કિસ્મત કનેક્શન - પ્રકરણ 4 પ્રિયાંશી સથવારા આરિયા દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

કિસ્મત કનેક્શન - પ્રકરણ 4

(આગળના ત્રણ ભાગમાં આપણે જોયું કે એક મધ્યમ વર્ગીય પરિવારમાં છોકરીના લગ્ન માટે છોકરો જોવાની પ્રથાને કેટલું મહત્વ આપવામાં આવે છે. રાઘવ અને સિયા એકબીજાને પહેલી વાર જ મળે છે અને કેટલીક બાબતોને લીધે એમની વચ્ચે અમુક સમસ્યાઓ સર્જાય છે. હવે મહિના પછી રાઘવની લગ્ન માટે હા આવ્યા બાદ સિયાનો જવાબ ન મળતા એ સિયાને મળવા એના કોચિંગ કલાસ પર જાય છે. પણ ત્યાં એક મોટી તકરાર થાય છે આગળ શું થશે એ હવે આપણે જોઈશું.)

સિયાની દ્રષ્ટિએ-
હું સખત ગુસ્સામાં હતી. મિ. રાઘવ, મને મળવા આવ્યા છો કે મારું અપમાન કરવા. અને એવું તો કયું વર્તન મે કરી દીધું કે તમે મને આવી વાતો સંભળાવા લાગ્યા? જો આવી બકવાસ જ કરવી હોય તો હું ફ્રી નથી.
મારી આ વાત પર એક વસ્તુ એણે કહી, "સોરી જો તમને મારી વાતનું ખરાબ લાગ્યું હોય તો. પણ આ વાતો તમારી માટે નહતી. એ બીજા કોઈ માટે હતી એટલે દિલ પર લેવાની જરૂર નથી. એનિવે તમે જો મારી સાથે વાત કરવાની ઈચ્છા ન રાખતા હોય તો વાંધો નહિ. હું માત્ર એટલી આશા રાખું છું કે તમે મને માફ કરી શકશો."
મારો ખરાબ મૂડ જોઈ એ નીકળી ગયો અને હું ઘૂંઘવાતી ત્યાં ઉભી રહી. છેવટે 2 મિનિટ પછી મે ત્યાંથી જવા માટે જેવા મારા પગ ઉપડ્યા તો પાછળથી આવતા એક અવાજે મને રોકી.
"એક્સકયુઝ મી મેમ, તમારી સાથે જે સર હતા એ ક્યાં છે?"
હું એની સામે જોયા કરું. 21-22 વર્ષની સાદું જીન્સ અને વ્હાઇટ ટોપ પહેરેલી, ટૂંકા - ખુલ્લા વાળ ધરાવતી, ગૌવર્ણ, ગોળ ચહેરો તેમજ કાળી આંખો ધરાવતી યુવતી મારી સામે પ્રગટ થઈ. હું હજુ ગુસ્સામાં જ હતી. મે એને પૂછ્યું, કેમ એમને તમારી સાથે પણ ખરાબ વર્તન કર્યું છે કે શું? એમ પણ હું એમને નથી ઓળખતી....
એણે મારી સામે જોયુ અને નિસાસો નાખવા લાગી, "ના...ના... એવું નથી. એક્ચ્યુલી, તમે બંને વાત કરી રહ્યા હતા તો મને લાગ્યું કે તમે કપલ છો. સોરી આ મિસઅન્ડરસ્ટેન્ડીંગ માટે. અને સોરી મારા કારણે તમને આટલું સાંભળવું પડ્યું..."
એની છેલ્લી વાત મને ખુબ અજીબ લાગી, એના લીધે મારે સાંભળવું પડ્યું! મતલબ?
