વહુએ વગોવ્યા મોટા ખોરડા - ૧૨ Arvind Gohil દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

વહુએ વગોવ્યા મોટા ખોરડા - ૧૨


સૂર્યોદય સાથે વહેતુ થયેલું ખુશીઓનું ઝરણું અચાનક જ સૂર્યાસ્ત સાથે અસ્ત પામી ચૂક્યું હતું. કરણુભાની ડેલી તરફ જતા એના ધીમા ડગલાં જાણે ધરતીને દઝાડતા હોય એવા લાગતા હતા. ઉના હાહાકાર ભર્યા શ્વાસ જાણે ઠંડી હવાને લૂમાં પરિવર્તન કરતા હોય એવું લાગી રહ્યું હતું. આંખો પરથી વહેતા આંસુ પોતાના જ ગાલને ભારે પડતા હતા. વિઠલે પીઠ પર મારેલા ધબ્બા અને ગાલ પર મારેલી અડબોતની અસર એના હ્ર્દય પર થઇ હતી. શરમના કારણે નહિ પણ પોતાની વહેતી આંખો છુપાવવા માટે એ લાજનો ઘૂંઘટ તાણીને કરણુભાની ડેલી તરફ ચાલી જતી હતી. એને જોવા આવેલા લોકોની વિચારધારા પોતપોતાની દિશામાં વહેતી હતી. કોઈ ઝમકુને દયાની દ્રષ્ટિથી જોઈ પોતાની આંખો વહેવડાવી રહ્યું હતું, કોઈ અફવાનો શિકાર બનેલી સ્ત્રી 'આ આ જ લાગની છે' આ વિચાર સાથે એને તિરસ્કારભરી નજરથી જોતી હતી, કોઈ જુવાન દીકરીની માને પોતાની દીકરીના ભવિષ્યની ચિંતા હતી, અમુક જુવાનિયાઓ તો એવું વિચારતા હતા કે 'જો ઝમકુ હા પાડે તો એને હું મારા ઘેર બેસાડી દવ', પણ કોઈ એના દુઃખમાં ભાગીદાર થવા તૈયાર નહોતું. આટલા લોકો એને જોતા હતા પણ એનું બાવડું પકડી કોઈ દિલાસાના બે શબ્દો કહેવાવાળું નહોતું. એ માણસોનું વૃંદ ધૂળના ઢગલા સમાન હતું. આમ તો ધૂળનો ઢગલો પણ કોઈ વૃક્ષને ઉછેરવામાં મદદ કરે છે જ્યારે આ લોકો તો એક મુરઝાયેલા વૃક્ષને જીવિત રાખવાનો પણ પ્રયાસ નહોતા કરતા. પોતાના ઘરના આંગણે ઊભેલા જીવિત પૂતળાઓ વચ્ચેથી ઝમકુ આગળ નીકળતી જતી હતી. એ જ્યારે પોતાની શેરીમાંથી બહાર નીકળી ત્યારે એના મનને એક શાંતિ થઈ કે હવે કોઈ જોવા આવેલા લોકો નહોતા. હવે એના ઉઘાડા પગ ઉતાવળા થઈ ગયા.

