ચેતના - ભવ્ય ભૂતકાળ અને ધૂંધળું ભવિષ્ય Jignesh patodiya દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

ચેતના - ભવ્ય ભૂતકાળ અને ધૂંધળું ભવિષ્ય

કેટલાક એવા ગૂઢ પ્રશ્નો છે કે જેના ઉત્તર લગભગ ક્યારેય નહીં મળે, પરંતુ જવાબ ના પ્રયત્નો ચાલુ રહેશે. આવો જ એક પ્રશ્ન છે , “ચેતના શું છે?” અજીબ વાત એ છે કે આ એક ચેતન્ય થી ભરપૂર માનવી ના ફળદ્રુપ ચેતન મન દ્વારા ચમત્કારિક શક્તિ ધરાવતા ચેતન મગજ ને પુછાયેલો પ્રશ્ન છે! ખરેખર જોવા જઈએ તો હજુ સુધી ચેતના ની કોઈ સચોટ વ્યાખ્યાં અસ્તિત્વમાં નથી.ચેતના ને એક વૈચારિક પ્રયોગ દ્વારા સમજવાનો પ્રયત્ન કરીએ.

“શું જમીન પર પડેલા પથ્થરને ખબર છે કે તે પથ્થર છે?” ‘ શુ નદીમાં વહેતા પાણીને પોતે પાણી હોવાનું ભાન છે?’ ‘પોતાની મસ્તીમાં આમ થી તેમ લહેરાતી હવાને તેના અસ્તિત્વનું ભાન છે?’ આ એવા પ્રશ્નો છે જેનો ઉત્તર આપણને ખબર છે પરંતુ આપણે તેના વિશે ક્યારેય સંપૂર્ણ ચોક્કસ ઉત્તર શોધી શકવાના નથી.

સમગ્ર બ્રહ્માડ બે ભાગમાં વહેચાયેલું છે. સજીવ અને નિર્જીવ. બંને ને જુદા પાડતી રેખા બહુ પાતળી છે. આશરે સદી પહેલા વિશ્વ વનસ્પતિઓને નિર્જીવ પદાર્થ તરીકે ગણતું. જગદીશચંદ્ર બોઝ એ દર્શાવ્યું કે તેઓ ચેતન્ય ધરાવે છે, વનસ્પતિ સજીવ છે. સજીવ કે જે જીવ ધરાવે છે , જે ચેતન્યયુક્ત છે. તેનો જન્મ થાય છે અને ક્ષણિક આયુષ્ય બાદ જેનું મૃત્યુ નિશ્ચિત છે.

ચેતના એ ઉર્જા નું સ્વરૂપ છે, કદાચ સૌથી પવિત્ર ઉર્જા. ચેતના એટલે પોતાના અસ્તિત્વની સભાનતા અને અસ્તિત્વ ટકાવવા માટેના પ્રત્યનો નો સરવાળો.

“ ચેતના એ અખિલ બ્રહ્માડ માં બ્રહ્માડ દ્વારા સ્થૂળ બ્રહ્માડ ને સમજવા માટે યોગાનુયોગે કે પછી સભાન રીતે પોતાની જ ઉપર કરાયેલો એક સૂક્ષ્મ પ્રયોગ છે.”

