પ્રણયભંગ ભાગ – 28
લેખક - મેર મેહુલ
“અખિલ, તું રડ નહિ પ્લીઝ” નિયતી છેલ્લા એક કલાકથી અખિલને શાંત કરવાનાં નિરર્થક પ્રયત્નો કરી રહી હતી. થોડીવાર પહેલાં જ બંને સિયાને મળીને આવ્યાં હતા. સિયાએ અખિલને જે શબ્દો કહ્યાં હતા એ અખિલના મગજમાં હથોડાની જેમ વાગી રહ્યા હતા.
“એ મારાં માટે બધું હતી યાર, તેણે મારી સાથે આવું શા માટે કર્યું ?” અખિલ રડતાં રડતાં એક જ વાક્ય બબડતો હતો.
“જે થઈ ગયું એને તો તું બદલી શકવાનો નથીને ?” નિયતીએ કહ્યું.
“પણ તેણે મારી સાથે આવું શા માટે કર્યું?, શું ભૂલ હતી મારી ?”
“તું ચૂપ રહે હવે” નિયતીએ મિજાજ બદલ્યો, “એ તને સમજી ના શકી એમાં તારી શું ભૂલ છે ?”
“પ્રેમ કરતાં હતાં અમે, એકબીજા વિના રહી નહોતાં શકતાં”
“તારાં માટે પ્રેમ હતો, એનાં માટે તો તું ટાઈમપાસ જ હતો. અને એણે ખોટું શું કહ્યું ?, ચિરાગ વેલ સેટ છે, એની ઉંમરનો છે. તારી પાસે શું છે ?”
“જો પ્રેમમાં રૂપિયા જ જરૂરી હોય તો હું પણ એને કંઇક બનીને બતાવીશ” અખિલે દાંત ભીસ્યાં.
“તો પછી રડવાનું બંધ કર અને તારાં લક્ષ્ય પર ધ્યાન આપ, તારે હજી ઇન્ટરવ્યૂ આપવાનું છે” નિયતીએ અખિલને પાણીનો ગ્લાસ આપ્યો.
(આજે સાંજે પાંચ વાગ્યે)
પ્રિયાને મળીને અખિલ અને નિયતી બીજા દિવસે અમદાવાદ નૈતિકને મળવા પહોંચી ગયાં હતાં. અખિલ અને નિયતી નૈતિકના ચેમ્બરમાં બેઠાં હતાં.
“એટલું જરૂરી તો શું કામ હતું કે મને મળવા તમે સ્પેશ્યલ એપોઈટમેન્ટ લીધી ?” નૈતિકે પુછ્યું.
“અમે સિયાને મળવા ઇચ્છીએ છીએ” નિયતીએ કહ્યું.
“તમે સિયાનાં ફ્રેન્ડ છો, રાઈટ?” અખિલ સામે જોઇને નૈતિકે કહ્યું.
“હા, આ મારી ફ્રેન્ડ નિયતી છે અને અમે બંને સિયાને મળવા આવ્યા છીએ પણ તેનું એડ્રેસ નથી ખબર. અમારી વાત પ્રિયા સાથે થઈ હતી. તેઓએ તમને મળવા માટે કહ્યું હતું” અખિલે કહ્યું.
“પણ સિયા તો અત્યારે નહિ મળે”
“કેમ ?, ક્યાં ગઈ છે એ ?” અખિલે પુછ્યું.
“વડોદરા જવાની હતી, હું તમને એડ્રેસ આપું છું. તમે તેનાં ઘરે જોઈ આવો, જો તમારાં નસીબ સારા હશે તો આજે નહીં ગઈ હોય” કહેતાં નૈતિકે એક કાગળ પર સિયાનાં ઘરનું સરનામું લખી આપ્યું.
“થેંક્યું” અખિલે કાગળ લઈ નૈતિક સાથે હાથ મેળવ્યો.નૈતિક કંઈ બોલે એ પહેલાં અખિલે નિયતીને ઈશારો કર્યો અને ઉભો થઇ બહાર નીકળી ગયો.
બહાર આવી અખિલે એડ્રેસ વાંચ્યું.
“કેટલું દૂર છે ?” નિયતીએ પુછ્યું.
“સાત કિલોમીટર” અખિલે શટલ માટે હાથ ઊંચો કરીને કહ્યું.
“એ ત્યાં નહિ હોય તો ?”
“તો રાહ જોઈશું” અખિલે કહ્યું.
એક શટલ આવીને ઉભી રહી એટલે અખિલ બેસી ગયો.નિયતી પણ તેની પાછળ શટલમાં બેસી ગઈ.
