માતૃત્વની કસોટી - 2 Yakshita Patel દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

માતૃત્વની કસોટી - 2

માતૃત્વની કસોટી

ભાગ-૨

✍.યક્ષિતા પટેલ



અપૂર્વની મંજુરી આવતા જ એકબાજુ ઓપરેશનની તૈયારી ચાલુ કરી દેવામાં આવી. તો બીજી બાજુ આર્યાના પિયરે પણ ફોન કરીને જાણ કરવામાં આવી. સૌના જીવ ઊંચાનીચા થતા હતા. હજી તો સાતમો મહિનો ચાલતો હતો ને ત્યાં ક્યાં આ બધું બની બેઠું.! સૌ મનોમન ભગવાનને બંનેના જીવની રક્ષા માટે પ્રાર્થના કરવા લાગ્યા.

જાણે કે ભગવાને સૌની પ્રાર્થના સાંભળી હોય એમ ડોક્ટરે ઓપરેશન થિયેટરની બહાર આવતા જ સૌના ચિંતિત ચેહરા પર એક નજર ફેરવી. અપૂર્વ સામે જોતા જાણે વધામણાં આપતા હોય એમ બોલ્યા, "કોન્ગ્રેચ્યુલેશન, તમારા ઘરે લક્ષ્મીજી પધાર્યા.." આટલું કહી સ્મિત કરી અપૂર્વને પોતાની કેબિનમાં આવવા જણાવી જતા રહ્યા.

હા... આર્યાએ એક સુંદર દીકરીને રાત્રે દસ વાગ્યા આસપાસ જન્મ આપ્યો. પણ, માતૃત્વની ખરી કસોટી તો હવે શરૂ થવાની હતી.!

ડોક્ટરની કેબિનમાં અપૂર્વ અને એમના મોટા ભાઈ ભાભી બેઠા હતા. ડોકટરે જે કહ્યું એનો સાર આ મુજબ હતો...

"અધૂરા મહિને ડિલિવરી કરી હોવાના કારણે બાળકનો પૂરતો વિકાસ હજુ થયો ન હતો. સામાન્યતઃ જન્મતા બાળકનું વજન બે કે અઢી કિલો તો હોય જ જ્યારે અહીં બાળકીનું વજન માંડ એક કિલો પણ ના થતું હતું..!! ખરેખર આ ચિંતાનો વિષય હતો. અને એના ઉપાય રૂપે હવે બાળકીને બે મહિના "કાચની પેટીમાં" રાખવાની હતી."

"ખીલવા પહેલાજ મુરઝાવાનાં આરે હતી એક કળી,
મા ની મમતાની કસોટી કરવા આવી ચઢી હતી કપરી ઘડી.!"

બાળકની રોગપ્રતિકારક શક્તિઓનો વિકાસ થાય અને સામાન્ય બાળકની જેમ બને એ માટે એને બાકીના બે મહિના "ઈન્ક્યૂબેટર" કહેવાતા કાચના બોકસમાં મૂકવામાં આવે છે. તેને આપણે સામાન્ય બોલીમાં કાચની પેટી કહીએ છીએ.

"કાચની પેટી" એ એક એવુ સાધન હતું કે જેમાં અધૂરા મહિને જન્મતા બાળકને રાખવામાં આવતું જેથી એનો બાકીનો વિકાસ પૂરો થાય. ક્યારેક બાળકને શ્વાસ લેવામાં તકલીફ થાય, રોગપ્રતિકારક શક્તિઓનો વિકાસ બરાબર ન થયો હોય અને શરીરનું તાપમાન જળવી શકાતું ના હોય તો આ પેટીમાં રાખવામાં આવતું. ટૂંકમાં એવું કહેવાય કે બાળકને મા ના ગર્ભમાં જે રક્ષણ મળે તેવુ જ આ કાચની પેટીમાં મળે."

સુવાવડના સમયે દીકરી પિયરે રહી આરામ કરે ત્યારે અહીં આર્યાને હોસ્પિટલમાં જ રહેવાનું આવ્યું. જે થયું એનું સૌને દુઃખ હતું આર્યાની આ સ્થિતિ માટે થોડે ઘણે અંશે તે પણ જવાબદાર હતી. કોઈ અગવડ ન હોવા છતાંય પોતાનું બધું કામ જાતે કરવાની આદત, સાથે ઘરમાં પણ મદદ કરતા રહેવાની જીદ... ખોટી હાઈ હાઈ કરી એનું જ આ પરિણામ હતું એમ સૌ કહેતા. પણ આ કપરી પરિસ્થિતિમાં સૌ આર્યાના પડખે હતા.

એનેસ્થેસિયાની અસર હેઠળ આર્યા હજુ તો ભાનમાં આવી પણ ન હતી. પરિસ્થિતિ એવી હતી કે એ ભાનમાં આવી આંખો ખોલી પોતાના સંતાનનું મુખ જોવે એ પેહલા તો બાળકીને કાચની પેટીમાં મૂકી દેવામાં આવી હતી.

પોતાની કુખમાં ઉછરતા જીવની અસંખ્ય કલ્પનાઓમાં જે રાચતી રહી. કૂદતાં, ઉછળતા એની અંદરના અસ્તિત્વને પળેપળ જે માણતી રહી. એનું પહેલું રુદન સાંભળવાની મા માટેની અણમોલ ઘડી આવી હતી. પણ... નિયતીની બલિહારી તો જુવો કે એ જ સમયે તે બેભાન અવસ્થામાં હતી.!!