એણે ખુલાસો કર્યો, "એક્ચ્યુઅલી હું ફોન પર અહીં ઉભી વાત કરી રહી હતી, અને કદાચ એમણે મારી વાત સાંભળી એટલે આવું બોલ્યા હશે. હું એમને થેન્ક યુ કહેવા આવી હતી. કહેવાય છે ને કે એક ખરાબ પળ તમારૂ જીવન ખરાબ કરી શકે છે બસ એ પળ મારા જીવનમાં આજે હતી અને એમણે મને સંભળાવવા માટે તમારી સાથે વાત કરી. મારી અંદર એક હકારાત્મકતા આપી. એ કારણે હું જીવનભર એમનો આભાર માનું તો પણ ઓછું છે તમે ક્યારેય એમને મળો તો મારા તરફથી એમનો આભાર જરૂર વ્યક્ત કરજો." એણે રસ્તા તરફ નજર કરી, "મારી બસ આવે છે હું જાઉં. બાય..." અને તરત મારી સામેથી ગાયબ થઈ બસની ભીડમાં ખોવાઈ ગઈ. હવે ખરેખર હું આખી વાત જાણવા ઇચ્છતી હતી. પણ કઈ રીતે?

મે વિચાર્યું અને બેગમાંથી ફોન નીકાળી પપ્પાને ફોન કર્યો, પપ્પા રાઘવનો નંબર આપો ને? અને પપ્પા કઈ પણ આડુંઅવળું વિચારે એ પહેલાં કહ્યું, એક્ચ્યુઅલી હું ક્લાસમાં મારી બેગ લેવા ગઈ અને એ નીચે આવ્યો પછી એ દેખાતો નથી, તો ફોન કરીને પૂછી લઉં. પપ્પાએ બીજી જ ક્ષણે મને એના નંબરનો મેસેજ મોકલાવ્યો.
મે એ નંબર ડાયલ કર્યો, પંદર સેકન્ડ રિંગ વાગ્યા બાદ સામેથી એ જ જાણીતો અવાજ "હેલો હું'સ ધિસ?"
હું બોલી, સિયા ....... અને એની બોલતી બંધ થઈ ગઈ. એના અવાજમાં જે બેફિકરી હતી એ અચાનક મૂંઝવણમાં બદલાઈ ગઈ, "અં..... હા સિયા બોલો..."
જો તમે વધુ દૂર ન ગયા હોય તો આપણે મળી શકીએ? મારે તમને મળવું છે. એને ગયે હજુ 10 મિનિટથી વધુ થઈ નહતી. એટલે મે એક ઓર્ડરના ભાવમાં જ એની સાથે વાત કરી. એણે તરત જવાબ આપ્યો, "હા ચોક્કસ. હું આવું છું."
અને દસ જ મિનિટમાં એ આવ્યો. નજીકમાં જ એક ફાસ્ટફૂડ રેસ્ટોરાં હતી એમાં જ અમે ગયા. અને અમે એક પીઝા અને મેગી ઓર્ડર કર્યા બાદ વાત શરૂ કરી. અને સૌથી પહેલા મે એને એ અજાણી છોકરીની વાત કહી અને એના વિશે પૂછ્યું.
"સિયા એ છોકરીની મે વાત સાંભળી હતી. એ એટલી ખરાબ હાલતમાં હતી કે એની ફ્રેન્ડને એણે ઘરે જવાની પણ ના કહી દીધી. એ ખબર નહિ ક્યાં સુધી ત્યાં જ ઉભી રહેત! અથવા બીજું કોઈ આડું-અવળું પગલું લીધું હોત! અથવા કોઈ ખરાબ ઘટના બની હોત! અને હું એની માટે અજાણ હતો જો કઈ પણ કીધું હોત તો કદાચ એણે ખોટું સમજ્યું હોત એટલે મે એવી રીતે વાત કરી કે એને પણ સમજાઈ જાય અને એ ખોટું પણ ન સમજે!"
મેં હજુ એક દલીલ કરી, એવો તો શું પ્રોબ્લેમ હતો? કોઈ છોકરાનું ચક્કર!
મારા વિચારોના ઘોડા રોકી એ બોલ્યો, "સિયા દરેક છોકરી જે રસ્તા પર રડતી હોય, જરૂરી નથી કે છોકરાનું ચક્કર જ હોય! એ કોઈ પરીક્ષામાં ફેઈલ થઈ હતી, એનું દુ:ખ હતું એને, કે એ એના પરિવારની સામે કઈ રીતે જશે? કદાચ એના પરિવારની પરિસ્થિતિ સારી નહિ હોય એટલે! તમને તો સારી રીતે ખબર હોવી જોઈએ કે છોકરીઓની પોતાની રોજની જિંદગીમાં કેટલું સહન કરવું પડતું હોય છે! અને જો કોઈને એક આશા આપવાથી એના નકારાત્મક વિચારો દૂર થતાં હોય તો એ કરવું જ જોઈએ. અને એની પહેલા કે તમે મારુ કેરેકટર જજ કરો તો હું કહી દઉં કે એની જગ્યાએ કોઈ છોકરો હોત તો હું એની પણ મદદ કરત."