પંદર મિનિટ પછી બંને એક સોસાયટીમાં પ્રવેશ્યાં.અખિલનાં હ્રદયનાં ધબકારા વધી રહ્યા હતાં.અખિલ ઉતાવળા પગે આગળ જઈ રહ્યો હતો, નિયતી તેની સાથે રહેવા પ્રયત્નો કરતી હતી પણ અખિલ વધુ જ ઝડપે ચાલતો હતો.થોડે આગળ ચાલતાં ‘શાહ બંગલો’ આવ્યો.
બંગલો મોટો હતો,મોટું પરસાળ હતું. પરસાળને ચાર ફૂટની દિવાલથી કવર કરી લેવામાં આવ્યું હતું.દિવાલને અડીને નાના વૃક્ષોની હારમાળા હતી.
ગેટ પાસે પહોંચતા જ દસ મણની સાંકળ બાંધી દીધી હોય એવી રીતે અખિલનાં પગ થંભી ગયાં.
“શું થયું ?” નિયતીએ હાંફતા હાંફતા પુછ્યું.
“શશશશ…..”અખિલે નાક પર આંગળી રાખી અવાજ ન કરવા ઈશારો કર્યો અને ગેટથી દુર દિવાલના ટેકે આવીને ઉભો રહી ગયો.
નિયતી પણ દીવાલ પાસે આવી અને બંગલાના પરસાળમાં ડોકિયું કર્યું. પરસાળમાં લાંબી ખુરશી પર સિયા આરામ કરતી હતી. સિયાનું પેટ હવે બહાર આવવા લાગ્યું હતું. તેનાં માથામાં સુહાગની નિશાની હતી.તેની બાજુમાં ચિરાગ બેઠો હતો. ચિરાગ, સિયાનાં માથાં પર હાથ પસવારતો હતો.
“સિયા અંદર છે” નિયતીએ ધીમેથી કહ્યું, “ચાલ વાત નથી કરવી ?”
અખિલ રડવા જેવો થઈ ગયો હતો. આજ સુધી તેણે જે આશાઓ સેવી હતી એ બધી અત્યારે તૂટી ગઈ હતી.
“શું વાત કરીશું જઈને ?” અખિલે કદાચ પોતાની જાતને જ પુછતો હતો.
“સિયા પાસેથી તારા સવાલના જવાબ મેળવવાનો આ શ્રેષ્ઠ સમય છે” નિયતીએ કહ્યું.
“જવાબ આપણી સામે છે તો સવાલ પુછવાનો શું મતલબ” અખિલે નિરાશ થઈને કહ્યું અને રોડ તરફ ફરતાં ઉમેર્યું, “ચાલ અહીંથી”
“એકવાર વાત કરી લે” કહેતાં નિયતીએ અખિલનું બાવડું ઝાલ્યું અને દરવાજો ખોલી પરસાળમાં પ્રવેશી. અખિલ અને નિયતીને આવતાં જોઈ ચિરાગ અને સિયાની આંખો પહોળી થઇ ગઇ.
“અખિલ તું અહીં ?” સિયાએ આશ્ચર્ય સાથે પુછ્યું.
“તે આવું શા માટે કર્યું ?” અખિલે ગુસ્સામાં પુછ્યુ, “મારી ભૂલ શું હતી એ તો કહ્યું હોત ?, કે પછી તારો સ્વભાવ જ એવો હતો ?”
“સિયા સાથે એવી રીતે વાત ના કર અખિલ” ચિરાગ વચ્ચે પડ્યો, “હવે મારી પત્ની છે”
“તું વચ્ચે ના આવ, મેં તને નથી પૂછ્યું” અખિલે આંગળી બતાવીને કહ્યું.
“બોલી લેવા દે ને ચિરાગ” સિયાએ શાંત સ્વરે કહ્યું.
“ભૂલ શું હતી એ તો કહે મને, રૂપિયા જોઈતા હતા ?, હું વ્યવસ્થિત રીતે સુખ નહોતો આપી શકતો ?, કે પછી છોકરાં ફસાવવાની તારી આદત જ હતી ?”
“આ જ ભૂલ હતી તારી” સિયાએ કહ્યું, “તું મને વૈશ્યા સમજતો હતો, જરૂર હોય ત્યારે બેડમાં સુવરાવતો અને સંતોષ થાય એટલે ધક્કો મારી દેતો. તે કોઈ દિવસ પ્રેમ કર્યો જ નથી મને, તે તો તારી હવસ શમાવી છે”
અખિલ ધૂંધવાય ગયો. સિયા એનાં વિશે આવું વિચારતી હશે એ તેણે સ્વપ્નમાં પણ નહોતું વિચાર્યું.
