Jalabhishek books and stories free download online pdf in Gujarati

જળાભિષેક

આજે શ્રાવણીયો સોમવાર એટલે દેવોનાં દેવ મહાદેવની ભક્તિનો દિવસ. આ પવિત્ર મહિનામાં આવતાં ચાર સોમવાર તો ભગવાન શિવનાં દર્શન પણ દુર્લભ થાય. દૂધ, જળ, બીલી પત્ર, તુલસી પત્ર, ફળ-ફૂલ, કંકુ વગેરે પુંજાની સામગ્રી સાથે ભગવાન ભોળાનાથનાં ભક્તો મંદિર તરફ જતાં હતા. આજે હું પણ વહેલી સવારે ઉઠીને ભોળાનાથને જલાભિષેક કરવા તૈયાર થતો હતો. ઠંડા પાણીનું સ્નાન શરીરમાં સ્ફૂર્તિ લાવનારું હતું. હળવા કપડાં અને કપાળે ટિલક કર્યાં. ગુલાબ, કરેણ, ડોલર વગેરે ફૂલો લીધા. તાંબાની લોટીમાં શુદ્ધ પાણી લઇ તેમાં તુલસીના પત્ર મુક્યા. તેમજ થોડાં બીલી પત્ર સાથે મંદિરે જવા તૈયાર થયો. આમતો હું મંદિરે ખુબ જ ઓછો જવા વાળો માણસ, તો વળી ધાર્મિક સ્થળોની યાત્રા પણ ખુબ ઓછી જ કરેલી. પરંતુ સવારે ઉઠીને, જમતી વેળાએ અને રાત્રે સૂતી વેળાએ ઈશ્વરને જરૂરથી યાદ કરી લેવાના, આમ પણ પરમેશ્વર તો બધે જ છે. બસ તેને યાદ કરવાની ભક્તિ હોવી જોઈએ. આમ તો હું ક્યારેય સોમવારે કે પછી કોઈ પણ આડા દિવસે ભગવાન શિવને જલાભિષેક કરવા ગયો ન હતો. પણ આ વખતે ઘરેથી અને કોઈ પોતાનાએ મંદિરે જવાનું કહયું, હવે તેને કોણ સમજાવે કે હું અંદરથી ભગવાનો ભક્ત છું. મારે મંદિરે જવાની કે પછી ખોટો દેખાવ કરવાની કોઈ જરૂર નથી. પણ તેની સાથે દલીલ કરવા કરતાં મને મંદિરે જવાનું વધારે યોગ્ય લાગ્યું. આમ પણ તે બંને સામે દલીલ કરવી વ્યર્થ હતી. ઈશ્વર વિશેનો મારો અભિપ્રાય તે ન જ સમજે, કદાચ ઘરેથી બધું મારા પર છોડી મુકે. પરંતુ તેને કોણ સમજાવે ? તે આપણી માટે પુંજા કરે એટલે આપણે પણ ફરજીયાત કરવાની......


