માતૃત્વની કસોટી - 3 Yakshita Patel દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • ઈર્ષા

      ईर्ष्यी घृणी न संतुष्टः क्रोधनो त्याशङ्कितः।  परभाग्योपजीव...

  • ફરે તે ફરફરે - 61

    ફરે તે ફરફરે - ૬૧   જુના જમાનાના લેખકો સવારનુ વર્ણન કરત...

  • રાય કરણ ઘેલો - ભાગ 10

    ૧૦ મહારાણીની પ્રેરણા   કાંધલે જે કહ્યું તે સાંભળીને કરણ...

  • ઇડરિયો ગઢ

    ઇડરિયો ગઢવર્ષોથી મનમાં તમન્ના હતી અને એક ગૂજરાતી ફિલ્મ પણ વા...

  • આકર્ષણ બન્યુ જીવનસાથી - 1

    મહિનાનો પહેલો દિવસ અને ઍ પણ સોમવાર. અમારી ઓફિસ મા કોઇ જોબ મા...

શ્રેણી
શેયર કરો

માતૃત્વની કસોટી - 3

માતૃત્વની કસોટી

ભાગ - 3

✍યક્ષિતા પટેલ



બીજા દિવસે મળસ્કે ચાર વાગ્યાની આસપાસ આર્યાની આંખો ખુલી. અપૂર્વની બાજુમાં બેઠા બેઠા જ આંખો લાગી ગઈ હતી. બહાર ઘરના જાગતા બેઠા હતા. આર્યા દીકરીને જોવા તરસી રહી હતી પણ અપૂર્વને ઉઠાડવાનું તેને મન ના થયું. તેના ઉઠવાની રાહ જોતા આતુરતાથી વિહ્વળ બની તે રાહ જોતી બેસી રહી. એની આંખમાંથી આંસુ વહે જતા હતા. તે ક્યાંય સુધી છત તરફ એકીટશે તાકતી રહી અને કઈ કેટલાય વિચારો તેના મનમાં આવીને જતા રહ્યા.

થોડી વારમાં અપૂર્વની આંખો ખુલી, આર્યાને જાગતા જોઈ તે તેની નજીક આવ્યો અને એના આંસુ લૂછયા.

અપૂર્વના હાથના સ્પર્શથી આર્યા પોતાના વિચારોમાંથી બહાર આવી અને અપૂર્વની સામે એક પછી એક પ્રશ્નો ઢગલા બંધ મૂકી દીધા.. "આ તે કુદરતની કેવી કરામત અપૂર્વ...!!? કે એક મા ને પોતાની દીકરીનું મુખ જોવા પણ તરસવું પડે છે. જોઈને પણ હું એને છાતીએ વળગાવી શકીશ કે નહીં શું ખબર. ?? પુરા બે મહિના કે તેથી પણ વધુ સમય એ પાસે હોવા છતાં પણ જાણે કેમ દૂર હશે ?? શું એક બાળકી એની મા ની છાતીએ વળગીને માના ધાવણના સુખથી બે મહિના સુધી વંચિત રહેશે...??? ઈશ્વરે આપણી સાથે જ કેમ આવું કર્યું..? શું ભૂલ રહી ગઈ મારી એવી કે જેની સજા મારી બાળકી ભોગવે ?? કેમ આવું થાય અપૂર્વ... કેમ ???? એકીશ્વાસે આટલું બોલતાની સાથે જ આર્યા રીતસરની હાંફી રહી હતી.

અપૂર્વ બસ એને જોતો જ રહ્યો, આપે તો પણ એ શું જવાબ આપે. આખરે એ ઉભો થયો અને કઈ પણ બોલ્યા વગર આર્યાને બેડમાંથી નીચે ઉતારી અને એને ટેકો આપતો ડોકટરની કેબિનમાં લઇ ગયો.

