Dirghaayu books and stories free download online pdf in Gujarati

દીર્ઘાયુ

દીર્ઘાયુ

લગ્નને નવ વર્ષ થયાં, વાસંતીને ત્યાં પારણું બંધાયું નહીં. સૌથી વધુ ફિકર એની નણંદ માલિનીને હતી, જે પોતે પરણી નહોતી. ગામ આમ તો સાવ નાનું એટલે શક્ય એટલા દેવદેવીઓ, બાધા-આંખડી બધું કરી છૂટ્યા બાદ અંતે એક ચકચારી બાબાના ચરણોમાં માલિનીએ પડતું મૂક્યું. ” બાબા , મારા ભાઈને ખોળો ખૂંદનાર નથી, કોઈ ઉપાય બતાવો.” બાબાએ ચરસના બે દમ લીધા બાદ કહ્યું ” સાત ઘાટના પાણી એક પિત્તળના ઘડામાં ભેગા કરી ભાભીને પીવડાવો…સંતાન અવશ્ય થશે.”

માલિની રાજી રાજી થતી ઘરે આવી. વાસંતી પણ મનોમન કોઈ રીતે સંતાનપ્રાપ્તિ થાય એમ ઇચ્છતી હતી. ભાભી નણંદે મળીને સાત ઘાટના પાણી ભેગા કર્યાં. બરાબર દોઢ વર્ષ પછી વાસંતીએ પુત્રને જન્મ આપ્યો. જો કે વાસંતીના પતિ રઘુનાથ આવા સૂટકાઓમાં માનતા નહીં. ફક્ત ઈશ્વરની ઈચ્છા બળવાન એમ માનતા. બાળકના જન્મ પછીની કુંડળી વગેરે બાબાએ ચકાસી. અને બાળકને પાણીથી દૂર રાખવા સહુને ચેતવ્યા. આ તરફ રઘુનાથે બાબાની આજ્ઞા અવગણી એમનું સૂચવેલું નામ ધ્યાનમાં ન લીધું. ” પાણીની ઘાત બાત શું વળી…વાસંતી! તું આ માલિનીના રવાડે ચડીશ નહીં. ” પુત્રનું નામ ‘દીર્ઘાયુ’ રખાયું.

દીર્ઘાયુને કુદરતી જ પાણી પ્રત્યે ખૂબ પ્રેમ. નાહવા બેસે તો પાણી ઢોળ્યા જ કરે. વરસાદ આવે કે પહેલો એ બહાર નીકળે. વાસંતી અને માલિની તકેદારી રાખી પુત્રને નદી કિનારે અથવા ગામના કોઈ કૂવા પાસે ફરકવા દેતા નહીં. રઘુનાથ રોજ ખેતરે જતા પહેલાં દીર્ઘાયુને બહાદુરીની વાર્તાઓ સંભળાવે. પોતાની સાથે લટાર મારવા લઇ જાય.

દીર્ઘાયુ માટે સૌથી વિશેષ આકર્ષણ જન્માવે તેવી સ્પર્ધા, નદીમાં થતી તરવૈયાઓની હોડ હતી. ચોમાસામાં નદી પાણીથી છલકાય અને તે પછી તરત જાતજાતની સ્પર્ધાઓનું આયોજન નદી કિનારે થાય. વાસંતી દીર્ઘાયુને ફોસલાવીને બેસાડી દેતી..” તારા જેવડા થોડા જતા હશે આવી હોડમાં ભાગ લેવા ! મોટો થઈને જજે.” પણ માલિની તો બાબાના શબ્દો પકડીને બેઠી હતી ” ભાભી તમે પણ શું…! એ દીર્ઘાયુ..તારે આ પાણીને ભૂલી જવાનું..રખેને તું ગયો તો જીવતો નહીં આવે..!” વાસંતીને સાંભળીને ખરાબ લાગતું પણ જ્યાં સુધી દીર્ઘાયુ અમુક ઉંમરે ન પહોંચે, એને આ ગૂંચવાયેલું કોકડું સમજાવવું અઘરું હતું.

