"શ્રી દિનકર જોશીના ‘પ્રકાશનો પડછાયો’ પુસ્તકના આધારે લખાયેલ "ગાંધી વિરુદ્ધ ગાંધી" નામના મરાઠી, ગુજરાતી, હિન્દી અને છેલ્લે અંગ્રેજી ભાષામાં Mahatma vs. Mahatma રજુ થયેલ નાટકમાં વાસ્તવિકતાને સમજ્યા વિના જે ઘાટ સાહિત્યસર્જનમાં કલ્પનાના રંગો ઉમેરવાની છૂટનો ઉપયોગ કરીને આપ્યો છે તેનાથી ગાંધીજી અને હરિલાલ વચ્ચે કેટલીક બાબતો અંગે ઉભા થયેલા વિચારભેદ, તેમાંથી પરિણમેલો સંઘર્ષ અને તેની હરિલાલના જીવન પર પડેલી અસરને કેન્દ્રમાં રાખવામાં આવી છે."
આ શબ્દો છે નીલમ પરીખના. નીલમબેન પરીખ એટલે ગાંધીજીના જયેષ્ઠ પુત્ર હરિલાલ ગાંધીની દીકરી રામીબેનની દીકરી નીલમ. તેમણે લખેલ પુસ્તક ગાંધીજીનું ખોવાયેલું ધન : હરિલાલ ગાંધીમાં લખે છે કે તેજસ્વી અને વિચક્ષણ હરિલાલ ગાંધી મારા નાના થાય ગાંધી પરિવારની દીકરી તરીકે મારો ઉલ્લેખ કરવામાં આવે ત્યારે સદાય મારા મનમાં સંકોચ થાય..! સામાન્યતઃ આપણને પ્રશ્ન થાય કે ગાંધીજીની પ્રપૌત્રી હોવાનું સંકોચ કેમ..? જવાબ મળે કે સાહિત્યમાં ગાંધીજીના પુત્ર હરિલાલ ગાંધીને મોટાભાગે ખલનાયક જ ચિતરવામાં આવ્યા છે, અને એટલે જ હરિલાલ ગાંધીની પૌત્રી નીલમ પરીખ આ સ્પષ્ટતા કરવા સાથે સાચી મહિતી રજૂ કરવાના નિર્ણય સાથે આ પુસ્તક લખ્યું છે.
દિનકર જોષીના પુસ્તક પ્રકાશનો પડછાયોની વાત કરીએ તો તેનો પ્રારંભ જ એવો કરવામાં આવ્યો છે કે આપણને એમ લાગે કે ગાંધીજી જેવી વિશ્વ વિભૂતિનો પુત્ર ખરા અર્થમાં પ્રકાશનો પડછાયો બન્યો હતો..! પુસ્તકના પ્રારંભમાં એક બજારુ સ્ત્રીના ઘરમાંથી મળેલ મૃતદેહની ઓળખ ગાંધીજીના પુત્ર હરિલાલ ગાંધી તરીકે કરવામાં આવે. આટલું વાંચતાની સાથે વાચકના મનમાં એ વાત ઠસી જાય, સ્પષ્ટ થાય કે ગાંધીજીનો આ પુત્ર હરિલાલ નાયક નહિ પણ ખલનાયક બની રહ્યો..! એટલું જ નહીં તેમના ચારિત્ર અને કાર્યકલાપ અંગે પણ આપણને અનેક શંકા કુશંકાઓ થાય. અને એટલે હરિલાલ ગાંધીની પૌત્રી અર્થાત હરિલાલ ગાંધીની દીકરી રામીબેન ગાંધીની પુત્રી નીલમ પરીખે આ પુસ્તક લખવાનો નિર્ધાર કર્યો ત્યારે તેનો મૂળ હેતુ પુસ્તક લખવા કરતા તેમના નાના અને ગાંધીજીના પુત્ર હરિલાલ ગાંધી સંદર્ભે વર્તાય રહેલ ખોટી વાતો અને બાબતોને દૂર કરી વાસ્તવિકતા રજુ કરવાનો રહ્યો હોય તેમ લાગે છે.
