કિસ્મત કનેક્શન - પ્રકરણ 2 પ્રિયાંશી સથવારા આરિયા દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

કિસ્મત કનેક્શન - પ્રકરણ 2

બસ પછી તો નાસ્તાઓ તૈયાર કર્યા, અને મારા સર્ટિફિકેટ, મેડલ્સ અને ટ્રોફી સામે જ દેખાય એ રીતે મુકવામાં આવી. છોકરો જોવા નહીં પણ કોઈ ઇલેક્શન ઓફિસર મારી પ્રધાનમંત્રી તરીકેની લાયકાત ચકાસવા આવવાનો હોય એવો માહોલ બન્યો. હું તો આ બધું જોયા જ કરું.

પડદા અને ફર્નિચરની સાફ-સફાઈ કરવામાં આવી, ખુરશીઓ મુકવામાં આવી. આજુબાજુના લોકો પાસે સારી એવી સર્વિંગ ટ્રે, ગ્લાસ અને નાસ્તાની પ્લેટ લેવામાં આવી. એમાંથી જે સારામાં-સારી હોય એ નક્કી કરવામાં આવી. વેલ, થોડું અજીબ લાગશે. પણ આપણા ભારતીય મધ્યમ વર્ગીય પરિવારોમાં આવું જ થાય છે. એ લોકો પણ સમયાંતરે આ જ પ્રથામાંથી પસાર થતા જ હોય છે એટલે 'પહેલો સગો પાડોશી' એ ઉક્તિને ઘ્યાનમાં રાખી આ બધું જ કરવામાં આવે અને જ્યારે કઈ બનાવવામાં કે અન્ય કોઈ કામમાં કોઈની મદદની જરૂર હોય, અથવા છોકરી જોવા આવવાના હોય ત્યારે સગા-સંબંધી કરતા વધુ મદદ પાડોશી કરતા હોય છે. અમારે પણ પાડોશીઓએ હોંશેહોંશે બધું કામ કર્યું અને મને મારા જ ઘરેથી મને નીકાળવાની પુરી તૈયારી બતાવી.

બસ પછી શું? રવિવારની બપોરે 3 વાગ્યે એ લોકો આવવાના હતા, ઊંઘ હરામ મારી. પણ તૈયાર થવું તો પડે એક સામાન બતાવવાનો હોય એમ. અને જાતજાતના પ્રશ્નો સહન કરવાના. જમવાનું બનાવતા આવડે છે? પરિવાર સાચવી શકશે? ડાન્સ કે ગીત ગાતા આવડે છે? છોકરીને શુ આવડે છે? જમવાની કઈ-કઈ વાનગીઓ બનાવી શકશે? અબે યાર! ટેલેન્ટ શો હોન્ટિંગ માટે આવ્યા છો? વહુ નહીં, કામવાળી જોઈએ અને એ પણ મલ્ટી ટેલેન્ટેડ.

આ બધું મને ખબર હતી. કેમકે આજુબાજુવાળા જે પાડોશી હતા એમની છોકરીઓ અને મારી સહેલીઓ બધાને આવા જ પ્રશ્નો પુછાયા હતા. એટલે મને બહુ ગુસ્સો આવ્યો હતો પણ બધાની સામે તો કઈ બોલી ન શકું. એટલે બસ પાછળથી મારી સહેલીઓને સમજાવતી અને આ વસ્તુ એમને પણ નાપસંદ તો હતી જ. એટલે એ પણ મારી વાત સાથે સહમત થાય જ. આમ એ લગ્ન કરવાની ના પાડે અને લોકો મારી પર દોષનો ટોપલો ઢોળે. પણ કઈ વાંધો નહિ, જો આ બધી નાની-નાની વાતોથી કોઈ છોકરી પોતાના અધિકારો સમજી શકતી હોય તો મને તકલીફ નથી. પરિવાર માટે કોઈ કામ કરવાના કે જમવાનું બનાવવામાં મને કોઈ પ્રોબ્લેમ નથી. મને પ્રોબ્લેમ ત્યાં છે જ્યાં લોકો (છોકરાવાળા) પોતાનો જન્મસિદ્ધ અધિકાર સમજી છોકરી અને એના પરિવારને નીચું બતાવવા પ્રયત્ન કરે. જો એમને સર્વગુણસંપન્ન વહુ જોઈએ તો એમનો છોકરો પણ બધા ગુણો ધરાવતો હોવો જોઈએ, બસ એટલી મારી માંગણી.

