ઑપરેશન ચક્રવ્યૂહ સિઝન-1
ભાગ:-14
વુશોન્ગ ફોર્ટ,શાંઘાઈ, ચીન
યાંગત્ઝી નદીને કિનારે બાઓશાન રિવરસાઈડ પાર્કથી પાંચ મિનિટના અંતરે આવેલ વુશોન્ગ ફોર્ટ રાત્રીના સમયે ત્યાં મુકવામાં આવેલી રોશનીના લીધે ફોર્ટની સુંદરતા રાતે વધુ ઉત્તમ લાગી રહી હતી. પ્રાચીન ઈમારત અને કલાત્મક સજાવટોથી સજ્જ વુશોન્ગ પાર્ક દિવસે તો સહેલાણીઓથી ખીચોખીચ રહેતો પણ રાતે અહીં પ્રમાણમાં ઘણી શાંતિ હતી.
અર્જુન અને નાયકને લઈને શાહિદ નવ વાગે અને પચ્ચીસ મિનિટે વુશોન્ગ ફોર્ટ આવી પહોંચ્યો હતો. શાહિદને ગાડીમાં જ રોકાવાનું કહી અર્જુન અને નાયક ફોર્ટમાં પ્રવેશ્યાં.
જેવા એ લોકોએ અંદર આવેલી ઈમારત તરફ ડગ માંડ્યા ત્યાં અર્જુનના મોબાઈલની રિંગ વાગી. અર્જુને ખિસ્સામાંથી ફોન નીકાળી કોલ રિસીવ કર્યો.
"ડાબી તરફ ગીનકોના ચાર વૃક્ષ આવેલા છે, એની નીચે જે બેન્ચ છે ત્યાં આવીને બેસી જાઓ."
આટલું કહી કોલ ડિસ્કનેક્ટ થઈ ગયો. પોતાની ઉપર નજર રાખવામાં આવી રહી છે એ જાણી ગયા હોવા છતાં અર્જુન અને નાયક સ્વસ્થતા જાળવી ડાબી તરફ આવેલા પીળા પર્ણો ધરાવતા ખૂબસૂરત એવા ગીનકોના વૃક્ષ તરફ આગળ વધ્યા.
પાંચ મિનિટમાં એ બંને વૃક્ષ નીચે આવેલી બેન્ચ પર હતાં. જેવા અર્જુન અને નાયકે ત્યાં સ્થાન લીધું એ સાથે જ બે સશસ્ત્ર વ્યક્તિઓ એમની બાજુમાં આવીને ઊભાં રહી ગયાં
"તમને કોઈ તકલીફ ના હોય તો અમે તમારી તપાસ કરી શકીએ..!" ત્યાં આવેલા બે વ્યક્તિમાંથી એક અર્જુન અને નાયકને ઉદ્દેશીને બોલ્યો.
અર્જુને નાયકની તરફ જોયું અને એ બંને લોકોને સહકાર આપવા ઈશારો કર્યો. નાયક અને અર્જુન તુરંત હાથ ઊંચા કરીને પોતાના સ્થાને ઊભા થઈ ગયાં. ઊભા થયાં પહેલા અર્જુને અને નાયકે પોતાની જોડે રહેલી રિવોલ્વર એ વ્યક્તિને સોંપી દીધી.
અર્જુન અને નાયકની જડતી લઈ લીધાં બાદ એ હથિયારધારી વ્યક્તિએ પોતાના ફોનમાંથી એક નંબર ડાયલ કર્યો. સામે છેડેથી કોલ રિસીવ થતા જ એને કહ્યું.
"બધું ક્લિયર છે..!"
આટલું કહી એને પોતાનો કોલ ડિસ્કનેક્ટ કરી દીધો. બે મિનિટ બાદ ચાર અન્ય મશીનગનધારી વ્યક્તિઓની વચ્ચે ઘેરાયેલો એક સૂટ-બૂટમાં સજ્જ વ્યક્તિ અર્જુન અને નાયકની તરફ આવી રહ્યો હતો; ગોંગ પણ એની જોડે હાજર હતો.
એ વ્યક્તિને જોતા જ અર્જુન અને નાયક સમજી ગયાં કે એજ નુવાન યાંગ લી છે. નુવાને અર્જુન અને નાયકની જોડે આવી ચહેરા પર સ્મિત લાવી અર્જુન અને નાયક સાથે હસ્તધૂનન કરતા કહ્યું.
"કેમ છો મિસ્ટર હુસેની અને મિસ્ટર રહેમાની?"
"અત્યાર સુધી તો સકુશળ છીએ." અર્જુને હસીને જવાબ આપ્યો.
