લગ્ન ની લાયકાત Bhumi Prajapati દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

લગ્ન ની લાયકાત

શ્રદ્ધાને આજે ખૂબ ઉતાવળ હતી ઑફિસે પહોંચવાની , સવાર સવારમાં સાસુમાએ એક લાંબુ લચક લીસ્ટ આપી દીધું હતું સવારના નાસ્તા અને બપોરના જમવા માટેની વાનગીઓનું ! આજે એના લાડકા નણંદબા આવવાના હતા. બધું ફટાફટ મહારાજને સમજાવીને એમને સોંપીને નીકળતા નીકળતા ઘરે જ પોણા નવ વાગી ગયા હતા આજે. એટલે એને આજે બસની રાહ જોવાનું પોસાય તેમ ન હતું. ફટાફટ તે સોસાયટીના નાકે આવેલા રિક્ષા સ્ટેન્ડ પર પહોંચી અને જે પહેલી રિક્ષા મળી એમાં બેસી ગઈ. એ રિક્ષામાં પહેલેથી એક બહેન બેઠેલા હતા જેમણે એક અણગમા ભરી નજરે શ્રદ્ધા સામે જોયું અને નજર ફેરવી લીધી. પણ એ એક નજરમાં એમણે જાણે શ્રદ્ધા ને આખેઆખી સ્કેન કરી લીધી હોય એવું એને અનુભવાયું. પણ શ્રદ્ધાને અત્યારે ઓફીસ સમયસર પહોંચવાની જ એટલી ઉતાવળ હતી કે એણે રિક્ષાવાળાને “મજુરા ગેટ” કહીને જ પૂરો શ્વાસ લીધો અને પોતાનો ફોન ખોલીને એમાં ઓફીસને લગતા વ્હોટ્સ એપ મેસેજ જોવા લાગી.

થોડીવાર પછી પેલા બહેનના ફોનમાં રીંગ વાગતા એમણે ફોન પર વાતો શરુ કરી અને શ્રદ્ધાનું મન એ વાતો સાંભળીને વિચારયાત્રા એ ચડી ગયું. ફોન પર એ બહેન કદાચ એક છોકરા અને છોકરીના લગ્ન માટેની વાતચીત છોકરાની માતા સાથે કરી રહ્યા હોય એવો અંદાજ શ્રદ્ધા લગાવી શકી. “જુઓ શારદાબેન, કુંડળી તો છોકરીની મેં જ આપણા પેલા કિશન કાકા ગોર મહારાજ છે ને, એમની પાસે મોકલાવેલી. એમણે જ મને કહ્યું છે ફોન કરીને કે છોકરીના બત્રીસ ગુણ આપણા અક્ષય સાથે મળે છે, જો આ છોકરી સાથે મેળ પડે તો માંગું જતું કરવા જેવું નથી. એમ તો છોકરીના માતા પિતા બહુ નથી માનતા જ્યોતિષમાં પણ આપણે તો બધું જોઈ લેવું સારું, અરે, આપણે જ આ બધામાં નહિ માનીએ તો આપનો ધર્મ કોણ સાચવશે, અને ગોરબાપાનું ઘર કેમ ચાલશે ?” થોડીવાર તો શ્રદ્ધા ડઘાઈ ગઈ, આ બેન કયા જમાનાની વાતો કરતા હતા? અને એને યાદ આવ્યું કે પોતાના લગ્ન પહેલા એની ભાવી સાસુ એ એની અને ભાર્ગવ ની કુંડળી મેળવવાનો ખાસ આગ્રહ રાખ્યો હતો ! મનોમન એ પેલા મહારાજનો આભાર માનતી રહી જેમણે કહ્યું હતું કે એના અને ભાર્ગવના ગુણ મળે છે અને પછી જ સાસુજી ને હાશ થઇ હતી.

