દેવોના દેવ મહાદેવથી શોભતું નાનકડું પણ સૌને આકર્ષે એવું મંદિર. મંદિરના પ્રાંગણમાં અવનવા ફૂલ છોડથી મહેકતો બગીચો અને આજુબાજુ જાતભાતના વૃક્ષો.. તેમની હરિયાળી.. પંખીઓના કલરવ.. ભમરા અને પતંગિયાઓના ગુંજરાવથી મંદિરનું વાતાવરણ ખીલી ઉઠતું. રણકપુર નામના આ સુંદર રળિયામણા ગામમાં સૌ સુખેથી સંપીને રહેતા હતા.
અરુણભાઈ અને પ્રવીણાબેન આજે ખૂબ ખુશ હતા. ત્રણ દીકરીઓ અને એક દીકરા સાથે આ માધ્યમ વર્ગીય પરિવારમાં આજે ઘણી જ ચહલ પહલ હતી.સવારથી સૌ કોઈને કોઈ કામમાં પડ્યા હતા. સૌ ઉત્સાહભેર પોતાને સોંપાયેલું કાર્ય કરી રહ્યા હતા. આજે એમની વચલી દીકરી આર્યાને જોવા માટે છોકરવાળા આવવાના હતા. સાફ સફાઈ અને તૈયારીઓ કરવામાં જ ઘણો સમય નીકળી ગયો. જોતજોતામાં તો ચાર વાગી ગયા અને મહેમાનો આવી ગયા.
અપૂર્વ ખૂબ દયાળુ શાંત સ્વભાવનો સોહામણો છોકરો હતો. ત્રણ ભાઈઓમાં સૌથી નાનો હતો. મોટા બંને ભાઈઓ પરિણીત હતા અને સાથે એક એક સંતાનના પિતા પણ હતા. પ્રતિભાબેનની છત્ર છાયા હેઠળ સૌ હળીમળીને રહેતા હતા. પિતા સ્વર્ગે સિધાવ્યા હતા. ગામમાં એમના પરિવારની સારી શાખ હતી, પૈસે ટકે સુખી સમૃદ્ધ પરિવાર હતું.
આજે અપૂર્વ તેમના મોટા ભાઈ ભાભી જોડે આવ્યો હતો. અરુણભાઈ અને પ્રવીણાબેને ભાવભીનો સત્કાર આપી સૌને બેસાડ્યા. થોડી વાર બેઠા અને આર્યા ચા નાસ્તાની ટ્રે લઈને આવી. સિમ્પલ સ્કાય બ્લુ કલરના ડ્રેસમાં આર્યા ઘણી સુંદર લાગી રહી હતી. નાસ્તો ટેબલ પર રાખી સૌને ચા આપતા આર્યાએ અપૂર્વ પર એક અછડતી નજર નાખી, નજરો ઢાળીને અપૂર્વના ભાભીના કેહવા પર એમની બાજુમાં બેઠી. અપૂર્વના ભાભીએ આર્યા સાથે થોડી વાતો કરી.
ત્યારબાદ બંને એકલા વાતો કરીને એકબીજાનો મત જાણી યોગ્ય નિર્ણય લઈ શકે એ આશયથી પ્રવિણાબેને આર્યાને સંબોધતા કહ્યું,"બેટા આર્યા, આમને આપણું ઘર બતાવી આવો."
આર્યાએ માત્ર ગરદન હલાવી અપૂર્વ તરફ નજર કરી. અપૂર્વ ઉભો થયો અને આર્યાની પાછળ ચાલવા લાગ્યો.
રૂમમાં પહોંચતા...
આર્યા, "બેસોને.!" ( અપૂર્વ બેઠો અને આર્યા તરફ નજર કરી જાણે કહેતો હોય કે તમે પણ બેસો. એમની વાત સમજી ગઈ હોય એમ આર્યા નિયત અંતર રાખીને બેઠી..)
થોડી ક્ષણો બંનેને શું બોલવું શું નહી કઈ સૂઝ્યું નહિ હોય એમ ચૂપચાપ બેઠા રહ્યા. પછી અપૂર્વએ જ શરૂઆત કરી..
અપૂર્વ, "તો.. શું કરો છો તમે??"
"હાલ SBI (સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા ) બેન્કમાં જોબ કરું છું.." એમ કહી આર્યાએ અપૂર્વ સામે બે ઘડી નજર કરી ને ફરી નજરો ઝૂકાવી દીધી..
"આર્યાની પ્રશ્ન ભરી નજર સમજતો હોય એમ એના પૂછ્યા વગર જ અપૂર્વએ પોતાનો કન્સ્ટ્રક્શનનો બિઝનેસ હોવાનું જણાવ્યું. "
વીસ એક મિનિટ સુધી બંને થોડી ઔપચારિક વાતો કરીને સૌ બેઠા હતા ત્યાં ડ્રોઈંગરૂમમાં આવ્યા. બંનેના ચેહરા જ ચાડી ખાતા હતા કે તેઓની આ સંબંધ માટે હા છે તેમ છતાંય અપૂર્વના ભાભીએ એમને ઈશારામાં જ પૂછી લીધું અને સામે અપૂર્વએ પણ પોતાની સહમતી દર્શાવતા હકારમાં ગરદન હલાવી દીધી. તો સામે પ્રવિણાબેન પણ રસોડામાં જઈ આર્યાની હા જાણી લીધી અને પછી તો ત્યાંજ ગોંળધાણા ખવાઈ ગયા. અપૂર્વના ભાભીએ શુકનના પાંચસો એક રૂપિયા નારિયેળ સાથે આર્યાના હાથમાં મૂકી દીધા અને ત્યાર પછી થોડી ચર્ચા કરી મહેમાનો વિદાય થયા.
