નકશાનો ભેદ - 7 Yeshwant Mehta દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

નકશાનો ભેદ - 7

નકશાનો ભેદ

યશવન્ત મહેતા

પ્રકરણ – ૭ : મનોજ એના મૂળ રંગમાં આવે છે

એ પછીનો આખો દિવસ રાહ જોવાની હતી. વિજયના પપ્પા શા સમાચાર લાવે છે, એની છેક સાંજે જ ખબર પડવાની હતી. એટલે એ આખો દિવસ શું કરવું, એ સવાલ હતો. વિજયે તો કહ્યું કે, આરામ કરો. સાંજે મારા પપ્પા જરૂર સારા સમાચાર લઈને આવશે.

પણ મનોજને એવી બેઠાબેઠ જરાય ગમતી નથી. એ કહે કે, આપણે આપણી રીતે તો તપાસ કરવી જ રહી. સાચા ડિટેક્ટિવને કોઈક પગેરું મળવાની રાહ જોતાં બેસવું પાલવે જ નહિ. એટલે એણે તો કાર્યક્રમ ઘડી કાઢ્યો. બે ટુકડીઓ પાડી દીધી. એક ટુકડીમાં પોતે અને વિજય રહે. બીજી ટુકડીમાં મિહિર, જ્ઞાન અને બેલા રહે. બંને ટુકડીઓ આખો દિવસ શહેરની બેન્કો, પેઢીઓ, દુકાનો, ઓફિસોમાં ફરતી રહે અને જ્યાં સિલિકોન રેક્ટીફાયરવાળી ચેતવણીની ગોઠવણો હોય એમની યાદી બનાવે. સાંજના પાંચ વાગતાં સૌ જ્ઞાનને ઘેર આવી જાય. જ્ઞાનનું ઘર વિજયના ઘરને અડીને જ છે. વિજયના પપ્પા સાંજે ઘેર આવે ત્યારે મૂનલિટના ગ્રાહકોની યાદી લાવે છે કે નહિ એ સૌ સાથે જુએ.

આ કાર્યક્રમ મુજબ સૌ ઘૂમતાં રહ્યાં. સવારનું ભોજન કરીને નીકળેલાં. સાંજના સાડા સાતેક વાગે જ્ઞાનના આંગણામાં ભેગા થયાં ત્યારે ટાંટિયાની તો કાઢી થઈ ગઈ હતી, અને બંને ટુકડીઓના હાથમાં પેલી ચેતવણીની ગોઠવણ ધરાવતી કંપનીઓની લાંબી લાંબી યાદીઓ હતી.

બેલાએ પોતાની ટુકડીની યાદી મનોજના નાક આગળ જોરથી ધરતાં કહ્યું, “લે, જો, મહાન ડિટેક્ટિવ ! આ યાદી કેટલી લાંબી થઈ છે ? અને હજુ તો અમે અમારા ભાગના શહેરના ચોથા ભાગમાંય નથી ફર્યાં !”

મિહિર બોલ્યો, “વળી એક બીજી મુશ્કેલી પણ મેં જોઈ. ઘણી કંપનીઓએ પોતાની ચેતવણી પ્રથાઓ છૂપી રાખી હોય એવું લાગે છે. કોડીબંધ એવી જગાઓ હશે જે આ યાદીમાં ન પણ હોય.”

જ્ઞાન બોલ્યો, “એટલે કશા જ ચોક્કસ ખ્યાલ વગરની આવી ટાંટિયાતોડનો કશો અર્થ નથી.”

આ ત્રણે જણનું ભાષણ સાંભળી લીધા પછી મનોજે જોરથી અદબ ભીડી. જાણે કુસ્તીના મેદાનમાં ઊતરતો હોય એમ બંને પહોળા ખોડ્યા. પછી ખુમારીથી કહ્યું, “જેને ડિટેક્ટિવ કામ ટાંટિયાતોડ લાગતું હોય તે હમણાં જ મને રાજીનામું આપી દે.”

પણ કોઈની રાજીનામું આપવાની તૈયારી ન જોઈ ત્યારે એણે વિજયી સેનાપતિની જેમ નજરો ફેરવી. પછી કહ્યું, “ડિટેક્ટિવનું કામ તો કૂતરા જેવું કામ છે. ઘોડા જેવું કામ છે. તમે કદી કોઈ કૂતરાને કે ઘોડાને થાકી જતા જોયા છે ? હાય, અમે તો દોડાદોડી કરીને કંટાળી ગયા, એવું કૂતરા-ઘોડાને કહેતા સાંભળ્યા છે ? ડિટેક્ટિવને થાક ન હોય, ઊંઘ ન હોય, કંટાળો ન હોય. એ તો ગુનેગારને ઝડપી ન લે ત્યાં સુધી જંપે જ નહિ !”

