Abhagiyo books and stories free download online pdf in Gujarati

અભાગીયો

આ વાર્તામાં એક અભાગીયા વૃદ્ધની વાત છે જે ગામના રામ મંદિરના ચોરા પાસે રહે છે. તેનું બાપદાદાનું બે માળનું જૂનું મકાન હોય છે અને મકાનની આગળ તેની ચોકલેટ, પીપરમેન્ટ અને કરિયાણાની દુકાન હોય છે. હાલમાં તેની વૃદ્ધાવસ્થા ચાલી રહેલી હોય છે અંદાજે 65 થી 70 વર્ષની ઉંમર છે. જીવનનો સંધ્યાકાળ ચાલી રહેલો હોય છે પરંતુ આ ઉંમરે તેની પાસે તેમના પરિવારનો કોઇ સભ્ય હાજર હોતો નથી. તેની પત્ની તારાબેન અને તેનો મોટો પુત્ર વિશાલ સ્વર્ગે સિધાવી ચુક્યા હોય છે. તેનો નાનો પુત્ર વિવેક job ને કારણે લંડનમાં શિફ્ટ થઈ ગયો હોય છે. ઘણા વર્ષોથી તે પોતાના પિતાજીને મળવા આવ્યો નથી, ક્યારેય તેને ફોન કરતો નથી કે નથી તેની કાળજી લેતો. બે માળના મકાનના ધીરજલાલ એકલો જ રહે છે. નીચે ઓસરીમાં ખાટલો નાખીને તે પડ્યો રહે છે. વૃદ્ધાવસ્થાને કારણે તે બીમાર રહે છે તેને લીધે તે બહૂ હરી-ફરી શકતો નથી. જિંદગીના સુખ-દુખ, તડકા-છાયામાંથી આ અભાગીયો વૃદ્ધ પસાર થઈ ચૂક્યો હોય છે. બીમાર અને અશક્ત રહેતા ધીરજલાલ જિંદગીની સંધ્યાએ પોતાના ભૂતકાળના દિવસોને યાદ કર્યા કરે છે, આંખોમાંથી આંસુઓ પડ્યા કરે છે અને ભગવાનને ફરિયાદ કર્યા કરે છે.

ધીરજલાલનો ભૂતકાળ અતિ ભવ્ય હોય છે. અત્યારે ભૂતિયા જેવું લાગતું તેનું મકાન ભૂતકાળમાં એક હવેલી જેવું રોશનીથી સજાવેલું રહેતું જેમાં તેનો એક સુખી અને સંપન્ન પરિવાર રહેતો હતો. આજે અતિ સૂમસાન લાગતું તેનું પોતાનું ઘર તેને કરડવા માટે દોડતું હોય તેવું ભાસે છે. વૃદ્ધાવસ્થાને કારણે તેની દ્રષ્ટિ ઝાંખી થઈ ગઈ છે. ભૂતકાળમાં ગામમાં તેમનું એક શેઠ તરીકે માન-સન્માન અને પ્રતિષ્ઠા હોય છે. તે અને તેનો પરિવાર ગામમાં ધનિક તરીકે ઓળખાતા હતા. તેના સગા-વહાલાઓ તેની વાહવાહી કરતા થાકતા નહોતા. ધીરજલાલનો પરિવાર ગામમાં સુખી પરિવાર હતો. પરંતુ કાળચક્ર સામે કોઈનું શું ચાલે છે?? એક સમયના ગામના સૌથી ધનવાન ધીરજલાલ શેઠ અને આજે એક લાચાર, બીમાર અને અશક્ત વૃદ્ધ ધીરજલાલ.

