નકશાનો ભેદ - 11 Yeshwant Mehta દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • રહસ્ય,રહસ્ય અને રહસ્ય

    આપણને હંમેશા રહસ્ય ગમતું હોય છે કારણકે તેમાં એવું તત્વ હોય છ...

  • હાસ્યના લાભ

    હાસ્યના લાભ- રાકેશ ઠક્કર હાસ્યના લાભ જ લાભ છે. તેનાથી ક્યારે...

  • સંઘર્ષ જિંદગીનો

                સંઘર્ષ જિંદગીનો        પાત્ર અજય, અમિત, અર્ચના,...

  • સોલમેટસ - 3

    આરવ રુશીના હાથમાં અદિતિની ડાયરી જુએ છે અને એને એની અદિતિ સાથ...

  • તલાશ 3 - ભાગ 21

     ડિસ્ક્લેમર: આ એક કાલ્પનિક વાર્તા છે. તથા તમામ પાત્રો અને તે...

શ્રેણી
શેયર કરો

નકશાનો ભેદ - 11

નકશાનો ભેદ

યશવન્ત મહેતા

પ્રકરણ – ૧૧ : આખરે એક નામ મળે છે

મનોજ ઊંડા વિચારમાં પડી ગયો હતો. મિહિરના સાંકડા અને પુસ્તકો, છાપાં, વિજ્ઞાનનાં સાધનોથી ખીચોખીચ ભરેલા ઓરડામાં પણ એ આમથી તેમ, આમથી તેમ ટહેલી રહ્યો હતો. જાણે આલ્બર્ટ આઈન્સ્ટાઈન કોઈ ગૂઢ કોયડાનો ઉકેલ ખોળવાની મથામણ કરતા હોય એવો એનો દેખાવ હતો.

પરંતુ જ્ઞાનની વાત સાંભળીને એ ટહેલતો અટકી ગયો. એણે ભવાં ચડાવીને પૂછ્યું, “પોલીસ ? અરે જ્ઞાન, તું તે ગાંડો થયો છે ? તને શું એમ લાગે છે કે ઇન્સ્પેક્ટર કાચવાલા આપણી વાત માનશે ?”

બેલા બોલી ઊઠી, “એ બુઢ્ઢો અત્યારે આપણી વાત નહિ માને, પણ રવિવારે માનશે. શનિવારે રાતે લૂંટ થશે પછી એને અક્કલ આવશે કે છોકરાંઓ સાચું કહેતાં હતાં. આ પોલીસવાળાઓ હોય છે જ એવા – જ્યાં સુધી ગુનો બની ન જાય ત્યાં સુધી માને જ નહિ ને કે ગુનો બની શકે છે.”

વિજય કહે, “ભલે ને એ બબૂચક દેખાતો ! આપણે શું ?”

વિજય આવું બોલ્યો તે એની ભૂલ હતી. મનોજ તરત જ એના પર નારાજ થઈ ગયો. એની સામે એવા ડોળા તતડાવ્યા કે જાણે હમણાં જ વિજયને મારી બેસશે. પણ એણે હાથ ન ઉગામ્યો. ખાલી જીભ ચલાવી, “ઓફિસર વિજય ! તું શું બોલે છે એનું તને ભાન છે ? શું મનોજ એન્ડ કંપની ડિટેક્ટિવ એજન્સીને જાણ હોવા છતાં લૂંટ થઈ શકશે, એમ ? આપણે શું ચૂડીઓ પહેરી છે ? આપણે શું કાયર છીએ ? આપણી ફરજ શી છે એની તને ગતાગમ નથી. આપણે હયાત હોઈએ અને કોઈ લૂંટ કરી જાય એ વાતમાં માલ શો છે ?”

બિચારો વિજય ! એ તો પોલીસવાળાઓને બબૂચક બતાવવાની ધૂનમાં ડિટેક્ટિવ એજન્સીનો મૂળ ઉદ્દેશ જ વીસરી ગયો હતો. એનું મસ્તક શરમથી ઝૂકી ગયું. મનોજનો ગુસ્સો એ કદી ખમી શકતો નહિ. ખરું પૂછો તો એક બેલા જરાક બહાદુર હતી, બાકીના સૌ મનોજના ક્રોધ આગળ થરથર કંપતા.