આશ્ચર્યની વાત એ છે કે આ નિર્જન નિરાકાર બ્રહ્માડમાં ફક્ત એક બિંદુ થી પણ નાની પૃથ્વી પર ચેતનાનું અસ્તિત્વ છે. આ ચેતના બ્રહ્માડને સમજવાની કોશિશ કરી રહી છે. શું ખરેખર બ્રહ્માડ સજીવ છે? અને જો નિર્જીવ છે તો નિર્જીવ વસ્તુની અંદર ચેતનાનો ઉદ્દભવ કઈ રીતે સંભવ છે? કોઈ કહે કે બ્રહ્માડ સજીવ છે, તો આપણે તેને મૂર્ખ સમજી લઈએ, કારણ કે બ્રહ્માડ એ ફક્ત દ્રવ્ય અને કિરણો નું બનેલું છે. તેને સજીવ ન કહી શકાય અર્થાત કે બ્રહ્માડ નિર્જીવ છે એવું માનવવાળા આપણે પોતે પણ મૂર્ખ છીએ કારણ કે આ તો એવી વાત થઈ કે રસ્તા પર પડેલા કોઈ નિર્જીવ પથ્થર ની અંદર કોઈ ચેતના ધરાવતો કોઈ સૂક્ષ્મ સજીવ અસ્તિત્વ ની શક્યતા છે. અલબત્ત એ શક્યતા શૂન્ય છે એ આપણે જાણીએ છીએ. તો ખરેખર આપણે સજીવ બ્રહ્માડમાં રહેલી ચેતના છીએ કે પછી નિર્જીવ બ્રહ્માડમાં નિર્જીવ પદાર્થો વડે અસ્તિત્વમાં આવેલી ચેતના?

લગભગ સાડા ત્રણ અબજ વર્ષો પહેલા પ્રથમ ચેતના ગરમ પાણીના સમુદ્ર અને લાવાથી ધગધગતી જમીન ની વચ્ચે હૂંફાળા પાણીમાં પાંગળી હતી. અબજો વર્ષ પહેલાં પૃથ્વી નામના ગ્રહના અસ્તિત્વમાં આવ્યા પછી પૃથ્વી સંપૂર્ણ ભેંકાર હતી. ત્યારે પૃથ્વી પર ફક્ત પાંચ તત્વો હાજર હતા. પૃથ્વી(જમીન),જળ(પાણી) , વાયુ( હવા), અગ્નિ( લાવા) અને આકાશ/અવકાશ/શૂન્યાવકાશ. સમગ્ર પૃથ્વી આ પાંચ તત્વોના યુદ્ધની સાક્ષી હતી.સજીવ કે જે આ બધું સમજી શકે તેનું રુદન કે કિલ્લોલ ગાયબ હતો. પાંચ તત્વોના પરસ્પર સંભોગ વડે અંતે પ્રાથમિક જીવ / આદિ સજીવ નું આગમન થયું. જે આ પાંચ તત્વોથી તદ્દન વિપરીત હતું. તે પોતાનું કદ વધારી શકતો હતો, તેના માટે તેને ખોરાકની આવશ્યકતા હતી. તે પોતાના જેવો બીજો સજીવ ઉત્પન્ન કરી શકતો હતો. કે જે ચેતના ધરાવતો હતો. અહીંથી સજીવ અને નિર્જીવ એમ બે ફાંટા પડ્યા. એ હતું ચેતનાનું પાંગરવું. પ્રથમ અસ્તિત્વમાં આવવું. શુ આ એક યોગાનુયોગ હતો? કે પછી બ્રહ્માડ દ્વારા કરવામાં આવેલા પ્રયોગનું ફળ હતું? આપણે ક્યારેય નહીં જાણી શકીએ. સૌપ્રથમ ચેતના એ નિર્જીવ માંથી ઉત્પન્ન થયેલી હતી. કે પછી કોઈ બાહ્યકવકાશી લઘુગ્રહ ની ટક્કર થી?

બહુજ ધીમી ઉત્ક્રાંતિની પ્રક્રિયા દ્વારા ચેતના પૃથ્વી પર પાંગરવા લાગી. ચેતનાનો સ્થૂળ શરીર સાથે બહુ ઓછો નાતો છે. પૃથ્વી પર પેદા થયેલો પ્રાથમિક સજીવ કદાચ ચેતના પ્રત્યે સૌથી વધુ સભાન હતો. સભાનતા એ જ ચેતના છે. ધીમે ધીમે એ ઓછું થતું જાય છે. કદાચ સૌથી વિકસિત ચેતનાનું સ્વરૂપ માણસ છે અને આ જ માણસ ચેતના પ્રત્યે સૌથી ઓછો સભાન છે. વિરોધાભાસ કે પછી કરુણતા?

