જગતનો સમ્રાટ (ભાગ-17)
આગળના ભાગમાં આપણે જોયું કે ગુરુજી દ્વારા જૈનીષને આપવામાં આવેલ રુદ્રાક્ષની માળાનો ઉલ્લેખ કરવામાં આવે છે. બીનીતભાઈ ગુરુજીને જણાવે છે કે જૈનીષને કઈ રીતે માળા આપવામાં આવી. ગુરુજીને તેમના ગુરુદેવ સાગરનાથ યાદ આવે છે. ગુરુજી અહી આવવાનું કારણ જૈનીષ છે એવું જણાવે છે અને તેમના ગુરુદેવ દ્વારા તેમને જણાવવામાં આવેલ વાતો બધા સમક્ષ રજૂ કરે છે અને જૈનીષ દ્વારા ભવિષ્યમાં ઈશ્વરીય શક્તિ જગતને મળવા જઈ રહી છે તે જણાવે છે. આ વાતથી રમીલાબેન શોકની લાગણી અનુભવે છે અને તેમને વર્ષો પહેલા થયેલ વિધિની ઘટના યાદ આવી જતા તેઓ જૈનીષને ક્યાંય નહિ જવા દે એવા ઉદ્વેગ સાથે દુઃખી થઈને રડવા લાગે છે. જૈનીષ રમીલાબેનને પૂછ્યા વગર નહી જાય એવી સાંત્વના આપે છે અને ગુરુજી પણ રમીલાબેનને જણાવે છે કે તેઓ જૈનીષને નહી લઈ જાય ત્યારે રમીલાબેન શાંત થાય છે. હવે આગળ,
#######~~~~~~~#######
મીટીંગ રૂમમાં માહોલ અત્યારે ન સમજાય એવો બની ગયો છે. ગુરુજી દ્વારા એક બાજુ કહેવામાં આવે છે કે તેઓ જૈનીષને લીધે પોતાનો આશ્રમ કૈલાશધામ છોડીને આવ્યા છે જેથી તેઓ ભવિષ્યના મહાનાયકની શિક્ષા અને તાલીમની જવાબદારી લઈ શકે. તો બીજી બાજુ તેઓ જૈનીષને તેની મરજી વગર લઈ જવા માંગતા નથી. રાજેશભાઈ કે જેઓ ગુરુજીના શિષ્ય રહી ચૂક્યા છે અને તેમને ખૂબ સારી રીતે જાણતા હોય છે તેઓ પણ અત્યારે મુંજવણમાં મુકાયા છે.
ગુરુજીને આવી વાતો કરતા તેમણે પેહલા ક્યારેય નથી સાંભળ્યા. કારણ કે ગુરુજી હંમેશા મુદ્દાની અને સ્પષ્ટ વાત જ કરે છે. બીજી તરફ બીનીતભાઈ તથા અન્ય હાજર તમામ પણ આ પરિસ્થિતિને પોતપોતાની રીતે સમજવાની કોશિશ કરી રહ્યા છે. રમીલાબેનની હાલત આજ પેહલા ક્યારેય આવી જોઈ ના હોવાથી જૈનીષ હવે આ બધી વાતો જાણવા માટે ખાસ ઉત્સાહિત દેખાતો નહોતો. એને જેમ બને તેમ જલદી ઘરે જવું હતુ. ગુરુજી પરિસ્થિતિ પામી ગયા હતા અને તેઓ હવે સત્ય કહેવા માટે મજબૂર બન્યા હતા.
