BHAYRATRI - 1 books and stories free download online pdf in Gujarati

ભયરાત્રી (પ્રકરણ - ૧)

ચોમાસાની ઋતુ હતી , મહિનાની આખર તારીખનો સમય હતો.

"વિજેતા, તારે ઘરે નથી જવું, રાત ના સાડા દસ વાગ્યા છે." રવિ એ મને કહ્યું.

"ભાઈ, બોસ એ જે કામ આપ્યું છે એ પૂરું કાર્ય વગર જવા નહિ દે." અકળાઈને મેં રવિ ને કહ્યું.

એ સમયે હું એક નામચીન મલ્ટિનેશનલ કંપનીમાં કમ્પ્યુટર ઓપરેટરની નોકરી કરતો. રવિ એ સમયનો મારો ખાસ મિત્ર હતો અને મારી સાથે ત્રણ વર્ષથી એ જ કંપનીમાં કામ કરતો હતો. અમે બંને સાથે જ નોકરી પર આવતા, સાથે જ ટિફિનમાં જમતા અને સાથે જ ઘરે જતા.

ક્યારેક મહિનાનાં આખર તારીખે અમારે મોડે સુધી કામ કરવું પડતું. પછી સાથે જ ઘરે જતા.

અમારી ઓફિસ શહેરની બહાર એકદમ અર્ધજંગલ વિસ્તારમાં હતી. ઘનઘોર વૃક્ષોની વચ્ચે દબાયેલા બિહામણા રસ્તા પરથી મોડી રાત્રે નીકળવું પડતું. રસ્તા પર એકપણ લાઈટ ના હતી, એટલે સ્કૂટરની લાઇટનો પ્રકાશ જ રસ્તો પસાર કરવામાં મદદ કરતો. રસ્તો એટલો નાનો હતો કે બંને બાજુથી આવતા વાહનો એકસાથે ન નીકળી શકે.

આવા બિહામણા રસ્તા પર રાત્રે હું અને રવિ ઘરે જવા નીકળ્યા.

"ભાઈ આ બોસ હવે બહુ હેરાન કરે છે હોં, ક્યારેક તો એવું થાય કે બધું કામ છોડી ને નીકળી જાઉં. પણ પછી વિચાર આવે કે તરત બીજી નોકરી ક્યાંથી મળશે." રવિ રોષ ભર્યા અવાજે બોલ્યો.

"આપણે કરીએ પણ શું, વ્હાલા?" સાંત્વના આપતા હું બોલ્યો.

ધીર ધીરે ઓફિસે થી અમે એ રસ્તા પર આવ્યા. ફક્ત ઘુવડના અવાજ અને અમારા સ્કૂટર સિવાય કોઈ બીજો અવાજ સંભળાતો ન હતો.

એક દાયકા પહેલા અમારી ઑફિસની બાજુમાં થોડે દુર એક ઓઇલ રિફાઇનરી હતી. જેમાં એક અકસ્માત થી આખી રિફાઇનરી આગમાં બળીને રાખ થઇ ગઈ હતી. ત્યાર એ કંપનીમાં કામ કરતા સેંકડો મજૂરો મૃત્યુ પામ્યા હતા. ત્યારથી એ જગ્યા પર કોઈ હતું નહિ. એ કંપનીના મલિકે એ જગ્યા વેચવા મુકેલી. પણ કોઈ એ જગ્યા ખરીદવા તૈયાર ના હતું. શા માટે ? એ આજ સુધી કોઈ ને ખબર ના હતી.

એટલામાં ત્યાંથી કોઈકની ભયાનક ચીસ સંભળાઈ. એ રસ્તા પર મારા અને રવિ સિવાય કોઈ ન હતું. એકાએક ચીસ સાંભળતા અમે બંને ખુબજ ડરી ગયા. અમે જાણવાની કોશિશ કરવા એ તરફ આગળ વધ્યા. ત્યાં અચાનક તે કંપનીમાંથી ધુમાડાના ગોટે ગોટા નીકળવા મંડ્યા. ડઘાયેલા અમે બંને મિત્રોના મગજમાં કઈ ન સૂઝતા અમે તરતજ ફાયરબ્રિગેડમાં ફોન કરવાનું વિચાર્યું. પરસેવે રેબઝેબ રવિ એ ફોન કરવા ગજવામાંથી મોબાઈલ કાઢ્યો. મોબાઈલને જોતા જ રવિ અને હું વધારે ડરવા માંડ્યા, કારણકે રવિ નો મોબાઈલ જાતે જ અમારી સામે તૂટવા મંડ્યો, અચાનક ફોનમાંથી ધુમાડા નીકળવા મંડ્યા. રવિએ હાથ દાઝતા તરત જ ફોન નીચે ફેંક્યો.

