પ્રણયભંગ ભાગ – 26
લેખક - મેર મેહુલ
એક મહિનો પસાર થઈ ગયો, અખિલે બધું જ ભૂલીને વાંચવામાં ધ્યાન આપ્યું હતું. અખિલનું લક્ષ્ય માત્રને માત્ર મેઇન્સ ક્લિયર કરવાનું હતું. જુનૂન માણસને કંઈ પણ કરાવી શકે છે.
એક દિવસ નિયતીનો કૉલ આવ્યો, અખિલે નિયતીને હજી જવાબ નહોતો આપ્યો. નિયતીએ રાહ જોઈ હતી પણ જ્યારે તેની બેચેની જવાબ આપી ગઈ ત્યારે તેણે અખિલને મળવાનું નક્કી કર્યું. અખિલે તેને લંચ માટે બોલાવી.બંનેએ જમવાની ફોર્મલિટી પતાવી. બંને ક્યાં મકસદથી મળ્યા હતાં એની જાણ હોવા છતાં કોઈ પહેલ નહોતું કરતું.આખરે નિયતીએ કહ્યું, “અખિલ, તે વિચાર્યું પછી?”
અખિલનું ધ્યાન સિગરેટમાં હતું, એ સોફા પર બાજુમાં કોણી ટેકવીને વિચારોમાં ખોવાયેલો હતો.
“હમમ…., શું કહ્યું તે ?” અખિલે મગ્ન અવસ્થામાંથી બહાર આવતા કહ્યું.
“હું તારા જવાબની રાહ જોતી હતી” નિયતીએ કહ્યું.
અખિલ ટટ્ટાર થયો.તેણે સિગરેટના ફૂલા એશટ્રેમાં ખંખેર્યા.
“નિયતી મારે તને એક વાત કહેવી હતી” અખિલે નિયતી તરફ જોઈને ગંભીર ચહેરે કહ્યું. નિયતીએ આંખોથી ઈશારો કરી વાત આગળ વધારવા સંમતિ આપી.
“હું સિયાને પ્રેમ કરું છું” અખિલે કહ્યું, “મેં તારાથી આ વાત છુપાવી, કારણ કે હું તને દુઃખી જોવા નહોતો માંગતો”
નિયતી રહસ્યમય રીતે હસી.તેનાં હાસ્યમાં ખુશી કે દુઃખ હતું એ અખિલને સમજાતું નહોતું.
“તું છે ને પાગલ છે સાવ” નિયતીએ કહ્યું, “આ વાત તારે મને પહેલાં કહેવી હતીને. હું તારી ખુશી જ ઈચ્છું છું, એ ભલેને બીજાનાં થકી હોય”
અખિલ મૌન રહ્યો. નિયતીને શું જવાબ આપવો એ તેને નહોતું સમજાતું.
“સિયા છે ક્યાં અત્યારે ?” નિયતીએ પુછ્યું, “બહાર ગઈ છે ક્યાંય ?”
અખિલનો ચહેરો પડી ગયો.તેણે પોતાને સંભાળવાની ઘણી કોશિશ કરી, એ આ વાત કોઈને કહેવા નહોતો ઇચ્છતો પણ માણસ જ્યારે અંદરને અંદર ઘૂંટાય છે ત્યારે લાગણીઓને વશ થઈ એ કોઈ એવા વ્યક્તિ પાસે સાંત્વનાની આશા રાખે છે જે તેને પેમ્પરિંગ કરી શકે.
અખિલે શરૂઆતથી શરૂ કર્યું.બંને વચ્ચે કેવી રીતે આકસ્મિક મુલાકાત થઈ, રાત્રે અગાસી પર વાતો થઈ, સિયાએ તેને ફ્રેન્ડ્સ વિથ બેનિફિટની ઓફર આપી, એનાં જન્મદિવસની ઉજવણી, ચિરાગ વિશે, ગોવાની ટ્રીપ વિશે…બધી જ વાતો નિયતીને કહી દીધી.
