વહુએ વગોવ્યા મોટા ખોરડા - ૧૫ Arvind Gohil દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

વહુએ વગોવ્યા મોટા ખોરડા - ૧૫

" હાલ શામજી ! ઘરે જાવી, ભીખુ તુંય હાલ. "
" પણ બાપુ, હજુ તો ચારના ટકોરા પડ્યા થોડી વાર થઈ અતારે ગામમાં આવીને શું કરવાનું ? હું અયાં જ થોડા જાળા કાઢું સુ. હાંજે વ્યાળું ટાણે આવીશ. તમે, માં'રાજ અને ભીખુભા જાવ. "
" હાલને ભઈ, ઘરે સાહ બનાવશું. આમેય બીજું કામેય ખેતરે ચાં સે. " હમીરભા મહામુસીબતે દુઃખ દબાવતા ખુશ થવાનો દેખાવ કરીને શામજીને ઘેર આવવા મનાવી રહ્યા હતા. ભીખુભાને મનમાં વહેમ પડી ગયો હતો કે કઈંક અજુગતું બન્યું છે પણ અત્યારે પૂછવું એમને વાજબી ના લાગ્યું. બસ ખાલી ભોળો શામજી આવી કોઈ વાત સમજી નહોતો શકતો. અને કદાચ સમજી શક્યો હોત તોય એના મનમાં તો એવું લાગે કે 'મારા જેવો નાના માણસને આવી વાત જાણીને શુ કામ હોય ?...' બીજું કે શામજીના દરેક નિર્ણય હમીરભા લેતા એટલે મનમાં એવું પણ હશે કે 'કોઈપણ સમસ્યા હશે તો હમીરભા સંભાળી લેશે. ' એને તો ઝમકુનું આવું બની ગયું છે એ તો સપનામાં પણ નહીં હોય.

ચારેય ખેતરની બહાર નીકળ્યા. શામજીભાઈએ ખેતરને છીંડું દીધું એટલે એ થોડો પાછળ રહી ગયો. ચારેયના પગ નીચેથી રસ્તો ઝડપથી નીકળી રહ્યો હતો. વગડાના ચકલા અને તેતર સિવાય બીજો કોઈ અવાજ નહોતો આવતો. હંમેશા જેની જીભ કરવતની જેમ ચાલતી એવો ભીખુભા પણ આજે શાંત હતો. ખાલી એનું મન કંઈક ગડમથલમાં હતું. એ ભૂદેવનું હૈયું તો સસલાની માફક કાંપતું હતું. એ કંપતા હૈયામાંથી ઝમકુને ના બચાવી શકવાના અફસોસના નિઃસાસા નીકળતા હતા. મટકુંય માર્યા વગર આખી રાત ચાલીને આવેલો એ બ્રાહ્મણ હમીરભા અને શામજીભાઈનો સામનો કરવાની તૈયારી કરતો હતો. બીજી બાજુ શોકાતૂર બનેલો સાવજ જેવો હમીરભા શામજીભાઈનો સામનો કરવાની તૈયારી કરતો હતો. મન જાણે ઊંડા પાણીમાં પછડાઈને બહાર આવતું હોય એવું લાગતું હતું. "હટ... નફાવટ... હમીર તને એક ગરીબ બાપની છોકરીને તારા ઘરે રાખવી ભારે પડી ત્યારે તું એને સુલતાનપુર મુકવા ગયેલો ... ને !" ઓહ... આ વિચારે તો એની આંખ છલકાવી દીધી. કોઈ જુવે નહિ એમ આંખો લૂછી ગામ તરફ ચાલવા લાગ્યો. એના અંતરમાં જાણે કૂહાડાના ઘા પડતા હોય એમ લાગતું હતું અને આથી જ એના ડગલાં પણ ડગવા લાગ્યા હતા. પાછળ આવતો શામજી તો આડા આવતા બાવળના નાના નાના જાળા ધારીયાથી કાપતો ચાલ્યો જતો હતો. એને તો કોઈ વિચાર પણ મનમાં નો'તો આવતો. આવા અલગ અલગ વિચારથી ચાલતા ચાર મન અને આઠ પગ હમીરભાના ઘેર પહોંચી ગયા.