એટલામાં અમે જોયું કે એ કંપનીમાં જ્યાં આગ લાગી હતી એ જગ્યાએથી અમુક સળગતા લોકો અમારી તરફ મદદ માંગવા દોડીને આવતા હતા. અમે જીવ બચાવવા ભાગવાની કોશિશ કરી. હું મારુ સ્કૂટર ચાલુ કરવા દોડ્યો. સ્કૂટરની કિક મારતાંજ સ્કૂટરમાં આગ લાગી. આમ બંને ખુબ ડરી ગયા અને ભાગવા લાગ્યા.

ભાગતા ભાગતા અમે મેઈન રોડ પર પહોંચ્યા. ત્યાં સામે જ એક પાનની નાની દુકાન હતી. ત્યાં એક આધેડ વય ના વ્યક્તિ બેઠેલા. અને આસપાસ ચાર કે પાંચ લોકોનું ટોળું હતું. અમે આ બધી વાત એ લોકોને કરી.

એ લોકો વિચારમાં પડ્યા કે આટલા વર્ષોમાં આવો બનાવ ક્યારેય નથી બન્યો. એ લોકો એ કહ્યું, "ચાલો આપણે બધા લોકો સાથે ત્યાં જઈને જોઈએ."

"હા ચાલો ચાલો." દુકાનનો માલિક દુકાન બંધ કરતા કરતા બોલ્યો.

બધા એક સાથે નીકળી પડ્યા. હું અને રવિ પાછળ-પાછળ ગયા.

ત્યાં જઈ ને જોયું તો હું અને રવિ આશ્ચર્ય પામ્યા ! જોયું તો ત્યાં મારુ સ્કૂટર એકદમ નવું નક્કોર પડ્યું હતું. અને રવિ નો ફોન ત્યાં જ બાજુમાં એકદમ સાજે સાજો પડ્યો હતો. અને અમે જ્યાં આગ લાગેલી જોઈ હતી ત્યાં કઈ જ ના હતું.

રવિ પોતાની વાત સાચી સાબિત કરવા એ લોકો ને દાઝેલો હાથ બતાવતાં બોલ્યો, "ભાઈ, અમે જે દ્રશ્ય જોયું એ એકદમ સાચું હતું. અને જુઓ ફોન સળગતા મારો હાથ પણ દાઝી ગયો."

હાથ જોતા જ ખબર પડી કે હાથ પર એક પણ દાઝ્યાનો ઘાવ ન હતો.

"અમને સાચું નથી ખબર કે આ કઈ રીતે જેમ હતું એમ થઇ ગયું!" રવિ આશ્ચર્યચકિત થઈને બોલ્યો.

એ લોકોએ અમારી વાત નકારી અને ગુસ્સામાં પાછા જતા રહ્યા.

હું અને રવિ ખુબજ ડરેલા હતા. પણ થોડી હિમ્મત કરીને અમે સ્કૂટર ચાલુ કર્યું અને ત્યાંથી નીકળી ગયા. આ બધું કઈ રીતે થયું એ વિચાર અમારા બંનેના મગજમાં કીડા ની જેમ સળવળવા લાગ્યો. રવિને ઘરે ડ્રોપ કરી ને હું મારા ઘર તરફ ચાલ્યો. ઘરે પહોંચતા જ મન એક વિચાર આવ્યો.

મેં તરત રવિને ફોન કર્યો.

"રવિ, આવતીકાલે આપણે બંને આ રહસ્ય પરથી પરદો ઉઠાવવાની કોશિશ કરશું. તું સવારે વહેલો ઓફિસે આવજે." આટલું કહીને મેં ફોન મુક્યો. અને વિચારે ચડ્યો.

