ઑપરેશન ચક્રવ્યૂહ સિઝન-1 - 12 Jatin.R.patel દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • દીકરો

    જૂનું લાકડાની પીઢોવાળું લાંબુ ત્રણ ઓરડાવાળું મકાન છે. મકાનમા...

  • ભીતરમન - 38

    એ લોકો ફાયરિંગમાં સહેજ નિશાન ચુકી જતાં ગોળી મને હૃદયમાં લાગવ...

  • ખજાનો - 37

    ( આપણે પાછળના ભાગમાં જોયું કે સાપોની કોટડીમાં ઝહેરીલા સાપ હો...

  • ફરે તે ફરફરે - 20

    ફરે તે ફરફરે - ૨૦   આજે અમેરિકાના ઘરોની વાત માંડવી છે.....

  • નાયિકાદેવી - ભાગ 27

    ૨૭ ગંગ ડાભી ને વિદ્યાધર ગંગ ડાભીને આંખે જોયેલી માહિતી આ માણસ...

શ્રેણી
શેયર કરો

ઑપરેશન ચક્રવ્યૂહ સિઝન-1 - 12

ઑપરેશન ચક્રવ્યૂહ સિઝન-1

ભાગ:-12

ચેન્ગશિંગ આઈલેન્ડ,શાંઘાઈ, ચીન

ગોંગનું હૃદય જોરજોરથી ધડકી રહ્યું હતું, મસમોટા કમિશનની લાલચે એને બંને શેખ અંગે વધુ જાણકારી પ્રાપ્ત કર્યાં વિના જ એમને નુવાન યાંગ લી અને જિયોન્ગ લોન્ગ અંગે જણાવી ભૂલ કરી હોય એવું અત્યારે એને પ્રતીત થઈ રહ્યું હતું.

"સર, આ જોવો." લેપટોપ સામે બેસેલી યુકાતાના શબ્દો કાને પડતા જ નુવાન યાંગ લીએ પોતાની આંખો લેપટોપની સ્ક્રીન તરફ કેન્દ્રિત કરી.

"આ રહી આર.એસ એન્ટરપ્રાઈઝ કંપનીની તમામ ડિટેઈલ, આ કંપનીની સ્થાપના આજથી સાત વર્ષ પહેલા થઈ હતી અને આ કંપનીનું મુખ્ય કામ ક્રૂડ અને સોનાની ઇમ્પોર્ટ એક્સપોર્ટનું છે."

યુકાતા આર.એસ એન્ટરપ્રાઈઝ નામક કંપનીની વેબસાઈટ ખોલીને બેસી હતી. રહેમાન અલ હુસેની અને સલમાન બિલ રહેમાનીનો ફોટો કંપની વેબસાઈટના હોમપેજ પર આવેલો હતો જેને જોતા જ ગોંગ ઓળખી ગયો કે આ બંને એ જ શેખ છે જેમને એ હોટલમાં મળ્યો હતો.

યુકાતાએ સ્ક્રીન સ્ક્રોલ કરી આર.એસ એન્ટરપ્રાઈઝ કંપનીની અન્ય વિગતો પણ યાંગ લીને બતાવી. આ વિગતોમાં કંપની ઓફિસના અને સ્ટાફના ફોટો, કંપનીનો પોર્ટફોલિયો, અર્જુન અને નાયકના શેખના વેશમાં પ્રેસ કોનફરન્સ કરતા ફોટોસનો સમાવેશ થતો હતો.

શેખ દ્વારા આપવામાં આવેલી કંપનીનું નામ અને વિગતો બધું સાચું હતું છતાં યાંગ લી આ બાબતે વધુ ચોક્કસ થવા ઈચ્છતો હતો એટલે એને ત્યાં બેસેલા અન્ય એક યુવકને ઉદ્દેશીને કહ્યું.

"વીંગ, યુકાતા જોડેથી કાર્ડ લઈ એની ઉપર લખેલા મોબાઈલ નંબરની ડિટેઈલ મેળવીને મને જણાવ કે એ કાર્ડ કોના નામે રજીસ્ટર છે?"

યાંગ લીના આદેશ પર યુકાતાની સામે બેસેલા વીંગ નામક એના સમવયસ્ક યુવકે યુકાતા જોડેથી અર્જુને ગોંગને આપેલું વિઝીટિંગ કાર્ડ લઈ એના ઉપર અંકિત હુસેનીના મોબાઈલ નંબરની ડિટેઈલ મેળવવાનું શરૂ કર્યું. યુકાતાની માફક વીંગ પણ કોમ્પ્યુટર અને આઈ.ટી માં ખૂબ જ પાવરધો લાગી રહ્યો હતો.