ત્રણ મહિના પછી લગ્ન ગોઠવવામાં આવ્યા. બંને બાજુ લગ્નની તડામાર તૈયારીઓ ચાલુ થઈ ગઈ હતી અને જોતજોતામાં એ સમય પણ આવી ગયો. પરિવારજનો અને સગાવ્હાલાઓની હાજરીમાં ખૂબ ધામધૂમથી બંનેના લગ્ન લેવાયા અને વડીલોના આશીર્વાદ લઇ આર્યા સાસરે વિદાય થઈ.
અપૂર્વના બંને ભાભી અને પ્રતીભાબેને આર્યાનું ઉષ્મા ભર્યું સ્વાગત કર્યું. ખુશી અને આનંદમાં દિવસો પસાર થતા રહ્યા. જોબ પરની લિવ પુરી થતા જ આર્યાએ ફરીથી જોબ જોઈન કરી લીધી.
પોતાને એકેય દિકરી ન હોવાથી પ્રતિભાબેન ત્રણે વહુઓને દીકરીની જેમ જ રાખતા. સાડી પહેરવું પણ કોઈ માટે ફરજીયાત હતું જ નહિ, જેને જે ગમે કે ફાવે એ પહેરવાની છૂટ હતી. ત્રણે વહુઓ પોતાની આવડત મુજબની જોબ કરતી અને સાથે ઘરનું કામ પણ સાથે મળીને કરી લેતા. આમ જ બધું મસ્ત ચાલ્યે જતું હતું.
પ્રેમ કહો, આદર કહો કે સંસ્કાર...પણ ઘરમાં એકમાત્ર વડીલ એવા પ્રતિભાબેનની મરજી વિરુદ્ધ ક્યારેય કોઈ જતું નહિ. દિકરાઓએ બધું સંભાળી લીધું હતું. કામધંધાની સાથે ખેતીનું કામ પણ જોઈ લેતા. ખેતીમાં મબલક અનાજ પાકતું હતું. કેરીની મોસમમાં આંબા પર ખૂબ કેરીઓ આવતી. આમ ક્યાંય કશી કમી ન હતી પણ કહેવાય છે ને સુખ ક્યારે દુઃખમાં બદલી જાય કઈ કહેવાય નહીં, બસ આવુજ કૈંક આ પરિવાર સાથે થવાનું હતું.
લગ્નના દોઢ વર્ષ પછી સૌથી નાની વહુ આર્યાને સારા દિવસો રહ્યા. ઘરમાં ખુશીની લહેર ફરી વળી. સમય વિતતો ગયો એમ એમ આર્યાનું રૂપ નિખરતું જતું હતું અને કેમ નહિ આખરે તે મા જો બનવાની હતી.
છ મહિના થયા એટલે જોબ પર આગળના સાત મહિના માટે રજા લઇ લીધી. આમ જ દિવસો પસાર થતા જતા હતા અને કોણ જાણે કોની નજર લાગી કે એક દિવસ કિચનમાંથી પાણીની બોટલ લઈ આર્યા રૂમમાં આરામ કરવા જતી હતી ને ચક્કર આવતા ત્યાંજ જમીન પર ઢળી પડી.
સાંજનો સમય હોવાથી સૌ ઘરે જ હતા. તાત્કાલિક આર્યાને બાજુના શહેરની હોસ્પિટલમાં લઈ જવામાં આવી. જ્યાં તપાસ કરતા બ્લડ પ્રેશર લો થઈ જવાના કારણે ચક્કર આવ્યા હોવાનું ડોક્ટરે કહ્યું. આની અસર આર્યાના ગર્ભ પર પડી અને બાળકનો જીવ જોખમમાં હોવાનું પણ ડોક્ટરે જણાવ્યું. એમના મતે તાત્કાલિક ઓપરેશન જરૂરી હતું પણ સમય કરતાં વહેલા બાળકનો જન્મ એટલે ખતરો પણ વધુ હતો. એમણે અપૂર્વને પરિસ્થિતિથી માહિતગાર કર્યો અને ઓપરેશન માટે એની મંજૂરી માંગી. એક એક પળ એકદમ કિંમતી હતો અને બદલાતી પરિસ્થિતિથી ગભરાયેલા અપૂર્વએ લાંબુ સમજ્યા વિના ડોકટરને ઓપરેશન માટે મંજૂરી આપી દીધી.
************************************
શું આર્યાનું ઓપરેશન સફળ થશે અને એ બાળકને જન્મ આપશે.?
આર્યા અને અપૂર્વની જિંદગીમાં આગળ શું થશે એ જાણવા વાંચતા રહો માતૃત્વની કસોટી.
આપના અમૂલ્ય પ્રતિભાવ આપવાનું ચૂકશો નહિ.
ધન્યવાદ 🙏