એમના આવવાનું કારણ જાણતા જ હોય એમ ડોકટર ઉભા થયા અને બંનેને પોતાની સાથે આવવા કહ્યું. એક રૂમમાં જઈ ડોકટરે આર્યાને આંગળીના ઈશારે કંઈક બતાવ્યું. આર્યા જોઈ રહી બસ જોઈ જ રહી.

અપૂર્વએ એને ખભે હાથ મુક્યો ત્યારે આર્યા જાણે ભાનમાં આવી હોય એમ આગળ ચાલવા લાગી અને "ઈન્ક્યૂબેટર બોક્સ" કે જેમાં એની દીકરીને રાખવામાં આવી હતી એની સાવ નજીક જઈ ઊભી રહી. પોતાની ફૂલ જેવી સાવ નાજુક અને કોમળ દીકરીને આમ બંધ બોક્સમાં જોઈ આર્યાનું હૈયું એક ધબકારો ચુકી ગયું. જાણે સાવ નિર્જીવ બની ગઈ હોય એમ ના એની આંખમાંથી આંસુ નીકળ્યા કે ના ચેહરા પર કોઈ ભાવ આવ્યા. બસ એક પૂતળાની જેમ એ જોઈ રહી..જોઈ જ રહી.

આર્યાની આવી હાલત જોઈ અપૂર્વએ ડોકટર સામે જોયું. ડોકટર પણ સમજતા હોય એમ "ઇન્કયુંબેટર બોક્સ" માંથી બાળકીને થોડી ક્ષણો માટે બહાર કાઢી અને આર્યાના હાથમાં મૂકી. જીવમાં જીવ આવ્યો હોય એમ આર્યાને લાગ્યું. એ કિંમતી ક્ષણો પોતાનામાં સમાવી લઇ બંને બહાર બહાર આવ્યા.

ડોકટરે અપૂર્વ અને આર્યાને સંબોધતા કહ્યું, "જુવો.. તમારી લાગણીઓ હું સમજી શકું છું પણ પરિસ્થિતિ પર રડતા બેસી રહેવું એ કોઈ પણ પ્રોબ્લેમનો સોલ્યુશન તો નથી જ."

પછી બે ઘડી બંને સામે જોઈ પોતાની વાત આગળ વધારતા હોય એમ કહ્યું, "ડોકટર બનવા પેહલા હું પણ એક માણસ છું. અમારે પણ હૃદય છે જે આવી પરિસ્થિતિમાં હલબલી જઈ શકે. તેમ છતાંય એક ડોકટર હોવાના નાતે મન મક્કમ બનાવી હિમ્મત કરી વાઢ કાપના સાધનો લઇ પેશન્ટના જીવ માટે એના શરીરે ચીરા કરી સારવાર કરતી વખતે ય અમે અમારો હાથ ધ્રુજવા નથી દેતા. તો તમારે તો ફક્ત ભગવાન પર ભરોસો રાખી શ્રદ્ધા અને વિશ્વાસના બળે તમારા પોતાના બાળક માટે પોતે મનથી મજબૂત બની એને સારું કરવાનું છે. શું આટલું પણ ના કરી શકો તમે ??

ખાસ તો આર્યાને સમજાવતા હોય એમ ડોકટરે આર્યા સામે જોઈ કહ્યું, " અમેં અજાણ્યા પેશન્ટસ માટે પણ દિવસ રાત જોયા વગર અમારું કાર્ય કર્યે જઈએ છીએ. તમારે તો પોતાના બાળકને આ પરિસ્થિતિમાંથી હેમખેમ બહાર લાવવા માટે પોતે મનથી સક્ષમ બનવાનું છે. શુ એક મા આટલું ના કરી શકે..??"

આર્યા હતપ્રભ બની ડોકટરની વાત સાંભળી રહી. અને ઘડીક ડોકટર સામું તો ઘડીક અપૂર્વ સામું જોઈ રહી.

