નકશાનો ભેદ - 9 Yeshwant Mehta દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

નકશાનો ભેદ - 9

નકશાનો ભેદ

યશવન્ત મહેતા

પ્રકરણ – ૯ : વળી ઠેરના ઠેર

છોકરાંઓ નિરાશ થઈને દુકાનના બારણા તરફ ચાલ્યાં. સૌનાં મોં દીવેલ પીધું હોય એવાં થઈ ગયાં હતાં. એ લોકો રતનજી શેઠની તોછડાઈથી નારાજ થયાં હશે એવું કરુણાને લાગ્યું. એને થયું કે છોકરાંઓને જરાક મીઠી બે વાત કરવી જોઈએ. તેથી એમની નિરાશાનો બોજ હળવો બને.

આમ વિચારીને કરુણાએ પહેલાં તો પેલું વચલું બારણું જોયું. એ બરાબર બંધ છે કે નહિ તે જોઈ લીધું. પછી દુકાનના કાઉન્ટર પાછળથી એ બહાર આવી. જાણે કોઈ મોટી બહેન રીસાયેલાં નાનાં ભાંડુઓને સમજાવતી હોય એમ બોલી :

“તમે લોકો માઠું ન લગાડશો, હોં. રતનજી શેઠ છે જ એવા ગુસ્સાખોર. અને અવિશ્વાસુ. મારા પર તો એમને જરાય વિશ્વાસ નથી. દુકાન વતી કશી જ લખાપટ્ટી કરવાની મને છૂટ નથી. ફક્ત છાપેલાં બિલો ઉપર હસ્તાક્ષર કરી શકું !”

આમ કહીને એણે બનાવટી રીતે હસવાની કોશિશ કરી. પોતે માત્ર હસ્તાક્ષર કરી શકે છે, એવું કહીને એ છોકરાંઓને હસાવવા માગતી હતી.

પરંતુ એની અસર અવળી જ થઈ. એની વાત સાંભળવા માટે દુકાનને બારણે ઊભાં રહેલાં છોકરાંઓ વધુ ગંભીર બની ગયાં. મનોજ તો સૌથી વધુ ગંભીર બની ગયો. પણ એકાએક એના ચહેરા પર એક ચમક આવી ગઈ. એ પાછો ફર્યો. કરુણાની સામે જોઈને ઊભો રહ્યો અને બોલ્યો, “સાચે જ, કરુણાબેન ? તમે સાચું કહો છો ?”

કરુણાએ જરાક નવાઈ પામીને પૂછ્યું, “શું ?”

મનોજ કહે, “તમે સાચે જ અમને તમારા હસ્તાક્ષર આપશો ? તો તો ઘણું સારું. છે ને... તે છે ને, અમે લોકો હસ્તાક્ષરોનો પણ સંગ્રહ કરીએ છીએ. અમારી પાસે અમિતાભ બચ્ચનની અને ગુજરાતના રાજ્યપાલની ને એવી ઘણીબધી સહીઓ છે. જોકે હું મારું હસ્તાક્ષરનું આલ્બમ નથી લાવ્યો, પણ કશો વાંધો નહિ. આ જ્ઞાનની નોંધપોથીના એક કાગળ ઉપર જ તમારા હસ્તાક્ષર કરી આપો ને.”

કરુણા સહેજ શરમાઈ ગઈ. બોલી, “પણ હું કાંઈ એવી જાણીતી વ્યક્તિ નથી.”

મનોજનો ઉત્સાહ આટલી વાતથી મંદ પડે એમ નહોતો. એ બોલ્યો, “આજે ભલે ને તમે જાણીતાં ન હો, કાલ સવારની કોને ખબર છે ? કદાચ તમે મોટાં અભિનેત્રી બની ગયાં હો ! કે પછી પ્રધાન હો ! કે લેખિકા પણ હો ! એ વખતે તમારા હસ્તાક્ષર અમારે માટે કેટલા કિંમતી બની જાય, બોલો !”

કરુણા હજુ શરમાઈ ને અચકાઈ રહી હતી. પરંતુ મનોજે તો જ્ઞાનના હાથમાંથી નોંધપોથી લઈને એના હાથમાં જ પકડાવી દીધી. વળી કહ્યું, “જુઓ, કરુણાબેન ! ખાલી સહી ના કરતાં હોં ! તમને ગમે તેવો કોઈક સંદેશો પણ લખી આપજો.”

કરુણા સહેજ મલકાઈ. એ બોલી, “શું લખવું ? એમ કરીએ, તમને આજનો પ્રસંગ યાદ રહી જાય એવું જ કશુંક લખી દઉં.”

અને કરુણાએ નીચે મુજબ લખ્યું :

રાતાં ફૂલ ગુલાબનાં ને પીળી કરેણ હંમેશ;

સ્વભાવ રતન શેઠનો સદાય કાળો મેશ.

લિ. કરુણા મહેતા.

આટલું લખીને એણે નોટબૂક મનોજને આપી. મનોજની ખુશીનો પાર ન રહ્યો. પણ ખુશી એ કરુણાના ફક્ત હસ્તાક્ષર મેળવવાની નહોતી. પોતે જેને લૂંટારાની સાગરીત માનતો હતો એ છોકરીના હસ્તાક્ષર મેળવવાની ખુશી હતી. સહેજ જ ચૂક થઈ ગઈ હોત તો એ હસ્તાક્ષર ન મળત.

હસ્તાક્ષર મેળવીને, કરુણાનો આભાર માનીને ડિટેક્ટિવો સૌ બહાર આવ્યાં. બેલા તરત જ બોલી ઊઠી, “મને આ છોકરીની બિચારીની દયા આવે છે. કેવા રીંછડા જેવા શેઠની નોકરી એને કરવી પડે છે !”

