ગમાર - ભાગ ૪ Shital દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

ગમાર - ભાગ ૪

તેને જોતાં જ નૈના નાં ચહેરા નાં હાવભાવ બદલાઈ ગયા. રઘવાયા ની જેમ તેની સાથે રહેલા બાળક ને જોવા લાગી. શ્વાસો શ્વાસ ઝડપી થઇ ગયા. ટેબલ પર રહેલા પેપર નેપકીન ને મુઠ્ઠી માં જોર થી મસળી રહી હતી. તન્વી તેની આ હાલત જોઈ કશું વિચાર્યા વિના તેને ત્યાં થી લઇ ને ઘરે નીકળી ગઈ.
ઘરે જઈ તન્વી એ નૈના ને સંભાળી. નૈના રડતી હતી. જાણે તેનાં આંખો નો બંધ તૂટી ગયો હતો. તન્વી એ નૈના ને આટલી રડતા ક્યારેય ન જોઈ હતી. આટલી શું રડતા જ જોઈ ન હતી. નટખટ, ચુલબુલી નૈના ને આજ શું થયું હતું તે તન્વી ને સમજાતું ન હતું.
નૈના થોડી શાંત થતા તન્વી એ તેને પૂછ્યું, “ કોણ હતું તે જેને જોઈને તું આટલી બેબાકળી થઇ ગઈ? આઇ થિન્ક કે તું પેલા નાના બાળક ને જોઈ ને ડિસ્ટર્બ થઇ ગઈ હતી. કોઈ જાણીતું હતું તે નૈના?”
“ ના……… ના તનુ કોઈ જાણીતું ન હતું. બસ એમજ આટલા સરસ ભૂલકા ને જોઈ ને કોઈ યાદ આવી ગયું.” આંસુ લૂછતા નૈના એ આગળ કહ્યું, “ ચલ આપણે પિઝા ઓર્ડર કરી લઇએ. મારાં કારણે તારો રવિવાર બગડ્યો. સોરી યાર.” નૈના એ પિઝા ઓર્ડર કરવા ફોન ઉઠાવ્યો.
“ તું વાત ના બદલ નૈના હું ઘણા સમય થી તને ડિસ્ટર્બ જોઉ છું. ક્યાંક તે દિવસે તું આ ફેમેલી નાં કોઈ મેમ્બર ને જોઈ ને તો ડિસ્ટર્બ થઇ નહોતી ને? નૈના જો તું મને તારી ફ્રેન્ડ માનતી હો તો મને કંઈક કહે. વિશ્વાસ રાખ હું કોઈને કશી વાત નહિ કરું. આમ પણ તારા સિવાય અહીં મારુ કે મારાં સિવાય તારું કોણ છે? પરિવાર પાસે ફક્ત લાંબી રજાઓ સિવાય ક્યાં જઈએ છીએ? માટે બોલ નૈના તારું મન હળવું કરી નાખ.” તન્વી એ નૈના ની પીઠ પસવારતા કહ્યું.
“ તનુ તે પેલું નાનું બાળક જોયું હતું, તે કેટલું સરસ હતું! તને ખબર છે તનુ તે પાંચ વર્ષ ને બે મહિના નું હતું, તે…… તે મારો દીકરો રોહન હતો. મેં આજ તેને સાડા ચાર વર્ષે જોયો અને તેની સાથે હતો તે મારો એક્સ હસ્બન્ડ રાહુલ હતો. રાહુલ ની સાથે મારો દીકરો હતો એટલે જ હું તેને ઓળખી શકી. મારો દીકરો કેટલો ગોરોચિટ્ટો લાગતો હતો. તનુ તે એને જોયો?” નૈના ફરી રડવા લાગી.
તન્વી શૂન્યમનસ્ક બની ગઈ. નૈના શું બોલી રહી છે તે સમજવું તેને મુશ્કેલ લાગતું હતું. નૈના ને દીકરો પણ છે તો આજ સુધી મને કેમ કોઈ વાત નૈના એ ન કરી એવું વિચારવા લાગી.