હું એની વાત સાંભળી અવાચક થઈ ગઈ. મારા મનની વાત એણે આટલી સહજતાથી કઈ રીતે સમજી લીધી? હું મૂંઝવાઈ પણ કઈ બોલી નહીં. મેગી અને પીઝા પૂરો કરી બિલ અડધું-અડધું ચૂકવી અમે બહાર નીકળ્યા. અમે છુટા પડીએ એ પહેલાં મેં એને એક વાત પૂછી, આ વાત એ છોકરી આવી એટલે મને ખબર પડી. પણ જો મને ખબર જ ન પડી હોત અને મેં સબંધ માટે ના પાડી હોત તો તમે બીજી છોકરી પસંદ કરવા નીકળી ગયા હોત નહિ?
એણે મારી સામે જોયું અને જવાબ આપ્યો, "એ શક્ય નથી. મે તો તમને પહેલા જ પસંદ કરી લીધા હતા. તમને મળ્યા પહેલા જ. જે દિવસે મળ્યો ત્યારે જ પણ એ વખતે હું તમારો મિજાજ જાણવા આવ્યો હતો કે તમે કોઈને પસંદ તો નથી કરતા ને! મેં જાણ્યું અને હા પાડી પણ મારા પપ્પા ઇચ્છતા હતા કે આટલી જલ્દી તમને હા પાડું એ પહેલાં એક સગાના લગ્નમાં બીજી છોકરીઓ જોઉં તો સારું. બસ એટલે એમણે કઈ જવાબ ના આપ્યો. પણ મને એ છોકરીઓમાં કોઈ જ રસ નહતો. ખબર નહિ કેમ એવું લાગ્યું કે ખાસ છો તમે.... જેટલી વાર પણ કોશિશ કરીશ હું કદાચ, તો પણ આપણે એકબીજા સામે આવી જ જશું..."
અને એણે જ્યારે આવું કહ્યું હું ચોંકી ગઈ. એના કહેવાનો અર્થ ન સમજી ન શકી. 'જેટલી વાર દૂર જવાની કોશિશ કરશું એટલી વાર સામે આવીશું' મારી મૂંઝવણ દૂર કરવા મેં એને કહી દીધું, અચ્છા એક વાર પ્રમાણે આ ફિલોસોફી વધુ ના થઇ? આપણે હજુ એક્વાર જ મળ્યા છીએ.

એણે હસતા-હસતા જવાબ આપ્યો, "તમે ખરેખર બહુ જ નાદાન છો. તમને લાગે છે કે હું એમ જ તમને જોવા આવી ગયો? મારી નર્વસનેસ અને તમારી સામે જોઈ પણ ન શકવાની મારી નબળાઈ તમે કઈ જ નોટિસ ન કર્યું. જુઓ સિયા આ બધું થોડું અજુગતું લાગશે તમને પણ આ સબંધ આ વખતે મે સામેથી મોકલાવ્યો હતો જ્યારે મને ખબર પડી કે તમારા પપ્પા તમારા માટે છોકરો શોધે છે ત્યારે અમે જ સામેથી કહેડાવ્યું."
હું જાણવા માંગતી હતી કે એણે મને ક્યાં જોઈ કે સામેથી સબંધ મોકલાવ્યો.