ગામમાં તેની પ્રતિષ્ઠા ને કારણે ગામમાંથી કોઈ ને કોઈ વ્યક્તિ તેને જમવાનું આપી જતું હોય છે. ગામના નાના બાળકો તેના ઘરમાં રમવા માટે આવતા હોય છે. તેને લીધે તેને થોડી રાહત રહે છે અને તેના નાના-મોટા કામો બાળકો કરી આપે છે. જ્યારે બાળકો તેના ઘરે રમવા આવે ત્યારે ધીરજલાલ તેમને તેના ભૂતકાળની બધી વાતો વાર્તા સ્વરૂપે કરતા. બાળકો સાથે વાત કરતા કરતા ક્યારેક તે ભૂતકાળમાં ખોવાઈ જતા હતા.

તેને 40-50 વર્ષ પુરાણા દિવસો યાદ આવી જાય છે જ્યારે તે અને તેની પત્ની તારાબેન લગ્ન કરીને તેના ઘરમાં આવ્યા હતા ત્યારે ઘરમાં ખુશીઓનું વાતાવરણ હતું. ધીરજલાલ પિતાશ્રીના એકના એક પુત્ર હતા. તેમના પિતાશ્રી ગુણવંતરાયનું વેપારમાં ખૂબ મોટું નામ હતું. તેની વેપારની એક મોટી પેઢી હતી જે ગુણવંતરાય અને ધીરજલાલ બંને મળીને સંભાળતા હતા. તેનો વેપાર દૂર દૂર શહેરો સુધી ફેલાયેલો હતો. તેના પિતાશ્રી ગુણવંતરાય ઈમાનદારીથી પોતાનો ધંધો અને પરિવાર સંભાળતા હતા. ધીરજલાલના માતૃશ્રી નર્મદાબેન સ્વભાવે બહુ ભાવ ભક્તિવાળા, સત્સંગી અને પરોપકારી જીવ હતા. વારે તહેવારે બંને પતિ-પત્ની ગરીબ લોકોને દાન પણ આપતા હતા અને જો કોઈ સગાવ્હાલાને રૂપિયાની જરૂર હોય તો તેમને રૂપિયા પણ આપતા હતા. જ્યારે પણ કોઇ તહેવાર પ્રસંગ હોય ત્યારે તેનું ઘર રોશનીથી શણગારેલું રહેતું. ધીરજલાલના પત્ની તારાબેન પણ શાંત અને સમજદાર સ્વભાવના હતા. તે પોતાના સાસુ સસરાની સેવા સગા મા-બાપની જેમ કરતા હતા. ગામમાં ગુણવંતરાયનો પરિવાર એક આદર્શ, સંસ્કારી, સુખી અને સંપન્ન પરિવાર તરીકે ઓળખાતો હતો.

થોડા વર્ષો પછી આ પરિવારમાં ભગવાને જાણે ખુશીઓનો વરસાદ કર્યો હોય તેમ આ પરિવારના બગીચામાં બે ફૂલ ખીલ્યા હતા. વિશાલ અને વિવેક, જેને લીધે તેના પરિવારની ખુશીઓમાં વધારો થયો હતો. ગુણવંતરાય પોતાના બંને પોત્રોને લઈને ગામમાં ફરતા, બગીચામાં જતાં, મંદિરે જતા અને તેને ખૂબ જ લાડ લડાવતા હતા. જેમ મૂડીપતિઓને અસલ કરતા વ્યાજ વધારે વ્હાલુ હોય તેમ ગુણવંતરાય અને નર્મદાબેનને તેમના પોત્રો વ્હાલા હતા. આવી રીતે હસી ખુશીમાં તેઓનું જીવન પસાર થઈ રહ્યું હતું. ધીમે ધીમે વિશાલ અને વિવેક પણ મોટા થતા જતા હતા અને સ્કૂલે પણ જવા લાગ્યા હતા. વિશાલ અને વિવેક ભણવામાં ખૂબ જ હોશિયાર હતા તેથી ધીરજલાલની છાતી ગજ ગજ ફૂલતી હતી.