જોકે મનોજનો ગુસ્સો એક બીજા કારણે પણ હતો. આટલી બધી મહેનત પછી એ લોકો પેલી ભાવિ લૂંટ વિશે ખાસ કશી માહિતી મેળવી શક્યા નહોતા. એ નિષ્ફળતાને કારણે જ મનોજ અકળાયો હતો અને એ અકળામણ ગુસ્સાનું રૂપ લઈ રહી હતી.

એનો ગુસ્સો ઠંડો કરવા માટે જલદીજલદી કશોક માર્ગ શોધવાનું જરૂરી હતું. ભેદી નકશાના આ કેસનું આગળનું પગલું વિચારી કાઢવાનું હતું.

એ કામ મિહિરે કર્યું. એ બોલ્યો, “ઇન્સ્પેક્ટર કાચવાલાને ગળે આપણી વાત ઉતારવાનો એક ઉપાય છે.”

મનોજે વડચકું ભર્યું, “એમ કે ? કયો ઉપાય છે ?”

મિહિર કહે, “પેલી ચિઠ્ઠી રતનજી ભીમજીએ જ લખી છે, એ તો આપણે જાણ્યું. પણ એ ચિઠ્ઠી એણે કોને લખી છે એ શોધી કાઢીએ તો કાચવાલા જરૂર વાત સાંભળે.”

મનોજે પૂછ્યું, “એવું તને શા પરથી લાગે છે ?”

મિહિર કહે, “રતનજી ભીમજી પોતાની દુકાનમાં બનાવટી લૂંટ કરાવવા માગે છે, બરાબર ? પરંતુ એ પોતે એ લૂંટ કરવા માગતો નથી. એ માટે એણે એક સાગરીતને સાધ્યો છે. એને લૂંટ કેમ કરવી, એલાર્મ સીસ્ટમ કેમ ખોરવવી, એ બધું જણાવ્યું છે. એનો આ સાગરીત ધંધાદારી લૂંટારો હોવો જોઈએ. દુકાનનાં તાળાં કેમ તોડવાં, તિજોરીઓ કેમ ભાંગવી, વીજળીનાં કનેક્શન કેમ કાપવાં, એ બધું એ ધંધાદારી માણસ જાણતો હોય. પણ એ ધંધાદારી લૂંટારો હોય તો પોલીસ એને ઓળખતી હોય. પોલીસની પાસે નાનામોટા સૌ ગુનેગારોનો રેકોર્ડ રહે છે.”

મનોજના કપાળે વળી કરચલીઓ પડી ગઈ. એ બોલ્યો, “ધાર કે આપણે એ સાગરીતનું નામ શોધી કાઢ્યું. પછી શું ?”

મિહિર કહે, “પછી તરત જ પોલીસ એની પાછળ પડી જશે.”

બેલા બોલી ઊઠી, “આનો અર્થ શો થાય એ તમે છોકરાઓ સમજો છો ?”

મનોજ કહે, “ના, શાણીબાઈ, તમે જ સમજાવો એનો અર્થ.”

બેલા કહે, “આનો અર્થ એ કે મારું જે મૂળ સૂચન હતું એનો જ આપણે આશરો લેવો પડશે. પેલી મોરોક્કોવાળી ચોપડી જ્ઞાનના પપ્પાની અગાઉ કોણ લઈ ગયું હતું એ જાણવું પડશે. કારણ કે એ જ રતનજી ભીમજીનો સાગરીત છે !”

મનોજ છોભીલો પડી ગયો. “અરરર ! ત્યારે શું ફરી વાર લાયબ્રેરીમાં જવું પડશે ? ભયંકર, ભયંકર !”

બેલા બોલી, “તમને ગમે કે ન ગમે, પરંતુ લાયબ્રેરી વગર આપણો ઉદ્ધાર નથી. આ વાત અનેક અર્થમાં સાચી છે. આ ભેદનો ઉકેલ મેળવવા જ નહિ, હોંશિયાર વિદ્યાર્થી બનવા માટે પણ લાયબ્રેરીનું જ શરણું લેવું જોઈએ. તમે છોકરાઓ આખો દિવસ લખોટા ને ગિલ્લીદંડા ને ક્રિકેટ કૂટવાને બદલે લાયબ્રેરીનો લાભ લેતા હો તો કાંઈક અક્કલ આવે તમારી ખોપરીઓમાં !”

