આગળની વાર્તા
પૂર્વી અને સંદિપના સુખીીજીવન મા અચાનક પૂર્વી સામે સંદિપ ની વરવી વાસ્તવિકતા આવે છે અને પૂર્વી ખૂબ આધાત અનુભવે છે અને અમુક નિર્ણય લે છે હવે આગળ
------------------------------------------------------------
સંદિપ ના વર્તન મા હજી પણ કોઈ ફરક નથી જણાતો અને આજે ફરીથી જમ્યા પછી કંઇ પણ જણાવ્યા વગર બહાર નીકળી ગયો, પૂર્વી તેને જતા જોઇ રહી, થોડું વિચાર્યા પછી પર્સ હાથમા લીધુ અને ટેક્ષી કરી નજીક રહેતી મિત્ર સપનાના ઘરે ચાલી ગઈ.
સપના તેની એવી મિત્ર કે જેનાથી કંઇજ છૂપૂ નહોતુ, તેની હિંમત અને સાથ થીજ પૂર્વી આટલી સ્વસ્થ રહી શકી હતી.
પૂર્વીને જોઇને સપનાને કોઇજ આશ્ચર્ય ના થયુ, તેણે એક સ્મિત સાથે પૂર્વીને આવકારી, અને પૂછ્યું રાત અંહીજ રોકાઇશ ને?
પૂર્વીની આંખમાંથી આંસુ સરી પડ્યા, સપનાએ પૂર્વીને બાથમા લઇ સધિયારો આપતા કહ્યુ, "તને આવી પરિસ્થિતિ આવશેજ એવુ કહ્યુ હતું ને! અને ત્યારે અંહી આવી જવું એમ પણ જણાવ્યું હતું, તો પછી આ આંસુ શા માટે? શું કરવા એક ખોટી વ્યક્તિ પાસેથી આશા રાખે છે? "ત્યાં સુધીમાં સપનાનો પતિ પણ બહાર આવી ગયો, પરિસ્થિતિ સમજી જતાં બોલ્યો, "ચલો બ્યુટી, ગરમાગરમ કોફી બનાવી રહ્યો છું પીશોને?
કોફી પીતા પીતા અને વાતો કરવામાં લગભગ એક વાગે પૂર્વીના મોબાઈલ પર સંદિપ નો ફોન આવ્યો, બે વાર ની આખી રીંગ વાગવા દઇ ત્રીજી વખતે પૂર્વીએ સપના અને તેના પતિ સામે જોઇ ફોન ઉપાડ્યો અને સ્પીકર પર રાખ્યો, સામેથી ગુસ્સા વાળો અવાજ આવ્યો, "હલો પૂર્વી , ક્યાં છે તું, ઘરે તાળુ છે, આટલી મોડી રાતે ઘરે પાછો આવુ અને તાળુ જોવા મળે? "
પૂર્વીને ચૂપ રહેવાનો ઇશારો કરી સપનાએ જવાબ આપ્યો, "પૂર્વી મારા ઘરે છે, સંદિપ અને ખૂબ અસ્વસ્થ હતી એટલે ઉંધની ગોળી આપી ને સૂવડાવી છે એટલે આજ રાતની વ્યવસ્થા તારી રીતે કરી લેજે, કાલે સવારે નિરાંતે બીજી વાતો કરશુ"
સંદિપ હલો હલો કરતો રહ્યો અને સપનાએ ફોન કટ કરી સ્વીચ ઓફ કરી દીધો.
સંદિપે ફરીથી ફોન લગાવ્યો, પરંતુ ફોન સ્વીચ ઓફ આવ્યો એટલે ગુસ્સે થઈને સપનાના ધરે જઇ પૂર્વી ને લઇ આવુ એમ વિચારીને ફ્લેટ ની નીચે આવ્યો, પણ અચાનક સપના ના એડવોકેટ પતિ રાહુલ નો વિચાર આવ્યો અને તે અટકી ગયો ,તે જાણતો હતો સપના, પૂર્વી અને રાહુલ નાનપણ ના મિત્રો છે અને એકબીજા માટે ગમે તે કરી શકે, અને અહીં તો ભૂલ એનીજ હતી. સંદિપે તેના એક બે મિત્રો ને ફોન કરી રાત એમના ઘરે રોકવા પૂછ્યું પરંતુ સ્પષ્ટ ના સાંભળવા મળી એવા કારણ સાથે કે તારી સચ્ચાઈ જો ઘરે ખબર પડે તો અમારા સંસારમાં પણ આગ લાગે. અંતે હારી થાકીને સંદિપ ફ્લેટ ની લોબીમાં રાખેલા સોફા પર સૂઇ ગયો.
સપના ના ઘરે ::
પૂર્વી એક સંતોષ સાથે સપના સામે જોઇ રહી, સપનાએ એક સ્મિત સાથે કહ્યુ, "ફરજ છે અમારી, કંઇ નવુ નથી કરી રહી, પણ હવે તારે કોઈ એક ચોક્કસ નિર્ણય કરવોજ પડે, આ રીતે શાંતિથી રાહ જોવાનું પરિણામ આજે જોઇ લીઘુ ,સંદિપ ને કોઇજ પસ્તાવો નથી અને નથી માનતી કે એ સુધરશે !
પૂર્વીના ચહેરા પર એક મ્લાન સ્મિત તરી આવ્યું, " હું ખરેખર સંદિપ ને ના ઓળખી શકી, બે વર્ષ અમારી રીલેશનશીપના અને દોઢ વર્ષ લગ્નના સાડાત્રણ વર્ષ થયા અને મને તેના પર લેશમાત્ર શંકા ના થઈ, અને અચાનક..."
પૂર્વી ની વાત વચ્ચે જ કાપતા રાહુલ બોલ્યો, "એ બધી વાત નો હવે કોઈ મતલબ નથી, અત્યારે પૂરતુ મોડુ થઈ ચૂક્યું છે, સૂઇ જઇએ, એક નવી સવાર રાહ જોઇ રહી છે, હવે આગળ ની વાત કાલ સવારે! "