કુદરતના લેખા - જોખા - 2 Pramod Solanki દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

કુદરતના લેખા - જોખા - 2

કુદરતના લેખા - જોખા - ૨

આપણે આગળ જોયું કે મયુર તેમના પરિવાર ને યાત્રા પર વિદાય આપે છે. અનાથાશ્રમ માં મીનાક્ષી પ્રત્યે મયુર ખેંચાણ અનુભવે છે. હવે આગળ....

અનાથાશ્રમ થી મયુર કોલેજ જવા નીકળે છે. કોલેજ પહોંચી સમય જુએ છે તો હજુ લેક્ચર શરૂ થવાની વાર હોવાથી મયુર સીધો કોલેજની કેન્ટીન તરફ આગળ વધે છે એને ખબર જ હોય છે કે એના મિત્રો ત્યાજ હશે. ત્યાં તેના ૩ નેય મિત્રો સાગર, હેનીશ અને વિપુલ ચા ની લિજ્જત માણી રહ્યા હતા. સાગર મયૂરને આવતા જુએ છે એટલે તરત જ કેન્ટીનવાળા ને એક વધુ કટિંગ નો ઓર્ડર આપે છે. સાથે જ હેનીશ અને વિપુલ ને ટહુકા સાથે કહે છે જુઓ આપડો ટોપર્સ આવી ગયો.

ત્રણેય મિત્રો મયુર ને ગળે મળે છે અને ચા આપતા મયૂરને ખુરશી પર બેસવા કહે છે. મયુર ના ચેહરા પર ઉપસેલી ખુશીની રેખાઓ જોતા જ હેનીશ મયુર ને કહે છે કે શું વાત છે મયુર આજે તો તુ બવ જ ખુશ છે. કાલે તો તારો ચેહરો એકદમ મૂર્જાય ગયેલો હતો આજે અચાનક ચેહરા પર રોનક ક્યાંથી આવી ગઈ? મયુર પોતાની ખુશી નાં આવરણો સંકોચવાનો વ્યર્થ પ્રયત્ન કરતા મયુર ને કહે છે કે કાઈ જ એવું નથી એ તો ખુશનુમા સવારની તાજગી નિહાળીને આવ્યો એટલે તને એવું લાગે છે. એ તાજગી સૂરજના કિરણો માથી વ્યાપ્ત થઈ કે કોઈ અપ્સરા ના મુખારવિંદ માંથી!? વિપુલે મયુર ને ચીડવવા વાત માં ટપકું મૂકતા કહ્યું. ચાલો હવે લેક્ચર નો ટાઇમ થઈ ગયો છે આપડે ક્લાસ માં જઈએ. મયુર ને જાણે આ વાત ને પૂર્ણ કરવાનો મોકો મળી ગયો હોય એમ હાશકારા સાથે કહ્યું.
દરેક લેક્ચર એકચિત્તે સંભાળનાર મયુર આજે સ્વપ્નની દુનિયામાં વિહરી રહ્યો હતો. એક એવી દુનિયા જ્યાં મયુર ફક્ત મીનાક્ષીને જ નિહાળી રહ્યો હતો. મીનાક્ષી ના ગાલો પર પડતાં ખંજન માં ડૂબી રહ્યો હતો. કોઈ પણ સૌન્દર્ય સંસાધનો ના ઉપયોગ વગર એના શરીરમાં ખીલેલી ખૂબસૂરતીમાં અંજાતો હતો.