રવિવારે એ લોકો સમયસર 3 વાગ્યે આવવાના હતા અને આવી ગયા. હું બહાર ના ગઈ. હું રસોડામાં હતી. એક સામાન્ય ઓળખાણ ફુવાએ બધા વચ્ચે કરાવી. હું અંદર બધું સાંભળતી હતી. છોકરાના પિતા અને માતા બંને શિક્ષક હતા. છોકરો એન્જીનીયર અને સાથે સારી એવી કંપનીમાં મોટા હોદ્દા પર હતો. મારા કરતાં 4 વર્ષ મોટો અને સારૂ એવું નામ ધરાવતો હતો. હું વિચારવા લાગી અને લાગ્યું કે કોઈ સામાન્ય વ્યક્તિ હોત તો ચાલત પણ જે માણસનું અમારા સમાજમાં આટલું નામ છે એ મને કેમ પસંદ કરશે? ઓલરેડી એન્જીનીયર છે એટલે કોઈનાકોઈને મનમાં વસાવીને જ બેઠો હશે. મેં મનોમન વિચારી લીધું કે એ મને રિજેક્ટ જ કરશે. મારે કઈ જ પૂછવાની જરૂર નથી. મેં હજુ એને જોયો પણ નહતો અને એના વિશે આ ધારણા બાંધી હતી એટલે હજુ આગળ શું થશે? એ જોવાનું બાકી હતું. બસ પછી મને પાણી લઈ જવાનું કહેવામાં આવ્યું. હું પાણીની ટ્રે લઈને ગઈ. છોકરાને જોયા વગર જ હું બધાને પાણી આપીને આવતી રહી. મને પણ શક હતો જ કે એણે પણ મને નથી જ જોઈ.

બસ પછી અંદર આવીને ચાની તૈયારીમાં મેં બીજું કંઈ જ વિચાર્યું નહિ. ચા-નાસ્તો તૈયાર કરીને ટ્રેમાં કાઢ્યો. બધું જ ફઈએ જ તૈયાર કર્યું હતું. મને શોપીસ બનાવીને જ રસોડામાં ઉભી રાખી હતી. હું ક્યાંય ભાગી ના જઉં એટલે નાનો ભાઈ પણ મારી જોડે જ હતો. ફઇની એક બેબી હતી પણ એને એ લોકો જાણીજોઈને સાથે લાવ્યા નહીં. 'ટિપિકલ ઇન્ડિયન મેન્ટાલીટી'. 'એકની જગ્યાએ બીજી છોકરીને પસંદ કરે તો.......' બસ આ કારણ એને નહિ લાવવાનું. પછી હું ટ્રે લઇ બધાને બહાર ચા અને નાસ્તો આપી આવી. એમને આવ્યાને કદાચ કલાક થયો હશે. અને કુટુંબ, વાલી-વારસો, પૂર્વજો, વતન, વસવાટ, આની માસી, આની દીકરી, આની વહુ,... અમારા પપ્પાના આ, અમારી સાસુના પેલા સગાના સગા.... આ બધી વાતો થઈને છેવટે છેલ્લે બધાએ એક વાત પર સહમતી આપી. છોકરાઓને મોકલો સાથે વાત કરવા, જો એમને પસંદ આવશે તો વાત આગળ વધારીશું. અને પહેલા મારો નાનો ભાઈ છોકરાને લઈને બાજુવાળા માસીને ઘરે ગયો અને ત્યારબાદ મારા ફઇ મને લઈને એમની ત્યાં ગયા. બાજુવાળા માસી અને એમનો પરિવાર બહાર જ બેઠા હતા અમારી રાહ જોઇને. અમે ગયા એવા અમારી આગતા-સ્વાગતા કરી અંદર લઈ ગયા. ત્યારબાદ મને, નાના ભાઈ અને છોકરાને મૂકી બાકી બધા બહાર ગયા.