મોબાઈલ કંપનીની જાણ વગર એમનાં ડેટામાંથી કોઈ કોન્ટેક્ટ નંબરની ડિટેઈલ મેળવવી લગભગ અશક્ય કામ હતું, જેને કોઈ હેકર સિવાય કરી શકે એમ નહોતું. વીંગે દસેક મિનિટની જહેમત અને બાદ વિઝીટિંગ કાર્ડ પર મોજુદ મોબાઈલ નંબરની ડિટેઈલ મેળવી લીધી.

"સર, આ નંબર રહેમાન અલ હુસેનીના નામે રજીસ્ટર છે."

વીંગના આ શબ્દો સાંભળી ગોંગે રાહતનો શ્વાસ લીધો. લીએ વીંગ અને યુકાતાનો આભાર માની વીંગ જોડેથી વિઝીટિંગ કાર્ડ લઈ ત્યાંથી ચાલતી પકડી. નુવાન યાંગ લીના ચહેરા પરથી સ્પષ્ટ હતું કે એની જોડે ડ્રગ્સની બિઝનેસ ડીલ કરવા માંગતા બંને શેખ ઈન્ટરપોલના કે અન્ય કોઈ ગુપ્તચર સંસ્થાના માણસ નથી.

ત્રણ-ચાર મિનિટ બાદ ગોંગ યાંગ લીના પર્સનલ ચેમ્બરમાં એની સામે ખુરશીમાં બેઠો હતો.

"ગોંગ.." પોતાના હાથમાં પહેરેલી અંગૂઠીઓને તાલબદ્ધ રીતે ટેબલ પર અથડાવતા લીએ ગોંગને ઉદ્દેશીને કહ્યું. "તું જાણે જ છે કે ઈન્ટરપોલની હમણાથી માથાકૂટ વધી ગઈ છે, એટલે સાવચેતી માટે આ બધું કરવું પડે. મારા વર્તનનું ખોટું ના લગાવતો."

"અરે એવું તો ચાલે જાય." ગોંગ ચહેરા પર સ્મિત લાવી બોલ્યો. "તમારી કોઈ વાતનું ખોટું..લાગતું હશે!"

"સરસ, મને તારાથી આ જ આશા હતી." લીએ સપાટ અવાજમાં કહ્યું. "તો તું એમ કહેતો હતો કે એ શેખને આપણી જોડેથી 200-300 કિલો સ્નેક વેનમ ડ્રગ્સ જોઈએ છે?"

"હા, એમને મને એવું જ કહ્યું હતું."

"તને ખબર તો હશે કે સ્નેક વેનમ ડ્રગ્સનો ભાવ ખૂબ વધુ છે." પાંચ સેકંડ અટકીને લીએ આગળ કહ્યું. "આટલી મોટી માત્રામાં ડ્રગ્સ લેવા પર હું ભાવ થોડો ઓછો કરી દઉં તો પણ પંદર કરોડ યુઆન જેટલી માતબર રકમ એમને ચૂકવવી પડશે. એ બંને આટલી રકમ આપી શકશે?"

"હા, એ બંને અવશ્ય આટલી રકમ ચૂકવી શકશે." ગોંગ વિશ્વાસ સાથે બોલ્યો. "એ લોકોએ જે હદે સોનું પહેર્યું છે અને જેટલું સોનું એ લોકો જોડે લઈને ફરે છે એ પરથી તો એવું લાગે છે કે બંને કરોડોના આસામી હશે..એમની કંપનીનો પોર્ટફોલિયો પણ એ વાતની સાબિતી પૂરી પાડે છે કે બંને વર્ષે-દહાડે કરોડો કમાઈ લેતા હશે."

ગોંગની વાત શાંતિથી સાંભળ્યા બાદ નુવાન યાંગ લી બે મિનિટ સુધી કંઈક મનોમંથન કરતો રહ્યો. આખરે કંઈક નક્કર વિચાર્યા બાદ એને ગોંગની તરફ જોઈને કહ્યું.

"આજે રાતે એકજેક્ટ સાડા નવ વાગે વુશોન્ગ ફોર્ટ આવવાનું કહી દે એમને."

"ચોક્કસ..!" યાંગ લી શેખને મળવા રાજી થયો હતો એ સાંભળી ગોંગ મનોમન હરખાઈ રહ્યો હતો પણ એ પોતાની ખુશી મનમાં ધરબીને પોતાની જગ્યાએથી ઊભો થયો અને લીની પર્સનલ ચેમ્બરમાંથી બહાર નીકળવા અગ્રેસર થયો.

બે મિનિટની અંદર તો એ પોતાની બાઈક જ્યાં પાર્ક હતી ત્યાં આવી પહોંચ્યો. બાઈક જોડે આવતા જ ગોંગે પોતાનો મોબાઈલ ફોન નીકાળી, વિઝીટિંગ કાર્ડ પરથી એને જે નંબર પોતાના મોબાઈલમાં સેવ કર્યો હતો એ નંબર ડાયલ કર્યો.

