ડી-માર્ટમાં ટ્રોલી લઈને બીલિંગ કરવા જતી હતી ત્યાં " હાય... સેજલ " મારી પાછળથી અવાજ આવ્યો. હું ફરી ને જોવ છું તો મારી પાછળ નિરાલી ઉભી હતી. હું તેને જોઈ ને ખુશ થઈ ગઈ. કોલેજ પત્યાં પછી 6 વર્ષે આજે મળ્યા.
" અરે... બહેન કઈ દુનિયામાં 6 વર્ષથી ના કોઈ મેસેજ ના ફોન. તું છે ક્યાં? " નિરાલી એ પૂછ્યું.
" હા ઘણો સમય થઈ ગયો આપણને મળે છેલ્લે મીરાના મેરેજ માં બરોડા મળ્યા હતા યાદ છેને " મેં જવાબ આપ્યો. અને ઉમેર્યું કે તું અહીંયા ક્યાંથી.
"હું બેંગ્લોરમાં હતી ત્યાં મારા પતિ આઇટી કંપનીમાં જોબ કરતા હતા તેમની ટ્રાન્સફર અહીંયા અમદાવાદમાં થઈ ગઈ છે એટલે હવે અમે અહીંયા શિફ્ટ થઇ ગયા છીએ." નિરાલી એ જવાબ આપ્યો.
" સારું તો હવે મારા ઘરે આવજે, આમ પણ હું અહીંયા એકલીજ પડતી હતી. ધ્રુવીત તો સવારના ઓફિસે જાય પછી હું એકલી જ પડતી હતી હવે મને તારી કંપની મળી રહેશે " મેં કહ્યું.
" સેજલ મને પછી ખબર પડી કે તારા અને દીપક ના લગ્ન ન થઈ શક્યા અને તમે જુદા થઈ ગયા. તેની સાથે વાત થાય છે કે નહીં. તે મને બંગલોર માં મળ્યો હતો ત્યારે તેને મને તમારી સાથે શુ થયું એ બધુજ જણાવ્યું " નિરાલી આટલું કહી ને અટકી.
દીપક નું નામ સાંભળતાની સાથેજ મારૂ હૃદય ધબકારો ચુકી ગયું. છેલ્લા 6 વર્ષ થઈ હું જેને ભૂલી જવા પ્રયત્ન કરી રહી હતી તે બધોજ ભૂતકાળ મારી સામે આવી ને ઉભો હતો. થોડીવાર માટે હું વિચારોમાં ખોવાઈ ગઈ.
" સેજલ...સેજલ... ક્યાં ખોવાઈ ગઈ " નિરાલી એ બૂમ પાડી ત્યારે મને ખ્યાલ આવ્યો કે બે મિનિટ માટે હું પાછી ત્યાં પહોંચી ગઈ હતી જ્યાંથી મને પાછી આવતા 4 વર્ષ લાગ્યા હતા.
નિરાલી પ્લીઝ.. દીપક ની વાત અત્યારે ના કરીયે તો સારું છે. હું એ બધું ભૂલી ને મારી નવી દુનિયા માં ખુશ છું. ધ્રુવીત મારુ ખૂબ ધ્યાન રાખે છે અને મને ખુબ પ્રેમ કરે છે. હવે હું એ સમય યાદ કરવા નથી માંગતી.
પણ સેજલ તું અને દીપક તો એકબીજાને કેટલો પ્રેમ કરતા હતા એતો આખી કોલેજ જાણતી હતી. તમારા પ્રેમ ની વાતો તો પ્રોફેસર થઈ લઈને સ્ટુડન્ટ સુધી કોઈથી અજાણ નહોતી. પછી કેમ તું આજે આવું બોલે છે.
નિરાલી એ સમય અલગ હતો. કદાચ કુદરત ને અમારો પ્રેમ મંજુર નહીં હોય માટે અમને ના મળાવ્યા. હવે દીપક એની જિંદગીના ખુશ હશે અને હું મારી.
"કોણે કીધું તને કે દીપક એની જિંદગીમાં ખુશ છે. તું એને છેલ્લે ક્યારે મળી હતી? તે મને બંગલોર માં ઘણીવાર મળતો હતો. તેને તારી રાહમાં હજુ મેરેજ પણ કર્યા નથી ખબર છે તને " આટલું બોલતા નિરાલીનો ચેહરો ઉદાસ થઈ ગયો.