“હું તને છેલ્લે મળ્યો ત્યારે મેં એને જોઈ હતી, પછી મારી છેલ્લે એક્ઝામના દિવસે મને બેસ્ટ ઑફ લક કહેવા કૉલ કર્યો. જ્યારે હું ઘરે આવ્યો ત્યારે બંને નહોતા. તેઓને મેં શોધવાની ઘણી કોશિશ કરી પણ મને કોઈ ભાળ ન મળી, જ્યારે અમે ગોવા ગયાં હતાં ત્યારે તે ચિરાગ અને મિસિસ ડૉ. પારેખ સાથે વાતો કરતી. ત્યારે મેં ચોરીછુપે એનાં મોબાઇલમાંથી ડૉક્ટરનો નંબર લઈ લીધો હતો. એક મહિના પહેલા મને આ વાત યાદ આવી ત્યારે હું એને મળવા ગયો હતો. સિયા પ્રેગ્નેસી વિશે સલાહ લેતી હતી અને એનાં એક મહિના પછી અબોશન કરાવવાની પણ સલાહ લીધી હતી.
હું ડોક્ટરને મળીને આવ્યો ત્યારે સિયાનો મૅસેજ આવ્યો.મને ખબર પડી ગઈ હતી કે ડોક્ટરે જ એને કૉલ કરેલો છે એટલે તેની પાસેથી નંબર લઈ મેં સિયાને કૉલ કર્યો. દસ મિનિટ અમારી બંને વચ્ચે વાતચિત થઈ.એ કહેતી હતી તેણે મારી સાથે છેતરપીંડી કરી છે. મેં તેને પાછી આવી જવા કહ્યું ત્યારે તેણે મને પ્રોમિસ આપ્યું કે હું મામલતદાર બની જાઉં એટલે એ આવતી રહેશે. બસ એ દિવસથી હું વાંચવામાં વ્યસ્ત થઈ ગયો” અખિલે વાત પૂરી કરી.
અખિલની વાત સાંભળી નિયતી આશ્ચર્યચકિત થઈ ગઈ.તેણે બાજુમાં રહેલાં ગ્લાસમાંથી બે ઘૂંટ પાણી પીધું.
“સિયાએ તારી સાથે છેતરપીંડી કરી એવું તું કહે છે” નિયતીએ કહ્યું, “પણ તેણે ખોટું શું કર્યું એ ના પુછ્યું ?”
“હું ત્યારે તેને પ્રશ્ન પૂછવાની સ્થિતિમાં નહોતો, મારે સિયાને મારી લાઈફમાં પાછી લાવવી હતી” અખિલે કહ્યું.
“તને શું લાગે છે ?” નિયતીએ પુછ્યું, “સિયાએ જે વચન આપ્યું છે એ નિભાવશે ?’
“હા, મને સિયા પર વિશ્વાસ છે” અખિલે કહ્યું.
“એ વિશ્વાસ નથી અખિલ, સિયા માટેનો પ્રેમ છે” નિયતીએ અખિલને સમજાવ્યો, “સ્ત્રી જ્યારે ખોટું બોલે છે ને ત્યારે સમજી જવું કે તેને તમારા પર ભરોસો નથી રહ્યો અથવા એ તમને દુઃખી જોવા નથી માંગતી”
“પણ મેં સિયાને મારા ભરોસો ન રહે એવું મેં કંઈ કર્યું જ નથી” અખિલે દલીલ કરી, “ જે કર્યું છે એ એણે જ કર્યું છે”
“તારી વાત સાચી છે અખિલ પણ ક્યાં સુધી તું એની રાહ જોઇશ ?, તું મામલતદાર બની ગયો પછી પણ એ ના આવી તો?”
અખિલ વિચારમાં પડી ગયો. સિયાએ કોઈ દિવસ નહિ ને જ્યારે ડોકટરને મળ્યો ત્યારે જ મૅસેજ કર્યો હતો. સિયા પહેલેથી જ જાણતી હતી કે એ જશે પછી અખિલ તેને શોધશે અને એટલે જ તેણે અખિલ તેનાં સુધી ન પહોંચી શકે એ માટે બધી વાતો છુપાવી હતી.