પુરા ત્રણ કલાક પછી આર્યા હોંશમાં આવી. આંખ ખોલતાની સાથે જ ચારે તરફ નજર ફરી વળી. બાજુમાં બેઠા અપૂર્વ તરફ પ્રશ્ન ભરી નજરે જોઈ રહી. ખોટી આશંકાઓથી મન ઘેરાઈ રહ્યું હતું. ત્યાં જ અપૂર્વએ આર્યાનો હાથ પોતાના હાથમાં લઈ પોતે એક દીકરીના પિતા બન્યા હોવાના ખબર આપ્યા. આ સાંભળીને આર્યાના ચેહરા પર એક સ્મિત ફરી વળ્યું પણ બીજી જ પળે તે બાજુમાં નહિ હોવાથી મન વ્યાકુળ થવા લાગ્યું. અપૂર્વ તેની હાલત સમજતો હતો પણ શું કહેવું ..કઈ રીતે...?? એની દ્વિધામાં એ અટવાયો.

જે કઇ આ થોડા કલાકોમાં બની ગયું એ પછી એ પોતે પણ ઘણો અસ્વસ્થ હતો. તેમ છતાંય પુરી સ્વસ્થતા ધારણ કરી, મન મજબૂત બનાવી આર્યાને જે કઈ થયુ એ જણાવવુ પણ જરૂરી હતું.

આર્યા હવે પ્રમાણમાં સ્વસ્થ હતી. ઉઠવાનો પ્રયાસ કરતાની સાથે જ... "આપણી દીકરી ક્યાં છે તો...???" એમ પૂછી જ નાખ્યું..

તો સામે અપૂર્વએ પણ હિંમત કરી એને શાંત રાખી અને જે કઈ થયું એનો આછો ચિતાર આપી દીધો.

આર્યા દિગ્મૂઢ બની બસ એકીટશે અપૂર્વ સામે જોઈ રહી. હવે આર્યાને સંભાળવી ખરેખર મુશ્કેલ બનવાની હતી એનો અપૂર્વને પહેલેથી જ ખ્યાલ હોય એમ આર્યાની નજીક જઈ એને છાતી સરસી ચાંપી દીધી. આ સાથે જ આર્યાનું કરુણ રુદન પુરા રૂમમાં પડઘાઈ રહ્યું.

અપૂર્વની આંખોમાંથી પણ આંસુ નીકળી આવ્યા. તોય આર્યાની પીઠ પર હળવેથી હાથ પસવારતો તેને આશ્વાસન આપતો રહ્યો. આર્યાનું રુદન બંધ થવાનું નામ જ નહતું લેતું. અપૂર્વએ પણ એને ઘણી ખરી રડી લેવા દીધી ને પછી ધીરેથી પોતાનાથી અળગી કરીને શાંત કરી.

અપૂર્વએ આર્યાને હળવી કરવાના આશયથી ખૂબ જ મૃદુ સ્વરે મસ્તી કરતા કહ્યું.. "આર્યા.. આપણી ઘરે દીકરી આવી.. દીકરી.!!! હવે જો તું આમ જ રડતી રહીશ તો લક્ષ્મીજી રિસાઈ જશે.. પછી હું તો બસ એને જ મનાવિશ અને તારું સાંભળવા વાળું કોઈ નહીં હોય, તો હવે વિચારીને રડજે."

અપૂર્વના આટલું બોલતાની સાથે જ આર્યા બનાવટી રીસભરી નજરે એના તરફ જોતા બોલી, "અચ્છા..તો હવે બાપ દીકરી એક થઈ મા ને પજવશો એમ ને.!"

અપૂર્વ, "હા.. હવે તારો આમ રડી રડીને આંસુથી હોસ્પિટલ ભરી દેવાનો ઈરાદો હોય તો હું તો એમ જ કરુ ને.. આપણી દીકરી પણ આખરે અહીં જ છે ને.."

આર્યાની આંખો ફરી ભીની થઈ ગઈ. તે કંઈક બોલવા ગઈ પણ કદાચ અવાજ જ બહાર ના નીકળ્યો.

અપૂર્વએ આર્યાનો હાથ હળવેથી દબાવતા કહ્યું, "આર્યા... આપણી દીકરી ઠીક છે, બસ થોડા સમયની વાત છે ને પછી એ એકદમ સાજી થઈ જશે અને આપણી સાથે જ રહેશે."

આર્યા હવે દીકરીનું મુખ જોવા તલપાપડ હતી પણ અત્યારે એ ઉભી પણ ના થઇ શકે એવી એની હાલત હતી.

અપૂર્વએ અત્યારે એને આરામ કરવા કહ્યું પછી દીકરી પાસે લઈ જવાનું વચન આપ્યું ત્યારે તે માંડ મનને મનાવી બેઠી રહી. થાક, ચિંતા, તણાવ અને ઉપરથી એનેસ્થેસિયાની અસરને કારણે થોડી જ વારમાં તેની આંખો ફરી મીંચાઈ ગઈ. અપૂર્વ આર્યાને જોતો બસ ત્યાં જ બેસી રહ્યો.



***********************************



શું અપૂર્વ અને આર્યાની બાળકીનો વિકાસ સામાન્ય બાળક જેવો થશે.?
આર્યા અને અપૂર્વનો આગળનો સંઘર્ષ કેવો રહેશે એ જાણવા વાંચતા રહો...માતૃત્વની કસોટી.


આપના અમૂલ્ય પ્રતિભાવ આપવાનું ચૂકશો નહિ.

ધન્યવાદ🙏

©યક્ષિતા પટેલ