Emporer of the world (જગતનો સમ્રાટ) - 24 Jainish Dudhat JD દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

Emporer of the world (જગતનો સમ્રાટ) - 24

જગતનો સમ્રાટ (ભાગ-24)



આગળના ભાગમાં આપણે જોયું કે જૈનીષ અને દિશા ગુરુજીને મળવા માટે જાય છે. જ્યાં તેમની વચ્ચે ઘણી વાતોના ખુલાસા થાય છે. ગુરુજી જૈનીષને અહી આવવાનું કારણ જણાવે છે અને ગુરુજીની વાત સાંભળીને જૈનીષના મનમાં જે પ્રશ્નો હતા તેનો જવાબ પણ તેને મળી જાય છે. સ્કુલમાં ગુરુજી ઉપર ગુસ્સે થવા માટે જૈનીષ ગુરુજીની માફી માંગી લે છે. ગુરુજી જૈનીષ અને દિશા સાથે તેમના અભ્યાસ વિશે વાતચીત કરે છે અને વાતવાતમાં ગુરુજીને જાણવા મળે છે કે જૈનીષ વૃંદાવન નહી જઈ શકે તે બદલ દુઃખી હોય છે. ગુરુજી તેમને સ્વાસ્થ્ય અને રમતગમત ક્ષેત્રે ભાગ લેવાનું સુચન કરે છે. ગુરુજીની વાત સાંભળી દિશા તરત જ તેમની સાથે સહમત થઈ ગઈ, પરંતુ જૈનીષ વિચારીને આગળ વધશે એવું નક્કી કરે છે. જેવા બંને ગુરુજી પાસેથી રજા લઈ નીકળે છે એટલે ગુરુજી જૈનીષને ક્રોધ ઉપર નિયંત્રણ રાખવા અને માતા પિતાને એકલા ના મૂકવાની વાત કરે છે. જેથી જૈનીષ ચિંતિત બની જાય છે અને તે અને દિશા પોતપોતાના ઘરે આવવા તેમના માતા પિતા સાથે નીકળી જાય છે. હવે આગળ,



#######~~~~~~~#######~~~~~~~#######



ગુરુજી સાથે વાર્તાલાપ બાદ જૈનીષ ચિંતિત બની ગયો અને આ વાત તેના માતા પિતા તેમજ દિનેશભાઈ અને શાલિનીબેનથી પણ છૂપી ના રહી શકી. તેઓ પ્રથમ રાજેશભાઈનો આભાર વ્યક્ત કરે છે અને ત્યારબાદ બધા કારમાં બેસી પોતાના ઘરે આવવા નીકળે છે. કારમાં જૈનીષની સાથે દિશા છેલ્લે બેઠી હતી. રસ્તો આરામથી કપાય એ હેતુથી બીનીતભાઈ અને દિનેશભાઈ બંને મળીને રાજેશભાઈ એ કરેલ મહેમાનગતિના વખાણ કરી રહ્યા હતા. જેમાં શાલિનીબેન અને રમીલાબેન પણ સાથ આપતા હતા. વચ્ચે વચ્ચે તેઓ દિશા અને જૈનીષને પણ વાતોમાં સામેલ કરવાની કોશિશ કરતા જેથી ગુરુજી સાથે શું વાત થઈ તે જાણી શકાય. પરંતુ જૈનીષ બહુ વાતચીતમાં ભળતો નહોતો અને દિશા પણ કોઈ ખાસ વાત નથી એમ કહીને જવાબ આપવાનું ટાળતી હતી.



છેવટે બધા પ્રયત્નો વ્યર્થ જતા દેખાતા બધા ચૂપચાપ બેસી રહે છે. દિનેશભાઈ અને બીનીતભાઈ એ કંટાળો ન આવે એટલે ધીમું ધીમું સંગીત ચાલુ કરી દીધું. દિશા સંગીત ચાલુ થતાં તરત જ જૈનીષને સંભળાય એ રીતે તેની સાથે વાત કરે છે, "સંભાળ, ગુરુજીએ છેલ્લે જે પણ કહ્યું તે અત્યારે ઘરે કોઈને જણાવવાની જરૂર નથી. નાહકના તેઓ ચિંતાતુર બની જશે. તો આજે કઈ બોલતો નહી, આપણે કાલે રિસેસમાં મળીશું અને પછી સાથે નક્કી કરીશું કે શું જવાબો આપવા."



દિશાના મોઢે આ વાત સાંભળીને જૈનીષને થોડું સારું લાગે છે અને એ મનોમન વિચારે છે કે, "ચાલો, કોઈ તો છે જે મારી સાથે છે, મને મારા માતા પિતાની જેમ સમજે છે. મને સપોર્ટ કરવા માટે તૈયાર છે." મનમાં ચાલતા વિચારો જાણે વાંચી લીધા હોય એમ તરત જ દિશા તેના નટખટ અંદાજમાં જૈનીષને કહે છે, "હા સમ્રાટ, તમને સારી રીતે ઓળખું છું નાનપણથી અને સમજુ પણ છું." અને પછી ખિલખિલાટ હસે છે. દિશાને આમ હસતી જોઈને જૈનીષના ચેહરા પર પણ સ્મિત આવી જ જાય છે અને તે દિશાને તેના જ અંદાજમાં જવાબ આપે છે, "હા, સાચી વાત કીધી હો. સામ્રાજ્ઞી તો સમજી જ જાય કે તેના સમ્રાટના મનમાં શું ચાલે છે."