"ડેવિડ, શેખ સાહેબને એમની રિવોલ્વર પાછી આપી દે!" અર્જુન અને નાયકની રિવોલ્વર જેની જોડે હતી એ બોડીગાર્ડને આદેશ આપતા યાંગ લીએ કહ્યું. "છ-છ 57 લાઈટ મશીનગનની હાજરીમાં કોઈ મૂર્ખ વ્યક્તિ જ રિવોલ્વરનો ઉપયોગ કરવાનું વિચારે, સાચું કહ્યું ને શેખ સાહેબ?"
"તમે પાકા બિઝનેસમેન છો મિસ્ટર લી." ડેવિડે આપેલી રિવોલ્વરને પોતાના કુર્તાની નીચે મૂકતા અર્જુન હસીને બોલ્યો.
"આ ગોંગ કહેતો હતો કે તમારે મોટી માત્રામાં ડ્રગ્સની જરૂર છે?"
"હા, અંદાજે બસો થી ત્રણસો કિલો.." અર્જુને કહ્યું. "મારે જેટલા કોન્ટેક્ટ છે એના બળ પર હું દર મહિને પાંચસો કિલોથી વધુ ડ્રગ્સ વેંચી શકું એમ છું, પણ અત્યારે શરૂઆતમાં તો બસો થી ત્રણસો કિલો બરાબર છે."
"હું તમને તમારી મરજી મુજબનું ડ્રગ્સ આપી શકું છું..પણ" યાંગ લી થોડું અટકીને આગળ બોલ્યો. "તમારે એનું અમુક પેયમેન્ટ એડવાન્સ આપવું પડશે."
"મળી જશે..પણ અમારે ફક્ત સ્નેક વેનમ ડ્રગ્સ જોઈએ છે." નાયકે સીધા શબ્દોમાં કહ્યું. "બાકીનાં ડ્રગ્સ સામાન્ય થઈ ગયાં છે એટલે અમારે ફક્ત અને ફક્ત સ્નેક વેનમ ડ્રગ્સની આવશ્યકતા છે."
"મને ગોંગે જણાવ્યું હતું એ વિષયમાં.." લી બોલ્યો. "હું તમને બસો કિલો સ્નેક વેનમ ડ્રગ્સ આપી શકું એમ છું. જેની કિંમત બાર થી તેર કરોડ યુઆન થશે, જેનાં પચ્ચીસ ટકા એટલે ત્રણ કરોડ યુઆન તમારે એડવાન્સ મોકલાવવા પડશે."
"અમને બે મિનિટ આપશો." અર્જુને લીને ઉદ્દેશીને કહ્યું. "હું મારા ભાઈ જોડે થોડી ખાનગીમાં ચર્ચા કરવા માંગું છું."
"કેમ નહીં! બે ની પાંચ મિનિટ લઈ શકો છો." યાંગ લીની રજા મળતા જ અર્જુન અને નાયક ત્યાંથી વીસેક ડગલાં દૂર જઈને ધીમા અવાજે અંદરોઅંદર ચર્ચા કરવા લાગ્યા. એ લોકોને શું કરવાનું હતું એ પહેલેથી નક્કી હતું છતાં આમ કરવું એમના પ્લાનના ભાગરૂપે હતું. કોઈપણ નિર્ણય સીધો લેવાને બદલે થોડી જીજક બાદ લેવામાં આવે તો સામે ઊભેલી વ્યક્તિને તમારી ઉપર શંકા જવાની શક્યતા ઘટે છે એ મનોવિજ્ઞાન મુજબ અર્જુન અને નાયક આગળ વધી રહ્યા હતાં.
ત્રણ-ચાર મિનિટ બાદ અર્જુન અને નાયક પાછા યાંગ લી જોડે આવીને ઊભા રહ્યાં.
"નિર્ણય કરી લીધો.?" એમના ત્યાં આવતા જ બેચેનીભર્યા સ્વરે લી બોલ્યો.
"અમે તમને બસો કિલો સ્નેક વેનમ ડ્રગ્સના દસ કરોડ યુઆન જ આપી શકીએ એમ છીએ, હજુ આ અમારી પહેલી ડિલ છે એટલે ડ્રગ્સ માર્કેટમાં શું ચાલે છે એ જાણ્યા પછી જ અમે આવતી ડિલમાં વધુ રકમ આપી શકીશું."
"સારું..આ તમારી પ્રથમ ડિલ છે તો હું તમને બસો કિલો સ્નેક વેનમ ડ્રગ્સ દસ કરોડ યુઆનમાં આપવા તૈયાર છું. બીજું કાંઈ.?"
