Emporer of the world (જગતનો સમ્રાટ) - 19 Jainish Dudhat JD દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

Emporer of the world (જગતનો સમ્રાટ) - 19

જગતનો સમ્રાટ (ભાગ-19)


આગળના ભાગમાં આપણે જોયું કે ગુરુજી અને રાજેશભાઈ તેમના ઘરની પાછળ આવેલ લીમડાના વૃક્ષ નીચે બેસીને વાતો કરી રહ્યા છે. ગુરુજી રાજેશભાઈને પોતાના અને ગુરુદેવ સાગરનાથની મુલાકાત અને શિક્ષા સમયની વાતો જણાવતા હતા. ગુરુજીની વાતોમાં ઘણા એવા રહસ્યો હતા જેની જાણ અત્યાર સુધી રાજેશભાઈ કે અન્ય કોઈને નહોતી. રાજેશભાઈ એક પછી એક ખુલી રહેલ રહસ્યો સાંભળીને આશ્ચર્યમાં ગરકાવ થઈ ગયા હતા. ગુરુજી રાજેશભાઈને તમામ રહસ્યોથી વાકેફ કરવા માંગતા હતા જેથી રાજેશભાઈ પણ પોતાનું યોગદાન શું છે તેને સારી રીતે સમજી શકે. હવે આગળ,


#######~~~~~~~#######~~~~~~~#######


ગુરુજી રાજેશભાઈને ગુરુદેવ સાગરનાથની લખેલ સૂચનાઓ અને આજ્ઞાઓ એટલે કે જેને કૈલાશધામમા ગુરુદેવના ગ્રંથ તરીકે ઓળખવામાં આવે છે તેના વિશે જણાવી રહ્યા હતા. કઈ રીતે એ ગ્રંથમા લખેલ લખાણ વાંચી શકાય તે માટે ગુરુદેવ સાગરનાથ ગુરુજીને સંકેત આપી ગયા અને ગુરુજીને સમજાય ગયું કે ધ્યાન કરીને તેઓ પોતાને અનુકૂળ બનાવી શકશે. ગુરુજી ધ્યાન કરવા માટે ગુરુદેવ સાગરનાથની મનપસંદ જગ્યાએ આવીને બેસે છે અને ત્યારબાદ તેમને સમજાઈ જાય છે કે ગુરુદેવ તેમને શા માટે ત્યાં આવવાનું કહેતા હતા.


"ગુરુદેવ સાગરનાથ આશ્રમથી અમુક અંતરે આવેલ ઊંચી પથ્થરોની ટેકરીની ધાર પર ધ્યાનમાં બેસતા. ત્યાંથી સમગ્ર આશ્રમ અને આજુબાજુના વિસ્તારને દૂર દૂર સુધી નીરખી શકાતો. જંગલની જમીનથી આ જગ્યા ઘણી ઊંચી હોવાથી જીવજંતુનો ઉપદ્રવ ઓછો અને નિરવ શાંતિનો અનુભવ થાય એવી હોવાથી ધ્યાન કરવા માટે ઉત્તમ જગ્યા હતી. તેમણે પોતાનું પુસ્તક અહી જ બેસીને ધ્યાનસ્થ થઈ તથા પ્રકૃતિ સાથે સમન્વય કરીને લખ્યું હતું. મને હમેશા તેઓ કહેતા કે મારી ગેરહાજરીમાં મારી જરૂર પડે ત્યારે તને (ગુરુજીને) આ મારા સૂચનો જ આગળ લઈ જશે. તારી જેમ એને પણ આ પુસ્તક જ મારા સુધી લઈ આવશે."


રાજેશભાઈ:- " એને એટલે તમે જૈનીષની વાત કરી રહ્યા છો ?" રાજેશભાઈને હવે સમજાવા લાગ્યું હતું કે આ બધી વાતો અને ઘટનાઓ ક્યાંક ને ક્યાંક તો જૈનીષ સાથે જોડાયેલ છે એટલે તેમણે ગુરુજીને આ સવાલ પૂછી લીધો. ગુરુજી આ સવાલ સાંભળીને રાજેશભાઈ તરફ જોયું અને પછી તેમને જવાબ આપ્યો.


ગુરુજી:- "જૈનીષ માટે કીધુ હતું કે બીજા કોઈ માટે એનો જવાબ મારી પાસે નથી આવનાર સમય પાસે છે. મને ગુરુદેવ સાગરનાથે ભવિષ્યની ઈશ્વરીય શક્તિના નિમિત્ત બનનાર માટે અડધું પુસ્તક લખ્યું છે એવું કહ્યું હતું." હવે ચોકવાનો વારો રાજેશભાઈનો હતો. તેઓ એમ જ માનતા હતા કે ગુરુજી જૈનીષને લીધે કૈલાશધામથી આવ્યા છે એટલે જૈનીષ જ હશે જેની વાતો ગુરુજી કરે છે પણ ગુરુજીએ જે કહ્યું એ સાંભળી રાજેશભાઈ વધુ અવઢવમાં પડી ગયા.