બાળપણમાં જયારે શ્રાવણ મહિનાનાં સોમવારે નિશાળે જવાનું થતું ત્યારે શનિવારની જેમ થોડી વહેલી રજા પડી જતી હતી. તેમજ જે કોઈ પણ એ સોમવારે ઉપવાસ જેવું કરે તેને બપોરે કેળા, સફરજન, ચીકુ જેવા વગેરે ફળ તેમજ ફરાળી નાસ્તા જેવું સારું સારું ખાવા આપવામાં આવતું. હવે આવા દિવસે આવું બધું ખાવાનું મળતું હોય પછી તો કોણ સોમવાર ન રહે ? એટલી નાની ઉંમરમાં ભગવાનની ભક્તિ કેમ કરાય તે કોને ખબર પડતી ? બસ ત્યારે આપણે તો ફક્ત સારું ખાવા માટે જ સોમવાર રહેવાનો, હા, સાથો સાથ એ દિવસે ભગત હોવાનો અહેસાસ થતો, અને વિચારતો કે આખા વર્ષમાં જેટલા પણ સોમવાર આવે તે બધા જ દિવસે ઉપવાસ જેવું કરવાનું હોય તો .. ? તો તો આપણે એક પણ સોમવાર ખાલી ન જવા દઈએ. આવા હતા બાળપણનાં વિચારો, પણ જેમ જેમ સમજણ આવતી ગઈ તેમ તેમ ઈશ્વર વિશે અનેક ખ્યાલો બદલાતા રહયા. બાકી શું ભોળાનાથ કોઈને ભૂખ્યા રહેવાનું કહે છે ? આ બધી આપણી એક ઈશ્વર ભક્તિ સાથે બંધાયેલી શ્રધ્ધા છે. જેમાં દરેકનાં મંતવ્યો કઈંક અલગ અલગ હોય છે. પછી તો જે જેની ભક્તિ અને શ્રધ્ધા ઉપર આધાર રાખે છે. બાકી હવે આપણે સોમવાર નથી રહેતા. પણ જયારે ઈચ્છા થાય ત્યારે સારું સારું જમી જરૂરથી લેવાનું, પછી ત્યારે ગમે તે મહિનો કે પછી ગમે તે વાર હોય. સારું ખાવા માટે ઈશ્વરને શાં માટે વચ્ચે લાવવા. ભગવાનના ભક્ત હોવાનો ખોટો દેખાવ શાં માટે કરવો ?


મંદિરે જવાની બધી જ તૈયારી થઇ ગઈ હતી. સવારનું વાતાવરણ એકદમ હળવું ફૂલ હતું. રોજની જેમ સૌપ્રથમ તો ઘરે ધૂપ-આરતી કરી. અને પહેલી વાર ભગવાન શિવને મારા હાથે જલાભિષેક કરવા તૈયાર થયો હતો. તો મારા હાથમાં પાણીની લોટી જોઈ ઘરના પણ બધા નીરખી નીરખીને મને જોઈ રહયા હતા. અને હું અંદરથી શરમાતો પુંજાનો થાળ લઇ મંદિરે જવા નીકળ્યો. રોજ કરતાં આજે શેરીમાંથી મારે થોડું વહેલા પસાર થઇ જવું હતું. પણ બંને બાજુ દસ-બાર ઘર વાળી શેરી આમ તો થોડીઘણી લાંબી જ કહી શકાય. પરંતુ આજે કઈંક થોડી વધારે જ લાંબી લાગતી હતી. કારણ કે પગ તો ત્યારે ભારે થયો કે જયારે પાણી ભરતી છોકરીઓ મને જોઈ રહી. ત્યારે મારા પગની ચાલવાની ઝડપ થોડી વધારે જ વધી ગઈ હતી. અને ઝડપથી શેરી બહાર નીકળી ગયો. શિવ મંદિર આમ તો ગામની કુદરતી સીમા ઉપર પ્રસ્થાપિત કરેલું. એટલે ત્યાં જવા માટે ગામના મુખ્ય માર્ગેથી પસાર થવું પડે. પણ ત્યાં બીજા ભક્તો સાથે હળીમળી જઈશ.


મંદિર તરફના મુખ્ય માર્ગ પર ઘણા બધા લોકો પસાર થઇ રહયા હતા. અને હું પણ તે બધા સાથે ભળી જઈ સાથે ચાલવા લાગ્યો. હવે કદાચ કોઈની નજર મારી એક પર નહિ પડે. સામેથી બીજા ઘણા લોકો મંદિરે જઈને આવતાં હતા. જે આપણી પાસે આવીને “ મહાદેવ ” બોલતા, સામે હું પણ હસતામુખે ‘ મહાદેવ ‘ બોલતો જતો હતો. વળી આવા લોકોમાં ઘણા એવા પણ હતા કે જેને મે ક્યારેય સારું કાર્ય કરતાં કે કરવા દેતા નથી જોયા. આજના દિવસે તેને ભક્તિ કરતાં જોઈને નવીન લાગે. ચાલો આ એક કાર્ય તો તે સારું કરતાં હતા. બાકી બધું તો ભગવાન શિવને ખબર. તો સાથો સાથ ઘણા એવા વ્યક્તિઓ પણ હતા કે જે મને અજાણી આંખોથી જોઈ રહયા હતા. જાણે તે મને ઓળખાતા જ ન હોય. હા, કદાચ મારી વધેલી દાઢીને કારણે આવું બનતું હશે. બાકી ભોળાનાથનાં તો માથાના વાળ જ લાંબા હતા. પણ તે આપણાથી શક્ય ન હતું.