સેજલબા તો આ બધાને જોઈને થોડી અવઢવમાં પડી ગયા પણ આટલી મોટી કલ્પના તો એમને પણ ક્યાંથી હોય. એમને બધાને જોઈને ચા બનાવવાની તૈયારી ચાલુ કરી દીધી પણ હમીરભાએ જ આંખોથી ના પાડી દીધી. હવે એમને ફાળ પડી પણ વિષ્ણુરામ હોવાથી વચ્ચે એ કશું બોલી શકે એમ નહોતું. એટલે હમીરભાએ જ વાતની શરૂઆત કરી.
" શામજી મારા ભઈ ! આવ બેસ મારી પાસે. " આવું કહી હમીરભાએ બે ઢળેલા ખાટલામાંથી એક પર બેસવા કહ્યું.
" ના .. બાપુ ના... તમ તમારે બેહો. હું તો જવ સુ ઘરે નાવા. હાંજે વ્યાળું ટાણે આવી જઈશ. "
" અરે તારું જ કામ સે. આવ. " આ શબ્દો સાંભળી શામજી થોડો ગભરાયો અને આવીને બેસી ગયો.
" જો શામજી હું હવે તને જે વાત કરવા જઈ રહ્યો સુ ઇ તું હૈયે હિંમત રાખી હાંભળજે. " હમીરભાને પહેલીવાર શબ્દો ગોઠવવામાં તકલીફ પડતી હતી. ભીખુભા પણ સમજી ગયા હતા કે વાત કંઈક મોટી છે.
" બોલોને .. બાપુ.. ભલે તમારા જેવો હિંમતવાળો તો નથી પણ તોય તમારા રોટલા ખાધા સે અટલે થોડી હિંમત તો મારા માય સે ... હો. "
" શામજી આપડી ઝમકુ.... " આટલું બોલી હમીરભા હજુ આગળના શબ્દો ગોઠવતા હતા પણ ત્યાં તો એ અભણ શામજી એક પછી એક તાળા મેળવવા લાગ્યો. વિષ્ણુરામ સુલતાનપુર ગયા હતા એ યાદ આવી ગયું. અચાનક જ મને હમીરભા ઘેર લાવ્યા એ સાંભળી આવ્યું. ચાની વ્યવસ્થા રદ થઈ એ પણ જોઈ લીધું હતું. આટલા વિચારો તો બહુ થઈ ગયા હતા. છતાં ઘણી હિંમત ભેગી કરીને બોલ્યો.
"શું થયું ઝમકુને.... ફરી માર પડ્યો મારી ઢીંગલીને...." આટલું બોલતા તો એના હોઠ ધ્રુજવા લાગ્યા.
" શામજી ! મારા ભઈ ! હિંમત રાખ.. આટલો મોટો થઈને ભૂંડો લાગેશ. "
" બાપુ મારી સોડી તો બિચારી હેરાન થવા જ જન્મી સે. નાની હતી તારે એની મા જતી રઇ. પસી ઇનો કોઈ ભઈ નઈ. ઇનો બાપ હું અભાગ્યો ગરીબ... ઈને આપવા મારી પાંહે કંઈ નઈ. પણ હવે નઈ હો બાપુ ... આપડે કાલ જ ઈને લઈ આવી. હું ઈને જીવીસ ત્યાં હુધી રાખીશ પણ મોકલવી નથી. " એ બાપ તો ચોધાર આંસુએ રડી રહ્યો હતો. જ્યારે હમીરભા મૂંઝાઈ ગયા હતા કારણ કે જો ખાલી મારનો વહેમ પડવાથી શામજીની આ હાલત છે તો આવા સમાચાર સાંભળીને એને શું થશે.
" શામજી ગાંડો થા...માં ! હવે આપડે ઝમકુને પાસી નઈ લાવી શકીએ... આપડે અને ઈને સેટુ પડી જ્યૂ સે. ઇનો જીવ આ દુનિયાની બળતરામાંથી નીકળી ગયો સે. " હમીરભાના આ શબ્દોએ શામજી, સેજલબા અને ભીખુભા ત્રણેયને બે ઘડી માટે તો ચોંકાવી દીધા.
" ઝમકુના ભા !! તમે શું બોલો સો. "
" હમીર... તું બોલેસ ઇ હાચુ સે. " સેજલબા અને ભીખુભા થોડીવારની પણ રાહ જોયા વિના બોલવા લાગ્યા. એમના ચહેરા કંઈક ના મનાય એવી વાત જાણીને વિચિત્ર થઈ જાય એવા થઈ ગયા હતા. શામજીભાઈ તો તરત જ સ્તબ્ધ થઈ ગયા. હમીરભાના આ વેણ જાણે એના હૈયામાં વિષની ધાર કરતા હોય એવા લાગ્યા. એ બાપનું દુઃખ શબ્દોમાં વર્ણવું પણ મુશ્કેલ છે. હવે વિષ્ણુરામને થોડી હિંમત આવી એટલે આખી વાત વિગતવાર કહી સંભળાવી. એટલી વિગતમાં તો હમીરભાને પણ ખ્યાલ નહોતો. હમીરભાના ઘેર હાજર પાંચેય વ્યક્તિને ઝમકુના ચારિત્ર્ય ઉપર પૂરો વિશ્વાસ હતો. પણ હજુ અફવાનું કારણ કોઈ સમજી શક્યું નહોતું. શંકરાએ કરેલી કાનભંભેરણી વિશે કોઈને ખ્યાલ નહોતો. બધા સવાલો ગૂંચવાતા જતા હતા. એના જવાબ તો સુલતાનપુર જઈને જ મળે એમ હતું.

શામજીભાઈનું રુદન વધતું જતું હતું. એક મા વગરની દીકરીને પોતાનો જીવ કાઢી નાખવો સહેલો લાગ્યો એના પર શું વીતી હશે એ વિચાર એમને એના મોત કરતા પણ ભયાનક લાગતો હતો. એ રડતા રડતા બોલી રહ્યા હતા. " ઇ ગામમાં મારી સોડી પડખે કોઈ ઊભું નઇ રયુ હોય તારે ઈને ચેવું લાગ્યું હશે. તારે ઈને હું નઈ સાંભળ્યો હોવ ? ઈને તો જાણે આખું મયર મરી ગયુ હોય એવું લાગ્યું હશે ... ને. .. .. પણ ગોરભા તમે તો ન્યા હાજર હતા. તમે મારી સોડીને નો બચાવી. પુરા ગામ વચાળે મારી દીકરીની આબરૂના કાંકરા થઈ ગયા તોય ભૂદેવ તું ન્યા ઊભો રયો... તારી હડમતને તો દાદ દેવાનું મન થાય સે. ગામ વચાળે ઈને બધા હલકી કે'તાતા અને તું કાશીએ ભણેલો શાસ્ત્રી સાંભળતો રિયો. મારી સોડીની જિંદગી તો બગડેલી હતી જ... અને તે એનું મોત પણ બગાડ્યું. " શામજીભાઈના એકે-એક શબ્દ જાણે ધરતીમાંથી નીકળતા લાવારસ જેવા હતા. જે ત્યાં હાજર બધાને દઝાડતા હતા. અને વિષ્ણુરામ તો જાણે પોતાની જાતને માફ કરવા તૈયાર ન હોય એવી રીતે ઊભા હતા. એમને તો હવે એવું લાગવા લાગ્યું કે અહીં પહોંચવા કરતા તો હું પણ કૂવામાં પડી ગયો હોત તો સારું હતું. આખી જિંદગી જરૂર પડતું બોલતો માણસ આજે અચાનક જ આટલા મોટા અવાજમાં કેવી રીતે બોલી શકે ?