મનોજનું આ લાંબું લેક્ચર સૌએ નીચી મૂંડીએ સાંભળી લીધું. કારણ કે એ મનોજ એન્ડ કંપનીનો ઉપરી હતો, અને એની કંપનીમાંથી નીકળી જવાની કોઈનીય ઇચ્છા નહોતી.

ફક્ત બેલાએ નરમ અવાજે પૂછ્યું, “વિજય, તારા પપ્પા બરાબર પાંચ વાગે ઘેર આવી જાય છે ?”

વિજય કહે, “હોવે ! એ કદી મોડા ન પડે. અરે... અરે, આ આવ્યા.”

એમ કહીને એણે આંગળી ચીંધી. સૌએ તેણે ચીંધેલી દિશામાં જોયું. વિજયના પપ્પાનું સ્કૂટર આવતું હતું.

એ પછી તો જોકે વિજય પણ જરાક ઢીલો પડી ગયો. એને છેલ્લી ઘડીએ શંકા થવા લાગી કે પપ્પા કદાચ જોઈતી માહિતી ન પણ લાવ્યા હોય ! એટલે એ જ્ઞાનના ફળિયામાંથી પોતાના ફળિયામાં ગયો ત્યારે મેંદીની વાડ કૂદીને ન ગયો. એને બદલે એક સાંકડા છીંડામાંથી પગ ઘસતો ગયો.

એ પોતાના પપ્પાની સામે ગયો અને અહીં ઊભેલાં સૌ અધીરાઈથી એને જોઈ રહ્યાં. સૌએ જોયું કે વિજયના પપ્પાનું સ્કૂટર ઝાંપામાં આવ્યું. ઊભું રહ્યું. એમણે ઊતરીને સ્કૂટરને સ્ટેન્ડ ઉપર ચડાવ્યું. વિજય એમની સામે ગયો. એણે મોં ખોલીને કશુંક પૂછ્યું. પપ્પાએ નકારમાં માથું ધુણાવ્યું. એ જોઈને અહીં ઊભેલાં ચારેય જણના જીવ સાવ બેસી ગયા. મનોજથી તો એક મોટો નિસાસો પણ નખાઈ ગયો.

અરે, પણ આ શું ?

વિજય પોતે ઉત્સાહમાં દેખાતો હતો. એનો ચહેરો પડી ગયો નહોતો. એ નિસાસો નાખતો નહોતો.

એટલામાં એના પપ્પાએ સ્કૂટરની આગળ બાસ્કેટમાંથી પોતાની દફતર-પેટી ઉઠાવી. જમણો પગ સ્કૂટરની ઉપર ટેકવ્યો. સાથળ ઉપર પેટી ટેકવી. ખોલી. અંદરથી એક કાગળ કાઢી એણે વિજયના હાથમાં મૂક્યો. એ કાગળ જોઈને વિજયના ચહેરા પર આનંદ છવાઈ ગયો. અને એ કાગળ અને વિજયનો આનંદ જોઈને આ ચારે જણને ખાતરી થઈ ગઈ કે કામ ફતેહ થયું છે. ચારેય જણના મોંમાંથી ‘હુર્રા’ નીકળી ગયું. એ આનંદની ક્ષણ હતી. અને ખરેખરા આનંદની ક્ષણે આનંદનો પોકાર આપોઆપ નીકળી જ જાય છે. બેલા તો એકદમ તાળીઓ પાડીને, પગનો ઠેકો આપીને બે-ત્રણ ચક્કર પણ ઘૂમી ગઈ. જાણે ગરબો ગાતી હોય.

વિજય પાછો આવ્યો ત્યારે મેંદીની વાદ કૂદીને આવ્યો. જાણે ઊંચા કૂદકાની હરીફાઈમાં ઈનામ જીત્યો હોય એટલો ઉત્સાહ એના કૂદકામાં કળાઈ આવતો હતો.

સૌની સામે આવીને એણે પેલો કાગળ વિજયધ્વજની માફક ફરકાવ્યો અને કહ્યું, “દોસ્તો ! આપણને જોઈતી માહિતી મળી ગઈ ! જુઓ આ કાગળ !”

જ્ઞાને પૂછ્યું, “અરે વિજય ! તારા પપ્પા કાગળ લઈને આવ્યા હતા તો એમણે પહેલાં નકારમાં માથું કેમ ધુણાવ્યું હતું ? અમારા તો જીવ નીકળી ગયેલા એ જોઈને !”

વિજય કહે, “અરે, એ તો મેં પૂછેલું કે પપ્પા, પેલા ઘરાકોનાં નામ મેળવવામાં કશી તકલીફ પડી છે ? ત્યારે એમણે માથું ધુણાવીને કહેલું કે ના, ના, એમાં તકલીફ શી ?”

મનોજ બોલી ઊઠ્યો, “ઓલ રાઈટ ! લાવ, યાદી લાવ.”