પણ મનોજ આ જ વાતને જરા જુદા પ્રકાશમાં જોઈ રહ્યો હતો. એ બોલ્યો, “ઓફિસર બેલા ! શંકાસ્પદ ગુનેગારની બહુ દયા ન ખાવી. ઉલટાની હવે તો આ છોકરી પરની મારી શંકા વધુ દૃઢ બની છે.”

બેલાએ જુસ્સાથી પૂછ્યું, “કેવી રીતે ?”

મનોજ કહે, “કરુણાને એનો શેઠ જરાય ગમતો નથી. એ પોતાના શેઠને નુકસાન થાય એવું કરવા માગે છે. દરેક ગુનાનો એક હેતુ હોય છે. કરુણાનો હેતુ સ્પષ્ટ છે. એ રતનજી શેઠને લુંટાવી દેવા માગે છે.”

એટલામાં મિહિરે જરાક ગળું ખોંખાર્યું. એ મનોજ અને બેલાની દલીલબાજીની વચ્ચે ઝુકાવીને કશુંક કહેવા માગતો હતો. એ બોલ્યો, “મનોજ ! તું બહુ ઉતાવળો ન થા ! હજુ તો મેં કરુણાના અક્ષર એક જ વાર જોયા છે, પણ એટલું જોતાં જ ખ્યાલ આવે છે કે નકશાવાળી પેલી ચિઠ્ઠીના અક્ષર અને આ અક્ષર જરાય મળતા આવતા નથી.”

પણ મનોજ કાંઈ એમ ગાંજ્યો જાય ? એણે તો કહી દીધું, “કરુણાએ ચીવટ રાખીને જુદા અક્ષર કાઢ્યા હશે. પરંતુ માઈક્રોસ્કોપ હેઠળ જોવાથી અક્ષરોની સમાનતા પરખાઈ શકે છે ને !”

મિહિર કહે, “એ વાત તેં સાચી કહી. કશા જ ઉતાવળા નિર્ણય બાંધતાં પહેલાં આપણે બંને હસ્તાક્ષરની વૈજ્ઞાનિક તપાસ કરી લઈએ. ચાલો, સૌ મારે ઘેર ચાલો.”

એટલે પહેલાં તો સૌ મિહિરને ઘેર ગયાં. એની પ્રયોગશાળામાં બંને ચિઠ્ઠીઓની ઝીણવટભરી તપાસ આદરી અને મિહિરે વારંવાર માથું ધુણાવવા માંડ્યું. એ બબડતો હતો : “તમે કહો તેટલાની શરત મારું, પણ આ બંને ચિઠ્ઠીઓના અક્ષર એક જ વ્યક્તિના નથી.”

જ્યારે એ દસમી વાર આમ બોલ્યો ત્યારે મનોજનો પિત્તો ઊછળ્યો, “જરા ધ્યાનથી જો ને, મિહિર ! કે પછી માઈક્રોસ્કોપ વાપરતાં જ નથી આવડતું ?”

મિહિરને ખોટું લાગી ગયું. એ મોં બગાડીને બોલ્યો, “તો તું જાતે જ જોઈ લે ને ! અને જો, દેશના જાણીતા હસ્તાક્ષર નિષ્ણાતની આ ચોપડી જો. ગમે તેવી સિફતથી હસ્તાક્ષર છુપાવનારના હસ્તાક્ષર પણ કેવી રીતે પકડાઈ શકે તે એમાં બતાવ્યું છે. એના દસ ખાસ મુદ્દા છે. એકેય મુદ્દો આ બે હસ્તાક્ષરોને લાગુ પડતો હોય તો કહે !”

નિષ્ણાતની અને ચોપડીની વાત આવી એટલે મનોજ ઠંડો પડી ગયો. એણે માથું ધુણાવવા માંડ્યું અને કહેવા માંડ્યું, “અચ્છા, બાબા ! જો તું કહે છે તો એમ જ હશે. એટલે હસ્તાક્ષરની કસોટી પરથી એક વાત નક્કી થાય છે કે નકશાવાળી ચિઠ્ઠી કરુણાએ લખેલી નથી !”

મિહિર કહે, “બરાબર ! કરુણા નિર્દોષ છે.”

મનોજ કહે, “એટલે આપણે એને તો સાવ ભૂલી જ જવાની, ખરું ને ?”

મિહિર કહે, “સાવ એવું નહિ ! તારે કરુણાને પણ શંકાની યાદી ઉપર રાખવી હોય તો એક શક્યતા છે. સંભવ છે કે કરુણાએ પેલી ચિઠ્ઠી પોતાના કોઈ દોસ્ત કે બહેનપણી પાસે લખાવી હોય !”

જ્ઞાન કહે, “એવું મને શક્ય લાગતું નથી. લૂંટફાટની યોજનાના કાગળો લોકો પોતાના ભાઈબંધો કે બહેનપણીઓ પાસે કદી ન લખાવે.”

હવે મનોજની હતાશાનો પાર ન રહ્યો. લગભગ દોઢ દિવસની દોડધામ પછી માંડ કરુણાના હસ્તાક્ષર મળ્યા હતા. પણ વૈજ્ઞાનિક તપાસ કરતાં એ હસ્તાક્ષર નકામા સાબિત થયા હતા. નિરાશ બનીને મનોજે મિહિરના પલંગમાં પડતું મૂક્યું. એ ધડામ્મ કરતો પલંગમાં પડ્યો અને પલંગમાં પડેલી ઢગલાબંધ શીશીઓ ખણખણાટ કરી ઊઠી.

*#*#*