મનોજ બગડી બેઠો. “બસ કર, જોગમાયા, બસ કર ! તારું લાયબ્રેરી પુરાણ બસ કર ! હું તો પહેલેથી જ કહેતો આવ્યો છું કે આ ભેદનો ઉકેલ લાયબ્રેરીમાં જ છે. હવે મને લાગે છે કે પેલો લૂંટારો આ જ વિષયનું બીજું પુસ્તક લઈ ગયો હશે. અને પેલા માણેકલાલે કહેલું ને કે અમુક પુસ્તક કોણ લઈ ગયું છે એ જાણી શકાય. એટલે પહેલાં તો આપણે મોરોક્કો વિશેનાં જેટલાં પુસ્તકો લાયબ્રેરીમાં છે એ તપાસીએ. પછી જે ખૂટતું હોય તે કોણ લઈ ગયું છે એ પૂછીએ. બરાબર ?”

સૌએ ‘બરાબર, બરાબર’ કહેતાં કહેતાં તો મિહિરના ઓરડામાંથીય બહાર નીકળવા માંડ્યું.

એ લોકો લાયબ્રેરીમાં પહોંચ્યાં. એના કાઉન્ટર ઉપર ગયાં. જ્ઞાનનો પેલો પટ્ટો હજુય કાઉન્ટર ઉપર હતો. એનું કોઈ ઘરાક થયું નહોતું.

પણ આનંદની વાત એ હતી કે કાઉન્ટરની પાછળ મૂજી માણેકલાલ નહોતો. એને બદલે કોકિલાબેન ગોર હતાં. અને માણેકલાલ કરતાં એમનો મિજાજ તદ્દન નોખો હતો. એમને બાળકો ખૂબ ગમતાં. બાળકો લાયબ્રેરીમાં આવે, એના જ્ઞાનના ખજાનાનો લાભ લે એ જોઈને કોકિલાબેન ખૂબ ખુશ થતાં. એમણે આ ડિટેક્ટિવો તરફ જોઈને મોં મલકાવ્યું. એથી મનોજની હિંમત વધી ગઈ.

એણે તરત જ કાઉન્ટર ઉપર ઝૂકીને કહ્યું, “કોકિલાબેન, અમારા એક કેસના ઉકેલ માટે આફ્રિકાના એક દેશની થોડી માહિતી જોઈએ છે.”

કોકિલાબેન હસી પડ્યાં. “વાહ, આવ્યા મોટા ડિટેક્ટિવો ! ચાલો મારી સાથે.”

એમની બોલીમાં ક્યાંય જરાય કડવાશ નહોતી. જાણે પોતાના વિદ્યાર્થીઓને કોઈ નવી જગા બતાવવા માટે શિક્ષિકા લઈ જાય તેમ એ પુસ્તકોના એક ઘોડા તરફ સૌને દોરી ગયાં. પછી જરાક ઊંચીનીચી નજર કરીને એ બોલ્યાં, “અં... મોરોક્કો... એને વિશે આપણે ત્યાં ત્રણ પુસ્તકો છે... ના, ચાર છે... જ્ઞાન, તું એમનાં નામ લખવા લાગ. પહેલું છે મોરોક્કોની યાત્રા, બીજું મોરોક્કો – આફ્રિકાનું પ્રવેશદ્વાર, ત્રીજું મોરોક્કોની મફત મુસાફરી અને ચોથું છે મોરોક્કોનો ઈતિહાસ. નોંધી લીધું ?”

જ્ઞાન કહે, “હા, બેન. આમાંથી આપણે મોરોક્કોની યાત્રા બાદ કરીશું, કારણ કે એ કોની પાસે છે એની અમને ખબર છે. બાકીનાં ત્રણ...”

કોકિલાબેન કહે, “ચાલો મારી સાથે.”

બધાં પાછાં કાઉન્ટર આગળ આવ્યાં. કોકિલાબેને ત્યાં હારબંધ ગોઠવેલાં કેટલાંક નાનાંનાનાં કાર્ડ અને એક મોટો ચોપડો તપાસવા માંડ્યાં. પછી કહ્યું, “અચ્છા, જ્ઞાન, હવે આગળ લખવા માંડ. મોરોક્કો – આફ્રિકાનું પ્રવેશદ્વાર એ મહાગુજરાત કૉલેજના પ્રિન્સિપાલ દેસાઈ લઈ ગયા છે. મોરોક્કોની મુસાફરી કોઈ તનસુખ બારોટ નામના ભાઈ પાસે છે. એમને હું ઓળખતી નથી. અને મોરોક્કોનો ઈતિહાસ ઈસાઈ દેવળના ફાધર ફ્રાન્સિસ લઈ ગયા ચેહ. બે અઠવાડિયા પહેલાં એ પાછું આવી જવું જોઈતું હતું પણ આવ્યું નથી. ફાધર હંમેશા દંડ જ ભરે છે. એ ભૂલકણા માણસ છે.”