સવારના 10 વાગ્યા હતા પણ હજુ રવિ ઓફિસે આવ્યો ન હતો. મારે અને રવિ ને ગઈ કાલ ની ઘટના પર પરીક્ષણ કરવાનું હતું. મેં તરત જ રવિ ને ફોન કર્યો.

"ક્યાં છે તું ?" ગુસ્સામાં લાલચોળ થયેલો હું રવિ ને ફોન પર ખખડાવી રહ્યો હતો.

"વિજેતા ભાઈ, તમારા ભાઈ ની તબિયત ખુબજ ખરાબ છે. અને રાત્રે જ અમે એમને હોસ્પિટલમાં એડમિટ કર્યા." રવિની પત્ની એ મને ફોન પર કહ્યું.

તાબડતોબ ઓફિસનું બધું કામ પડતું મૂકી હું હોસ્પિટલ ગયો. વિચારોનું ઝુંડ મારા મસ્તિષ્કમાં દોડાદોડી કરી રહ્યું હતું. "અચાનક રવિ ને શું થયું હશે, ગઈકાલની ઘટનાથી એના પર કોઈ અવળી અસર તો નહિ થઈ હોય ને ?" હું મન માં વિચાર કરતા બોલ્યો.

હોસ્પિટલ પહોંચ્યો. ત્યાં જઈને જોયું. રવિ બૅડ પર એકદમ અવ્યવસ્થિત હાલતમાં પડેલો જોયો.

"યાર, શું થઇ ગયું તને?" એકદમ ડઘાઈને મેં પૂછ્યું. રવિ કઈ જ બોલી શકે તેમ ન હતો.

"ગઈકાલે રાત્રે તેઓ સાડા 3 વાગ્યે ઘરે આવ્યા ત્યારથી એમની આવી જ હાલત છે." રવિ ની પત્ની એ કહ્યું.

મેં વિચાર્યું કે અમે લોકોતો સાડા 12 વાગ્યે જ ઘરે પહોંચી ગયા હતા, હું ખુદ રવિ ને ડ્રોપ કરવા તેના ઘર સુધી ગયેલો. તો રવિ આટલો મોડો ઘરે કઈ રીતે આવ્યો હોય.

"ભાભી અમે તો સાડા 12 વાગ્યા ના આવી ગયા હતા. હું જ રવિને મુકવા આવ્યો હતો. તો પછી રવિ કઈ રીતે આટલો મોડો આવી શકે. શક્ય જ નથી?" મેં તરત જ ભાભીને કહ્યું.

ભાભી આશ્ચર્યચકિત થઇ ને મને કહેવા લાગ્યા, "તો પછી આ કેમ આટલા મોડા પહોંચ્યા?"

આ રહસ્યનો ઉકેલ ફક્ત રવિ સિવાય બીજું કોઈ આપી શકવાનું ન હતું. મેં ભાભી ને થોડી વાર બહાર લોબીમાં આંટો મારવાનું કહી ને તેમને આઘાંપાછાં કર્યા. મને લાગ્યું કે રવિને પણ મને કંઈક કહેવું હતું, પણ એકાંત માં.

હું રવિ પાસે ગયો અને તેની બાજુમાં બેઠો. "રવિ, આ બધું કઈ રીતે થયું? અને બીજું બધું છોડ, આ રાતે તું સાડા 3 વાગે કઈ રીતે ઘરે પોંચ્યો? હું તો તને સાડા 12 વાગે જ મૂકી ગયેલો ને?" મેં રવિ ને એકદમ નિખાલસતાથી પૂછ્યું.

રવિ બૅડ પર સૂતો હતો ત્યાંથી હળવે થઇ ને બેઠો થયો. મારી પાસે પાણી માંગ્યું, પાણી પીધું અને મને કહેવા લાગ્યો, "ભાઈ વિજેતા, આપણે કોઈ રહસ્યનો ઉકેલ લાવવો નથી, અને હવે આપણે બોસ ને પણ વાત કરી દઈશું, કે હવે અમે અહીંયા નોકરી નહિ કરીયે."

"પણ અચાનક એવું તે શું થઇ ગયું કે રાતો રાત તારી આટલી ખરાબ હાલત થઇ ગઈ ?" મેં પૂછ્યું.