અમે ત્રણ એકલા અને રૂમમાં નીરવ શાંતિ. ભાઈ કે હું કઈ બોલીએ જ નહીં. મેં તો છોકરાનું નામ પણ જાણવાની તસ્દી લીધી નહતી. બોલું શુ? મને ખુબ ગભરામણ થઈ રહી હતી. અને મેં પહેલી જ વખત એની સામે જોયું. ફોર્મલ શર્ટ-પેન્ટ, નેવી બ્લ્યુ પેન્ટ અને આછા રંગનો શર્ટ. ઇસ્ત્રીબંધ પણ થોડું મેસી, મેસી હેરસ્ટાઇલ, બ્રાન્ડનો કોઈ શો-ઓફ નહિ, રિમલેસ ગ્લાસ. હાથ પર ઘડિયાળ કે કોઈ બ્રેસલેટનો શો-ઓફ નહિ. વેલ ચહેરો ઘઉંવર્ણ, લંબગોળ, આંખો મોટી. અને બસ એક નજરમાં આટલું નોટિસ કર્યું મેં. જાણું છું આ પહેલી નજરે પ્રમાણે વધારે જ નોટિસ કર્યું કહેવાય, પણ શું કરું એમા હું? આપણો સમાજ એક જ વારમાં કોઈને જોઈને એની સાથે લગ્ન કરવા કે ના કરવા જેવી બાબતો નક્કી કરવાનું કહેતો હોય તો આટલું તો જોવું જ પડે ને! એણે પણ કદાચ એટલું નોટિસ કર્યું હશે મારામાં. ખબર નહિ હું શુ વાત કરું એ ન સમજાયું? મને લાગ્યું હતું કે એ પૂછશે.

છેવટે મારો નાનો ભાઈ જ બોલ્યો. "સિયા, આ રાઘવ છે. એન્જીનીયર છે અને તને જોવા આવ્યા છે તો તમે બંને એકબીજા સાથે વાત કરી લો. એમ સમજીને કે હું અહી છું જ નહીં.."
રાઘવ... નામ સાંભળીને જ એક ચમકારો થયો, હું સિયા અને એ રાઘવ. અને મેં મારી એક્સાઇટમેન્ટ કાબુમાં રાખવા પ્રયત્ન કર્યો. એ પછી મેં રાઘવની સામે જોયું. એ હજુ કોઈ ટેનશનમાં હોય એમ મને લાગ્યું. મેં જ બોલવાનું ચાલુ કર્યું, તમે પાણી લેશો. અને એણે મારી સામે જોયું. પહેલીવાર કદાચ!! એને સામે પડેલો પાણીનો ગ્લાસ ઉઠાવ્યો અને એમાંથી એક ઘૂંટ પાણી પીધું અને ગ્લાસ પાછો મૂકી દીધો. અને થોડીવાર રહીને એ બોલ્યો, "આઈ એમ સોરી, હું નર્વસ થઈ ગયો હતો. હું આમ તો કઈ પૂછવા નથી માંગતો પણ......"
એણે મારી સામે આંખો ઊંચી કરી અને એટલી જ નર્વસનેસથી કહ્યું, "તમે જે પૂછવા માંગો એ પૂછી શકો છો. હું પ્રયત્ન કરીશ તમને સંતોષકારક જવાબ આપવા..."
અને હું વિચારવા લાગી કે મેં તો કઈ તૈયારી જ નથી કરી પૂછું શુ? પછી થોડો વિચાર કરી એની નર્વસનેસ જોઈને પૂછ્યું, તમે ખરેખર લગ્ન કરવા ઈચ્છો છો ખરા? કે ફેમિલીના પ્રેશરમાં આવો કોઈ નિર્ણય લો છો?