એણે અમારા વચ્ચેના બધા તાંતણા એક પછી એક જોડવાની શરૂઆત કરી, "તમે જ્યારે કોલેજના પ્રથમ વર્ષમાં હતા, ત્યારે તમારા ફઇએ તમારો ફોટો બતાવ્યો હતો. એમ ન કહી શકાય કે પહેલી નજરનો પ્રેમ પણ મને તમે ગમ્યા. પણ જાણ્યું કે તમે હજુ 19 વર્ષના જ છો તો મે ના પાડી દીધી. કારણકે એ તમારી લગ્નની ઉંમર નહતી. ત્યારબાદ ઘણી-બધી જગ્યાએ આપણો સામનો થયો. હું તમારો પીછો કરતો નહતો, પણ એક જ સમાજના હોઈ ઘણા સમારંભમાં સામે આવવાના જ. હું તમને પસંદ કરવા લાગ્યો પણ તમે તો મને જાણતા પણ નહતા. ત્યારબાદ તમારી કોલેજ પુરી થઈ અને આપણી પ્રથમ મુલાકાત ગોઠવાઈ. હું માત્ર તમારી સામે જ નર્વસ રહું છું. બાકી તો એક કોન્ફિડેન્ટ વ્યક્તિ છું. મે કીધું ને કે જ્યારે જ્યારે તમે મારી સામે આવ્યો ત્યારે તમે તમારી મસ્તીમાં જ મસ્ત રહેતા હતા. અને ક્યાંક ને ક્યાંક તમારી એ મસ્તી મને તમારી તરફ આકર્ષી રહી હતી. બસ એટલે જ એક વિશ્વાસ આવી ગયો કે આપણી કિસ્મત જોડાયેલી છે. અને મને એ પણ ખબર છે કે તમે એક સ્વાવલંબી વ્યક્તિ છો એટલે નોકરી કરવાની ઈચ્છા રાખો એમાં નવાઈ નથી. હું પણ તમને એક સારી જગ્યાએ જોવા માંગુ છું. અને તમે જો હા પાડો અને આપણા લગ્ન થાય ત્યારે પણ તમે એ કરી શકો છો. અને જો ના હશે તો હું તમને ક્યારેય હેરાન નહિ કરું."
એણે મને આમ કહ્યું અને છેલ્લે પૂછ્યું, "તમે હવે ક્યાં જશો? ઘરે કે ક્લાસમાં? હું કોઈ મદદ કરી શકું? તમને બસ-સ્ટેન્ડ મુકવા કે અન્ય?"
મે ના પાડી અને એટલામાં વરસાદ શરૂ થઈ ગયો. મે એને અમે જ્યાં નાસ્તો કર્યો હતો ત્યાં થોડીવાર ઉભા રહેવા માટે ઓફર કર્યો. પણ એણે ના પાડી. એના પ્રમાણે આજે એને ઓલરેડી બહુ મોડું થયું છે. એટલે એ ધીમે-ધીમે નીકળી જશે. એ બાઇક પર બેઠો અને હું એની નજીક ગઈ.
એણે મને કહ્યું, "તમે જ્યારે પર્પલ કલર પહેરો છો ત્યારે બહુ સારા લાગો છો. હા ગ્રીન, રેડ અને યેલો પણ સૂટ કરે છે. પણ પર્પલની વાત અલગ છે. અને એની પહેલા કે હું કોઈ મજનું લાગુ હવે મારે જવું જોઈએ. બાય... તમારા જવાબની રાહ જોઇશ." એ મલકાતો ત્યાંથી નીકળી ગયો.
એ તો એમ કહી નીકળી ગયો, પણ મને પાછળ ઘણા બધા વિચારો અને મૂંઝવણ સાથે મૂકીને ગયો. હું થોડી વાર ત્યાં જ ઉભી રહી. અને એ પછી ઘર માટે નીકળી ગઈ. રસ્તામાં મને મારી સાડી, ડ્રેસ અને ચણિયાચોળી યાદ આવી જે એણે કહ્યું એ રંગની જ હતી. એ મને ક્યારથી નોટિસ કરતો હતો? અને હવે શું જવાબ આપું?બેશક એ સારો માણસ છે અને એ મને પણ એટલું જ સમજે છે. શુ કરું?