થોડા વર્ષો બાદ આવી જ સ્પર્ધાઓનું આયોજન ચાલી રહ્યું હતું. માનવમહેરામણ ઉમટ્યું હતું. દીર્ઘાયુ હવે પોતાની જવાબદારી સમજી જીદ નહીં કરે તેમ વિચારી વાસંતી એને સ્પર્ધાઓ જોવા જવા માટે રોકતી નહીં. આથી દીર્ઘાયુ નદી કિનારે એકલો જઈ શકતો. અચાનક એક સ્ત્રીઓનું વૃંદ વાસંતીના દરવાજે આવી કહેવા લાગ્યું ” અરે તમારો દીકરો નદીમાં કૂદ્યો છે !! સાંભળ્યું છે એને પાણીની ઘાત છે તે તમને જાણ કરવી જરૂરી લાગી ..” વાસંતીનું હૃદય થડકી ઉઠ્યું. માલિની દોડતી દરવાજે આવી…” હાય રે..મારો દીર્ઘ ..ભાભી હાલો ઊભા કેમ છો ??” વાસંતી ઠેસ,ઠેબા ને ગડથોલીયા ખાતી નદી તરફ દોડી. બીજી બાજુ વર્ષોથી બાબાને રઘુનાથનાં ડરથી મળવા ન ગયેલી માલિની, બાબાના દ્વારે જઈ એના પગમાં ફસડાઈ પડી.૯૪ વર્ષીય .બાબા અંતિમ શ્વાસ લઇ રહ્યા હતા.

વાસંતી હાંફતી, ઘુમ્મર લઇ રહેલા મગજને માંડ કાબૂમાં રાખી કિનારે પહોંચી. પેટ ચૂંથાવા લાગ્યું જયારે તેણે જોયું કે દીર્ઘાયુ નદીના ખતરનાક ઊંડા મધ્ય ભાગને ચીરીને કિનારા તરફ આવતો હતો. એ તરવૈયાની હોડમાં ઉતર્યો હતો. ડોહળાયેલા મનને શાંત કરે તે પહેલાં એનો વહાલસોયો દીર્ઘાયુ નદીને સામસામે છેડે તરીને પ્રથમ આવ્યો હતો. કિનારે રાહ જોઈ રહેલાં ગામના લોકોએ ચિચિયારી પાડી એને તેડી લીધો હતો. તાળીઓના ગડગડાટ વચ્ચે વાસંતીનું ધ્યાન રઘુનાથ પર પડ્યું. બિલકુલ સ્વસ્થ અને આત્મવિશ્વાસ સભર, રઘુનાથ પુત્રને વધાવતા હતા. વાસંતી ધક્કામુક્કી પસાર કરી દીકરા પાસે પહોંચી. વાસંતીના માનવામાં નહોતું આવતું ક્યારે એનો પુત્ર આટલો પાવરધો તરવૈયો બની ગયો !! માતા પુત્ર હર્ષથી એકમેકને ભેંટી પડ્યા.

વિજેતાઓ ગામના લોકોની વાહ વાહ સાથે, ગામ વચ્ચેથી રિવાજ મુજબ નીકળ્યા. માલિની ભીડ ખસેડતી ગાળો ભાંડતી આવી…” કહું છું…આ કેમ કરતા જીત્યો !! અરે ભારે ચમત્કાર થયો..દીર્ઘની ઘાત બાબાએ લઇ લીધી..એ સ્વર્ગવાસ પામ્યા.”

રઘુનાથ હવે જાલ્યા ન રહ્યા..” સારું થયું બાબા ઉકલી ગયા…”

“હાય હાય એવું ન કહેવાય તમારાથી..” માલિની છઁછેડાઈ.

” કેમ ન બોલાય..અરે આ તારો દીર્ઘ વર્ષોથી છાને ખૂણે મારી સાથે ખેતરમાં રમવાના બહાને આવી તરવામાં પાવરધો થયો. એમને એમ અવ્વલ નથી આવ્યો. દીર્ઘએ દસ વરસથી નિયમિત નદીના પાણી સાથે દોસ્તી બાંધી છે.તારા જેવા અંધશ્રદ્ધા ફેલાવે છે ..લે જો,આ એનું સાક્ષાત ઉદાહરણ. લોકો પણ આમાંથી બોધ લેશે.”

બધામાં સૌથી વધારે ખુશ વાસંતી હતી. પુત્રની જીત કરતાંય વિશેષ એક વાતની શ્રદ્ધા એને બેઠી હતી કે એનો દીકરો પાણીની ઘાતમાંથી સો એ સો ટકા ઉગર્યો હતો. પાણી તરફથી જાણે એને ‘દીર્ઘાયુ’ ની મહોર લાગી હતી.

Rupal Vasavada

બીજા રસપ્રદ વિકલ્પો