હર હર મહાદેવનો નાદ મંદિરથી છેક રસ્તા સુધી સંભળાય રહયો હતો. વળી મંદિરમાં એટલી બધી ભીડ પણ લાગતી ન હતી. એટલે લાઈનમાં ઉભું નહિ રહેવું પડે. આમ પણ મંદિર હવે આંખ સામે જ હતું. એટલે ધીમે ધીમે જ આગળ વધી રહયો હતો. પણ રસ્તા પરના વાહનો ઝડપી હતા. તેથી જ રસ્તાની કાંઠે ચાલતો હતો. એટલી બધી તો શું ઉતાવળ હશે ? બસ ત્યાં જ અચાનક મારી બાજુમાંથી ફૂલ ઝડપે એક કાર (ફોરવીલ) પસાર થઈ. તેથી હું તો એકદમ ડરી જ ગયો. થોડીવાર તો એવું લાગ્યું કે નક્કી તે મને પછાડી જતી રહેશે. પણ બચી ગયો. અને ફરી રસ્તા ઉપર નજર કરીને જોયુ, તો નીચે એક કબુતર આમતેમ તડફડી રહયું હતું. કદાચ હું બચી ગયો, પરંતુ બિચારું કબુતર તેની સાથે અથડાતા ન બચી શક્યું. તેને તડફડતું જોઈ હું ઝડપથી તેની પાસે ગયો. અને પાણીની લોટી નીચે મૂકી કબુતરને હાથમાં લીધું. અત્યારે તેનાં નાનકડાં હૃદયમાં શ્વાસ સમાતો ન હતો. તે ખુબ જ ગભરાયેલું હતું. જાણે જિંદગી અને મોતની વચ્ચે ફસાઈ ગયું હોય. કબુતરને હાથમાં લઇ પહેલાં તો તેનું આખુ જ નિરીક્ષણ કરી લીધું. દેખાવમાં તો તે બહારથી એકદમ બરાબર જણાતું હતું. બસ થોડું પગના ભાગે લોહી નીકળ્યું હતું. હવે થોડીવાર હું રસ્તાની બાજુમાં ચાલ્યો ગયો. જયારે આ કબુતર રસ્તા ઉપર તડફડી રહયું હતું. ત્યારે કોઈએ પણ તેની ઉપર નજર ન નાખી. કે ન કોઈ તેને ઉઠાવવા આગળ વધ્યું. બધા જ તેને નજર અંદાજ કરતાં મંદિર તરફ આગળ વધી રહયા હતા. અને અત્યારે મારા ઉઠાવ્યા પછી દરેક મારી સામું જોઈને મંદિરે જતાં હતા. શું તેમાંથી કોઈને આ અબોલ જીવ પ્રત્યે થોડીઘણી પણ દયા નહિ આવી હોય ? શું તે બધાના આ કબુતરને રસ્તા પર તડફડતું જોયા પછી પણ મંદિરે જવા પગ ઉઠી રહયા હતા ?