"કોણ બોલો છો જનાબ?" કોલ રિસીવ થતા જ અર્જુનનો અવાજ ગોંગના કાને પડ્યો.

"શેખ સાહેબ, ગોંગ વાત કરું છું."

"બોલો બરખુરદાર, શું થયું?"

"યાંગ લી આપને મળવા માટે માની ગયા છે."

"ખુશામદિન..!, તો ક્યાં મળવાનું છે અને ક્યારે?"

"રાતે સાડા નવ વાગે વુશોન્ગ ફોર્ટ."

"વુશોન્ગ ફોર્ટ, હમ્મ.. સારું, અમે આવી જઈશું."

"ખુદાહાફીઝ."

"તારો ખુદા હાફીઝ હો."

શેખનો વેશ ધારણ કરીને આવેલા અર્જુન જોડે વાત કરી લીધા બાદ ગોંગે પોતાનો ફોન ખિસ્સામાં સેરવ્યો અને પોતાની બાઈક પર બેસીને ત્યાંથી નીકળી ગયો.

**********

"ગોંગનો ફોન હતો." અર્જુને હોટલ રૂમની અંદર પલંગ પર બેસીને ફોનમાં ગેમ રમતા નાયકને ઉદ્દેશીને કહ્યું. "યાંગ લી મળવા માટે માની ગયો છે."

"ખૂબ સરસ..!" નાયકે ખુશ થતા કહ્યું. "ક્યાં અને ક્યારે?"

"વુશોન્ગ ફોર્ટ..રાતે સાડા નવ વાગે." અર્જુને નાયકના સવાલનો ઉત્તર આપતા કહ્યું.

અર્જુને નાયક જોડેથી એનો ફોન લીધો અને એમાંથી પહેલા ફાતિમા અને પછી શાહિદને કોલ કરી રાતે સાડા નવ વાગે યાંગ લીને મળવા વુશોન્ગ ફોર્ટ જવાની વાત જણાવી દીધી.

અર્જુન અને નાયક અત્યારે ખૂબ જ ઉત્સાહિત હતાં કેમકે, યાંગ લી સાથેની આ મુલાકાત એમને એમના મિશનના આખરી ચરણ એટલે કે જિયોન્ગ લોન્ગ સુધી દોરી જવાની હતી. એ બંને એ વાતથી બેખબર હતાં કે યાંગ લી એ એમનાં વિઝીટિંગ કાર્ડ પર અંકિત બધી જ વિગતોની પૃષ્ટિ કર્યાં પછી જ એમને મળવા હામી ભરી હતી.

આખરે વિઝીટિંગ કાર્ડ પર જે માહિતી હતી એ બધી સાચી કઈ રીતે હતી એ પ્રશ્ન તમને પણ થઈ રહ્યો હશે. તો આ પ્રશ્નનો જવાબ છે રૉ ચીફ રાજવીર શેખાવતની દીર્ઘ દ્રષ્ટિ.

જ્યારે અર્જુન અને નાયક મુંબઈ ખાતે આવેલા રિસર્ચ એન્ડ એનાલિસિસ વીંગ્સના મુખ્ય મથકે ટ્રેઈનિંગ લઈ રહ્યા હતાં ત્યારે જ શેખાવતે અર્જુન અને નાયકની શેખ તરીકેની ઓળખાણ વધુ પુખ્ત કરવાની કામગીરી હાથ ધરી દીધી હતી.

રૉની આઈ.ટી ટીમનાં હેડ વેણુને કહીને શેખાવતે આર.એસ એન્ટરપ્રાઈઝ કંપનીની એક નકલી વેબસાઈટ બનાવી હતી. આ વેબસાઈટ માટેનો પોર્ટફોલિયો અને અન્ય ડિટેઈલ શેખાવતની હાજરીમાં જ ફિલઅપ કરવામાં આવી હતી. અર્જુન અને નાયકને શેખનો પોશાક પહેરાવી એમના અલગ-અલગ એંગલેથી ફોટો લઈ, એ ફોટોને ફોટોશોપની મદદથી સેટ કરીને વેબસાઈટ પર અપલોડ કર્યાં હતાં. જેમાં અર્જુન અને નાયક શેખ બની પોતાની ઓફિસના સ્ટાફને સંબોધતા, પ્રેસ કોનફરન્સ કરતા દેખાડવામાં આવ્યા હતાં. આ વેબસાઈટનું પોર્ટલ પણ યુનાઇટેડ આરબ અમીરાંતથી સંલગ્ન રાખવામાં આવ્યું.