હું ઘરે પહોંચી અને શાંતિથી કપડાં બદલીને કોઈ પણ જાતના વિચારો કે મૂંઝવણ વગર સુઈ ગઈ. સાંજે પપ્પા આવે એ પહેલાં મમ્મીએ મને રાઘવ સાથેની મુલાકાત વિશે પૂછ્યું અને મેં માત્ર એક જ લાઇનમાં મારો જવાબ આપ્યો, મમ્મી મારી હા છે. અને મમ્મી આ સાંભળી ખુશ થઈ ગઈ અને મને ગળે લગાડી દીધી. એટલામાં પપ્પા આવ્યા અને આ ઈમોશનલ મુમેન્ટમાં ખલેલ પહોંચાડ્યો. મમ્મી કઈ બોલે એ પહેલાં શરમના માર્યે લાલ થઈ હું બીજા રૂમમાં ભાગી ગઈ. અને મમ્મીએ પપ્પાને આ ખુશખબરી આપી. એ બંને બહાર ખુશીઓ મનાઈ રહ્યા હતા અને હું અંદર.
બીજા દિવસે કલાસ પૂરો કર્યો ને મે બેગમાંથી ફોન કાઢ્યો. એક જાણીતા વ્યક્તિ તરફથી અજાણ્યો મેસેજ આવ્યો હતો. "થેન્ક યુ અને સોરી." મે તરત એ નંબર પર ફોન કર્યો. એ જ 15 સેકન્ડની રિંગ અને એ જ જાણીતો અવાજ, "હાય" અને મારો સીધો પ્રશ્ન, કેમ બંને એકસાથે???
"તમને નથી લાગતું કે કોઈને ફોન કરો તો ગુડ મોર્નિંગ, હાય અથવા હેલો કંઈક સારું લાગે???"
મિ. રાઘવ, ડોન્ટ ચેન્જ ધ ટોપિક!
"ઓકે, મને હા પાડવા થેન્ક યુ, અને તમારી પરમિશન વગર તમને મેસેજ કરવા માટે સોરી..."
ઓહ ઇટ્સ ઓલ રાઈટ, પણ ફક્ત હા પાડી છે, મને તમારી પ્રત્યે કોઈ લગાવ નથી. તો એમ કહી શકાય કે મારી માટે આ બધું નવું જ છે તો પ્લીઝ વધુ આશા ન રાખતા.
"ઑકે મેડમ, બીજો કોઈ હુકમ."
ના
"ચિંતા ન કરો. હું તમને કોઈ ફોર્સ નહિ કરું. આ અરેન્જ મેરેજ ક્યારે લવમાં ચેન્જ થશે તમે પણ એ જાણી નહિ શકો. અને આપણી કિસ્મત જે રીતે આપણને નજીક લાવી છે એ રીતે આપણું કનેકશન પણ એ જ જોડશે. અને ત્યારે તમે મને એક્સેપ્ટ પણ કરશો અને પ્રેમ પણ"
હું ચમકી, હેય આમા પ્રેમની વાત ક્યાંથી આવી?
"મને ખબર છે કે તમારી માટે આ શબ્દ પણ ખૂબ નવો છે. પણ હું તમને પ્રેમ કરવા લાગ્યો છું. તમારી પ્રત્યેનું મારુ આકર્ષણ પ્રેમ ક્યારે બન્યું એ ખબર નથી પણ ગઈ કાલે જ્યારે વરસાદમાં તમે પલળી રહ્યા હતા ત્યારે મને તમારી પણ ત્યાં જ રહેવું હતું પણ પાછું જો તમે મને ખોટું સમજો તો. એટલે નીકળવું પડ્યું."
કઈ નહિ ખોટું સમજી હોત તો આપણે ફરીથી મળ્યા હોત તમારી થિયરી અનુસાર...
"મારો મજાક ઉડાવો છો!!!!! કઈ નહિ, હક છે તમને... આશા રાખીશ કે તમે પણ એ બાબત પર વિશ્વાસ કરી શકશો. એની વે હું મારા કામ પર છું તો વાત નહિ કરી શકું. તમારે જ્યારે વાત કરવાની ઈચ્છા હોય ત્યારે મને ફોન કરજો. હું નથી ઈચ્છતો કે હું ફોન કરી તમને હેરાન કરતો રહું."
ઑકે
"ઑકે. બાય. જય શ્રીકૃષ્ણ."
જય શ્રીકૃષ્ણ.