મુશ્કેલી થી પોતાની જાત ને સાંભળી તન્વી બોલી, “ તારો દીકરો! તું શું બોલે છે આર યુ મેરીડ નૈના? પણ ક્યારેય આપણી વચ્ચે આવી વાત તો થઇ જ નથી. ઇવન તું એવી લાગતી પણ……” તન્વી ની વાત ને વચ્ચે થી કાપતાં નૈના બોલી, “ હા કોઈ રીતે હું મેરીડ હોઉં એવું લાગતું નથી. એમ જ ને? પણ પેલા આવું ન હતું તનુ.”
“ મતલબ”. તન્વી એ પૂછ્યું. નૈના ને ચુપ જોઈને તન્વી અકળાઈ ને બોલી, “ તે કેમ તારા દીકરા ને છોડ્યો? અને લગ્ન જીવન ને કેમ છોડ્યું?”
“ મેં મારો લગ્ન સંસાર નથી છોડ્યો કે નથી મેં મારાં સંતાન ને છોડ્યુ. તેને મને તરછોડી છે. રાહુલે મને તરછોડી છે. મને ધક્કો મારી ને પોતાના સંસાર માંથી અને મારાં પુત્ર થી દૂર કરી હતી.” નૈના આક્રોશ થી બોલી.
“ કેમ?” તન્વી એ પૂછ્યું.
“ તન્વી હું રાજકોટ પાસે નાં સરધાર ગામ ની વત છું. મારાં પરિવાર માં બે બહેનો, એક ભાઈ ને મારાં માતા-પિતા એમ પાંચ જણાં નો સુખી સંસાર હતો.
અમારું ગામ આમ તો બહુ નાનું. તે સમય માં માંડ ગામ ની ચાર- સાડા ચાર હજાર ની વસ્તી હશે. મોટા ભાગે પટેલ, દરબાર ના ખોરડા ધરાવતા. ગામ માં માતા પિતા જીઈબી માં સર્વિસ કરતા. એટલે સમાજીક દ્રષ્ટિએ મારો પરિવાર ગામ માં સન્માન જનક સ્થાન ધરાવતો હતો.
સરધાર માં બાર માં ધોરણસુધી નો અભ્યાસ કરી પપ્પા એ કોલેજ માટે રાજકોટ ની મીનાબેન કુંડલિયા કોલેજ માં એડમિશન કરાવ્યું હતું. સરધાર થી રાજકોટ રોજ એસ. ટી માં અપ ડાઉન કરતી.
આમ તો ફક્ત ૩૫ કિલોમીટર નું જ અંતર હતું. રાજકોટ અને સરધાર વચ્ચે એટલે ૪૦-૪૫ મિનીટ જ થતી હતી. પરંતુ બસો નાં સમય નક્કી ન હોવા થી થોડો સમય વધારે થતો.
કોલેજ માં ઘણું મોટું સખીવૃંદ હતું. બધા સાથે ખૂબ એન્જોય કરતા ઘણી વાર મારી સખીઓ ગ્રામ્ય જીવન એન્જોય કરવા મારે ત્યાં સરધાર આવતા. મોડી સાંજ સુધી ખેતરો માં ફરવાની અમે મજા માણતા.
આમ જ મસ્તી મજાક માં ત્રણ વર્ષ ક્યારે પસાર થઇ ગયા ખબર જ ન પડી. ત્રીજા વર્ષે નાં અંતિમ થોડા મહિનાઓ માં જ પપ્પા એ મારાં માટે મુરતિયાઓની શોધ શરુ કરી દીધી હતી. પપ્પા ની ઈચ્છા હતી કે ગ્રેજ્યુએશન પછી મારાં લગ્ન થઇ જાય.”
( ક્રમશઃ)