જેમ સમય વિતતો ગયો તેમ વિશાલ અને વિવેકે પોતાનો હાઈસ્કૂલનું શિક્ષણ પૂરું કરી અને વધારે ભણતર માટે શહેર જવાનું નક્કી કર્યું. ગુણવંતરાયને યુવાન છોકરાઓ શહેરમાં જઈને શિક્ષણ મેળવે તેના પ્રત્યે વાંધો ન હતો પરંતુ તેઓ પરિવારથી દૂર થાય છે તેને લીધે તેને મનમાં કચવાટ થતો હતો પરંતુ ધીરજલાલે તેમને સમજાવ્યા કે આજના જમાનામાં શિક્ષણ કેટલું જરૂરી છે તેથી ગુણવંતરાયે વિશાલ અને વિવેકને શહેરમાં જઈને ભણવાની પરવાનગી આપી.

વિશાલ અને વિવેકે શહેરમાં પોતાનું ભણતર પુરુ કર્યા બાદ તેઓ શહેરમાં જ જુદી જુદી કંપનીઓમાં નોકરી માટે Apply કરવા માંડ્યું ત્યારે દાદા ગુણવંતરાયે તેઓને સમજાવ્યા કે આપણા બાપદાદાનો બહુ મોટો ધંધો છે તેથી તે બંને આ ધંધામાં સેટલ થઈ જાય પરંતુ વિશાલ અને વિવેક પોતાની ઈરાદા પ્રત્યે મક્કમ હતા. તેને શહેરમાં જ નોકરી કરીને settle થવાનું નક્કી કરી લીધું હતું તેથી તેઓ ગુણવંતરાયનું માન્યા નહિ.

ગુણવંતરાયનું મન માનતું ન હતું કે વિશાલ અને વિવેક પોતાના પરિવારથી દૂર થાય. વિશાલ અને વિવેકને પોતાની પાસે એક જ પરિવારમાં રાખવા માગતા હતા ત્યારે ધીરજલાલે પોતાના પિતાશ્રીને સમજાવ્યા કે હવે જમાનો બદલાઈ ગયા છે છોકરાઓ જ્યારે મોટા થાય ત્યારે તેની પસંદગી કરવાનો તેમને અધિકાર છે અને જ્યાં સુધી કારોબાર અને પરિવારની તમને ચિંતા હોય તો હું તમારી સાથે જ છું અને હું તમને છોડીને ક્યાંય જવાનો નથી. તમે વિશાલ અને વિવેકને શહેરમાં જઈને નોકરી કરવાની પરવાનગી આપો ત્યારે ગુણવંતરાય ના છુટકે, વિશાલ અને વિવેકને શહેરમાં જવાની અને નોકરી કરવાની પરવાનગી આપી.

જ્યારે વિશાલ અને વિવેક શહેર જતા હતા ત્યારે ઘરનું વાતાવરણ ગમગીન થઈ ગયું. નર્મદાબેન અને તારાબેન ખૂબ જ રડ્યા. તેને જોઈને ગુણવંતરાય અને ધીરજલાલની આંખોમાં પણ આંસુ આવી ગયા તેઓ કોઈ નહોતા ઇચ્છતા કે વિશાલ અને વિવેક શહેરમાં જઇને નોકરી કરે પરંતુ કિસ્મત આગળ કોઈનું ક્યાં ચાલે છે??

વિશાલ અને વિવેકના શહેર ગયા બાદ થોડા મહિના ઘરમાં બધાને સૂનું સૂનું લાગતું હતું, કોઈને ક્યાંય ચેન પડતું ન હતું પરંતુ સચ્ચાઈને આખરે સ્વીકારીને ધીમે ધીમે તેમનું જીવન થાળે પડવા માંડ્યું. વિશાલ અને વિવેક પણ શહેરમાં અને પોતાના જીવનમાં settle થવાના પ્રયત્નો કરવા માંડયા. બંનેને સારી કંપનીમાં નોકરી મળી ગઇ. બંનેની ખુશીઓનો કોઇ પાર ન હતો. આ સમાચાર ગુણવંતરાય અને ધીરજલાલને મળતા તેઓ પણ પોતાના સંતાનો માટે ખુશ થયા હતા.