હું હજુ ક્લાસમાં જ હતી. બારી તરફ ગઈ અને ત્યાં જ ઉભી રહી. બહાર ધીમી ધારે વરસાદ પડી રહ્યો હતો. કોઈ પોતાના વાહન પર તો કોઈ ચાલતા ત્યાંથી પસાર થઈ રહ્યું હતું. કેટલાક છોકરાઓ સ્કૂલથી છૂટી પલળતા ત્યાંથી જઇ રહ્યા હતા તો કોઈ કપલ પોતાના પ્રેમના વરસાદનો આનંદ માણી રહ્યા હતા. ખબર નહિ હમેશા જે વરસાદ મને પરેશાની આપતો, એ આજે પોતાનો લાગી રહ્યો હતો. એમા પલળવાની ઈચ્છા આજે શોર મચાવી રહી હતી. શાંત મનમાં અમુક અજાણી લહેરો ઉદભવી રહી હતી.
કરોડો લોકો હોય છે દુનિયામાં, પણ ખબર નહિ આપણા જીવનનું જોડાણ કોઈ એવા સાથે જ લખ્યું હોય જે આપણામાં ખૂટતું હોય. પ્રેમ અને એના નામથી દુર રહેતી હું, મારા પ્રત્યે કોઈને પ્રેમ જાગે એ નવાઈ લાગી મને. મારામાં જે લાગણી ખૂટતી હતી એ રાઘવ દ્વારા પુરી થશે એ કદાચ મારી કિસ્મતમાં હોય. આખી અજાણી દુનિયા જેમાં મારા માટે મારા પરિવાર સિવાય કોઈનું મહત્વ નહતું. અચાનક આ રાઘવ માટે કઈ રીતે મહત્વ થવા લાગ્યું. મારી પાણીની બોટલ બસમાં એક દુઃખી છોકરીએ ખાલી કરી અને મને ગુસ્સો આવ્યો અને રાઘવના કારણે એ વિચાર બદલાયો. જો કોઈને માત્ર પાણી આપવાથી કે માત્ર એક વાત "ચિંતા કરવાની જરૂર નથી" એ કહેવાથી કોઈનું જીવન બદલાતું હોય તો એ ખોટું નથી. એક વ્યક્તિ પોતાના જીવનમાં જે સહન કરે છે કદાચ જો કોઈ અજાણ્યું કોઈક રીતે મદદ કરી જાય તો એનું જીવન બદલાઈ જાય.
રાઘવની આ વાત મને ખાસ લાગી. અને એનું વ્યક્તિત્વ પણ. ખરે જ આ અજાણી દુનિયામાં કોની સાથે જોડાઈ જઈએ? કોની સાથે આપણી કિસ્મત લખી હોય? ખબર નહિ. કદાચ આ જ રીતે તો બને છે 'કિસ્મત કનેક્શન'

(એવું નથી કે ભગવાન પણ જ્ઞાતિનો ભેદ રાખી આપણી કિસ્મત રચે છે! હા એ જરૂર છે કે આપણા સમાજમાં લગ્ન ભલે જ્ઞાતિ જોઈ થતા હોય પણ જો જોઈશું તો એમાં પણ એક જાતનું 'કિસ્મત કનેક્શન' મળશે. અરેન્જ કે લવ. કિસ્મત આપણને એની સાથે જ લાવે છે જે ખરેખર આપણી માટે હોય, આપણું હોય. અને એ જ્યારે સ્પેશિયલ બની જાય ત્યારે બધી ખામી અને બધી અધૂરપ પુરી થઈ જાય છે.)

(કોઈ પણ ક્ષણે કોઈ મુસીબતના સમયે મને પણ આમજ અજાણી મદદનો સતત અનુભવ થતો રહ્યો છે. મારા દ્વારા કોઈને મદદ થઈ હોય કે ન થઈ હોય એ તો ખ્યાલ નથી. પણ તેમ છતાં કહી શકાય કે આ મદદના પ્રયાસને કારણે જ માનવતા ટકી રહી હોય કદાચ. એ સાથે જ આ કથાનો અંતિમ ભાગ રજૂ કરી રાઘવ અને સિયાને એમની અરેન્જ મેરેજથી લવ મેરેજના આ સફરમાં મૂકી હું પ્રિયાંશી આપની રજા લઉં છું. આશા છે કે વાંચક વર્ગને મારો આ પ્રયાસ ગમશે.)