વિજયે કાગળ એની સામે ધર્યો. બાકીનાં ત્રણેક જણ પણ એ કાગળ ઉપર ઝૂક્યાં. સૌએ તેમાં ટાઈપરાઇટરથી લખાયેલાં નામ વાંચ્યાં. નામ બહુ નહોતાં. આગલે દિવસે વિજયના પપ્પાએ કહેલું તેમ, ફક્ત ત્રણ જ નામ હતાં. સાથે સરનામાં હતાં. કાગળમાં નીચે મુજબ લખાણ હતું :

મૂનલિટ બોન્ડના ગ્રાહકો :

મનજી મૂળજી ડ્રેસવાલા, સૈયદ ગલી, ખાનપુર.

ફિરોઝ બહેરામ દવાવાલા, મેઈન રોડ, શાહપુર.

રતનજી ભીમજી એન્ડ કં., ઊંચો ઢાળ, ગાંધી રોડ.

કાગળ વાંચીને મિહિર બોલી ઊઠ્યો : “સૈયદ ગલી, ખાનપુર... ત્યાં તો અમે આજે બપોરે ગયાં હતાં. આ ડ્રેસવાલાની દુકાન પણ જોઈ હતી. પણ ત્યાં ભયની ચેતવણીની કોઈ ગોઠવણ જોવા નહિ મળેલી.”

જ્ઞાન કહે, “ત્યાં ભય શાનો ? આ લોકો નાટક-રામલીલા-ગરબા વગેરે માટે ડ્રેસ ભાડે આપવાનું કામ કરે છે. બધા જ ડ્રેસ બનાવટી. સ્ટેજ ઉપર ભપકાદાર લાગે, પણ મૂળ કિંમત કશી નહિ. ઘરેણાં બનાવટી. મુગટ બનાવટી. આવા લોકોને લુંટાવાનો શો ભય હોય કે ચોરીની ચેતવણીની ગોઠવણ વસાવે ?”

બેલા કહે, “એય બરાબર. અને આ શાહપુરના દવાવાળાને પણ કશો ભય નહિ. દવા તો જે વાપરી જાણે એને માટે કિંમતી હોય છે, પણ ચોરોને મન એની કશી કિંમત નહિ. એટલે ફિરોઝ બહેરામને ત્યાં પણ આવી કશી ગોઠવણ નથી. આપણે ખાનપુર પછી શાહપુરમાં ફરેલાં, બરાબર ને મિહિર ?”

મિહિરે માથું હલાવીને હા કહી.

મનોજે પૂછ્યું, “અને આ રતનજી ભીમજી કોણ છે ? હું આજે ગાંધી રોડ ઉપર નીકળેલો અને આવું કોઈક બોર્ડ પણ વાંચેલું, પરંતુ ત્યાં ભયની ચેતવણીની કશી સગવડ જોવા મળી નહોતી.”

મિહિર કહે, “બધા લોકો પોતાની આવી સગવડ જાહેર કરતા નથી. બેન્કો, ટ્રેઝરીઓ વગેરે સરકારી ઓફિસોમાં એવું બધું સાવ દેખીતું હોય છે. પણ ખાનગી પેઢીઓ આવી સગવડો પણ ખાનગી જ રાખે છે.”

બેલા બોલી ઊઠી, “અને આ રતનજી ભીમજી એન્ડ કંપની કોણ છે એ હું કહું. એ ઝવેરાતની દુકાન છે.”

મનોજ કૂદી ઊઠ્યો : “શું કહ્યું ? સોનારૂપા અને હીરામાણેકના વેપારી ? તને ખાતરી છે, બેલા ?”

બેલાએ જોરજોરથી અને ઉત્સાહથી માથું ધુણાવતાં કહ્યું, “ખાતરી એટલે ? એકસો ને એક ટકા ખાતરી છે. હજુ બે મહિના અગાઉ મારી માસીની દીકરીનાં લગ્ન હતાં ત્યારે એને ભેટ આપવા માટે ચાંદીનો ઝૂડો અમે ત્યાંથી જ ખરીદ્યો હતો !”

મનોજ હવે એના મૂળ રંગમાં આવી ગયો. વિજયના પપ્પાએ આપેલી યાદીને ફરકાવતાં એ બોલ્યો, “તો તો એ જ હશે ! ઘરેણાંની લૂંટ ! બીજું શું ? ઓફિસરો, હવે શાની રાહ જોવાની છે ? ચાલો, રતનજી ભીમજીની કંપનીની તપાસે !”

મનોજ આ વાત એવી રીતે બોલ્યો જાણે સુભાષચંદ્ર બોઝ કહેતા હોય : ચાલો દિલ્હી ! લાલ કિલ્લા ઉપર આઝાદ ભારતનો ધ્વજ ફરકાવી દઈએ !

*#*#*