હવે ધીરજલાલ અને તારાબેનને વિશાલ અને વિવેકના લગ્નની ચિંતા સતાવવા લાગી. તેઓએ વિશાલ અને વિવેક માટે કન્યાઓ શોધવાનું શરૂ કર્યું. ત્યારે સમાચાર આવ્યા કે વિશાલ અને વિવેકે પોત પોતાની કંપનીમાં જ છોકરીઓને પસંદ કરી લીધી છે અને તેની સાથે જ તેઓ લગ્ન કરશે એવું નક્કી કરી લીધું છે. આખા પરિવારને તેઓના આ નિર્ણયથી ખૂબ જ દુઃખ થયું પરંતુ પોતાના પુત્રોની ખુશીની આગળ તેઓ બધાને ઝૂકવું પડ્યું. ધીરજલાલ અને ગુણવંતરાયે વિશાલ અને વિવેકના લગ્નમાં ગામના બધા લોકોને આમંત્રણ આપ્યું હતું. ધીરજલાલ અને ગુણવંતરાયે લગ્ન પ્રસંગમાં ઘણો ખર્ચ કર્યો હતો. બંનેના લગ્ન શહેરમાં ધામધૂમપૂર્વક કરાવી આપ્યા હતા.

લગ્નના થોડા સમય બાદ વિશાલ અને વિવેકે ધીરજલાલને શહેરમાં પોતાના માટે ઘર લેવાની વાત કરી ત્યારે ગુણવંતરાયે સમયનો તકાજો સમજીને પોતાની મિલકત ત્રણ ભાગમાં વહેંચી નાખી અને વિશાલ અને વિવેકનો તેમનો હિસ્સો આપી દીધો. ગુણવંતરાયે ગામની બધી મિલકત પોતાના પુત્ર ધીરજલાલને સોપી દીધી અને પોતે જીવતા જગતિયું કરી નાખ્યું.

બધા પોતપોતાની જગ્યાએ સેટ થઈ ગયા પરંતુ ધીમે ધીમે સમયે કરવટ ફેરવી. કારોબારમાં મંદીના વાદળો છવાવા માંડ્યા. મંદીના સમય દરમિયાન શહેરની મોટી મોટી પેઢીઓ ઊઠવા માંડી અને ફુલેકા ફરવા માંડયા. ગુણવંતરાય અને ધીરજલાલનો મોટાભાગનો કારોબાર ક્રેડિટ ઉપર જ ચાલતો હતો તેથી ગુણવંતરાય અને ધીરજલાલને ધંધામાં મોટી ખોટ જવા માંડી. તેઓના ઘણા પૈસા ડૂબી ગયા અને તેઓ કર્જામાં આવી ગયા. ધંધામાં ખોટ જવાને કારણે તેના સગા-વ્હાલાઓ કે જે તેમની વાહી વાહી કરતા થાકતા નહોતા તેઓએ પણ તેમની સામે મોઢા ફેરવી લીધા હતા અને કોઈ આશ્વાસનના બે શબ્દો પણ કહેવા આવતા ન હતા કારણકે કદાચ ગુણવંતરાય કર્જાના બહાને તેની પાસે ઉધારમાં રૂપિયા માંગે તો?? અત્યાર સુધી તેણે જેને જેને આર્થિક રીતે મદદ કરી હતી, તેઓ બધા હવે, અજાણ્યા હોવાનો ડોળ કરતા હતા ગુણવંતરાયને તેનો ઘણો આઘાત લાગ્યો. ધીરજલાલ અને તેના પરિવારે ગુણવંતરાયને સમજાવવાની ઘણી કોશિશ કરી પરંતુ તે સફળ ન થઈ. અંતે, ગુણવંતરાયનો આ આઘાત જીવલેણ નીકળ્યો અને ગુણવંતરાય શેઠ સ્વર્ગે સિધાવી ગયા. ગુણવંતરાય મૃત્યુથી તેના પત્ની નર્મદાબેનને ઘણો આઘાત લાગ્યો અને તેના પગલે પગલે તેઓ પણ સ્વર્ગે સિધાવી ગયા.

