શ્યામલી વિધવાઓના દુઃખી વિચારે ઊંઘી નથી શકતી અને વીરસંગ પણ એ જ વાત કરી જમીનદારને સમજાવવા માગે છે.હવે આગળ.....
અષાઢ મહિનો આવ્યો છે. મોરલા ટહુકા કરે છે. તહેવારોના ટાણા આવે છે તો આખા ગામમાં ધજા પતાકડા બાંધ્યા છે. અષાઢી બીજની લાપસી લાડવાના નિવેદ રંધાય છે. સોડમથી રસોડા મઘમઘે છે. બધા કિર્તન ભજન કરતા કરતા બીજને વધાવવા તલપાપડ છે. વરસાદ પણ અમીછાંટણા કરીને અદ્રશ્ય થાય છે. આછેરી બીજ ભાસે છે ગગનમાં. શ્યામલી બીજને જોઈ લલકારે છે કે
આભમાં દેખાઈ રૂપેરી બીજ
યાદ આવે દલડે મારો નિજ
સાહેલડી સંદેશો એને મોકલો
કયારે આવશે મિલનની વેળા...
કેમ દૂર આપણે , કયારે થશું ભેળા ??
આ બાજુ વીરસંગ બીજને નમન કરતા જવાબ આણે છે કે
ઢેલડી , થોડો પોરો લે તરૂવરનો
ઘોડલિયે આવશે સાથી સાહ્યબો
પીળી ચુંદડીને ઘમકતી ઘૂઘરીએ
વહાલીડો આવશે પાંખે ઊડતો
ન રોકશે આપણને આ સમય વેળા
ગોરી રાહ જોજો, જલ્દી થશું ભેળા
આખું ગામ બીજને વધાવી ભોજન લે છે અને બધી સધવાઓ રાસ રમે છે. શ્યામલીની નાનપણની સખી બાળવિધવા હતી. એ એક શ્યામલીની નજરે નથી પડતી. એ ચંદાને પુછી એને મળવા માટે જાય છે કે ગામની ડોસી બોલે છે કે
" એને બોલાવીને તારે શું તારી મેંદીનો રંગ પણ કાળો કરવો છે ?? "
શ્યામલીને આ વાત બિલકુલ ગમતી નથી પરંતુ, વડીલની આમન્યા રાખી એ કશું બોલતી નથી. હવે તો એને વિધવા હોવું એ મહાપાપ લાગે છે. એને વીરસંગની માતાના આંખના આંસુ યાદ આવે છે. વિચારે છે કે ભગવાન શું કામ સ્ત્રીઓના ભાગે જ આવી પીડા સોંપે છે ??
ચંદા, શ્યામલી અને બીજી મહિલાઓ રામદેવપીરના ભજન ગાય છે ને બીજને વધાવે છે..આમ ને આમ અષાઢી વાયરા પ્રિતનો વાયરો ફુંકી બેય પ્રેમીજનને તડપાવે છે..
જુવાનસંગ લગ્નની તૈયારીઓ શરૂ કરાવા માટે ચતુરદાઢીને બોલાવે છે. ચોપાટ ગોઠવાયેલી છે. સામસામા બધા બેઠા છે..જુવાનસંગ હુકકો ગગડવતા ચતુરને કહે છે..ચતુર, વીરસંગની જાન જોડવામાં ઝાઝી વાર નથી લગાડવી. દિવાળી પહેલા ગોઠવાય તો બાકીના સમયમાં આપણે અને વીરસંગ કામે વળગી.
ચતુરદાઢી પોતાની ધોરી દાઢીમાં હાથ ફેરવતા કહે છે, "બાપલિયા, આજ પરણાવો કે કાલ પણ.............."
જુવાનસંગ : પણ એટલે શું ???
ચતુર દાઢી : તમારો ભત્રીજો ગાદીએ બેસવાના સપના આંખોની નીચે સેવે છે.
જુવાનસંગ : હોય નહીં....આ શક્ય જ નથી.
ચતુર દાઢી : જમાલપર વાડીના સોદામાં ગયા ત્યારે એ વીરસંગ એની માતા એક ના નહીં બધી કાળમુખીઓની ભલાઈની વાતું કરતો હતો.
જુવાનસંગ : હમમમમ.....તો તો હવે ચકલીનું બચ્ચું ઊડતા શિખતા પહેલા આકાશના સપના જોવે છે એમ???
ચતુર દાઢી : હા, એ તો મને લાગે છે કે ધાર્યું કરે એવો છે....બાપ !!!
જુવાનસંગ : બધા મચ્છરીયા જાતે ન મરે ચતુર......અમુકને તો આપણે જ મારવા પડે. આમ કહી એ મૂંછને તાવ દે છે.
ચતુર દાઢી : એ તમારો નિર્ણય... હું તો નમકહલાલ આપનો જીંદગીભર માટે....
જુવાનસંગ : ચતુર, આપણે પહેલા એને ઊડવાનું આકાશ તો આપી. બાપડો... કેટલુંક જીવશે....( અટ્ટહાસ્ય કરતા)
એના ગયા પછી માળો પણ આપણો અને સોનાની ચકલી પણ આપણી......
બેઉ જણા કંઈક આયોજન કરી છુટા પડે છે. ચતુરદાઢીના ગયા પછી જુવાનસંગ એની પત્નીને લગ્નનું મુહૂર્ત જોડાવવાનું કહે છે...ખાસ કહે છે કે દિવાળી પહેલા જ જેમ બને એટલું જલ્દી...
લગ્નનું મુહૂર્ત આવે છે પણ દિવાળી પછીનું. જુવાનસંગ થોડો અશાંત થાય છે પણ પછી કંઈક વિચારીને હસતો હસતો વાતને આવકારે છે. જુવાનસંગ આ વખતે પોતે શ્યામલીના ગામ પોતાની પત્ની અને વીરસંગ સાથે જાય છે. લગ્ન નક્કી કરવા માટે.
આ બાજુ જમીનદાર આવવાના છે એવી વાતથી ગામને ધજા પતાકડા તેમજ રંગોળીથી સુશોભિત કરાય છે.
બધા આગતાસ્વાગતા કરવામાં કચાશ નહીં રહે એવી મુખીને જાણ કરે છે. ગામના શેઠીયા, વાણિયા અને ચાર - પાંચ વડીલોને ભોજનનું આમંત્રણ અપાયું છે.
શ્યામલી અને એની સખીઓ પણ આતુરતાથી વીરસંગની વાટ જોવે છે. ચંદા પણ સાફસફાઈ અને સુઘડતાનો ખાસ ખ્યાલ રાખે છે. શ્યામલી તો શું પહેરવું અને શું ન પહેરવું એ વિચારે ભાન ભૂલી છે..
શું કોઈ વિધ્ન આવશે કે લગ્નની વાટ ને વાત બેય નક્કી થશે એ જોવા આગળના ભાગની પ્રતિક્ષા કરવી પડશે.
-------------- ( ક્રમશઃ) ----------------
લેખક : શિતલ માલાણી
૯-૧૦-૨૦૨૦