જો આપણે ખરા અર્થમાં ગાંધીજી અને હરિલાલ વચ્ચેના સંબંધો કે હરિલાલ ગાંધીના જીવનને સમજવું હોય તો નીલમ પરીખે લખેલ પુસ્તક “ગાંધીજીનું ખોવાયેલું ધન : હરિલાલ ગાંધી” વાંચવું જ રહ્યું. નવજીવન પ્રકાશન મંદિર અમદાવાદ દ્વારા આ પુસ્તકની પહેલી પ્રત કે પહેલી આવૃત્તિ ૧૯૯૮ના વર્ષમાં પ્રકાશિત કરવામાં આવી હતી. નીલમ નીલમ પરીખ પુસ્તકની પ્રસ્તાવનામાં લખે છે કે “બાપુના મૃત્યુ સમય હરિલાલ એ પોતાની મનોવ્યથા વ્યક્ત કરી, તે મુંબઈના દૈનિક છાપામાં છપાઈ. હરિલાલએ ગાંધીજીના અવસાનના સમાચાર સાંભળ્યા ત્યારે તેઓ એકદમ બોલી ઉઠ્યા હતા કે “મારા પિતાને અને દુનિયાના એક મહાત્મા સંત પુરૂષને મારી નાખનાર ને હું માર્યા વગર નહી છોડુ.”
આ શબ્દો ઉપરથી જ સ્પષ્ટ થાય છે કે હરિલાલને ગાંધીજી પરત્વે જેટલું મન-સન્માન અને લાગણી હતી. હા, એક વાત સ્પષ્ટ છે કે કેટલાક કારણોસર તેમની વચ્ચે મતભેદો હતા. વિચારભેદો હતા. પરંતુ હરિલાલ આજીવન ગાંધીજીને માન-સન્માન અને આદર આપતા રહ્યા હતા. હા, હરિલાલને માતા કસ્તુરબા તરફ વિશેષ પ્રેમ અને લાગણી હતી, પરંતુ એનો અર્થ જરાય એવો નથી કે તેમને પિતા મહાત્મા ગાંધી અંગે કોઈ રાગદ્વેષ કે દુર્ભાવ હતો. આ અંગે એક વાત પુસ્તક્મા આલેખાઇ છે.
“એકવાર બા અને બાપુ ટ્રેનમાં મુસાફરી કરતા હતા. ટ્રેન કટણી સ્ટેશને પહોંચી ત્યારે જુદો જ જય ધ્વનિ સંભળાયો. માતા કસ્તુરબા કી જય. બારીમાંથી મોં બહાર કાઢીને બા-બાપુએ જોયું તો સામે હરિલાલ ઉભા હતા. દાંત પડી ગયેલા. કપડાં ફાટેલા. ખિસ્સામાંથી એક મોસંબી કાઢી બા ‘આ તમારે સારું લાવ્યો છું’ બાપુ કહે મારા માટે કાંઈ નથી લાવ્યો..? ના, આતો માટે જ છે. આ બાના પ્રતાપે જ તમે આટલા મોટા થયા છોપ બાની આંખો ભરાઈ આવી. ટ્રેન ઉપડી છેલ્લે હરિલાલ ભાઈ એ પાછું જોયું ને કહ્યું ‘બા તમે જ મોસંબી ખાજો હો’ ટ્રેન જરાક આગળ વધી ત્યારે બા ને યાદ આવ્યું બિચરાને કાંઈ ફળ પણ ન આપ્યા. ભૂખે મરતો હશે. ફળ કરંડિયામાંથી કાઢી બહાર જુએ તો ટ્રેન પ્લેટફોર્મ વટાવી ચૂકી હતી. ફરીથી શીણ અવાજ સંભળાયો માતા કસ્તુરબા કી જય.”
૧૯૩૩માં મહાત્મા ગાંધીએ ૨૧ દિવસના ઉપવાસની જાહેરાત કરી ક્યારે મુંબઈથી હરિલાલ ગાંધી એ ગાંધીજીને લખ્યું હતું કે આપના વતી હું ઉપવાસ કરવા ને તૈયાર છું. આ વખતે પત્ર મળ્યો ત્યારે કાકાસાહેબ કાલેલકર ગાંધીજીની સાથે હતા. તેમણે વળતો પત્ર લખ્યો હરિલાલ જો પાછો મળતો હોય તો એના માટે 42 ઉપવાસ કરું. આ પત્ર વ્યવહાર અને તેમાં આલેખાઈ ની વાત રજૂ કરે છે કે ગાંધીજી અરે હરિલાલ અર્થાત આ પિતા-પુત્ર વચ્ચે નો સંબંધ પ્રેમ અને લાગણી કેવા હતા..?