ધીરજલાલે વેપારમાં ખોટની વાત પોતાના બંને પુત્રોને કરી, ત્યારે વિશાલ અને વિવેકે શહેરમાં પોતાના ખર્ચાઓ ઘણા છે તેમ જણાવીને વાતને ટાળી દીધી. તેથી ધીરજલાલે ના છુટકે ગામમાં પોતાની જમીન, મિલકત બધુ વેચીને પોતાની પેઢીનો કર્જો પુરો કર્યો. હવે તેમની પાસે મકાન સિવાય કશું બચ્યું ન હતું. મકાનની આગળનો રૂમ જે શેરીમાં પડતો હતો તેમાં તેને શટર નાખીને દુકાન બનાવી દીધી અને તેમાં ચોકલેટ, પીપરમેન્ટ અને કરિયાણાનો સામાન રાખીને ધંધો શરૂ કર્યો. પોતાની સારી પ્રતિષ્ઠાને લીધે તેનો ધંધો ઠીક ઠીક ચાલી રહ્યો હતો અને બંને પતિ-પત્નીનું ગુજરાન ચાલી જતું હતું. ધીરજલાલ અને તારાબેન સારા દિવસો પાછા આવશે તેવી આશાએ જેમ તેમ કરીને દિવસો ગુજારવા માંડ્યા પરંતુ કિસ્મતને બીજૂ જ મંજૂર હતું, અચાનક એક દિવસ સમાચાર આવ્યા કે તેમના મોટા પુત્ર વિશાલનું કંપનીની કાર અકસ્માતમાં મૃત્યુ થઈ ગયું છે. આખો પરિવાર આ સમાચાર સાંભળીને સ્તબ્ધ થઇ ગયો. જ્યારે વિશાલના મૃતદેહને ઘરે લાવવામાં આવ્યો ત્યારે ધીરજલાલને તારાબેનની હાલત કફોડી થઈ ગઈ. તેઓના હૈયાફાટ રૂદનથી કઠણ માનવીના કાળઝાઓ પણ હચમચી ગયા. ગામના બધા કહેવા માંડ્યા કે ધીરજલાલ અને તારાબેનની ભગવાને આકરી કસોટી કરી છે. વિશાલની બધી વિધિઓ પત્યા બાદ તેની પત્ની અને બાળકો પણ તેના પપ્પાના ઘરે ચાલ્યા ગયા. વિશાલના જવાથી તારાબેનની તબિયત લથડવા માંડી. ધીરજલાલે તેને સમજાવવાની ઘણી કોશિશ કરી કે આ સંસાર છે તેમાં બધું ચાલ્યા કરે પરંતુ વિશાલના જવાનો કારમો આઘાત તારાબેન ઝીલી ન શક્યા અને તેઓ પણ સ્વર્ગે સિધાવી ગયા. હવે, ધીરજલાલ સાવ એકલા અટુલા રહી ગયા.

તારાબેનના ગયા બાદ ગામવાળા અને સગા-વ્હાલાઓએ વિવેકને સમજાવ્યો કે તમારા માટે થઈને તમારા માતા પિતાએ રાત દિવસ જોયા વિના ખૂબ જ મહેનત કરી છે. તમારી પ્રગતિ માટે ઘણી કામનાઓ કરી છે. હવે, ધીરજલાલ સાવ એકલા પડી ગયા છે અને તેની વૃદ્ધાવસ્થા પણ આવી રહી છે તેથી તમારી ફરજમાં આવે કે તેની આ અવસ્થામાં તેને પોતાની સાથે શહેરમાં લઈ જઈને તેની સાર-સંભાળ લે. વિવેક અને તેની પત્ની માયા આ માટે બિલકુલ તૈયાર ન હતા પરંતુ લોક લાજે તેને ધીરજલાલને કહ્યુ કે તે શહેરમાં આવી તેની સાથે જ રહે. ગામ લોકોએ પણ ધીરજલાલને સમજાવ્યો કે હવે તે એકલો થયો છે તો તે પોતાના પુત્રની સાથે શહેરમાં રહે, તે જ તેના માટે બહેતર છે.