"ગઈકાલે રાત્રે તું જયારે મને મૂકી ને ગયો ત્યાં સુઘી હું ઘરના ડેલા પાસે જ હું ઉભો હતો. મને મનમાં ને મનમાં વિચાર આવ્યા કરતો હતો કે આ બધું થયું કેવી રીતે? મને એ જાણવા અને આ રહસ્ય ખોલવાની જિજ્ઞાસા થઇ, થોડો ડર પણ હતો, મને આ વાત જાણવી જ હતી એટલે જેવો તું ગયો કે તરત જ મેં મારુ સ્કૂટર કાઢ્યું અને ઓઇલ રિફાઇનરી એ પહોંચી ગયો." રવિ એ કહ્યું.

હું સખત ગુસ્સામાં હતો, "ભાઈ મેં તને કહ્યું હતું કે આપણે બંને આવતી કાલે સવારે બધું જાણવાની કોશિશ કરીશું તો તું શા માટે દોઢડાહ્યો થવા ગયો ત્યાં?" મેં પૂછ્યું.

રવિ એ મારી વાત કાપતા કહ્યું, "અરે એ બધી વાત છોડ, કાલે રાત્રે મને જે અનુભવ થયો એવો અનુભવ કદાચ જ ભગવાને કોઈકને કરાવ્યો હશે, અને ના કરાવ્યો હોય તો ભગવાન આવો અનુભવ ક્યારેય કોઈ ને ના કરાવે તો સારું."

"કેમ શું થયું હતું રાત્રે?" જાણવાની જિજ્ઞાસા સાથે મેં રવિને પૂછ્યું.

રવિ પરસેવે રેબઝેબ હતો. ડરતા ડરતા એ બોલ્યો, "ભાઈ, જયારે હું ત્યાં પહોંચ્યો, ત્યારે મને અંદર રિફાઇનરીમાં જતા ડર લાગતો હતો, છતાંય થોડી હિમ્મત કરી ને હું ધીમા ડગલે સ્કૂટર પાર્ક કરી ને અંદર જવા લાગ્યો."

"પછી શું થયું?" મેં પૂછ્યું.

રવિ ખુબજ ડરેલા અવાજે બોલ્યો, "હવે જે બનાવ બન્યો એ ખુબજ ભયાનક હતો."

રવિએ આગળની વાત શરુ કરી, "પછી મેં ગેટ ખોલ્યો અને અંદર ગયો, ત્યાં આગળ એક નાનું ગાર્ડન હતું. એકદમ બળી ને ખાક થઇ ગયેલું ! બાજુમાં સિક્યુરિટી ની નાની કેબીન હતી. ત્યાંથી થોડે આગળ ગયો ત્યાં મેઈન વેરહાઉસ આવ્યું. બધું જ બળી ને ખાક થઇ ગયેલી અવસ્થા માં હતું. ત્યાં સુધી કોઈ જ ન દેખાયું. વાતાવરણ એકદમ બિહામણું લાગતું હતું. ઘુવડના અને ચામાચીડિયાના રડવાના અવાજો આવવા લાગ્યા. મને ડર લાગવા લાગ્યો. એકાએક વિચાર્યું કે હવે કઈ જાણવું નથી ચાલો હું નીકળી જાઉં. એટલે મેં ફરી ગેટ બાજુ પગ માંડ્યા. એક ડગલું માંડ્યું ત્યાંજ વેરહાઉસમાંથી કોઈ બે વ્યક્તિઓનો વાત કરવાનો અવાજ સંભળાયો. મેં વિચાર્યું કે આ કંપની તો વર્ષોથી બંધ છે, તો અહીંયા કોણ વાતો કરે છે ?"

"પછી?" મેં જિજ્ઞાસાવૃત્તિ દાખવતા પૂછ્યું.

રવિ બોલ્યો, "હું ત્યાં જોવા ગયો તો અવાજ વેરહાઉસની અંદર રહેલી નાની ઓફિસ માંથી આવતો હતો. જેવો હું ત્યાં ગયો. તો ત્યાં બે વ્યક્તિઓ હતા. બંને આધેડ વય ના. બંને કોઈ બાબત એ ઝઘડો કરી રહ્યા હતા. મેં થોડું ધ્યાન દઈને સાંભળવાની કોશિશ કરી. આ બધું સાંભળતા મને એ જાણવા મળ્યું કે એ બંને લોકો આ કંપનીના ભાગીદાર હતા. બંને એટલી હદ એ ઝગડો કરતા હતા કે થોડી વારમાં બંને મારામારી પર ઉતરી આવ્યા."