એનું મન અનેક વિચારોમાં ખોવાયેલું હતું. ભગવાન આગળ અનેક ફરિયાદો કરતું હતું. થોડીવાર સેજકપર જવાનો વિચાર આવી જતો તો પાછો શામજીભાઈનો દયામણો ચહેરો યાદ આવતા વિચાર રોકી લેતી હતી. અને હવે ચાર મહિનાનો ગર્ભ સાથે લઈને ચાલવાની હિંમત પણ નો'તી થતી. આંસુ લૂછતી એ છોકરી આવા અનેક વિચાર સાથે દયાની ભીખ માંગવા કે પછી ન્યાય મેળવવા માટે ચાલી જતી હતી. કોઈ એના કસ્બાના નવરા જુવાનિયા શું થાય છે એ જોવા માટે એની પાછળ ચાલ્યા આવતા હતા. સાંજના સાતેક વાગ્યા હશે. મંદિરો પર આરતીઓ થઈને થંભી ગઈ હતી. એ મંદિર આગળ માથું નમાવીને ભગવાન પાસે આ બનાવ પાર પાડવાની પ્રાર્થના કરીને આગળ વધી. કરણુભા પણ હજુ આરતીના દર્શન કરીને ઘેર પહોંચ્યા હતા. જમવાની થોડી વાર હતી એટલે ડેલી પર જ ઊભા રહીને ગામની મુખ્ય બજાર જોતા હતા. એટલામાં ઝમકુને ડેલી બાજુ આવતી જોઈ.
" તું અંયા શું કામ આવી સુ ? " ડેલી પર ઊભેલા કરણુભાએ કહી દીધું.
" બાપુ ! તમારી પાંહે સેલી આશા લઈને આવી સુ. "
" સુ સે બોલ ? તારા જેવી ડેલીએ આવે તોય મારી ડેલી અભડાઈ. હવે આવી જ સુ તો બોલ. "
" ચમ બાપુ ? શંકરા જેવો નિસ માણહ આવે તારે ડેલી નો અભડાઈ અને હું આવું તો અભડાઈ. "
" નિસ તો તું સુ. શંકરો નઈ. બચારા ભોળાને પિટાયો. તારા જેવી તો મેં કોઈ હલકી નથી જોઈ. આમેય હવે હું સેજકપરની સોડિઓ પર બંધો જ કરવાનો સુ. આવી હલકી સોડિઓ અમને આપી દે સે. આબરૂ તો અમારા ગામની જવાની ...ને. "
" બાપુ ! મારા ધણીએ મને અતારે માર મારીને ઘરની બા'ર કાઢી મૂકી સે અટલે હું આવી 'તી. આવો માર અમારા ગામમાં કોઈ નથી મારતું. અટલે આબરૂ તમારા ગામની આમ પણ જાય સે. અને સેજકપર હારે તમે આ ગામને નો હરખાવો તો હારું સે. " પોતાના ગામનું અપમાન થતું જોઈને એ દયાની ભીખ માંગતો ચહેરો અચાનક જ આક્રમક જેવો થઈ ગયો. જ્યારે આ વિવાદ ચાલતો હતો ત્યારે વિષ્ણુરામ મહારાજ કોઈના ઘેર જમવા માટે જતા હતા. એ ઝમકુને જોઈને રોકાઈ ગયા અને સીધા જ ડેલી તરફ વળ્યા.
" ઝમકુ ! બટા શું થયું ? ચમ રોવેશ ? "
" કંઈ નઈ. એ તો હું અમથી જ આવી 'તી "
" શું કંઈ નઈ !!!!! આ તમારી સોડી જ્યાં ને ત્યાં મોઢું કાળું કરતી ફરે તો ઇનો ધણી મારે જ ને ! આ તો વિઠલ હારો કે'વાય કે મારીને કાઢી મૂકી બાકી મારા જેવો હોય તો ઘાસલેટ નાંખીને હળગાઈ દે. અને પાસો જીભડો તો બવ મોટો સે મારા ગામની વગોવણી કરે સે. " કરણુભાનો અવાજ અચાનક ઊંચો થઈ ગયો. આ સાંભળીને તો મહારાજનો મગજ પણ જતો રહ્યો.
" બાપુ તમે ગામ લઈને બેઠા સો ઇનો એવો મતલબ નથી કે ગમે ઇ બોલો. અને ઝમકુને મેં મોટી થતી જોઈ સે. ઇનામાં સેજલબા અને હમીરભાના સંસ્કાર સે. અટલે ઇના વિશે આડું-અવળું બોલતા પે'લા વિચાર કરો. અને ઇ ગમે એવી હોય પણ તમારે ન્યાય કરવો તમારી ફરજ સે. "
" એય લોટ માંગણ ! અયાં ટેલ માંગવા આયો સુ તો માંગીને જતો રેજે બવ ડાયો નો થઈશ. આ મારું સુલતાનપુર સે તારું સેજકપર નઈ. અને હું તારા જેવા બાવાની સલાહ લેવા નથી બેઠો. બીજું કે હમીર ચેટલો સંસ્કારી સે ઇ અમારા આખા ગામને ખબર સે. " આટલી વાતોમાં તો ગામની વસતિ ભેગી થવા લાગી અને બધું નાટક હવે ચોરે ચિતરાઈ ગયું હતું. એટલામાં કોઈ કરણુભા આગળ હાજી....હાજી કરવાવાળા ટાપશીઓ પૂરાવવા લાગ્યા.
" ઝમકુ અટલે આપડા ગામનો કુટણખાનાનો એક ભાગ જ સે. "
" અરે બાપુ ! આને તો જીવતી હળગાવી દેવી જોવે. " બીજો બોલ્યો.
" આ તો ચારેવેળા મારાથી આવું નો બોલાય પણ ઇ પેટમાં ભાર ઉપાડીને ફરે સે ઇ તો કોણ જાણે કોનું પાપ સે. " વળી ત્રીજો બોલ્યો.
" તો કઈ દે તું ! હું કોની ભેળું સૂતી 'તી અને તું મને ચાં ઊભી કરવા આયો. " ઝમકુ પણ આક્રમક બની ગઈ.
" બંધ થા હલકી હાહરી !! આ તો હવે સરકારે હાથ બાંધી દીધા સે બાકી તને તો અતારે જ સુળીએ ચડાવી દવ. બોલવાની ભાન સે તને. " કરણુભા વધુ ગુસ્સે ભરાયા અને બોલતા બોલતા તો બે પગથિયાં પણ નીચે ઉતરી ગયા. " કાલે બેય ગામ મૂકી દેજો હવાર પડે એ વખતે મારા ગામમાં એકેય નો જોવી. " આટલું બોલી એ ઘરમાં જતા રહ્યા. ' બાપુએ બરાબર નિર્ણય લીધો, ગામમાં બેઠેલો સડો હવે નઈ રે, આવાને તો ગામમાં રે'વાનો હક્ક જ નથી.' આવી બધી વાતો કરતું ગામ પણ પોત પોતાના ઘર તરફ રવાના થયું. છેલ્લે વધ્યા મહારાજ અને ઝમકુ;
" બટા તું સોરા ઉપર બેસ હું ઠાકોર જમાડીને આવું સુ અને તારા હાટુ કંઈક ખાવાનું પણ લઈ આવું સુ. " આ વાત સાંભળી એને ખાલી માથું હલાવ્યું. મહારાજે એને ચોરા પર બેસાડી.