એણે એની આંખો ફરી મારી તરફ કરી અને મારા સવાલથી એ એટલો જ ડઘાઈ ગયો હતો, અને કંઈક આ રીતે એણે જવાબ આપ્યો, "હા મતલબ અં..... હા ઓબવીયસલી બટ......" મેં એની સામે જોયું અને એ ફરીથી નીચે જોવા લાગ્યો અને બોલ્યો, "હા ઉંમર થઈ છે તો લગ્ન તો કરવા પડશે. મારુ કોઈ અફેર ક્યારેય રહ્યું નથી. કોઈ છોકરી મારા મનમાં ક્યારેય વસી નથી. હા એક છોકરી પસંદ હતી પણ મારું નેચર મને બધે નડયું. પણ બસ આમ એકવાર મળીને લગ્ન કરવા કે નહીં એ મને યોગ્ય નથી લાગતું. એટલે જ હું અત્યાર સુધી આ સિચ્યુએશનથી દુર ભાગતો હતો. કોઈને ખાવાનું બનાવતા આવડે છે કે નહીં, એ પરિવાર સાથે ભળી શકે છે કે નહીં, એ મલ્ટી ટેલેન્ટેડ છે કે નહીં, આ બધી વાતો એની સાથે લગ્ન કરવા લાયક નથી ઠરાવતી. હું વિચારો સાથે તાલમેલ ઇચ્છું છું. જે એકવારમાં ખ્યાલ ન આવે." બસ એ આટલું બોલ્યો ને ફરીથી પાણીનો ગ્લાસ હાથમાં લઈ લીધો.

એ એક રીતે પોતાની તરફથી ક્લિયરીટી આપી રહ્યો હતો, કે એ પોતાના શરમાળ પ્રકૃતિને કારણે કોઈ છોકરી નજીક જઇ શક્યો નથી અને નવા ટ્રેન્ડ પ્રમાણે એ છોકરાઓમાં પણ રસ ધરાવતો નથી...... હું પણ એની નર્વસનેસ ઓછી કરવા બોલી, ડોન્ટ વરી હું પણ આ વાત સાથે સહેમત છું. એકવારમાં કોઈના વિચારો સમજી તો ન જ શકાય. તમે જેટલા ટેનશનમાં છો કદાચ મને પણ એ જ વાત પરેશાન કરી રહી છે. થોડું વિચારી હું આગળ બોલી... પણ પ્લીઝ તમે જો શક્ય હોય તો તમારી ના જેટલી જલ્દી હોય એટલી જલ્દી કહેજો. જેથી બધાને આશા ન જાગે.
એણે મારી સામે જોયું અને બધું પાણી પી ગયો, ત્યારબાદ એણે મને કંઈ પૂછ્યા વગર બહાર જવાનું કહ્યું. અને અમે એ ઓકવર્ડ સિચ્યુએશન અને રૂમમાંથી ઉભા થઇ બહાર જવા લાગ્યા. બહુ બહુ તો 15 મિનિટ થયા હશે અને અમે બહાર ગયા. ફઈ બહાર જ હતા અમને બહાર આવેલા જોયા તો એમના મનમાં અનેક પ્રશ્ન હતા પણ પૂછવાના ટાળ્યા અને અમે બધા અમારા ઘરે પાછા આવ્યા. હું રસોડામાં જતી રહી અને 15 મિનિટ પછી એ લોકો ઘરે જવા ઉભા થયા. બસ થોડીક ઔપચારિકતા અને એ પછી એ બધા નીકળી ગયા.

એ લોકોના ગયા પછી મારા પર સવાલોનો મારો ચાલુ થયો. હું એ લોકો નીકળતા હતા એ વખતે બહાર ગઈ નહતી એટલે મને રાઘવ તરફથી મળનાર જવાબનો જાણે અંદાજો આવી ગયો હતો એમ કહી શકાય. એટલે પણ બધા મારી વાત સાંભળવા માંગતા હતા. અને બધા પાછા જે રીતે સવાલો પૂછી રહ્યા હતા મને ગુસ્સો આવ્યો અને કહી દીધું કે હજી રાઘવ જ રેડી નથી તો તમે લોકો કેમ આટલી જલ્દી કરી રહ્યા છો? પહેલા એનો જવાબ આવવા દો, પછી કહીશ. મારો પરિવાર વિચારવા લાગ્યો કે નક્કી આ છોકરીએ કોઈ ગડબડ કરી જ છે એટલે જ આવું કીધું. એમને કઈ રીતે સમજાવું કે આ વખતે મેં કઈ જ નથી કર્યું!!!