“મેં તને વૈશ્યા સમજી ?, તું ફ્રેન્ડ્સ વિથ બેનિફિટવાળી વાત કરતી હતી, તારી મરજીથી બધું થતું અને તું ડોકટર પાસે પ્રેગ્નેન્ટ થવાની સલાહ લેવાં ગઈ હતી”
“તું જે સમજ એ, ચિરાગ વેલ સેટ છે અને તારા કરતા મૅચોર છે. મારી ઉંમરનો છે. તો એની સાથે લગ્ન કર્યા. મેં ખોટું શું કર્યું ?”
“તારી ઉંમરના જ છોકરાં સાથે તારે લગ્ન કરવા હતા તો મારી સાથે કેમ સૂતી ?, મને કેમ ફસાવ્યો ?”
“જે થયું એ હું બધું ભૂલી ગઈ છું અને તું પણ ભૂલી જા એમાં જ તારી ભલાઈ છે” સિયાએ કહ્યું.
અખિલે કટાક્ષમાં તાળી પાડી.
“વાહ, આ જ એ સિયા શાહ છે જે મોટી મોટી વાતો કરતી હતી. મોટા મોટા સપનાં બતાવતી હતી અને ખોટાં પ્રોમિસ કરતી હતી” અખિલે કહ્યું, “કેટલાં છોકરાને ફસાવ્યા છે આવી રીતે?”
“તું લિમિટ ક્રોસ કરે છે અખિલ” સિયા બરાડી, “તું મારો પતિ નથી. હું ગમે તેટલાને ફસાવું, ઇટ્સ નૉટ યોર બિઝનેસ. ઘણું બોલી લીધું તે હવે હું પોલીસને ફોન કરું એ પહેલાં મારી નજરો સામેથી દૂર થઈ જા”
અખિલ સ્તબ્ધ થઈ ગયો. જેને એ ગાંડાની જેમ શોધી રહ્યો હતો તેની પાસેથી અત્યારે આવા શબ્દો સંભળાય રહ્યા હતા. અખિલ સિયાને ઘુરીને ઉભો રહ્યો.
“શરમ નથી આવતી?, તને જવા કહ્યું છે” ચિરાગે ઝેર ઑક્યું, “નિકળ હવે મારાં ઘરેથી”
નિયતી આ બધું ચુપચાપ સાંભળી રહી હતી, સિયાની વાતમાં કંઈ ના બોલવું એવું નિયતીએ નક્કી કર્યું હતું પણ તેનાથી અખિલની બેઇજતી સહન ના થઇ.
“બેશરમ અખિલ નહિ તું છે, બે વ્યક્તિની વચ્ચે આવીને નામર્દ જેવું કામ કર્યું છે અને અખિલ સિયાની ઈજ્જત કરે છે એટલે જ તું અહીં સહીસલામત બેઠો છે” નિયતીએ અખિલનો હાથ પકડ્યો, “ચાલ અખિલ અહીંથી, તું કોની પાસે પ્રેમની ભીખ માંગે છે. આને તો પ્રેમ શબ્દનો અર્થ પણ નથી ખબર”
નિયતી અખિલને ખેંચીને બહાર નીકળી ગઈ. સિયા અને ચિરાગ બંનેને એકબીજાની સામે જોતાં રહ્યા, મૌન બનીને.
*
અખિલે આંસુ લૂછીને પાણીનાં બે ઘૂંટ ભર્યા.નિયતી અખિલને એકીટશે જોઈ રહી હતી.
“નિયતી મારી સાથે લગ્ન કરીશ ?” અખિલે નિયતી સામે જોઇને પુછ્યું.
“તું વાત કરવાની હાલતમાં નથી, આપણે કાલે વાત કરીશું” નિયતીએ કહ્યું.
“હું જે બોલી રહ્યો છું એ વિચારિને જ કહું છું”
“અને સિયાનું શું ?, એનાં વિના તું રહી નથી શકતો”
“એનું અને તારું મહત્વ જુદું છે. બંનેની સરખામણી કરવાની જરૂર નથી. પહેલાં મેં તારી પાસે જવાબ માટે સમય માંગ્યો હતો આજે હું તને એક અઠવાડિયાનો સમય આપું છું.વિચારીને તારો જવાબ આપજે”
( ક્ર્મશઃ )