"અમે તમને દોઢ કરોડ યુઆન એડવાન્સ આપી શકીએ છીએ અને એ આપ્યા બાદ અમે આ ડ્રગ્સ તમે કેવી રીતે બનાવો છો એની પૂરી પ્રોસેસ જોવા માંગીએ છીએ. મારાં ભાઈની ખૂબ ઈચ્છા છે કે સાપનાં ઘાતક ઝેરમાંથી ડ્રગ્સ કઈ રીતે બને છે એ રૂબરૂમાં જોવે."
"હમ્મ..અમારો નિયમ છે કે જ્યાં અમે ડ્રગ્સનું ઉત્પાદન કરીએ છીએ ત્યાં અમે અન્ય કોઈને લઈ નથી જતા, આમ છતાં હું તમારા માટે આ નિયમ તોડવા તૈયાર છું." યાંગ લી મનોમન કંઈક ગણતરી કરતા બોલ્યો.
"તો આપણી ડિલ ફાઇનલ રહી.." પોતાના બંને હાથ ખુલ્લા કરીને લીને ગળે મળવાનો સંકેત આપતા અર્જુન બોલ્યો.
"આગળ જતા આપણો સંબંધ વધુને વધુ મજબૂત થશે એવી આશા છે." અર્જુન અને નાયકને ગળે લગાવીને યાંગ લીએ કહ્યું.
"તો બોલો, તમારે ક્યારે દોઢ કરોડ યુઆન જોઈએ છે.?" અર્જુને લીને ઉદ્દેશીને પૂછ્યું.
"આમ તો જ્યારે તમને યોગ્ય લાગે ત્યારે કરી શકો છો." લી એ કહ્યું."પણ શક્ય હોય તો બે-ત્રણ દિવસમાં કરો તો સારું, જેથી હું ડ્રગ્સ બનાવવા જરૂર પડનારા સાપોનો ઓર્ડર કરી શકું, હમણાંથી સ્નેક વેનમ ડ્રગ્સની ડિમાન્ડ વધી હોવાથી સાપોનો પૂરતો જથ્થો મળતો નથી. અમારી જોડે સાપોનો મોટો જથ્થો છે પણ એમાંથી બનતું ડ્રગ્સ તો અમે રેગ્યુલર ગ્રાહકોને મોકલાવતા હોવાથી તમારી ડિમાન્ડ પૂરી કરવા વધુ સાપ મંગાવવા પડશે."
"હું સમજી શકું છું.." અર્જુને કહ્યું. "આવતીકાલે સાંજ સુધીમાં તમારા એકાઉન્ટમાં દોઢ કરોડ યુઆન આવી જશે..તમે તમારો એકાઉન્ટ નંબર મને મેસેજ કરી દેજો."
"શેખ, તમારે મને આ એમાઉન્ટ મારા એકાઉન્ટમાં કેશ સ્વરૂપે નહીં પણ બીટકોઈન સ્વરૂપે આપવાની થશે." નુવાન યાંગ લીએ કહ્યું.
"બીટકોઈન..!" અર્જુને આશ્ચર્ય સાથે કહ્યું. "પણ બીટકોઈન જ કેમ?"
"કારણકે, અત્યારે અમારા કારોબારમાં અમે બધો મોટો વ્યવહાર બીટકોઈન મારફતે જ કરીએ છીએ." લી એ કહ્યું. "બીટકોઈનથી ગમે એટલી મોટી રકમ ટ્રાન્સફર કેમ ના કરીએ, કોઈની નજરોમાં અવાતું નથી. માટે છેલ્લાં એક વર્ષથી અમે વિદેશોમાંથી આવતું બધું જ નાણું બીટકોઈન મારફતે જ મંગાવીએ છીએ. આપની કંપની તો મલ્ટીનેશનલ છે એટલે બીટકોઈન અંગે આપને તો માહિતી હશે જ."
"હા અમને ખબર છે બીટકોઈન અંગે..મેક્સિકોની એક બેનામી કંપની અમને બીટકોઈન દ્વારા જ સોદાની રકમ મોકલાવે છે." અર્જુને સમજી વિચારીને દરેક શબ્દોનો ઉપયોગ કરતા કહ્યું. "અમને વાંધો નથી, તમે એવું હોય તો તમારા બીટકોઈન એકાઉન્ટનો નંબર મોકલાવી દેજો."