થોડીવાર કદાચ સામે પક્ષેથી કૈંક વાત ચાલી એટલે “હા..” , “હમ્મ્મ...” એવા ટૂંકા જવાબ ચાલ્યા. પછી એમણે એક બીજો મુદ્દો શરુ કર્યો, જેણે શ્રદ્ધાને વધુ ચોંકાવી દીધી. “છોકરી શાંત છે એટલે તમારા ઘરમાં ચાલે એવી છે !” શ્રદ્ધાથી આશ્ચર્ય સાથે એ બહેનની સામે જોવાઈ ગયું, અને વિચાર આવ્યો, “ હેં ??? ‘ચાલે એવી’ એટલે? તમે જયારે લગ્ન માટે છોકરી જુઓ છો અથવા એને પરણીને પોતાના ઘરે લઇ આવો છો ત્યારે એને એક વ્યક્તિ તરીકે નહીં પણ એક વસ્તુ તરીકે જુઓ છો? એક એવી વસ્તુ જે તમારા ઘર, તમારા સ્ટેટસ, તમારી પ્રતિષ્ઠાના ભાર નું વહન કરી શકે? જે તમારા ઘર માં સારી લાગે ?! જીવતી જાગતી એક માણસ નથી એ? કે રાચરચીલાનું કોઈ ફુલદાન છે? જે ઘરના એક ખૂણામાં પડ્યું પડ્યું તમારા બેઠકખંડની શોભા વધાર્યે રાખે....” શ્રદ્ધાની આ વિચારયાત્રા એ એને એના બાળપણની સફરે મોકલી દીધી જ્યાં એ એની મોટી પિત્રાઈ બહેનોને તૈયાર થઈને ચા નાસ્તાની ડીશ લઈને છોકરા અને એના પરિવારજનો સામે શરમાતા શરમાતા જતા જોતી અને મનોમન ગાંઠ વાળતી કે હું આવી રીતે વસ્તુની જેમ પ્રસ્તુત નહિ કરું પોતાને. અને જો કે, થયું હતું પણ એવું જ, કારણકે એણે પોતે પ્રેમ લગ્ન જ કર્યા હતા એટલે આ “જોવા આવવાની” પરિસ્થિતિ માં પોતાને મુકાતા એ અટકાવી શકી હતી.

શ્રદ્ધા ની વિચારયાત્રા ચાલુ જ રહી હોત પણ પેલા બહેને વધુ એક નવો મુદ્દો શરુ કર્યો અને ફરી શ્રદ્ધાનું ધ્યાન એમની વાતોમાં પડ્યું. રિક્ષા ઉધના દરવાજા સુધી પહોંચી જ ગઈ હતી એટલે થોડી જ વારમાં ઉતારવાનું જ હતું. પેલા બહેન એ ફોન પર જાણે એક છણકા સાથે કહ્યું, “પણ હા હોં શારદા બેન, છોકરી એ ‘એલ.એલ.બી.’ કર્યું છે એટલે ઘરનું કામ એ નહિ કરે એવું એના માતા એ મને તમને સ્પષ્ટ જણાવવા ક્હ્યું છે. હાસ્તો, એટલું ભણેલી ગણેલી છોકરી અને પાછી ધીકતી પ્રાઇવેટ પ્રેક્ટીસ છે એની વકીલાતની, એ કંઈ તમારા ઘરના વાસણ થોડી સાફ કરશે !?” એટલી વારમાં મજુરા ગેટ આવી જતા શ્રદ્ધાને રિક્ષામાંથી ઉતારવાનું થયું અને એ પૈસા આપીને ફટાફટ સામે આવેલી એની સી.એ. ફર્મની મોટી બિલ્ડીંગની લીફ્ટ તરફ ચાલવા લાગી. પણ એના વિચારો એથીયે વધુ ઝડપથી એના મન માં દોડી રહ્યા હતા. જો કે અત્યારે તો પહેલા ઑફિસના બાયોમેટ્રિક માં હાજરી પુરવી વધુ જરૂરી હતી એટલે મન ને શાંત કરી એ પોતાની જગ્યા સુધી પહોંચી ગઈ અને સૌથી પહેલા બેગમાંથી પાણીની બોટલ કાઢી પાણી પીધું અને પોતાની ખુરશી પર થોડી અઢેલીને બેઠી.