આટલું કહીને કોકિલાબેને આ ત્રણેયનાં સરનામાં પણ લખાવ્યાં.

છોકરાંઓના આનંદનો પાર ન રહ્યો. માહિતી મેળવીને લાયબ્રેરીના બહારના ઓરડામાં આવ્યાં. બેલા બોલી ઊઠી, “એક તો આ વિજયના પપ્પા અને બીજાં આ કોકિલાબેન... આખી દુનિયામાં આવાં સરસ માણસો વસતા હોય તો કેવું સારું !”

પરંતુ મનોજનું દિમાગ હમણાં સારાં-નરસાં લોકોની વસતીગણતરી કરવા નવરું નહોતું. એ તો નકશાનો ભેદ ઉકેલવામાં જ મગ્ન થઈ ગયો હતો. એ બોલ્યો, “જુઓ, આ પ્રિન્સિપાલ દેસાઈ કાંઈ ઝવેરાતની બનાવટી લૂંટમાં પડે નહિ. એ તો વિદ્યા અને શિક્ષણના માણસ છે. એ જ રીતે, ફાધર ફ્રાન્સિસ તો સાધુ છે. એમને ધનમાલની જ કશી તમા ન હોય, પછી લૂંટમાં તો એ સંડોવાય જ નહિ. બાકી રહે છે એક આ બારોટ બંધુ !”

બેલા બોલી ઊઠી, “અને એ બારોટ બંધુ બદમાશ હોય એવું મને ક્યારનું ય લાગ્યા કરે છે.”

ચારેય છોકરાઓએ ચોંકીને બેલા તરફ જોયું.

વિજયે એને પૂછ્યું, “તને એવું ક્યારનું ય લાગ્યા કરે છે, એમ કહેવાનો મતલબ શો છે, બેલા ? એનું નામ તો હજુ બે મિનિટ પહેલાં સાંભળ્યું !”

બેલા કહે, “મોરોક્કોની ચોપડી બાબતમાં નામ હમણાં સાંભળ્યું એ બરાબર, પણ એ માણસને હું વરસેકથી ઓળખું છું. અમારી પડોશના લત્તામાં જ રહે છે. મરો મોટો ભાઈ આદિત્ય કહેતો હતો કે એક વાર એક ચોરાયેલી કારના મામલામાં પોલીસ એને ઘેર આવી હતી. આદિત્યે એવું પણ કહેલું કે એ શો ધંધો કરે છે અને ક્યાંથી પુષ્કળ નાણાં લાવે છે એ પણ એક પ્રશ્ન છે. જોકે આ બધી સાંભળેલી વાતો છે. એ ગુનેગાર જ છે એમ કહી શકાય નહિ.”

મનોજ કહે, “આપણે પોલીસને પૂછીશું કે એ માણસ તમારા ચોપડા પર છે કે નહિ એ શોધી કાઢો.”

જ્ઞાન કહે, “ધારો કે પોલીસને દફતરે એનું નામ ન નીકળે તો આપણે ભોંઠા જ પડીએ ને ?”

મિહિર કહે, “એનો એક ઉપાય છે.”

મનોજે પૂછ્યું, “શો ?”

મિહિર કહે, “પહેલાં તો આપણે જ થોડીક તપાસ આ બારોટ વિશે કરી લઈએ.”

મનોજે પૂછ્યું, “કેવી રીતે ?”

મિહિર કહે, “આમ નજીક આવો. તમારા કાનમાં કહું.”

- અને મિહિરનો અવ્વલ નંબરનો વૈજ્ઞાનિક આઈડિયા સાંભળીને સૌ ઝૂમી ઊઠ્યાં.

મિહિર કહે, “આજે હજુ શુક્રવાર છે. લૂંટ થવાને છત્રીસ કલાકની વાર છે. એ પહેલાં તો આપણે તપાસ કરી લઈશું.”

*#*#*