મયુરને વિચારોના વંટોળમાં ફસાતો જોય એના મિત્રો નો અંદાજો સાચો જ પુરવાર થતો હતો. મયુરમાં આવેલો ફેરફાર એમના મિત્રો ના જોઈ શકે એવું તો કેમ બને? જરૂર આ કોઈ છોકરીના મોહ મોહી ગયો છે બાકી અત્યાર સુધી માં મયુર ને આટલો વિચલિત થતાં મે ક્યારેય નથી જોયો. સાગરે એકદમ ધીમા અવાજે હેનીશ અને વિપુલ સંભાળે એ રીતે કહ્યું. અત્યાર સુધી જે પોતાના સિદ્ધાંતો પ્રમાણે ચાલનાર મયુર ને આમ અચાનક કોનો ભેટો થઈ ગયો હશે કે એ આટલો વ્યાકુળ થવા લાગ્યો. વિપુલે સાગરની વાત ને સાથ પુરાવતા કહ્યું.

હેનીશ :- ગમે તે હોય એ છોકરી બધા થી કંઇક અલગ જ હશે તોજ મયુર એમાં ગળાડૂબ થયો હશે. બાકી કૉલેજ ની સારા માં સારી છોકરીઓ ના પ્રપોઝલ ને મયુરે ઠુકરાવી દીધા હતા.

સાગર :- સાચી વાત છે. હવે આ લેક્ચર પૂરો થાય પછી જ આપડા પ્રશ્નો ના જવાબ મળી શકશે.

લેક્ચર પૂરો થતાં જ બધા મિત્રો કોલેજની કેન્ટીનમાં અડ્ડો જમાવે છે. ત્યાં પહોંચતા જ ત્રણેય મિત્રો એ એમના મન માં ઉદભવેલા બધા જ પ્રશ્નો નો વરસાદ વરસાવ્યો મયુર પર. મયુર આ બધા પ્રશ્નો સાંભળી હેબતાઈ જાય છે. બધાના ચેહરા એકનજરે જોયા પછી એને પાકું થાય છે કે આ લોકો ગમે તેમ કરી ને જાણી જ લેશે એટલે મયુર તેમના મિત્રોને આજે અનાથાશ્રમમાં ઘટેલી ઘટનાને વિસ્તારથી રજૂ કરે છે.

સાગર :- અમને તો એમ હતું કે અમદાવાદની કોઈ હોટ છોકરીમાં તું મોહી ગયો હશે પણ તું તો એક અનાથાશ્રમમાં ઉછરેલી છોકરીમાં મોહી ગયો.

વિપુલ :- જો ભાઈ, પ્રેમ હંમેશા આંધળો હોય છે એ કાંઈ રૂપ, પૈસા કે હૈસિયત જોઈ ને નથી થતો. એ તો બસ થઈ જાય છે.

હેનીશ :- મીનાક્ષી નો નંબર લીધો કે નહિ?

મયુર :- ના નથી લીધો. અને હમણાં કાંઈ વિચાર પણ નથી એના વિશે. જ્યાં સુધી આપડી પરિક્ષા પૂરી ના થઈ જાય ત્યાં સુધી તો નઈ જ.

સાગર :- આપડી પરીક્ષાને હજુ ૨ મહિના બાકી છે ત્યાં સુધી માં કદાચ એ બીજા સાથે પણ...... (બાકી ના શબ્દો ગળા માં જ અટકી ગયા)

મયુર :- મારો અંતર આત્મા કહે છે કે એનું સર્જન મારા માટે જ થયેલું છે. એટલે તમે કોઈ ચિંતા ના કરો પરિક્ષા પછી બધું જોયું જશે.

વિપુલ :- પણ તારે એકવાર એની સાથે વાત કરવી જ જોઈએ. કદાચ એવું પણ બને કે એની જિંદગીમાં પેહલેથી જ કોઈક હોય? અથવા એવું પણ તારા પ્રપોઝ ને ઠુકરાવી પણ દે.