થોડીવાર મારા હાથમાં રહીને તે શાંત પડ્યું. પણ તે ક્યારનું ચાંચ ખોલી રહયું હતું. મને ખબર હતી કે તેને પાણી પીવું છે. પણ મે તેનાં હદયના ધબકારા થોડાં શાંત થવાની પ્રતીક્ષા કરી. અને ત્યારબાદ જ તેની આકાશી વાદળી ડોક તાંબાના લોટામાં લાંબી કરી. ચાંચ ભીની થતાની સાથે જ તે ઝડપથી પાણી પીવા લાગ્યું. બસ આ જોઈને મને અંદરથી જ લાગ્યું કે હવે નક્કી ભગવાન શિવને મારો જલાભિષેક સિદ્ધ થઇ ગયો. મારું અહિયા આવવું સાર્થક થયું. વચ્ચે વચ્ચે ક્યારેક તેને શ્વાસ લેવા માટે હું તેને પાણીથી દુર કરતો રહયો. થોડીવારમાં તેને જરૂરી માત્રામાં પાણી પી લીધું હતું. હવે તેની ડરેલી આંખોમાં થોડું જીવવાનું નવું તેજ આવ્યું. અને ધીમે ધીમે કરતુ તે આજુબાજુમાં બધે જ જોવા લાગ્યું, જાણે કઈ બન્યું જ ન હોય. તેનાં વર્તન ઉપરથી તો તે હવે એકદમ ઠીક જણાતું હતું. બસ એક લોહીની તપાસ કરવાની બાકી હતી. બંને પગની બાજુના થોડાં પીંછા ખેંચાઈ ગયાં હોવાથી લોહી નીકળ્યું હતું. જેને લોટીના બાકીના પાણીથી સાફ કરીને માલુમ પડ્યું. અને ત્યારબાદ ઠીક છે કે તે જોવા થોડું હાથમાંથી છુટ્ટું મુક્યું.


મારા હાથથી મુક્ત થઇ તે થોડું ચાલ્યું. અને ત્યારબાદ પોતાની બંને પાંખો ફરરર.. ફરરર.. કરી બધા પીંછા છુટ્ટા કર્યાં. શરીરમાં થોડી હવા ભરી એટલે ફૂલાયેલું લાગ્યું. હવે તે એકદમ સ્વસ્થ જણાતું હતું. તેને જોઈને મારા મનને એકદમ શાંતિ થઇ. તેને એક-બે વખત ગોળ ગોળ ફરી ફરીને મારી સામું જોયું. અને બસ એકાએક મારી નજરો સામે બંને પાંખો ખુલ્લી કરી ખુલ્લાં આકાશમાં ઉડવા લાગ્યું. જેને હું હસતાં ચહેરે બસ જોઈ રહયો. તેની બંને પાંખો એકદમ બરાબર રીતે ઉડી રહી હતી. વળી ઉડીને પણ તે સીધું મંદિર તરફ જ ગયું. અને મંદિર ઉપર જઈ બીજા કબુતર સાથે બેસી ગયું. જેને હું ઉભો રહી જોઈ રહયો હતો. બસ ત્યાં જ ફરીવાર હર હર મહાદેવનો નાદ મારા કાને પડ્યો. એ સાથે મને મારું કર્તવ્ય પણ યાદ આવ્યું. કે હું તો અહિયા જલાભિષેક કરવા આવ્યો છું. એક હાથમાં તાંબાનો લોટો આખો જ ખાલી હતો. બીલી પત્ર અને ફૂલ પણ સાથે જ હતા. અને મંદિર પણ મારી એકદમ સામે જ હતું.


ધીમે ધીમે મે ફરીથી પગલાં ભરવાનું શરૂ કર્યું. પણ મંદિરે જવા માટે નહિ, મારા ઘરે જવા માટે.. હું ત્યાં જવાને બદલે ફરી પાછો પોતાના ઘર તરફ જવા વળી ગયો. અને મારી પાસે રહેલા બીલી પત્ર તેમજ ફૂલો રસ્તામાં જ મંદિરે જતાં બીજા નાનકડાં બાળકોને આપી દીધા. એટલે હાથમાં ખાલી લોટો જ રહયો હતો. અત્યારે ભલે હું ભગવાનના દર્શન કરવા મંદિરે ન ગયો. પરંતુ તે ઘાયલ કબુતરની આંખોમાં મને ભગવાન શિવ નજર આવી ગયાં હતા. અને તેનાં આશીર્વાદ પણ મળી ગયાં હતા. ઘરે પહોચતાંની સાથે બધાએ પૂછ્યું કે “ શું મંદિરે ભગવાનને જલાભિષેક કરી આવ્યો. ? ”


“ ભગવાનની તો ખબર નહિ, પરંતુ જલાભિષેક જરૂર કરીને આવ્યો છું “


બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED