ઠાકુર આજે પણ હાજર છે - 3 Ashwin Rawal દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

ઠાકુર આજે પણ હાજર છે - 3


1973 થી 1975 નો ઓખા દ્વારકા નો સમય ગાળો મારી જિંદગી નો આધ્યાત્મિક સુવર્ણકાળ હતો એમ કહું તો કંઈ ખોટું નથી.

એ ખરેખર ઠાકુર ની મારા ઉપર કૃપા હતી, કે શ્રી કૃષ્ણની દૈવી ભૂમિ નાં આંદોલનો નો પ્રભાવ હતો એ આજ સુધી હું સમજી શક્યો નથી. હા મારી ગાયત્રી ઉપાસના ચાલુ હતી.

ઠાકુર ના અનુભવો ઓખા માં મને ઘણા થયા છે પણ બધા અનુભવો લખવા મને યોગ્ય નથી લાગતા. હું સાવ સામાન્ય વ્યક્તિ છું. મારા તરફ કોઇ ને પૂજ્ય ભાવ થાય એ મને જરા પણ ના ગમે. પરંતુ ગુરુ પૂર્ણિમા નો આ લાસ્ટ અનુભવ લખવા ની લાલચ રોકી શકતો નથી.

1975 માં મારી બદલી દ્વારકા પોસ્ટ ઓફિસ માં થયેલી. દ્વારકા નો ઓફિસ ટાઈમ 9 થી 1 અને 3 થી 7 હતો. દ્વારકા ના એક વિસ્તાર માં એક રૂમ ભાડે રાખીને હું અને મારા વાઇફ રહેતાં હતા.

રમણભાઈ ના પરિચય પછી શ્રી રામકૃષ્ણ દેવ નું માનસિક સ્મરણ ચાલુજ હતું. ભગવાન શ્રી દ્વારકાધીશ નાં નિત્ય દર્શન નો લહાવો મારું સૌભાગ્ય હતું. એમ કરતાં ગુરુ પૂર્ણિમા નો પવિત્ર દિવસ આવ્યો.

અત્રે એ જણાવી દઉં કે મારી દ્વારકા બદલી થઈ ત્યારે શ્રી શ્રી ઠાકુર નો ખૂબ જાણીતો મોટો ફોટો રમણભાઈ એ મને ભેટ આપેલો. એ ફોટા ની રોજ હું પૂજા કરતો.

ગુરુ પૂર્ણિમા ના દિવસે ગુરુજી ના પૂજન નું ખૂબ આગવું મહત્ત્વ છે એ મેં વાંચેલું અને રમણભાઈ એ પણ કહેલું એટલે 23 જુલાઈ 1975 ની એ પવિત્ર ગુરુ પૂર્ણિમા ની સવારે વહેલા ઊઠી રામકૃષ્ણ દેવ નો ફોટો એક બાજોઠ ઉપર મૂકી તેમનુ અબીલ ગુલાલ કંકુ ચંદન અને ગુલાબ નાં ફૂલોથી શોડશોપચાર પૂજન કર્યું. આરતી ઉતારી અને ઓફિસ ગયો. મારી વાઇફ ને કહી દીધું કે આજે ભગવાન ને થાળ ધરાવજે.

બપોરે 1 વાગે હું ઓફિસ થી ઘરે આવ્યો. ઘર નો દરવાજો અમસ્તો આડો કરેલો. હું દરવાજો ખોલી ને રૂમ માં આવ્યો. રૂમ માં જોયું તો મારી વાઇફ જમીન ઉપર આળોટતી હતી. ઘડી માં હસતી હતી અને ઘડી માં રડતી હતી. ભગવાન આગળ થાળ ધરાવેલો એમ ને એમ પડ્યો હતો. હું ગભરાઈ ગયો કે મારી વાઇફ ને આ શું થઈ ગયું છે ? કેમ આળોટે છે ? કેમ હસે છે અને રડે છે ?

મેં એના ઉપર પાણી નો છંટકાવ કર્યો અને ઠાકુર ને પ્રાર્થના કરી. તે થોડી વાર માં નોર્મલ થઈ. એણે મને જે અનુભવ કહ્યો એ સાંભળી ને મારા રોમ રોમ માં ભક્તિ ના પુર ઉમટ્યાં. એના જ શબ્દો માં :

" 12 વાગે રસોઈ કરીને મે ઠાકુર ને થાળ ધરાવ્યો. હાથ જોડી ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ... મંત્ર બોલતી હતી ત્યાંજ આ ફોટા માં થી એક જોરદાર પ્રકાશ બહાર આવ્યો અને રામકૃષ્ણ દેવ મારી સામે પ્રગટ થયા. મે ભાન ગુમાવી દીધું. મને એટલું યાદ છે કે એ હસતા હતા તો હું હસતી હતી. એ રડતા હતા તો હું પણ રડતી હતી. હું કેમ આળોટતી હતી તે મને યાદ નથી.

મારી ગુરુ પૂર્ણિમા સફળ થઈ. સાક્ષાત્ ઠાકુર આ ફોટા માં પ્રગટ થયા. મારા વાઇફ ને પ્રત્યક્ષ દર્શન દીધાં. મારી પૂજા સ્વીકારી લીધી. મારી આંખ માં આંસુ આવી ગયાં.

આ મારો ગુરુ પુર્ણિમા નો છેલ્લો અનુભવ. એ પછી ક્યારે પણ આવા દિવ્ય ચમત્કારી અનુભવ મને થયા નથી. 1976 માં અમદાવાદ આવી ગયા પછી દિવ્ય અનુભવો લગભગ બંધ થઈ ગયા છે પણ ઠાકુર ની કૃપા આજે પણ મારા ઉપર છે .

અશ્વિન રાવલ ગુરુપૂર્ણિમા