આગળના ભાગમાં આપણે વીરસંગ અને શ્યામલીની પહેલી મુલાકાતમાં એકબીજાને પામવાના સપના જોયા અને ક્રુર જુવાનસંગની વિધવાઓ પ્રત્યેની હીનતા પણ જોઈ હવે આગળ........
જુવાનસંગે ગામોગામ નોતરા મોકલી દીધા. એના ખુદના સુંદરપુરા (ગામ)માં પણ રંગેચંગે ભુમિપુજનની તૈયારીઓ થવા લાગી. ગામની તમામ સોહાગણો મંદિરની ફરતી જગ્યાએ આસોપાલવના તોરણ લગાવી હરખાઈ રહી હતી. નવોઢાઓ પણ ઘર અને મંદિરના પટાંગણમાં રંગબેરંગી રંગોળીથી ગામના ઉત્સાહમાં રંગો ભરતી દેખાઈ. ગામના વૃદ્ધો પણ મંદિરના એ પુજનમાં થનારા ભંડારામાં બનનારા પકવાનો પર ધ્યાન આપી રહી હતી. જુવાનસંગની બંને પત્નીઓ રાજસી ઠાઠ સાથે બધી જગ્યાએ નજર દોડાવી રહી હતી.
એકલી હતી અને આંસુ સારતી હતી એ વીરસંગની માતા હતી. એ વિધવા હતી એટલે એને કોઈ પ્રસંગમાં હાજર રહેવાનો હુકમ નહોતો. એ પણ વિચારતી હતી કે જુવાનસંગના કાવતરાનો ભોગ બનેલો એનો પતિ અમથો જ આંટીએ ચડી ગયો. જુવાનસંગે એ બિચારી વિધવા પર કુદ્રષ્ટિ નાંખી હતી પરંતુ ગામમાં એનો મરતબો જળવાઈ રહે એ હેતુથી એ વિધવા આબાદ બચી ગઈ.
વીરસંગ બધા આમંત્રણ આપ્યા બાદ જુવાનસંગને મળવા એની સભામાં પહોંચે છે. એ એના કાકાના ઘાતકી વિચારોથી અજાણ હોય છે. એ એની માતાને મળવા માટે પણ જુવાનસંગની આજ્ઞા લેનારો યુવક હોય છે. એની માતા પણ એના સંતાનને ન ખોઈ બેસે એવા ડરથી વીરસંગને પોતાનાથી અળગો રાખે છે.
વીરસંગ પણ ધીમા અવાજે એના કાકાને તમામ ગામો તરફથી મળેલા પ્રતિસાદની વાતો કરે છે અને અચકાતા અચકાતા વાત કરી જ દે છે કે " કાકા, નાનાગઢના સરપંચની દીકરી મારી આંખોને ગમી ગઈ છે. તમારી સંમતિથી હું એની સાથે લગ્ન કરવા ઈચ્છુક છું. જો તમે હાં પાડો તો હું મારી માતાને આ સમાચાર આપું."
જુવાનસંગ આ વાતથી ચોંકી ગયો અને થોડીવાર વિચાર કર્યા પછી એકદમ ખુશીથી હા પણ પાડી દીધી. વીરસંગ ફુલ્યો નહોતો સમાતો. જુવાનસંગે એને વિધવાઓના આશ્રય તરફ જવા માટે પણ સંમતિ આપી દીધી અને એના હજુરિયા મારફત નાનાગઢના સરપંચને ત્યાં શ્યામલીના હાથ માટેનું કહેણ પણ મોકલ્યું.
જુવાનસંગનો ખાસ માણસ ચતુરદાઢી પણ ત્યાં હાજર હતો. એણે વીરસંગના ગયા પછી જુવાનસંગને જણાવ્યું કે " આ વાત મગજને ચોકઠે ન બેઠી ગામધણી, એ છોરી સાટું તો આપ જ શોભો. એ છોરી આ લોકની નથી. એ સાક્ષાત અપ્સરા છે. આપે ભુલ કરી સરકાર..........એ તો આપની રાણી બનવા લાયક છે..
જુવાનસંગે પણ મૂંછનો વળ દેતા કહ્યું.." મેં પણ કાંઈક વિચાર્યું હશે ને...જોવા દે એ વીરસંગને સપના એ શ્યામલીના બાકી એ રહેશે તો આખી જીંદગી આ જુવાનસંગ ભેગી જ ને..." આમ કહી બેય અટહાસ્ય કરે છે....
આ બાજુ વીરસંગ એની માતાને મળે છે. એ મા- દીકરાનું મિલન આંસુસભર હોય છે. વીરસંગ એની માતાને પગે લાગે છે અને એના હાલચાલ પુછે છે...ગમે એમ તો પણ
'મા' એ 'મા'.... એનું દુઃખ ભૂલીને વીરસંગને પંપાળે છે.
બધી વિધવાઓ પોતાના ઘરને બાળકોના સમાચાર વીરસંગને પુછે છે.. ને બધી માવડીઓ વીરસંગમાં પોતાના સંતાનનો ચહેરો ભાળે છે.
વીરસંગ એની માતા સાથે જ ભોજન કરે છે. આભમાં આથમતો સૂર્ય પણ આ બેયની એકબીજાને આગ્રહ કરી ખવડાવવાની રીતથી અહોભાવ વ્યક્ત કરે છે ને જાણે એમ કહે છે કે....
માવડી તારો ખોળો ધરતી કરતા મોટો
તારો પ્રેમ પણ આકાશ કરતા મોટો
તારી મમતાનો ન મળે ક્યાંય જોટો
તારા હાથમાં જ સંસ્કારનો સોટો
તારી આંખુ માંહે આશિષનો લોટો
ભીંજાવું મારે તારી મમતાથી
મને પાલવડે ઢાંકી દે ઘડીભર
મારે આ સ્વર્ગ મેલી ક્યાંય ન જાવું.....મા....
આમ ને આમ અડધી રાત સુધી મા- દીકરો વાતો કરે છે. પછી વીરસંગ શ્યામલીની વાત પણ કરે છે. માતા ખુબ હરખાય છે અને દીકરાના ઓવારણા લઈ વિદાય આપે છે...
.................... ક્રમશઃ ....................
લેખક : શિતલ માલાણી
૨૫/૯/૨૦૨૦
શુક્રવાર