આમ તો, ધીરજલાલની પોતાનું ગામ અને ઘર છોડીને જવાની ઇચ્છા ન હતી કારણ કે તેની સાથે તેની ઘણી જૂની યાદો જોડાયેલી હતી. પરંતુ નાછૂટકે તેને પોતાનું મકાન બંધ કરી અને વિવેક સાથે શહેરમાં રહેવા જવું પડ્યું. થોડાક દિવસ સુધી વિવેક અને તેની પત્ની માયાએ ધીરજલાલની સારી રીતે સાર સંભાળ રાખી. ધીરજલાલને પણ શહેરનો નવો માહોલ મળ્યો હતો. ધીરજલાલ પોતાના પૌત્ર પૌત્રી સાથે રમતા, તેને બગીચામાં ફરવા લઈ જતાં અને તેને લાડ લડાવતાં હતા. બગીચામાં ફરવા આવતા ઘણા વૃદ્ધો સાથે તેને મૈત્રી થઈ ગઈ હતી તે વૃદ્ધ મિત્રો સાથે ગપ્પા લડાવતા, ગામડાની વાતો કરતા અને જૂની યાદોને તાજા કરતા. તેથી ધીરજલાલનો સમય સારી રીતે પસાર થવા માંડ્યો.

ચાર-પાંચ મહિના બાદ વિવેક અને માયાનું ધીરજલાલ પ્રત્યે વર્તન બદલાવવા માંડ્યું. ધીરે ધીરે તેઓ ધીરજલાલને ignore કરવા માંડ્યા. તેની નાની નાની બાબતોમાંથી તેની ભૂલ કાઢીને તેની હડધૂત કરવા માંડ્યા. તેના દવાના ખર્ચ બાબતે પણ તેને સંભળાવવા માંડ્યા અને દરેક બાબત પર તેને ટોક ટોક કર્યા કરતા આ બધું જોઈને ધીરજલાલ ઉદાસ અને નિરાશ થઈ જતા. જે દિકરા માટે તેણે રાત ઉજાગરા કરીને, તેના સપનાઓ પુરા કરવા માટે મહેનત કરી, તે જ દિકરો આજે વૃદ્ધાવસ્થામાં તેની સાર-સંભાળ લઈ શકતો નહોતો. છતાં પણ ધીરજલાલ ઘરની વાત ક્યાંય બહાર કરતા ન હતા. બહાર જતા ત્યારે પોતાના મિત્રો પાસે હંમેશા હસતુ મોઢું રાખતા પરંતુ એકાંતમા તેને ખૂબ રડવું આવતું. તેની વ્યથા સાંભળવાવાળું હવે કોઈ રહ્યું ન હતું અને હવે જે હતા તે તેને ખૂબ દુઃખ આપતા હતા. ધીરજલાલ ભગવાનને મનોમન પ્રાર્થના કરતા હતા કે આવું કૂતરા જેવું જીવન કોઈને આપતો નહીં, વૃદ્ધાવસ્થામાં માન-સન્માન મળે તેવું જીવન આપજે. આવી રીતે જેમ તેમ કરીને દિવસો પસાર થતા હતા દિકરા અને વહુની કચ કચ વધતી જતી હતી. ધીરજલાલને આજે તેના પિતાજીના શબ્દો યાદ આવતા હતા. શા માટે પિતાજી બધાને પરિવારમાં બાંધી રાખવા માગતા હતા?? શા માટે તેઓ પરિવારમાં જ રહેવાનો આગ્રહ કરતા હતા?? કારણ કે તેઓ માનતા કે "જેમના અન્ન જુદા, તેમના મન જુદા". તેવા લોકોને પોતાના લોકો પ્રત્યે લાગણીઓ કે સંવેદનાઓ હોતી નથી. ધીરજલાલ ઈશ્વરને મનોમન પોતાને આ જંજાળમાંથી છોડાવવાની પ્રાર્થના કરવા માંડ્યા.

