાત અધવચમાં જ કાપી નાખતાં મજાકમાં કહ્યું, “જોયાં મોટાં પોલીસનાં કૂતરાં ! પોલીસને જણાવો એટલે વાત છાપે ચડે. બધાં લોકો છાપાં વાંચે. તારી બા અને તારી બેય માસીઓ રણચંડી જેવી બનીને અહીં ધસી આવે. પછી મારા તો ભુક્કા જ બોલી જાય ને ! ના રામ, આપણે જાતે જ ભરતને શોધી કાઢીશું. અને તમે છોકરાંઓ હવે ચિંતા કરવાનું છોડો. ભરત નથી ખોવાઈ ગયો કે નથી એને કશી ઈજા થઈ. એ ભૂલો પડી ગયો છે, બસ.”
આટલું કહીને બહાદુર વળી બારણા બહાર નીકળ્યો. ટ્રેક્ટરની સીટ પર ચડી બેઠો. હમહમાટ કરતું ટ્રેક્ટર હંકારી મૂક્યું. રામ અને મીરાં એકબીજાં સામે અજાયબીથી તાકી રહ્યાં. રામે ધીમેથી પૂછ્યું, “તને કાંઇ સમજાયું, મીરાં ?”
મીરાંએ ડોકું ધુણાવ્યું, “એ પોલીસને આ વાત જણાવવા માગતો નથી, ખરું ને ?”
“હા. અને મને સાચેસાચ લાગે છે, મીરાં, કે અહીં કશીક જબરી ગરબડ છે. આપણે આવ્યાં ત્યારથી જ ભેદી ઘટનાઓ અહીં બની રહી છે. આપણે આવીને રસોડામાં જે જોયેલું એની બહાદુરે આપેલી સમજૂતી બેકાર છે. ધારો કે કોઈ પડોશી ખેડૂત આવીને નાસ્તો કરી ગયો હોય. પરંતુ એ અગત્યનો તાર વાંચીને કે વાંચ્યા વિના ડૂચો વાળીને ફેંકી દે એવું કેવી માની શકાય ?”
“અને પવનચક્કીનું શું ?” મીરાં બોલી. “બહાદુરે શા માટે આપણને પવનચક્કીમાં જવાની આટલી સખ્ત મનાઈ કરી ? અને બીજી પણ ઘણી ભેદી વાતો છે. હાય, રામ !” મીરાંની આંખોમાં આંસુ આવી ગયાં.
“બહાદુર તો બગડી નહિ ગયો હોય ને ? આપણને એના પર કેટલો વિશ્વાસ હતો ! કેટલું હેત ! જો એ જ દુષ્ટ બની ગયો હશે અને એણે જ ભરતને ગુમ કર્યો હશે તો આપણી શી દશા થશે ?”
આટલું બોલતાં તો મીરાં હીબકે ચડી ગઈ.
એટલામાં જ ટ્રેક્ટર પાછું ફરવાનો અવાજ સંભળાયો.
***