જેમ જેમ પ્રાણી વિકાસ અને ઉત્ક્રાંતિ પામતો જાય છે તેમ તે ચેતન થી દુર થતો જાય છે. પ્રાણીઓનો પ્રશ્ન હવે અસ્તિત્વ ટકાવવા માટેનો છે. જ્યારે સભાનતા ઘટતી જાય છે. હોમો સેપીઅન એવું નામ ધરાવતી પ્રાણીઓ ની આ જાત પોતાના અસ્તિત્વમાટે સમગ્ર પૃથ્વીની ચેતનાનું અસ્તિત્વ જોખમમાં મૂકી દીધું છે.

આપણને ઉર્જા કરતા ઈર્ષ્યા વધુ ગમે છે. આપણને સમગ્ર સજીવના ઘર પૃથ્વી કરતા આપણું પોતાનું નાનકડું ઘર વધુ વ્હાલું છે. આપણે આપણા ઘર ને શણગારવામાં પૃથ્વીની હાલત વધુ ને વધુ દયનીય થતી જાય છે એ વાતમાં જાગૃત છતાં સુતા છીએ. આપણે ચેતનાથી દૂર થતાં જઈએ છીએ.

અબજો વર્ષ પહેલાં પ્રગટેલો ચેતનાનો દીવડોધીમે ધીમે બુઝાતો જાય છે. ચેતનાની શરૂઆત કદાચ નિર્જીવમાંથી થઈ હતી. અને અંત પણ કદાચ નિર્જીવ પદાર્થો માટે નિર્જીવમાં જ થશે. કહેવાય છે કે અત્યાર સુધીની ઉત્ક્રાંતિ કુદરતી હતી. પણ હવે માણસ એટલો શક્તિશાળી બની ગયો છે કે તે સર્જન અને વિસર્જન માટે સક્ષમ છે. તે પોતાને સર્વોપરી ઈશ્વર સમજવા લાગ્યો છે. આપણે બધાથી અલગ છીએ કારણ કે ચેતનાની ઉત્ક્રાંતિ દ્વારા આપણને વિચારવાની એક અમૂલ્ય શક્તિ મળી છે. અને ભવિષ્યમાં આ શક્તિનો દુરુપયોગ ઈશ્વર બનવા માટે થશે. ચેતન માનવી પોતાના સજીવ શરીરના ભાગો નિર્જીવ ધાતુ ઓ અને કમ્પ્યુટર ચિપ વડે બદલાવી ને ઉત્ક્રાંતિની દોડ માં સૌથી આગળ પહોંચવા માટે એક દિવસ ચેતનાથી સમૂળગો અલગ થઈ જશે! (આ દિવસો દૂર નથી કારણ કે એલન મસ્ક- elon musk નામના એક અબજોપતિ વૈજ્ઞાનિક બિઝનેસમેન માણસે ભૂંડ ના મગજમાં કમ્પ્યુટરચીપ બેસાડીને સાયબોર્ગ ક્રાંતિની શરૂઆત કરી દીધી છે “ અત્યારે કદાચ મારા મગજમાં પણ આવી કોઈ ચિપ હોઈ શકે!”-આ એલન મસ્કના શબ્દો છે. કદાચ એ મજાક હોઈ શકે અને કદાચ….)
નિર્જીવ પદાર્થમાંથી પાંગરેલી ચેતના એક દિવસ નિર્જીવ બનીને ફરીથી લુપ્ત થઈ જશે. બ્રહ્માડ આપણાથી નિરાશ થશે, એક અદભુત અસફળ પ્રયોગ!

આ યાત્રા નિર્જીવ સભાનથી શરૂ થઈ હતી અને સજીવ અસભાન એ પુરી થશે!