આટલું સાંભળતા ને સાથે જ મારી આંખોમાંથી પાણી વહેવા લાગ્યું. મારી આંખો જાણે ધગધગતા સૂરજની માફક લાલ થઈ ગઈ હતી. હું દીપક વિસે જેવું સમજતી હતી તેવું કાંઈ હતું નહીં. હું તો એવું સમજતી હતી કે તેણે પ્રેમમાં મને દગો કર્યો છે પણ હકીકત તો કઈક અલગ જ નીકળી.
" શુ દીપક હજુ મને યાદ કરે છે? મારી વિશે તારી સાથે કઈ વાત કરી હતી એણે? એને તું છેલ્લે ક્યારે માડી હતી ?" મનમાં હતા એ બધા સવાલ મેં એકી શ્વાસએ નિરાલીને પૂછી લીધા.
" મેં તેને પણ તારા વિશે પૂછ્યું હતું પણ તે કહેતો હતો કે આ જીંદગી તો બસ સેજલ માટે હતી. જો મારી જિંદગીમાં કોઈ બીજી સ્ત્રી આવશે તો સમજવાનું કે તે મારો બીજો જન્મ હશે. ભલે તે મારી સાથે નથી પણ તે મારા હૃદયમાં હંમેશ માટે રહેશે. ત્યાં સેજલની જગ્યા બીજું કોઈ નહીં લઇ શકે " નિરાલી આટલું જ બોલી. અને પછી ઉમેર્યું.
દીપક પણ અમદાવાદ આવવાનો છે એના કંપનીના કામથી તેનો કાલે મને મેસેજ આવ્યો હતો. આમપણ મારા પતિ અને દીપક ને એકબીજા સાથે સારું ફાવી ગયું છે. કદાચ તે આવતા અઠવાડીએ આવવાનો છે.
"નિરાલી તું મારુ એક કામ કરીશ દીપક આવે તો તું શુ મને એની સાથે મળાવી શકીશ." મારાથી નિરાલીને પુછાઇ ગયું.
"સારું વાંધો નહીં તું મને તારો ફોન નંબર આપ હું તને જણાવીશ." નિરાલીએ કહ્યું. અને અમે એકબીજા ના ફોન નંબર લઈને ત્યાંથી છુટા પડ્યા.
હું ઘરે પહોંચી પણ મારા દિમાગમાં દિપક ભમી રહ્યો હતો. હું તેના વિચારો માંજ ખોવાઈ ગઈ હતી. નિરાલી સાથે વાત થઈ પછી બે દિવસ સુધી તો મને કઇ કામ જ સુધતુ નહોતું. દિપક સાથે વિતાવેલા એ સમયની યાદો માં ડૂબી ગઈ હતી.
શુ સાચ્ચે તે મને આટલો બધો પ્રેમ કરતો હતો? શુ ખરેખાર તેણે મારા માટે જ મેરેજ નહીં કર્યા હોય? મનમાં ને મનમાં આવા વિચારો આવવા લાગ્યા હતા.
ત્રણ દિવસ પછી નિરાલીનો મેસેજ આવ્યો કે આવતીકાલે દીપક અમદાવાદ આવી રહ્યો છે તો તારે એની મુલાકાત કરવી હોય તો મારા ઘરે આવી જજે.
નિરાલીનો મેસેજ વાંચ્યા પછી તો હું ખૂબ જ ખુશ થઈ ગઈ હતી.જાણે આ એકજ દિવસમાં ભગવાને મને આખી દુનિયાની ખુશી આપી દીધી હોય તેમ મનમાં નર મનમાં હરખાતી હતી.
રાત્રે મને ઊંઘ પણ નહોતી આવી રહી. મારુ મન વ્યાકુળ થઈ રહ્યું હતું. મનમાં વિચારો કરી રહી હતી કે કાલે દીપક ને મળીશ તો શુ વાત કરીશ? દીપક કેવો દેખતો હશે ? વગેરે વગેરે. બારીમાંથી બહાર જોયું તો જાણે ચાંદો પણ મારી સામે જોઇને હસી રહ્યો હોય તેવું લાગ્યું. દિપકના વિચારોમાં ક્યારે સવાર થઈ ગઈ એ પણ ખબર ના પડી.
બીજા દિવસે ધ્રુવીત તો તેમના રોજના સમયે ઓફીસ જાવા નીકળી ગયા હતા. હું પણ તેમના જવાની રાહ જોઈ રહી હતી. તે ગયા પછી ફટાફટ તૈયાર થઈ ગઈ. જાંબલી કલરની સાડી પહેરી હતી કેમકે મને હજુ પણ યાદ છે જાંબલી દિપક નો સૌથી ફેવરિટ કલર હતો.