જૈનીષનું આ વાક્ય સાંભળીને થોડીવાર તો દિશાને વિશ્વાસ જ નહોતો થતો કે સાચે જ આ વાક્ય જૈનીષ બોલ્યો કે એને સાંભળવામાં ભૂલ થઈ. થોડા નવાઈના ભાવ સાથે દિશા જૈનીષ તરફ જોવે છે એટલે જૈનીષ તેને કહે છે, "તારી સાથે રહીને મને પણ તારી જેમ બોલવાનો રંગ લાગી ગયો. હવે તું ભોગવજે મારે શું ?" અને બંને ખડખડાટ હસી પડ્યા. એમના ચેહરા પરના ખુશીના ભાવો આગળ બેઠેલા તેમના માતા પિતાથી પણ છુપાઈ શક્યા નહીં. તેઓ પણ મનમાં ખુશ થયા કે ચાલો આખરે બંને હસ્યા તો ખરા.



થોડી વારમાં તેઓ પોતાના ઘરે પહોંચી ગયા. બધાને ઉતારીને બીનીતભાઈ અને દિનેશભાઈ ગાડી પાછી આપવા માટે તેમના મિત્રને ત્યાં ગયા. તેઓ પાછા આવ્યા ત્યાં સુધી સૂવાની તૈયારી થઈ ગઈ હતી બંને ઘરે એટલે તેઓ ફ્રેશ થઈ સૂઈ ગયા. બીજા દિવસે સવારે રાબેતા મુજબ બધા પોતપોતાની દિનચર્યામાં વ્યસ્ત થઈ ગયા. ચા નાસ્તો કરીને જૈનીષ અને દિશા સ્કુલમાં જવા નીકળ્યા અને બંનેના પિતા પોતપોતાની નોકરી પર જવા નીકળ્યા. જ્યારે રમીલાબેન અને શાલિનીબેન ઘરના કામમાં પરોવાઈ ગયા.



સ્કુલ પહોંચીને જૈનીષ અને દિશા પોતાના મિત્રોને મળે છે અને ગઈ કાલના પ્રસંગની ચર્ચા તેમની સાથે કરે છે. ત્યારબાદ સમય થતાં બધા તેમના ક્લાસમાં જાય છે. જૈનીષ અને દિશા પણ રીસેસમાં મળીને જ ઘરે શું કહેવું એ નક્કી કરીશું એમ વિચારીને ક્લાસમાં જાય છે. પણ આજે કદાચ નિયતીએ તેમની માટે કઈક અલગ જ વિચારી રાખ્યું છે જેનાથી બંને અજાણ છે. આજનો દિવસ ભવિષ્યના સમ્રાટને તેની રાહ પર આગળ લઈ જવા માટે ઊગ્યો છે, અને હવે જૈનીષના જીવનના સંઘર્ષના દિવસો શરૂ થવાની તમામ તૈયારીઓ નિયતી દ્વારા થઈ ચૂકી છે.



એક તરફ જૈનીષ અને દિશા સ્કુલમાં આવી ગયા છે અને બીજી બાજુ રાજેશભાઈના ઘરે ગુરુજી તૈયાર હોય છે પોતાની કૈલાશધામ તરફ યાત્રાનો આરંભ કરવા માટે. ગુરુજી રાજેશભાઈને શુભાશિષ અને શુભકામનાઓ પાઠવે છે. કૈલાશધામ જવાનું હોવા છતાં ગુરુજી પ્રસન્ન નથી જે તેમના ચેહરા પરના ભાવ કહી રહ્યા છે. રાજેશભાઈના પૂછવાથી તેઓ એકવાર ફરી તેમની સ્કુલમાં જવાની ઈચ્છા દર્શાવે છે. તરત જ રાજેશભાઈ ગુરુજી અને તેમના કાફલા સાથે સ્કુલ આવવા નીકળી જાય છે અને રાજેશભાઈ રસ્તામાં જ આચાર્ય સાહેબને ફોન કરીને વાકેફ કરે છે કે ગુરુજી કૈલાશધામ પ્રસ્થાન કરે છે અને એ પેહલા તેઓ સ્કુલની એકવાર મુલાકાત લેવા માટે આવી રહ્યા છે.



આચાર્ય સાહેબને ગુરુજીના આગમનના સમાચાર મળતાં તેઓ તેની તૈયારીઓ કરવામાં લાગી ગયા. આને સંજોગ જ કહી શકાય કારણ કે ગઈ કાલે જે ઘટનાઓ બની અને એનું નિરાકરણ જે રીતે આવ્યું એનાથી આચાર્ય સાહેબ ખુશ હતા અને તેમની પણ ઈચ્છા હતી કે તેઓ એકવાર ગુરુજીને મળી શકે પણ એ તેમના હાથમાં નહોતું. જ્યારે આજે તો જાણે એમની ઈચ્છા પણ પૂરી થવાની હોય એમ ગુરુજી સામે ચાલીને આવી રહ્યા હતા, તેથી આચાર્ય સાહેબ ખુશ જણાતા હતા.



શા માટે આચાર્ય સાહેબ ગુરુજીને મળવા માંગે છે ?
ગુરુજી કેમ વિચલિત છે ?
શા માટે તેઓ કૈલાશધામ જાય તે પહેલાં સ્કુલમાં જવા માંગે છે ?
જૈનીષ અને દિશા માટે નિયતી કે ભાગ્યએ શું નક્કી કર્યું છે ?


તમામ સવાલોના જવાબો સાથે મળીશું આવતા ભાગમાં,

રાધે રાધે

હર હર મહાદેવ



#######~~~~~~~#######~~~~~~~#######