રવિની સાથે સાથે હું પણ પરસેવે રેબઝેબ થઇ ગયો. મેં પૂછ્યું, "ત્યાં ખરેખર બે માણસો હતા?"

"હા દોસ્ત, ત્યાં ખરેખર બે માણસો હતા." રવિ એ કહ્યું.

"પછી શુ થયું ?" મેં પૂછ્યું.

રવિ ડરતા ડરતા બોલ્યો, "હું ત્યાં વધારે નજીક જઈ ને વાત સાંભળવાની કોશિશ કરવા લાગ્યો. વાત પરથી ખબર પડી કે એ બંને સગા ભાઈ હતા. તેમાંનો મોટો ભાઈ એમ કહેતો હતો કે મારે આ કંપનીના મજૂરો ને મજૂરી સિવાય નો એક પણ રૂપિયો વધારે આપવો નથી. આ વાત નાના ભાઈ ને વ્યાજબી ના હોતી લાગતી. મોટા ભાઈ ની આ વાત થી નાનો ભાઈ ખૂબ જ નારાજ હતો. મજૂરો આટલું કામ કરે છે અને તેઓ ને તેમની મજૂરી કરતા પણ ઓછું વળતર મળતું હતું. અને તેઓ ની મજૂરી માંથી અમુક ટકા હિસ્સો આ મોટો ભાઈ વસૂલતો હતો. આ બધી વાત સાંભળતો હતો ત્યાં સટ્ટાક દઈ ને મોટા ભાઈએ નાના ભાઈ ને જોર થી તમાચો માર્યો. અને ટેબલ ના ડ્રોઅર માંથી રિવોલ્વર કાઢી અને નાના ભાઈ ન લમણે તાકી. આ જોઈ ને હું ડરી ગયો. અને ભાગવાની કોશિશ કરી ઉતાવળ માં મારાથી બાજુમાં રહેલી ઓઇલ નું ખાલી પીપ જોર થી નીચે પડ્યું. અવાજ સાંભળી ને તેઓ બહાર આવ્યા અને મને જોઈ ગયા. હું દોડવા મંડ્યો. મોટા ભાઈ એ રિવોલ્વર મારી બાજુ તાકી અને જેવી ગોળી ચલાવવા ગયો ત્યાં બંને ભાઈઓ ગાયબ થઇ ગયા."

હું એકદમ આશ્ચર્યચકિત થઇ ગયો અને બોલ્યો, "શું વાત કરે છે?"

રવિ બોલ્યો, " હું ત્યાં થી ભાગ્યો અને મેઈન રોડ પર આવ્યો ત્યાં ખૂણા પાર એક વૃદ્ધ દાદા બેઠેલા જોયા. હું તેની પાસે આવ્યો. અને કઈ બોલું એ પહેલા જ તેઓ ખડખડાટ હસવા લાગ્યા અને બોલ્યા, આજે તને પણ એ શક્તિશાળી પ્રેત નો અનુભવ થઇ જ ગયો. અને ફરીથી હસવા લાગ્યા. એનું હસવાનું સાંભળી ન હું ખુબ જ ડરી ગયો. અને ત્યાંજ બેભાન થઇ ગયો."

" તો તું અહીંયા હોસ્પિટલ માં કઈ રીતે પહોંચ્યો?" મેં પૂછ્યું.

" મને કાંઈજ યાદ નથી, મારી આંખ સીધી હોસ્પિટલ માં સવારે સાડા 4 વાગ્યે જ ખુલી." રવિ એ કહ્યું.

હવે આ વાત મારા મન ને ખટકી રહી હતી. મેં રવિને કહ્યું, " હવે હું આ વાત નો ખુલાસો કરી ને જ રહીશ, તારી આ હાલત કરનાર ને હું છોડીશ નહિ."

મેં રવિ ને પ્રોમિસ કર્યું અને ત્યાં થી નીકળી ગયો.

__________________________________________________________________________________________

પ્રકરણ - ૧ સમાપ્ત

બીજા રસપ્રદ વિકલ્પો