અચાનક, વિવેકને કંપની તરફથી લંડન જવા માટે ઓફર મળી અને તેને ખુશી ખુશી તેનો સ્વીકાર કરી લીધો. વિવેકે ધીરજલાલને આ વિશે માહિતી આપી અને સાથે સલાહ પણ આપી કે તે પોતાના ગામડે પાછા ફરી જાય અને પોતાના પૂર્વજોના મકાનમાં જ રહે કારણ કે તે પોતાની સાથે તેમને લંડન નહી લઈ જઈ શકે. વિવેકે તેમને જણાવ્યું કે તે લંડનથી તેમના ખબર-અંતર પૂછતો રહેશે અને ત્યાંથી પૈસા પણ મોકલાવશે. ધીરજલાલે પણ મનોમન ઇશ્વરનો આભાર માનતા કહ્યું કે તેણે તેને આ ઝંઝટમાંથી મુક્ત કર્યો.

ધીરજલાલ જ્યારે શહેરથી ગામડે જતા હતા ત્યારે તેના પૌત્ર પૌત્રી ને ગળે વળગીને ચોધાર આંસુએ રડવા માંડ્યા. તેને ખબર નહોતી કે હવે પછી તેના પૌત્ર પૌત્રીને મળવાનું થશે કે કેમ?? ત્યારે માયા પોતાના સંતાનોને તેનાથી દૂર કરી બીજા રૂમમાં લઈ જાય છે. વિવેક તેને બસ સ્ટોપ પર મુકવા માટે આવ્યો. ધીરજલાલની બસની ટિકિટ તેને લઇ આપી અને પછી તે રવાના થઇ ગયો. ધીરજલાલ બસની રાહ જોઇને ઊભા હતા ત્યારે તેના બગીચાના વૃદ્ધ મિત્રો તેમને મળવા માટે આવ્યા અને ગામડે પાછા જવાનું કારણ પૂછ્યું ત્યારે ધીરજલાલની આંખોમાં જે બાંધ હતો તે તૂટી ગયો, તેને ગળે ડૂમો ભરાઈ ગયો અને તે ધ્રૂસકે ધ્રૂસકે રડવા માંડ્યા. રડતાં રડતાં પોતાની આપવીતી બધા મિત્રોને કહી. ધીરજલાલની આપવીતી જાણીને તેના વૃદ્ધ મિત્રોની આંખોમાંથી પણ આંસુઓની ધારાઓ વહી ગઈ કારણ કે તેમાંથી મોટાભાગનાને રોજબરોજ ધીરજલાલ જેવો જ અનુભવ થતો હતો પરંતુ હવે તેઓ સમયની આગળ લાચાર અને બેબસ હતા. તે લોકો જીવન જીવતાં ન હતાં પરંતુ જીવન માત્ર પસાર કરતા હતા. તેઓના જીવનમાં આશાનું કોઈ કિરણ દેખાતું ન હતું. છતા પણ તેના બધા મિત્રોએ તેને હિંમત અને સાંત્વના આપી શાંત કર્યા. તેઓ બધા મિત્રો ધીરજલાલને તેના ગામડે મળવા આવશે તેવું આશ્વાસન આપ્યું. ધીરજલાલને તેઓ બધાની વાતોથી થોડી રાહત થઈ અને આંસુ લૂછીને બધાની વિદાય લીધી પરંતુ ગામ પાછા ફરતી બસમાં આખા રસ્તે તેઓ રડતા રહ્યા. ધીરજલાલે ગામડે પાછા ફરીને ગામલોકોને જણાવ્યું કે વિવેકને કામ માટે લંડન જવાનું થયું છે તેથી તે પાછો ગામડે રહેવા માટે આવી ગયો છે.