પણ મારો ભાઈ પરિસ્થિતિ જોઈ મારા પપ્પા અને ફઈથી દુર મને બહાર લઈ ગયો મારો મૂડ સરખો કરવા. અમે લોકો એક આઈસ્ક્રીમની દુકાને ગયા અને એ મારી માટે બટરસ્કોચ ટ્રીકોર્ન લઈને આવ્યો. અમારા બંનેની સહેજ પણ બનતી નથી, આખો દિવસ ઝઘડતા હોઈએ પણ આવી કોઈ પરિસ્થિતિમાં એ હંમેશા મારો સાથ આપે અને હું એનો. અને એ મારો મૂડ સરખો કરવામાં લાગી ગયો "સિયા તું ચિંતા ના કર. હું ત્યાં હતો અને જે થયું એ બધું મેં સાંભળ્યું. મને નથી લાગતું કે તે કઈ પણ ખરાબ કીધું કે કર્યું હોય! પાપા કે કોઈ તને કંઈપણ કહેશે તો હું ચલાવીશ નહિ." મારા નાના ભાઈની આટલી મોટી-મોટી વાતો સાંભળી હું ખૂબ ખુશ થઈ અને ખુશીમાં એને ગળે લગાવી દીધો. તો એ તરત મારાથી દુર થઇ ગયો અને કહેવા લાગ્યો, "એનો મતલબ એ નહિ કે આપણી દુશ્મની સોલ્વ થઈ ગઈ. હું હજી પણ તને દીદી તો નહીં જ કહું." આ સાંભળી હું એની સામે મો બનાવવા લાગી અને એ મારી સામે જોરથી હસવા લાગ્યો.

અને એના પછી મારુ નાક ખેંચીને એણે મને કહ્યું, "હા પણ એક વસ્તુ ના સમજાઈ??" હું એની સામે સીરીયસ થઈ એની વાત સાંભળવા લાગી અને એ જે બોલવાનો હતો એ વિશે વિચારવા લાગી, "આપણે બંનેને ખબર છે કે રાઘવ હજુ લગ્ન માટે તૈયાર નથી! રાઈટ?" મેં પણ કહ્યું, હમ્મ... તો..
"તો એમ બહેના..... કે મિ. રાઘવ છે ને.... એમની નજરો જતા-જતા કોઈને શોધી રહી હતી. અને મને એમ લાગે છે કે એ તને શોધી રહ્યા હતા." એ વખતે હું મારી જીભથી આઈસ્ક્રીમ સાથે રમત કરી રહી હતી અને મારા નાના ભાઈની આવી વાત સાંભળી હું જોરજોરથી ખાસવા લાગી. ખાંસી રોકાઈ અને હું બોલી, અહ, શકય જ નથી. તે કંઈક વધારે ઈમેજીન કરી લીધું.........
અને મારો ભાઈ બોલ્યો, "અને જો કદાચ એ હા પાડે તો તારો જવાબ શુ હોય?" અને બસ આગળ કઈ બોલે, એ પહેલાં મેં એના મોમાં આઈસ્ક્રીમ કોન ઠૂંસી દીધો અને એને વધારે વિચારતા રોક્યો. પણ હવે હું વિચારવા લાગી. જો ખરેખર એ હા પાડે તો મારો જવાબ શુ હોવો જોઈએ? હું શું કરું? જોઈએ...........

(એક અરેન્જ મેરેજ પણ ભારતમાં કેટલી મુશ્કેલ છે! એનો થોડો અણસાર તમને આવ્યો હશે. હજી તો જવાબ આવવાનો બાકી છે. શુ થશે એ જાણવા માટે આગળના ભાગની રાહ તો જોવી જ રહી. તો એક નાનકડો ઇંતેજાર. અને તમારા બધાના સવાલ સાથે આગળનો ભાગ બહુ જલ્દી તમને વાંચવા મળશે.)