માં ને પ્રેમભર્યો પત્ર... Solanki Harsha દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

માં ને પ્રેમભર્યો પત્ર...

મહાદેવ હર
ૐ નમઃ શિવાય

કેમ છો તમે? મને આશા છે કે તમે એકદમ ખુશ હશો. ઘણા દિવસથી હું લખવાનું વિચારતી હતી પણ‌ હિંમત જ નહોતી થતી તો આજે હિંમત કરીને લખું છું. મને યાદ તો નથી કે તમારો સ્વભાવ કેવો હતો, તમે દેખાવે કેવા હતા? પણ હું જ્યારે મામાના ઘરે ગઈ હતી ને તો ત્યારે તમારી ખાસ બહેનપણી મને કહેતી કે kittu, તારી મમ્મી બોવ ખૂબસૂરત હતા અને અમારા આખા ગામમાં તારી મમ્મી જેટલુ કોઈ ખૂબસૂરત નહોતું તો મને આના પરથી એટલો તો ખ્યાલ આવી ગયો કે તમે miss India હતા. ચલો આ વાતો પછી કરીશું આપણે. માં મને ક્યારેક ક્યારેક બોવ તકલીફ થાય છે જે તકલીફ હું કોઈને કહી નથી શકતી, તમને ખબર છે માં તમારા ગયા પછી મારા માથે કોઈએ હાથ નથી ફેરવ્યો કે ના તો કોઈએ પ્રેમથી જમાડી છે બસ આજ વસવસો મનમાં થતો હોય કે કાશ! મારી પાસે પણ કોઈ હોય જે મને પોતાના ખોળામાં સુવડાવીને કહે કે બસ દિકરા સુઈ જા હવે પણ આ તો એક સપનું જ રહ્યું. તમને ખબર છે માં, હું બોવ નાની ઉંમરે રસોઈ બનાવતા શીખી ગઈ પણ એ રસોઈમાં તમારા ઠપકાની મિઠાસ નથી અને શાયદ આ મીઠાસ‌ ક્યારેય આવશે પણ નહી, તમને એમ થતું હશે કે મને અચાનક આ કેમ યાદ આવ્યું, એ એટલા માટે યાદ આવ્યું કે હું રોજ જોતી હોઉં, જ્યારે કોઈ છોકરી નવી નવી રસોઈ બનાવતા શીખે ત્યારે એમની માં એની બાજુમાં ઉભી હોય અને કહેતી હોય કે બેટા આમ કર આમ ન કરાય પણ મને તો આવું કોઈ કહેવાવાળુ તો હતું જ નહીં એટલે જ મારી રસોઈમા એ મીઠાસ નથી. એક વાત કહું હું તમને, જ્યારે બેન આખો દિવસ કામ કરીને ઘરે આવે ને ત્યારે મમ્મી સાંજે એના માટે કેસરવાળુ દુધ અને કાજુ બદામ નાખીને બનાવીને આપે ત્યારે મને એમ થાય કે હું પણ આંખો દિવસ કામ કરીને થાકી જાઉં તો મારા માટે પણ કોઈ આવું કરતું હોય તો! માં તમને તો ખબર જ હશે કે મારું બચપણ કેવું વીત્યું, જે ઉંમરે બાળકો રમકડાએ રમતા હોય એ જ ઉંમરે હું મારી ખુદની જવાબદારી લઈને બેઠી હતી પણ મેં આજ સુધી આ વિશે કોઈને કિધુ નથી કે અત્યાર સુધી મારા ભણવાનો કપડાનો બધો જ ખર્ચો હું જાતે જ કરતી. આવુ તો ઘણું બધું છે પણ હું એ કાંઈ કહેવા નથી માંગતી કારણ કે હું તમને તકલીફ આપવા નથી માંગતી. માં, હું ઘણા દિવસ પહેલા આપણા જુના ઘરે ગઈ હતી, પણ એમ જ ગઈ હતી મન થયું હતું એટલે. તો અચાનક હું તમારા રૂમમાં ગઈ હતી, તમને ખબર મને એ રુમમાં એક શાંતિ જેવી અનૂભૂતિ ‌મળી, એમ થતું હતું કે હું જીંદગીભર આ રૂમમાં જ રહું. એમ વિચારતી વિચારતી જતી હતી તો અચાનક તમારી બધું વસ્તુઓ હાથ લાગી અને એમાં એક ડાયરી પણ‌ હતી. મને એ જોઈને ખૂબ આનંદ થયો કે તમને ડાયરી લખવાનો બોવ શોખ હતો. એ ડાયરી વાંચવાનો ત્યારે તો સમય નહોતો એટલે વિચાર્યું કે ઘરે જઈને વાંચીશ. એ પછી ઘરે આવતી હતી તો મનમાં વિચારોનુ વનરાવન ચાલતું હતું અને સાથે ઘણું બધું દુઃખ પણ હતું. પણ માં હું જ્યારે પણ ડાયરી વાંચવા બેસુંને ત્યાં કાંઈક ને કાંઈક કામ સોંપી દેય, મને ક્યારેક વિચાર થાય કે આ લોકોએ મને કામ કરવા જ રાખી કે શું? માં મને ઘણા લોકો કહે કે તું તારા પરિવારને છોડીને ક્યાંક જતી રે પણ હું આવું નથી કરી શકતી કારણ કે મારામાં તમારા સંસ્કાર છે. તમને ખબર માં, મારાથી કાંઈ પણ ભૂલ થાય ને તો ઘરના કહે કે માં એવી દિકરી ત્યારે મનમાં ઘણા સવાલો થાય. આ વાત વાતમાં મૂળ વાત તો ભૂલી જ ગઈ, ડાયરીની વાત! ઘણા દિવસો‌ નીકળી ગયા પણ‌ હું ડાયરી વાંચી ન શકી પણ એક દિવસ રાતના ૨ વાગે અચાનક મારી આંખ ખૂલી ને મને ડાયરીનુ યાદ આવ્યું અને રાતના ૨ વાગે હું ડાયરી વાંચતી હતી. મને ડાયરીમાંથી એવા ઘણા જવાબો‌ મળ્યા છે હું વર્ષોથી શોધતી હતી અને ઘણું જાણવા મળ્યું પણ હું એનો જિક્ર અહીંયા નહીં કરું અને એનો પણ જવાબ મળ્યો કે શા માટે મને બધા આટલી નફરત કરે છે. આ ડાયરી વાંચી ને હું મારું બધું જ દુઃખ ભૂલી ગઈ છુ. માં તમે ધન્ય છો કે તમે તમારા કુટુંબના વિરોધમા જઈને મને જન્મ આપ્યો, મને આ દુનિયા જોવાનો અવસર આપયો, હું હંમેશા તમારી રૂણી રહીશ.... હવે બોવ જાજુ નહીં લખાઈ કારણ કે મારો હાથ ધ્રુજે છે.... હું બોવ યાદ કરૂં છું તમને..


લિ.. તમારી kittu

હર્ષા એ. સોલંકી ‘સતીક્ષા’