રાજેશભાઈ:- "ગુરુજી, તમે કહ્યું હતું કે તમે જૈનીષને કારણે કૈલાશધામ છોડીને આવ્યા છો. એટલે હું એમ જ વિચારતો હતો કે એના માટે જ બાકીનું પુસ્તક હશે. આપ કહો છો કે ગુરુદેવ સાગરનાથે એ કોઈ બીજા માટે લખ્યું છે. ગુરુજી આ વાતો હવે મારા સમજણની બહારની બનતી જાય છે." રાજેશભાઈ થોડા નિરાશ થઈ જાય છે અને માથે હાથ મૂકીને બેસી ગયા. ગુરુજી પોતાની બેઠકેથી ઊભા થઈ રાજેશભાઈ પાસે આવ્યા. ખુબ પ્રેમથી રાજેશભાઈના માથે હાથ ફેરવ્યો અને તેમની બાજુમાં બેસી ગયા.


ગુરુજી:- " રાજેશ, ગુરુદેવની વાતો એટલી સરળ પણ નથી કે તરત સમજાય જાય. હું તને મારા અહી આવવાનું કારણ કહી દવ છું એટલે કદાચ તને થોડી ઘણી ગુરુદેવની વાતો સમજાય જાય." આટલું કહી તેઓ રાજેશભાઈ પાસેથી ઊભા થઈને ફરીથી પોતાની બેઠક પર બેસી ગયા. આંખો બંધ કરીને મહાદેવ અને ગુરુદેવ સાગરનાથને સ્મરણ કરી તેઓ આગળ જણાવે છે.


ગુરુજી:- " ગુરુદેવના કહ્યા મુજબ અડધો ગ્રંથ તેમણે જેના માટે લખ્યો છે તે ભવિષ્યમા કોઈ મોટી ઈશ્વરીય શક્તિનો નિમિત્ત બનનાર છે. એટલે ગુરુદેવ એની શોધખોળ કરવા માટે જ મને આશ્રમની જવાબદારી સોંપીને ગયા હતા. જ્યારે રાજ્યકક્ષાની સ્પર્ધામાં જૈનીષને જોયો ત્યારે તેની રુદ્રાક્ષની માળા જોઈને જ મને સમજાયું કે આ માળા ગુરુદેવ સાગરનાથની આપેલ છે. અને જો આ ગુરુદેવની આપેલ માળા છે તો આ જ એ વ્યક્તિ હોવો જોઈએ એવું માનીને જ હુ અહી આવ્યો છું." ગુરુજીએ આશ્રમથી અહી આવવાનું કારણ રાજેશભાઈને કહી દીધું.

"એને જોઈને મને વિશ્વાસ આવી ગયો છે કે મારી શોધ પૂરી થઈ. હા, રાજેશ. જૈનીષ જ છે ભવિષ્યનો સમ્રાટ અને કદાચ એના માતા પિતાને પણ આ વાતનો થોડો ઘણો ખ્યાલ તો છે જ. પણ તેઓ અત્યારે તે સ્વીકારવા તૈયાર નથી. એટલે ઉચિત સમયની રાહ જોવી રહી. નિયતિ સ્વયમ તેને તેના ગંતવ્ય સ્થાને લઈ જશે. આપણે માત્ર એની પૂર્વતૈયારીઓ માટે સહાયક જ બનવાનું છે. સહાયક એટલે આસિસ્ટન્ટ." છેલ્લું વાક્ય બોલીને ગુરુજી રાજેશભાઈ તરફ સ્મિત કરીને જોઈ રહ્યા.

રાજેશભાઈ:- " ગુરુજી, એટલે તમે એમ કહેવા માંગો છો કે હું ?" આનાથી વધારે શબ્દો રાજેશભાઈથી બોલાયા નહી. ગુરુજી આંખોથી મૂક સંમતિ આપીને હા પાડે છે. " હું કઈ રીતે ગુરુજી ? ભવિષ્યના સમ્રાટને હુ કઈ રીતે તૈયાર કરીશ ?"

ગુરુજી:- " તારી પાસે જે જ્ઞાન અને કૌશલ છે તે તારે એને શીખવાડવાનું છે રાજેશ. બસ બાકી બધું તો જૈનીષ ગમે ત્યાંથી શીખી જ જશે. યાદ રાખજે રાજેશ, તું, હું, અને સ્વયમ ગુરુદેવ માત્ર નિમિત્ત જ બનવાના છીએ એના જ્ઞાન પ્રાપ્તિમાં. બાકી સાચું જ્ઞાન તો એ પોતાની જાતે જ પ્રાપ્ત કરવાનો છે."

આટલું કહી ગુરુજી ચૂપ થઈ ગયા અને રાજેશભાઈ પણ મહદ અંશે પોતાને શું કરવાનું છે તે સમજી ગયા. બંને ગુરુ શિષ્ય હવે વાતોનો દોર અટકાવે છે અને સાંજે મહેમાનોના સ્વાગતની તૈયારીઓ માટે ઘરે પાછા ફરે છે. વધુ આવતા ભાગમાં,

#######~~~~~~~#######~~~~~~~#######

રાધે રાધે

હર હર મહાદેવ