ગાંધીજી અને હરિલાલ વચ્ચેના સંબંધમાં કલહનું બીજ ક્યાંથી..? ક્યારે..? અને કેમ રોપાયું..? તે અંગે નીલમ પરીખ લખે છે, ગાંધીજીના મિત્ર ડોક્ટર પ્રાણજીવનદાસ મહેતા તે વખતે વિલાયત જ હતા. આ વાત 1908 જોનિસ્બર્ગ્ની છે. એમણે ફિનિક્સ આશ્રમમાં રહેતા એક વિદ્યાર્થીનું અને ગાંધીજીના એકાદ પુત્રને વિલાયતમાં ભણવાનું ખર્ચ ઉઠાવવાની ઈચ્છા વ્યક્ત કરી. ગાંધીજીએ એમના ભત્રીજા છગનલાલ પર પસંદગી ઉતારી અને એ વિશે છગનલાલ ને લખી દીધું. ગાંધીજીની સૂચનાથી છગનલાલ પહેલા હિન્દી ગયા અને પછી પહેલી જૂન ૧૯૧૦ના રોજ વિલાયત જવા હિન્દુ છોડ્યું. હરિલાલ અને ગાંધીજીની વચ્ચે જે વિરોધ ઊભો થયો તેનું મૂળ આ સમયે નંખાયુ. કારણ હરિલાલ અભ્યાસ કરવા ઈચ્છતા હતા અને તેમની એવી લાગણી હતી કે પ્રાણજીવનદાસ મહેતા તરફથી મળનાર ભણવાના ખર્ચનો ઉપયોગ તેમના શિક્ષણ માટે કરાય અને તેમને વિલાયત ભણવા મોકલવામાં આવે. ગાંધીજીએ કેમ ભત્રીજા છગનલાલ ઉપર પસંદગી ઉતારી..? હરિલાલને કેમ લાભ ન આપ્યો..? આ અંગે કોઈ સવિશેષ સ્પષ્ટતા કરાઈ હોય તેમ જાણવા મળ્યું નથી. પરંતુ એમ કહી શકાય કે ગાંધીજી એવો આદર્શ પ્રસ્તુત કરવા માંગતા હતા કે એમના લોક આંદોલનને કારણે જો કોઈ વ્યક્તિ તેમને વિશેષ લાભ આપવા માંગતો હોય ત્યારે એવા લાભ પોતાના પુત્ર કે પુત્રી ઓ માટે લેવાને બદલે જનસામાન્યના કલ્યાણ માટે તેનો ઉપયોગ કરાવો જોઈએ.
નીલમ પરીખે આ પુસ્તકમાં હરિલાલ ગાંધી કરેલા એવા કામોનો પણ ઉલ્લેખ કર્યો છે, જેમાં હરિલાલ ગાંધીજીએ કરેલ ગંભીર ભૂલ કે ચારિત્રહીન જીવન અંગેની પણ વાત આવી જાય છે. હરિલાલ વિષે લખાયુ છે: પત્નીવ્રત ભંગ સહિત્ એમના અનેક પાપોને પ્રેમાળ પત્ની એ માફ કર્યા હતા. પરણિત જીવનના અને કુટુંબના અંકુશો પણ ગયા પત્ની ગુલાબ બહેનના અવસાન પછી. કુટુંબની ઓથ અને હુંફ જવાથી હરિલાલ નિરંકુશ થયા વ્યસન-વ્યભિચારમા ડૂબતા જતા હતા. 1930ની દાંડી કૂચ પછી 1932 સુધી હરિલાલ ક્યાં ને શું કરતા હતા એની કોઈ માહિતી મળતી નથી. ૧૯૩૧ના જાન્યુઆરીમાં સરદારને આર્થર રોડ જેલમાં પીધેલ હાલતમાં મળવા ગયા તો સરદારે મળવાનું ઇનકાર કર્યો.
15 પ્રકરણ અને 244 પેજમાં વિસ્તરિત આ પુસ્તક ના 15 પ્રકરણમાં ગાંધીજીનું ખોવાયેલું ધન હરિલાલ ગાંધી, જાહેરજીવનમાં હરિલાલનો અરુણોદય, સાચી જીવનદ્રષ્ટિ, કલહનું બીજ, ગૃહત્યાગ, જુના ચીલે નવી ચાલ, સત્યાગ્રહમાં મહિલાઓએ ઝુકાવ્યું, પગભર થવાની દિશામાં, ગુલાબ બહેનની ચિરવિદાય, નિષ્ફળતાની વણજાર, દાદાએ પરિવાર સાચવ્યો, નિરંકુશ હરિલાલ, રતન ગયું રોળાઈ, તાર સન્ધાયા અને અંતે. એમ 14 પ્રકરણ ઉપરાંત અન્ય નોંધો ટાંકવામાં આવી છે. ગાંધીજી અને હરિલાલ વચ્ચેના સંબંધોની નિષ્પક્ષ વાત અને તટસ્થ રજૂઆત કરતું આ પુસ્તક ખરા અર્થમાં તેમના સંબંધો ઉપર પ્રકાશ પાડી પડછાયાને દૂર કરે છે.