મયુર :- જુઓ આમાં આપડે જેટલું વિચારીશું એટલા જ નવા પ્રશ્નો આપડી સામે ઊભા થશે. અને હા હું મારા સિદ્ધાંતો ને બાજુ પર રાખી હું પ્રેમમાં પડવા નથી માંગતો. મે તમને લોકો ને પણ ઘણી વાર કહ્યું જ છે કે અભ્યાસ દરમિયાન તમે પ્રેમ માં આગળ વધશો તો ક્યારેય તમે તમારા કેરિયારમાં આગળ નઈ વધી શકો. હવે જો હું જ એ બાબતે આગળ વધુ તો હું મારી નજર માં જ ખોટો સાબિત થાઉ. માટે આ બાબતને આપડે અહી જ પૂર્ણ કરીએ. ( મયુરે એના માનસ પલટ પર ઉદભવતા પ્રેમ ના શમણાંઓ ને દબાવી મક્કમ મને કહ્યું)

પછી ના લેક્ચર પૂરા કરી મયુર ઘરે જવા નીકળે છે જ્યારે એના ત્રણેય મિત્રો આ બાબતે હજુ ચર્ચા કરવા માંગતા હોય એ માટે કોલેજ ના પાર્કિંગ મા જ બેઠક જમાવે છે. સાગર ના મન માં એક અલગ જ વિચાર પાંગરે છે. સાગર એ વિચાર હેનીશ અને વિપુલ ની સામે રજૂ કરે છે. એ વિચાર સાથે બધા સહમત થાય છે. એ વાત થી અજાણ એ લોકો સામે થી એક એવી મુશ્કેલીને આમંત્રણ આપી રહ્યા હતા જેનો સામનો કરવો ખૂબ કઠિન થઈ પડશે એ લોકો માટે.

મયુર ઘરે પહોંચતા જ ઘર જાણે એને ખાવા દોડતું હોય. એને એની એકલતા કોરી ખાતી હતી. ઘરે આવતાં જ પાછું એને એના પરિવારનું ટેન્શન વધવા લાગ્યું. એને તરત જ એના ખિસ્સા માથી મોબાઈલ કાઢી એના પપ્પા ને ફોન લગાવ્યો. હેલ્લો મયુર કેમ છે? (એના પપ્પા ફોન ઉપાડતાં ખુશી નાં સ્વર માં મયુર ને કહે છે)

મયુર :- હું એકદમ મજામાં છું, તમારે કેમ છે ત્યાં, રસ્તા માં કાઈ તકલીફ નથી થઈ ને.

પપ્પા :- તું અમારી કાઈ ચિંતા ના કર, અહી અમારૂ બૌવ મોટું ગ્રૂપ બની ગયું છે. બધા જ ખૂબ આનંદ થી આ યાત્રા માં આગળ વધી રહ્યા છીએ. પણ બેટા તું ત્યાં તારું ધ્યાન રાખજે.

મયુરનો ફોન છે એ વાતની ખબર પડતાં જ જયશ્રીબહેન અર્જુનભાઈ પાસે થી ફોન લઈ લે છે. અને મયુર ને અહીંની કોઈ ચિંતા નઈ કરવાનું કહે છે સાથે બુવ બધી શિખામણ પણ આપે છે. પછી બહેન સાથે વાત કરી ફોન મૂકી દે છે. બધા જ સાથે વાત કર્યા પછી મયુર ઘણી રાહત અનુભવે છે.

ક્રમશ:
પ્રમોદ સોલંકી

મારી નવલકથા વાંચવા બદલ આપનો ખુબ ખુબ આભાર. જો મારી નવલકથા આપને ગમી હોય તો જરૂર થી લાઈક, પ્રતિભાવ અને રેટિંગ આપવા વિનંતી. કારણ કે આપનો એક પ્રતિભાવ અમને વધુ સારું લખવાની પ્રેરણા પૂરી પાડે છે. 🙏🙏

શું મયુર તેમના સિદ્ધાંતો માટે મીનાક્ષી ના વિચારો ને શમાવી શકશે?
એમના મિત્રોનો એવો કયો વિચાર એમને મુશ્કેલીમાં મૂકી દેશે.
જાણવા માટે વાંચતા રહો કુદરતના લેખા - જોખા
વધુ આવતા અંકે....