"ચોક્કસ..હું અમારો અઠ્ઠાવીસ આંકડાનો બીટકોઈન એકાઉન્ટ નંબર કાલે સવારે મોકલાવી આપીશ."લીએ મોબાઈલમાં કેલ્ક્યુલેટર ખોલી ગણતરી કરીને જણાવ્યું. "તમે ચાઈનીઝ કરન્સી અને બીટકોઈનના હાલના ટ્રેડ માર્કેટ રેટને ગણતરીમાં લઈ બીટકોઈન મોકલાવી આપજો..અંદાજે બસો પાંત્રીસ જેટલા બીટકોઈન મોકલવાના થશે."
"થઈ જશે..!" અર્જુને ફરીવાર યાંગ લી જોડે હસ્તધૂનન કરતા કહ્યું.
"કાલે સમય મળે તો અમારી ચેન્ગશિંગ આઈલેન્ડ પર આવેલી ઓફિસની મુલાકાત લો, પાર્ટી કરીશું." આટલી મોટી ડિલથી ખુશ થઈને લીએ અર્જુન અને નાયકને ઉદ્દેશતા કહ્યું.
યાંગ લીનો આ પ્રસ્તાવ અર્જુને સ્વીકારી લીધો કેમકે લીની ઓફિસમાં ઘૂસવાનો અર્થ જિયોન્ગ લોન્ગના ખુફિયા ડ્રગ્સ નેટવર્ક અને પાકિસ્તાની આતંકવાદીઓ વચ્ચે લોન્ગના કનેક્શન અંગે જાણકારી મેળવવાનો અવસર સાંપડવો એવો થતો હતો.
"ચોક્કસ, કાલે હું અને મારો ભાઈ બંને તમને કોલ કરીને આવી જઈશું." અર્જુને કહ્યું.
"સારું, ત્યારે હવે તમે જઈ શકો છો." યાંગ લી બોલ્યો.
"ખુદાહાફિઝ.."
"ખુદાહાફિઝ.!"
યાંગ લી સાથેની મુલાકાતને સફળતાપૂર્વક અંજામ આપ્યા બાદ અર્જુન અને નાયક પુનઃ પાર્કિંગમાં પાર્ક કરેલી મર્શિડીઝ તરફ આગળ વધ્યા. આ મુલાકાત બાદ અર્જુન અને નાયક જોડે ખુશ થવાના બે કારણો હતાં. એક તો એ કે એમને આવતીકાલે યાંગ લીની ઓફિસ જવાનું હતું જ્યાંથી જિયોન્ગ લોન્ગનો બધો જ નાણાકીય વ્યવહાર થતો હતો..અને બીજું કારણ હતું ડ્રગ્સ ઉત્પાદન ક્ષેત્રની મુલાકાતના બહાને જિયોન્ગ લોન્ગ સાથે થનારી મુલાકાત.
આ બે ખુશ થવાના કારણો વચ્ચે બીજો એક મોટો ચિંતાનો વિષય હતો કે રાજવીર શેખાવત આવતીકાલ સાંજ સુધીમાં યાંગ લીના બીટકોઈન એકાઉન્ટ પર દોઢ કરોડ યુઆન જેટલી રકમનાં બીટકોઈનનું ટ્રાન્સફર કેમનું કરશે?
************
ક્રમશઃ
આગળ શું થવાનું છે એ જાણવા વાંચતા રહો આ સુપર સસ્પેન્સ દિલધડક નવલકથા "ઑપરેશન ચક્રવ્યૂહ". આ નવલકથા દર ગુરુવારે અને રવિવારે આવશે એની નોંધ લેવી.
આ નવલકથા અંગે તમે તમારાં કિંમતી મંતવ્યો મારાં whatsup નંબર 8733097096 પર કે પછી ફેસબુક આઈડી author jatin patel પર આપી શકો છો.
માતૃભારતી પર મારી નાની બેન દિશા પટેલની નોવેલો દિલ કબુતર, ડણક, રૂહ સાથે ઈશ્ક, અનામિકા, haunted picture, રૂહ સાથે ઈશ્ક રિટર્ન અને સેલ્ફી નામક નવલકથાઓ વાંચી શકો છો.
મારી અન્ય નોવેલો માતૃભારતી પર મોજુદ છે જેનાં નામ છે.
ડેવિલ:એક શૈતાન, ડેવિલ રિટર્ન, બેકફૂટ પંચ, ચેક એન્ડ મેટ
સર્પ પ્રેમ, અધૂરી મુલાકાત, આક્રંદ:એક અભિશાપ.
હવસ, હતી એક પાગલ, પ્રેમ-અગન, રુદ્રની પ્રેમકહાની
પ્રતિશોધ અને મર્ડર@રિવરફ્રન્ટ
~જતીન.આર.પટેલ (શિવાય)