શ્રદ્ધા અને ભાર્ગવ કોલેજના પ્રથમ વર્ષથી એકબીજાના પ્રેમ માં હતા અને પછી આગળનો અભ્યાસ પણ બંને એ એકજ યુનીવર્સીટીમાં પૂર્ણ કર્યો હતો અલબત્ત અલગ અલગ વિષયમાં. શ્રદ્ધા એ વાણીજ્યમાં અને ભાર્ગવ એ માર્કેટિંગમાં એમ.બી.એ. કર્યું. ભણીને સારી નોકરીએ લાગી ગયા પછી જયારે બંને એ પોતપોતાના ઘરે લગ્ન માટે એકબીજાની વાત કરી ત્યારે શરૂઆતમાં તો બંને પક્ષે થોડો ઘણો વિરોધ હતો પણ છેવટે સંતાનોની જીદ સામે પરિવારે પોતાના હથિયાર હેઠા મુક્યા અને બંનેના લગ્ન લેવાયા. ભાર્ગવના ઘરે પહેલેથી જ ઘરકામ માટે એક નોકર અને રસોઈ માટે મહારાજ આવતા હતા એટલે શ્રદ્ધાને ક્યારેય એ બધી બાબતોમાં ગૂંચવાવું નથી પડ્યું કે ઘર અને ઓફીસ વચ્ચે વહેંચાઈને એનું અસ્તિત્વ ખોવાઈ જાય. હવે તો એના લગ્નને ૩ વર્ષ થઇ ગયા હતા એટલે એના સાસુ એ પણ ઘરનું ‘મેનેજમેન્ટ’ શ્રદ્ધાને સોંપીને ધાર્મિક પ્રવૃત્તિઓમાં વધુ મન પરોવ્યું હતું. એટલે કોઈક દિવસ આજની જેમ દોડાદોડી થઇ જતી પણ એકંદરે એનું લગ્ન પછીનું જીવન એ બધી તકલીફો થી દુર હતું જે એક નોકરી અને ઘર બંનેને એકસાથે સંભાળવા મથતી સ્ત્રીઓને થતી હોય છે. વળી, ભાર્ગવ પણ દરેક બાબતમાં સ્ત્રી પુરુષને સમાજે વહેંચી આપેલી કામગીરીની વ્યાખ્યાઓમાં પડ્યા વિના એનો સાથ આપતો. એણે અત્યારે એ બધું જ યાદ કરીને ફરી ઈશ્વરનો આભાર માન્યો. પણ એ સાથે જ એની નજર સામે એની એ જ પિત્રાઈ બહેનોના ચહેરા આવી ગયા જેમના લગ્ન પછી તેઓ એ ફક્ત ઘરકામના ઢસરડા અને બાળકોના ઉછેરમાં જ જાત ખર્ચી નાખી હતી.

“શા માટે ભણેલી અને ઊંચા પગારે નોકરી કરતી કે પોતાનો વ્યવસાય ચલાવતી સ્ત્રી પોતાના ઘરનું કામ ન કરે? અને તો પછી, જે છોકરી થોડું ઓછું ભણેલી હોય કે વધુ મોટા પગારની નોકરી ન કરતી હોય, એણે તો ખો જ ભૂલી જવાની ને?” શ્રદ્ધાના મનમાં પેલું પૂર ફરી વહેતું થયું અને એને એની માતા એ આપેલી શિખામણ યાદ આવી, “જો શ્રદ્ધા, ભણો ગણો આગળ વધો પૈસા કમાઓ, ભલે બધું કરો, પણ એની સામે ઘરકામને ક્યારેય ઓછા મુલ્યનું ન આંકવું, પોતાના ઘરનું કામ કરીને સ્ત્રી કામવાળી બાઈ નહીં પણ કુશળ વહીવટ કરી શકનારી સામ્રાજ્ઞી બને છે એ યાદ રાખજે.” આ યાદ આવતા જ શ્રદ્ધા એ મનોમન પોતાની માતાનો પણ આભાર માન્યો અને એનું મન શાંત થઇ જતા એનું મન કામ માં પરોવાઈ ગયું.