રહેમાન અલ હુસેની એટલે કે અર્જુનનો જે મોબાઈલ નંબર આર.એસ એન્ટરપ્રાઈઝના વિઝીટિંગ કાર્ડ ઉપર હતો એ પણ રહેમાન અલ હુસેનીની આઈડેન્ટિટી ક્રિએટ કરીને મેળવવામાં આવ્યો હતો. બધું એકદમ પરફેક્ટ હતું, એટલે જ નુવાન યાંગ લી દ્વારા પૂરતી તપાસ કરવા છતાં પણ એ ના જાણી શકાયું કે અર્જુન અને નાયક હકીકતમાં શેખ નહીં પણ ઈન્ડિયન પોલીસ ડિપાર્ટમેન્ટના બે જાંબાઝ ઓફિસર છે જે પોતાના દેશની રક્ષા માટે માથે કફન બાંધીને ભારતના જૂના પ્રતિદ્વંદી એવા ચીનમાં આવી પહોંચ્યા હતાં.

રાતે આઠ વાગે અર્જુન અને નાયકે જમવાનું કામ નિપટાવી લીધું અને યાંગ લી સાથે થનારી પોતાની મુલાકાત માટે જાતને સજ્જ બનાવી લીધી.

યાંગ લી સાથે પોતાને શું વાત કરવાની હતી અને કઈ રીતે પોતાની જાતને રજૂ કરવાની હતી એનું પ્લાનિંગ મનોમન અર્જુન અને નાયકે કરી રાખ્યું હતું. આ દરમિયાન કોઈ જાતનો ભાંગરો કુટાઈ ના જાય એની સાવચેતી રૂપે અર્જુન અને નાયકે મળીને શેખાવત દ્વારા કહેવામાં આવેલી દરેક સૂચનાનું મનોમંથન કરી લીધું હતું.

નુવાન યાંગ લી જેવા ખંધા ડ્રગ ડીલરને જરા અમથો પણ શક જાય તો એ બંનેને જીવ ખોવાની નોબત આવી શકે એમ હતી, અને જો એવું થાય તો ઑપરેશન ચક્રવ્યૂહ માટે જેટલી પણ યોજનાઓ બનાવવામાં આવી હતી એ બધી પર પાણી ફરવાની પૂરેપૂરી શકયતા હતી. આથી એ બંને નહોતા ઈચ્છતા કે આવું કંઈ બને.

રાતે નવ વાગે શાહિદ મર્શિડીઝ લઈને હોટલ શાંઘાઈ પેરેડાઈઝના પોર્ચમાં આવી પહોંચ્યો. શાહિદ આવ્યો ત્યારે અર્જુન અને નાયક શેખના વેશમાં સુસજ્જ થઈને હાજર હતાં.

અર્જુન અને નાયક જેવા કારની બેકસીટમાં બેઠા એ સાથે જ શાહિદે કારના એક્સીલેટર પર મૂક્યો અને કારને હવાની સાથે વાતો કરાવતા વુશોન્ગ ફોર્ટ તરફ ભગાવી મૂકી.

યાંગ લી સાથે થનારી આ મુલાકાત એ નક્કી કરવાની હતી કે આખરે ઑપરેશન ચક્રવ્યૂહ કઈ દિશામાં અગ્રેસર થવાનું હતું.!

**********

ક્રમશઃ

આગળ શું થવાનું છે એ જાણવા વાંચતા રહો આ સુપર સસ્પેન્સ દિલધડક નવલકથા "ઑપરેશન ચક્રવ્યૂહ". આ નવલકથા દર ગુરુવારે અને રવિવારે આવશે એની નોંધ લેવી.

આ નવલકથા અંગે તમે તમારાં કિંમતી મંતવ્યો મારાં whatsup નંબર 8733097096 પર કે પછી ફેસબુક આઈડી author jatin patel પર આપી શકો છો.

માતૃભારતી પર મારી નાની બેન દિશા પટેલની નોવેલો દિલ કબુતર, ડણક, રૂહ સાથે ઈશ્ક, અનામિકા, haunted picture, રૂહ સાથે ઈશ્ક રિટર્ન અને સેલ્ફી નામક નવલકથાઓ વાંચી શકો છો.

મારી અન્ય નોવેલો માતૃભારતી પર મોજુદ છે જેનાં નામ છે.

ડેવિલ:એક શૈતાન, ડેવિલ રિટર્ન, બેકફૂટ પંચ, ચેક એન્ડ મેટ

સર્પ પ્રેમ, અધૂરી મુલાકાત, આક્રંદ:એક અભિશાપ.

હવસ, હતી એક પાગલ, પ્રેમ-અગન, રુદ્રની પ્રેમકહાની

પ્રતિશોધ અને મર્ડર@રિવરફ્રન્ટ

~જતીન.આર.પટેલ (શિવાય)