શામજીભાઈને બધા હિંમત આપી અને શાંત પડવાની કોશિશ કરતા હતા. પણ આજે એ માણસમાં કુદરતે એક અલગ જ તાકાત આપી હતી. એ આજે એના આખા જીવનથી વિપરીત લાગતો હતો. પણ ધીમે ધીમે મન આગળ સત્ય ખુલતું ગયું એમ એ જડ બનતો ગયો. પછી થોડું પાણી પાવાની કોશિશ કરી પણ ત્યાં તો એ બાપ સાવ જીવતી લાશ બની ગયો હતો. આપણા સમાજમાં આમ પણ એક બાપને પોતાની દીકરી પ્રત્યે વધારે પ્રેમ હોય છે આથી શામજીભાઇને સમજવા મુશ્કેલ હતા. ભીખુભાનું મન તો ક્યારનુંય સુલતાનપુર પહોંચી ગયું હતું. એમને તો કરણુભાને મારવાનો નિર્ણય પણ કરી લીધો હતો.

બીજી બાજુ રડવાનો અવાજ સાંભળીને હમીરભાના પાડોશીઓ દોડતા એમના ઘેર આવી ગયા. એમને વિષ્ણુરામે વિગતવાર તો ના કહી શકાય પણ જેટલી જરૂરી હતું એટલું કહી માહિતગાર કર્યા કે ઝમકુ હવે નથી રહી. બધા લોકો ભેગા થઈને શામજીભાઈને એમના ઘેર લઈ ગયા. અને ત્યાંથી સ્નાન કાઢ્યું. બધા ગામ પાદર આવેલા હવાડે નાહીને પાછા આવ્યા. ત્યારબાદ થોડા આશ્વાસનના શબ્દો શમજીભાઈને કહ્યા. પણ આ બધા લોકો વચ્ચે ક્યાંક કોઈ અણસમજુ માણસો ઝમકુના મોતનું કારણ હમીરભા અને ભીખુભાને માનતા હતા. કારણ કે રિસાઈને આવેલી ઝમકુને એ લોકો જ મુકવા ગયા હતા. સેજલબા તો ઘરની થાંભલીના ટેકે બેસીને ઝમકુના છેલ્લા શબ્દો યાદ કરતા હતા. ' બા આજ જેવી કાલ્ય નહિ ઊગે. ' આ યાદ એમને બહુ રડાવતી હતી. અફસોસ તો હતો કે છોકરીને ના મોકલી હોત તો સારું હતું પણ હવે મોડું થઈ ગયું હતું. નાનકડી દેવલ પાણી આપી કાલીઘેલી ભાષામાં કંઈક બોલતી માથે હાથ ફેરવતી હતી. આ રાતે ઘણા આંસુ વહી ગયા. એ રાત પુરી થઈ દિવસ ઊગ્યો નહોતો ત્યાં તો હમીરભા, ભીખુભા અને શામજીભાઈ સુલતાનપુર જવા માટે તૈયાર થઈ ચૂક્યા હતા.

ક્રમશ: .........
લેખક: અરવિંદ ગોહિલ.

સ્નાન કાઢવું : જ્યારે કોઈ અંગત વ્યક્તિનું મોત થઈ જાય ત્યારે એટલે કે જો આપણે ટૂંકમાં સમજીએ તો કોઈ ગામની દીકરી હોય અને સાસરિયે મરી જાય તો એના બાપ અથવા એના ભાઈ પિયરીયામાં સ્નાન કાઢે છે અથવા કોઈ બેનના ભાઈનું મૃત્યુ થાય ત્યારે એ બેન પોતાના સાસરિયામાં સ્નાન કાઢે છે. સ્નાન કાઢવું એટલે લાગતા વળગતા લોકો ભેગા મળી, માથે રૂમાલ ઓઢી અને રડતા રડતા ગામપાદર જાય છે અને ત્યાંજ હવાડે, કૂવે અથવા તો નદી કાંઠે સ્નાન કરી ધૂન બોલતા બોલતા ઘરધણીના ઘર સુધી આવે છે. અને પછી બધા અલગ પડે છે. હજુ પણ ઘણા ગામમાં આ પ્રથા ચાલુ છે.