ડોક્ટરને પોતાની વાતની સામી વ્યક્તિઓ પર અસર થતી લાગી એટલે છેવટે તેમણે આર્યાને હિમ્મત આપતા કહ્યું,.." આર્યા.. એક મા પોતાના સંતાનને મોતના મુખમાંથી બચાવી લાવવા માટે પણ સક્ષમ હોય છે. રડતા બેસી રહેવાનો ઓપશન છે જ નહીં. વિકલ્પ એક જ છે...ઉઠો..જાગો..શ્રદ્ધા અને વિશ્વાસ થકી તમારી બાળકીને આમાંથી સાજી નરવી બહાર લાવી પોતાના ઘરે લઈ જવો."

થોડી મિનિટો માટે કેબિનમાં મૌનનું સામ્રાજ્ય છવાઈ રહ્યું.

ત્યાર બાદ આર્યા ઉભી થઇ ડોકટર સામે એક ફિક્કું પણ આભાર વ્યક્ત કરતું સ્મિત વેરી અપૂર્વની સામે જોઈ બહારની તરફ ચાલતી પકડી. આ વખતે એની ચાલમાં ઢીલાશ કે કમજોરી નહિ પણ એક અજબ પ્રકારની મક્કમતા હતી.

પોતાનું કામ પાર પડયાનો આનંદ ડોકટરના ચેહરા પર વર્તાયો. અપૂર્વએ આભારવશ હાથ જોડી એમની વિદાય લીધી.

હોસ્પિટલમાં સગા સ્નેહીઓની અવરજવર ચાલુ રહેતી. આર્યા સાથે કોઈ ને કોઈ ત્યાં હાજર રહેતું. સવાર સાંજ ઘરેથી અપૂર્વ ટિફિન લઈ આવતા. બાળકીને ફક્ત રૂમની બહાર કાચની બારીમાંથી દુરથી જ જોઈ શકાતું. અંદર જવાની રજા માતા પિતા સિવાય કોઈને ના હતી. બાળકીને ચોવીસે કલાક બોક્સમાં જ રાખવામાં આવતી. ફક્ત ચેક અપ માટે અને દૂધ પીવડાવવા માટે બહાર કાઢવામાં આવતી. દૂધ પણ વાટકીમાં લઇ નળી દ્વાર પીવડાવવામાં આવતું. આવું કરુણ દ્રશ્ય જોઈ ભલભલાનું હૃદય દ્રવી ઉઠે. પણ આર્યા મજબૂત મન બનાવી બેઠી હતી એ હવે પાછી પડે એમ ન હતી.

મા ની મમતાની ખરી કસીટી હતી તો સાથે પિતાની ધીરજની એમના પ્રેમની પણ કસોટી જ હતી. દિવસો વીતતા ગયા ને બાળકનો વિકાસ થતો ગયો પણ હજુ ઘણી વાર હતી એને સારા થવાને. કાચની પેટીમાં પુરા બે મહિના રાખવું કોઈ સાધારણ પરિવારને તો ક્યારેય નહીં પોસાય. આ ઉપરાંત એમાંથી બહાર લાવ્યા બાદ પણ એની ખૂબ જ કાળજી રાખવાની હતી.

આમ ને આમ બે મહિના નીકળી ગયા હવે બાળકીને કાચની પેટીમાંથી બહાર કાઢવામાં આવી. હજુ પણ એ સામાન્ય બાળકો જેવી ના થઇ હતી પણ હવે ઘરે જ પૂરતી કાળજી રાખવાની હતી. હોસ્પિટલમાંથી રજા આપી દેવામાં આવી.

"જન્મતાની સાથે જ અનેક બાધા માનતાઓ રખાઈ ગઈ હતી. ગમે તે કહો યુગોના યુગો થશે તોય માણસ આ બધુંમાંથી નહિ છૂટે. પોતાની વ્યક્તિ માટે માનવી સમય આવ્યે બધુ જ કરી છૂટે છે ભલે એ આધુનિક અને મોર્ડન વિચારધારા ધરાવતો હશે પણ સમય આવ્યે એ મંદિર હોય, હોસ્પિટલ હોય કે ભુવા ભગત બધે પહોંચી વળે છે એમને મન બસ એક જ શ્રદ્ધા હોય છે પોતાનું વ્યક્તિ સાજું નરવું થાય."