અરીસામાં જોઈએ ને સેંથામાં સિંદૂર પુરી રહી હતી ત્યારે પાછળ ભીત પર લગાવેલો મારો અને ધ્રુવીતનો ફોટો મને અરીસામાં દેખાયો અને હાથના સિંદૂર હતું. એકદમ જ જાણે હું કોઈ ખોટું કામ કરી રહી હોય તેવો ભાવ મારા મનમાં પેદા થયો.
હું વિચારમાં પડી ગયી. ક્યાંક જાણે અજાણે હું આ ખોટુ તો નથી કરી રહીને? શુ હું મારા પહેલા પ્રેમને અત્યારે પાછો મેળવીને કે મળીને ધ્રુવીતને છેતરીતો નથી રહીને? આવા વિચારો આવવા લાગ્યા. થોડીવાર હું ત્યાંજ બેડ પર બેસી ગઈ. વિચારો થી મારા માથું ફાટી રહ્યું હતું.
ઘણીવાર પછી હું ત્યાંથી ઉભી થઇ સ્વસ્થ થઈને વિચાર્યું ના આ ખોટું છે. મારે અને દીપકને જે સબંધ હતા તે એક ભૂતકાળ છે અને ધ્રુવીત ને મારુ વર્તમાન છે. હું ધ્રુવીત ને દગો ના કરી શકું. હું અને દિપક ના મળી શક્યાં એ અમારા નસીબ હતા. અત્યારે ધ્રુવીત પણ મને ખૂબ જ પ્રેમ કરે છે અને મારા આંખબંધ કરીને વિશ્વાસ કરે છે હું તેની સાથે વિશ્વાસઘાત ના કરી શકું.
મનમાં વિચાર આવ્યો કે આજે હું છેલ્લીવાર દિપક ને એક મેસેજ લખીશ અને આ બધીજ વાત હું રાતે ધ્રુવીત ને જણાવી દઈશ.
" નિરાલી હું દીપક ને મળવા નહીં આવી શકું તું મારો આટલો મેસેજ તેને પહોચાડી દેજે. "
પ્રિય દીપક
આપણે મળ્યાં ઘણો સમય સાથે રહ્યા એ આપણું નસીબ હતું. આજે આપણે સાથે નથી તે પણ આપણું નસીબ છે. મેં લગ્ન કરી લીધા છે અને હું એ ભૂતકાળને ભૂલી ને આગળ વધી ચુકી છું. માટે હું તને પણ રિકવેસ્ટ કરું છું કે તું પણ કોઈ સારું પાત્ર શોધી ને નવી જિંદગી શરૂ કર.
મારી ભગવાન પાસે બસ એકજ ફરિયાદ છે. જો આજ પરિણામ હતું અમારા સંબંધનું તો મળાવ્યા શા માટે હતા? મેં જાણ્યું છે કે તું ખૂબ સફળતા મેળવી રહ્યો છે હવે હું તારી સફળતાની વચ્ચે નથી આવવા માંગતી. મને ખબર છે તારા માટે એ સમય ભૂલવો કેટલો કઠિન છે પણ તું હવે તારા અંગત જીવનમાં પણ આગળ વધ એવી મારી ઈચ્છા છે.
ધ્રુવીત મને ખુબ પ્રેમ કરે છે અને મારું ધ્યાન પણ એટલું જ રાખે છે. હું તને મળી ને તેનો વિશ્વાસ તોડવા નથી માંગતી. કદાચ તારા મનમાં મારા વિશે કોઈ ખોટો ભ્રમ હોય તો દૂર કરી દેજે. મેં તને સાચ્ચા દિલથી પ્રેમ કર્યો હતો. કદાચ આજે આપણી મુલાકાત થાય તો એ ધ્રુવીત સાથે દગો કર્યો ગણાશે. એકબીજા સાથે રહેવું આપણા ભાગ્યમાં ન હતું તેમ ધ્રુવીતનો શુ વાંક છે. તેણે તેની ફરજ પુરી ઈમાનદારીથી નિભાવી છે. થોડી ક્ષણો માટે હું ભ્રમિત થઈ ગઈ હતી પણ હવે મને હકીકત સમજાઈ ગઈ છે.
કદાચ તકદીર કે ભગવાન આપણને મળાવવા નહીં માંગતા હોય. આ જન્મમાં નહીં તો આપવતા જન્મમાં હું તારી સાથે હોઈશ એનો હું તને વાયદો આપું છું. બસ તારો સાથ અહીંયા સુધીજ હતો.