આજે ધીરજલાલને ગામડે આવ્યાને 5-7 વર્ષ નીકળી ગયા છે. શરૂઆતમાં એક વર્ષ વિવેક તેને ફોન કરતો અને તેની ખબર અંતર પૂછતો, પૈસા પણ મોકલાવતો પરંતુ એક વર્ષ બાદ આ બધું બંધ થઈ ગયું હતું. હવે, ગામલોકો જ, સાથે મળીને તેની સાર-સંભાળ લેતા હતા.

ધીરજલાલની વાતો પૂરી થતા એક છોકરાએ તેના ઘરનો લેમ્પ ચાલુ કર્યો કારણ કે સંધ્યા ઢળી ચૂકી હતી, સાંજના સાત વાગી ગયા હતા બધા બાળકો ધીરજલાલને પગે લાગી અને પોત પોતાના ઘરે જવા નીકળ્યા.

ધીરજલાલ પણ ખાટલામાંથી ધીમે ધીમે લાકડીના સહારે ઊભા થઈને બાલટીમાં ભરેલા પાણીથી હાથ મોઢું ધોયા અને પડોશમાંથી આવેલ ટિફિન ખોલીને તેને થોડું જમવાનું લીધું. જમતા જમતા અચાનક, તેની આંખોમાંથી ગંગા જમનાનો ધોધ વહેવા માંડ્યો. તેને પાછું ટિફિન બંધ કરીને ધીમે ધીમે ખાટલા તરફ ગયા અને ખાટલા ઉપર સુઈ ગયા. ખાટલા ઉપર સુતા સુતા તે પીળા લેમ્પને જોઈ રહ્યા હતા. સુતા સુતા તે વિચારતો હતો કે આજના સૂરજ આથમતાની સાથે પોતાના જીવનનો સુરજ પણ આથમવાની તૈયારીમાં છે તેનો તેને આજે આભાસ થતો હતો.

અચાનક તે ધીમે ધીમે આટલામાંથી ઉઠ્યો અને પોતાના મકાનના બીજા માળે ગયો ત્યાં અંધારામાં બધા રૂમોમાં ચક્કર મારીને, બધા રૂમોમાં પોતાની યાદો વાગોળીને, બધા રૂમોને પ્રણામ કરીને પછી ધીરે ધીરે નીચે આવ્યો. નીચે આવીને રસોડામાં અને મંદિરવાળા રૂમમાં જઇ ત્યાં પણ માથું ટેકવીને પ્રણામ કર્યા પછી દુકાનમાં જઇ દુકાનને પણ પ્રણામ કર્યા પછી પોતાની કૃશ થઈ ગયેલી કાયાને જોઈને ધીમે ધીમે હસવા માંડ્યો અને બોલ્યો કે "હે ભગવાન, અંતમાં તો આ બધું છોડીને જવાનું જ છે તો પછી આ સઘળાંમાં આપે માયા શું કામ રાખી??" આમ બોલતા બોલતા તે ખાટલા પર સુઈ ગયો.

જેમ જેમ રાત ઢળતી જતી હતી તેમ તેમ તેના શ્વાસોનો દોર પણ છૂટતો જતો હતો. તે પોતાની જૂની યાદોને યાદ કરતો કરતો આંખો મીંચી દે છે.

સવારનું અજવાળું થતાં ગામમાં સમાચાર આવ્યા કે ધીરજલાલ સ્વર્ગે સિધાવી ગયા છે

પરંતુ ગામના લોકોને કોણ સમજાવે કે ધીરજલાલને તો તેની એકલતાએ પહેલેથી જ મૃત્યુ પમાડી દીધો હતો, આજે તો ફક્ત તેના શરીરનું મૃત્યુ થયું હતું.

સમાપ્ત

બીજા રસપ્રદ વિકલ્પો