અહીંયા પણ એવું જ હતું પોતાની દીકરી માટે એક મા ની જ નહીં પણ તેની સાથે જોડાયેલા સૌની પ્રાર્થના ચાલુ થઈ ગઈ હતી. એક મા પોતાની દીકરીને સાજી કરવા શ્રદ્ધા અને વિશ્વાસને બળે પોતાનું સઘળું સમર્પિત કરી મંડી પડી. એક મા જેને નિયતીએ પડકારી હતી એ મા ના પ્રેમ, વિશ્વાસ ને શ્રદ્ધા આગળ હવે નિયતીએ પણ નમવાનું જ હતું એ આર્યાંની લગન જોતા જ નિશ્ચિત થઈ ચૂક્યું હતું.

રાત દિવસ એક કરી દીકરીની સંભાળ લેવાતી હતી. સમયસર ડોક્ટરના કહ્યા મુજબ ખાવાપીવાનું ધ્યાન રખાતું હતું. બાળકીને નિયમિત હોસ્પિટલે ચેકઅપ માટે પણ લઈ જવાતી. સૌની દુઆ ફળતી નજરે આવતી હતી, ધીરે ધીરે બાળકી સ્વસ્થ થતી જતી હતી. આખરે થોડા મહિનાની અંદર બાળકી સામાન્ય બાળકોની જેમ બની, વજન પણ વધ્યું હતું અને સારો એવો વિકાસ પણ થયો.આખરે એક મા ની મમતા જીતી ગઈ.

બાળકીનું નામ પ્રશસ્તિ રાખવામાં આવ્યું. દેખાવે ખુબ જ સુંદર કે હાથમાં લેતા જ બચી ભરવાનું મન થઇ જાય. આજે પ્રશસ્તિ પુરા એક વર્ષની થઈ હતી.

"માની મમતાને નિયતીએ અતિ કઠોર બની પડકારી હતી,
કાળજાના ટુકડા સમ બાળકીને મોહરુ બનાવી હતી,
શ્રદ્ધા..વિશ્વાસ.. ને ધીરજની આખરે જીત થઈ હતી,
એક મા દીકરીને મોતના મુખમાંથી ઉગારી લાવી હતી.."


આમ જ દિવસો પસાર થતા રહ્યા. પાંચ વર્ષ પછી...

આજે એમને ત્યાં પ્રશસ્તિને પાંચ વર્ષ પુરા થયાની ખુશીમાં સત્યનારાગણ ભગવાનની પૂજા હતી. સવારથી ઘરમાં પૂજાની તૈયારીઓ માટે દોડધામ ચાલી રહી હતી. નજીકના સગાઓ અને આડોશી પાડોશીઓથી ઘર ભર્યું હતું. મહારાજના મંત્રોચ્ચાર ચાલુ હતા. અપૂર્વ અને આર્યા પૂજા માં બેઠા હતા. પ્રશસ્તિ ચમકતા આભલા ભર્યા લાલ કલરના ફૂલ ફ્રોકમાં મસ્ત બની આર્યા અને અપૂર્વની વચ્ચે બેઠી હતી.

ક્યારેક પૂજામાં બાજઠ માચી પર મુકેલ સફરજન લઈ લેતી. તો ક્યારેક થાળીમાં રાખેલ ફુલોમાંથી ફૂલ લઈ ભગવાનના ફોટા પાસે મુકતી. ક્યારેક કંટાળો આવતા ઉઠીને બીજા બાળકો પાસે જતી રેતી તો ક્યારેક એની જ મસ્તીમાં આંગણામાં દોડાદોડ કરી મૂકતી. આમ એની મસ્તીઓ ચાલુ જ રહેતી.