એ તો બસ સાવ નિરાશ થઈને ચોરા પર બેસી ગઈ. આજે એને પોતાનું કોઈ ના હોવાનો અફસોસ થતો હતો. થોડીવાર પોતાની સાથે હમીરભાનું અપમાન યાદ આવતું હતું. એને પોતાના બાળકની ચિંતા હતી. ધમણે ધમારી આગના ભડકાની માફક એના હૈયું ભડભડી ઉઠ્યું હતું. જેમ હિમાલય જેવો પર્વત રુવે અને ગંગા જમના વછુટે એમ એની આંખો આંસુથી ભરેલી હતી. કરણુભા અને ગામલોકોના એકે-એક શબ્દો એના પર જાણે લોઢાના ઘણના ઘા થતા હોય એવું લાગી રહ્યું હતું. મન બધી બાજુથી પોતાની માયા સંકેલવા લાગ્યું હતું. એને અચાનક જ એક નિર્ણય લઈ લીધો. આ નિર્ણય સાથે જ ફુલગુલાબી કાયાને માથે નવ્વાણું હજાર રૂંવાડા બેઠા થઈ ગયા અને મોઢું કાળું ધબ થઈ ગયું. ભગવાન રામને પગે લાગી. ત્યારબાદ હનુમાનજીને પગે લાગી " હે કષ્ટભંજન દેવ ! મેં હજારો ગુના કર્યા હશે તારે મને આવો અવતાર મળ્યો હશે. હે પ્રભુ ! તમે તો એક છલાંગે આખો દરિયો તપી ગ્યા'તા પણ મારાથી હવે આ ભવસાગર નઈ ટપાઈ. " આટલું બોલી એ કંટાળેલી સગર્ભા સ્ત્રી ગામ બહાર કૂવાને કાંઠે પહોંચી ગઈ. થોડીવાર પોતાના દરેક ચહેરા એની નજર સામે આવવા લાગ્યા. હમીરભા, સેજલબા, શામજીભાઈ અને પોતના પેટમાં પાંગરી રહેલ ગર્ભ આ બધું યાદ આવતા એનું મન થોડીવાર માટે ડગી ગયુ. પણ જ્યારે ગામલોકોએ પોતાના ચારિત્ર્ય ઉપર પ્રહારો યાદ આવ્યાં ત્યારે કોઈ જ વિચાર કર્યા વગર કૂવામાં છલાંગ મારી દીધી.

ક્રમશઃ ........

લેખક : અરવિંદ ગોહિલ