“હું શું કરું હવે ?” અખિલ વાળમાં આંગળા પરોવીને નીચે જુકી ગયો.
“તારે હિંમત હારવાની જરૂર નથી” નિયતીએ કહ્યું, “આપણે બંને મળીને તેને શોધીશું”
“તું મને મદદ કરીશ ?” અખિલે પુછ્યું, “પણ શા માટે?”
“મેં કહ્યુંને હું તારી ખુશી ઈચ્છું છું” નિયતીએ હસીને કહ્યું, , “તારી મેઇન્સની એક્ઝામ પુરી થશે પછી આપણે બંને મળીને એને શોધીશું”
અખિલ ઉભો થયો અને નિયતીને ગળે વળગી ગયો.
“તું સાચા અર્થમાં મારી દોસ્ત છે” અખિલે ગળગળા થઈને કહ્યું.
“બસ કર અખિલ” નિયતીએ કહ્યું, “તું દુઃખી થઈશ તો હું પણ રડવા લાગીશ”
“આજ સુધી હું કોઈને આ વાત નહોતો કહી શક્યો, તને મેં બધું જણાવી દીધું કારણ કે મને ખબર હતી, તું મને સમજી શકીશ”
“હું ના સમજુ તો કોણ સમજે પાગલ” નિયતીએ હસીને કહ્યું.
“હવે હું નીકળું છું, મારે બેન્કે જવાનું છે” નિયતીએ અળગા થતાં કહ્યું.
“હું છોડી જાઉં ?” અખિલે પુછ્યું.
“ના, હવે પેલો બેન સમજે છે મને” નિયતીએ હસીને કહ્યું.અખિલ પણ હસવા લાગ્યો.
અખિલને ‘બાય’ કહી નિયતી બેન્કે જવા નીકળી ગઈ. એ બહાર નીકળી ત્યારે તેનાં ચહેરા પર સ્માઈલ હતું.તેણે મોઢે સ્કાફ બાંધીને બેતોરમાં એક્ટિવા શરૂ કર્યું.થોડે આગળ જતાં તેનો સ્કાફ ભીંજાવા લાગ્યો. નિયતી ડૂસકે ડૂસકે રડી રહી હતી. માણસ જ્યારે પોતાની લાગણી જતાવી નથી શકતો ત્યારે રડવા એકાંત જ શોધતો હશે.
*
સમયનું ચક્ર ફરતું રહ્યું. અખિલે મેઇન્સની એકઝામ પણ આપી દીધી. આટલાં સમય દરમિયાન સિયાનો એક પણ કૉલ નહોતો આવ્યો, નિયતી રોજ સાંજે અખિલને ફોન કરીને હાલચાલ પુછતી. ઘણીવાર અખિલ નિયતી સાથે વાતો કરતાં કરતાં રડી પડતો. નિયતી તેને સમજાવતી, ધરપત આપતી અને અખિલનો ફોન કાપ્યા પછી પોતાનાં નસીબને કોસતી જ રડી પડતી.
એક્ઝામનાં દિવસે ‘બેસ્ટ ઓફ લક’ કહેવા સિયાનો ફોન આવશે એ આશાએ અખિલ એક્ઝામ શરૂ થયાનાં બે કલાક પહેલાં સુધી ફોન તપાસતો રહ્યો હતો પણ સિયાનો કૉલ કે મૅસેજ નહોતો આવ્યો.એક્ઝામ આપીને પેપર સારું ગયું એ કહેવા અખિલે સિયાનાં બંને નંબર પર કૉલ લગાવ્યા પણ બેને નંબર બંધ આવતાં હતાં.
એક્ઝામના દિવસે અખિલ ખુશ હતો, આજે નિયતી આવવાની હતી. બંને મળીને સિયાને શોધવાનાં હતાં. કેમ શોધશે એ તો બંનેમાંથી કોઈ નહોતું પણ અગાઉ જણાવ્યા મુજબ જુનૂન માણસને કંઈ પણ કરાવી શકે છે.
( ક્રમશઃ )