પૂજા પુરી થતાં આરતી અને પ્રસાદ લઈ સૌ મહેમાનો વિખેરાયા.

એકદમ જ ક્યુટ અને ખૂબ જ મીઠડી લાગતી હતી એ. પપ્પાની લાડકી હતી તો મમ્મીનાં કાળજાનો કટકો હતી. ઘરમાં સૌની દુલારી હતી. નાના ભાઈ બેન સાથે ખૂબ ધમાલ મસ્તી કરતી. દાદીની ખૂબ વહાલી હતી ને પુરા ઘરમાં દોડાદોડ કરી દાદીને પોતાની પાછળ ભગાવી થકવી નાખતી.


આર્યાએ ફરી જોબ જોઈન કરી લીધી હતી. રોજની માફક આજે પણ આર્યા જોબ પર જતા પહેલા પ્રશસ્તિને સમજાવતા કહી રહી હતી,.. "જો બેટા, મસ્તી ના કલીશ અને દાદીને બહુ હેરાન ના કલીશ તો મમ્મા સાંજે તાલા માટે મસ્ત મોટી ચોકલેટ અને આઈસ્ક્રીમ લાવશે."

" એ સાચું મમ્મા...!! ડેડી પન એક ચોકલેટ લાવવાના છે. માલે તો આજે બે બે ચોકલેટ મલશે." એમ કહી ખુશ થતી નાચતી કૂદતી આર્યાને ગળે વળગી પડી.

ત્યારબાદ પ્રતિભાબેનએ પ્રશસ્તીને મોટેથી બૂમ પાડતા કહ્યું, " પ્રશસ્તિ બેટા ચાલ તો હવે..મમ્માને જોબ પર જવાનું મોડુ થશે ને.."

દાદીની બૂમ સાંભળી પ્રશસ્તિ આર્યાથી છૂટી પડી આર્યાને ગાલે એક ચૂમી ભરી, " બાય મમ્મા.. સી યુ..ટાટા.." કહેતી દોડીને રમવા જતી રહી.

"બાય બેટા.. બવ દોળ દોળ ના કરતી હા.." આર્યા જતા જતા કહી રહી હતી પણ પ્રશસ્તિ તો ભાઈ બહેન સાથે રમવામાં લાગી ગઈ હતી.


હવે તો પ્રશસ્તિ નાનકડી બેગમાં પાટી પેણ લઇ રોજ દાદી સાથે બાલમંદિરે જતી. બોલવામાં ખૂબ જ હોંશિયાર બની ગઈ હતી. કાલુ કાલુ એટલું સુંદર બોલતી બસ સાંભળ્યાં જ કરવાનું મન થાય. એના નામ મુજબ જ ભવિષ્યમાં ખૂબ પ્રશસ્તિ પામેં અને પોતાના સાથે માતાપિતાનું અને પરિવારનું નામ પણ રોશન કરે ખૂબ આગળ વધે અને બાળકો માટે એક પ્રેરણાદાયી ઉદાહરણ બની રહે એવી મારી અંતરનાં ઊંડાણથી દુઆ છે.

આ સાથે જ મારી આ પ્રથમ સ્ટોરી જે સત્ય ઘટના પર આધારિત છે અને જેમાં થોડું કાલ્પનિકતાનું મિશ્રણ છે તેને અહીં વિરામ આપું છું.

©યક્ષિતા પટેલ

*************************************


સ્ટોરી લખવાનો આ મારો પ્રથમ પ્રયાસ છે. તેથી ઘણી ભૂલો હોવાની શક્યતા છે. તો વાચકમિત્રો મારી ભૂલો બતાવવાનું ચૂકશો નહિ. આપ સૌ ના અભિપ્રાય થકી જ હું આગળ જતાં વધુ સારું લખી સકીશ. તેથી તમારા અમૂલ્ય પ્રતિભાવ જરૂરથી આપજો.


ધન્યવાદ🙏
©યક્ષિતા પટેલ