ગુરુજી:- "જાણું છું કે મારી બે તરફી વાતોના કારણે પ્રશ્નો વધુ ઘૂચવાયા છે. એનું નિરાકરણ સત્યથી જ આવશે એવું લાગે છે. પણ જેવો માહોલ અત્યારે અહીંયા છે તે જોઈને લાગતું નથી કે અહી ઉપસ્થિત લોકો સત્યને સ્વીકારી શકશે. એટલે મારે સત્યને અત્યારે માત્ર પોતાના પૂરતું જ સીમિત રાખવું પડશે." ગુરુજી બીનીતભાઈ અને રમીલાબેન તરફ જોઈને બોલ્યા. તેઓ સારી રીતે જાણતા હતા કે બીનીતભાઈ અને રમીલાબેનને અંદાજો છે જ પણ તેઓ આટલી જલ્દી સત્ય સ્વીકારી શકશે નહી. ગુરુજી રાજેશભાઈ તરફ ફરીને કહે છે, "ચાલો મારા આસિસ્ટન્ટ, હવે તમારા ઘરની મુલાકાતની તમારી ઈચ્છા પૂર્ણ કરીએ, ત્યારબાદ કૈલાશધામ જવા રવાના થવું પડશે."
રાજેશભાઈ:- "ગુરુજી, તમે મને કૈલાશધામમાં હંમેશા આસિસ્ટન્ટ જ કહેતા. આજે ફરી આસિસ્ટન્ટ સાંભળીને ખૂબ આનંદ થયો." ગુરુજી અને રાજેશભાઈ વચ્ચે જૂની યાદો તાજી થઈ ગઈ. ગુરુજી રાજેશભાઈને બહાર રાહ જોઈ રહ્યા છે એમ કહી તેઓ નીકળી જાય છે. રાજેશભાઈ ગુરુજીના ગયા બાદ આચાર્ય સાહેબ, આનંદ સર તથા ખાસ તો જૈનીષ અને દિશાની સફળતાને ઉજવવા પોતાના ઘરે ભોજન માટે આમંત્રણ આપે છે. અને તેઓ તરત ગુરુજી સાથે એમની કારમાં બેસીને પોતાના નિવાસ સ્થાન તરફ પ્રસ્થાન કરે છે.
આચાર્ય સાહેબ જૈનીષ અને દિશાને બહાર મોકલીને તેમના માતા પિતા સાથે ચર્ચા કરવા માટે તેમને ત્યાં રોકે છે. જૈનીષ અને દિશાના બહાર ગયા બાદ આચાર્ય સાહેબ તેમને આજે રાજેશભાઈના ઘરે આવવા માટે સમજાવે છે. ગુરુજી બાબતે તેઓ બધાને ચિંતા નહી કરવાનું જણાવે છે. બીનીતભાઈ અને દિનેશભાઈ આચાર્યની વાત સાથે સહમત થઈ ગયા અને તેઓ રાજેશભાઈના નિવાસ સ્થાને પહોંચી જશે એવી ખાતરી આપી. બાદમાં તેઓ પણ પોતપોતાના ઘરે આવી જાય છે અને રાત્રી ભોજન માટે રાજેશભાઈના ઘરે જવાની તૈયારી કરવા લાગ્યા.
#######~~~~~~~#######
રાજેશભાઈના ઘરે ગુરુજીનું આગમન થાય છે. તેમનું સ્વાગત રાજેશભાઈ પોતે કરે છે. ગુરુજી ઘરની તમામ વસ્તુઓ અને અન્ય રાચરચીલું જોઈને પ્રભાવિત થાય છે. રાજેશભાઈ તેમને પોતાના મંદિરમાં લઈ જાય છે અને ગુરુજી પૂજા કરી શકે તેની તમામ વ્યવસ્થા કરી આપે છે. ગુરુજી રાજેશભાઈને પૂજા પછી એકાંતમાં મળવાની વ્યવસ્થા કરવાનું કહીને પૂજા કરવા લાગે છે. રાજેશભાઈ ઘરની પાછળ ગાર્ડનમાં આવેલ લીમડાના વૃક્ષ પાસે બેઠક વ્યવસ્થા કરે છે.
ગુરુજી એમની પૂજા પૂરી કર્યા બાદ બહાર આવે છે. રાજેશભાઈ તેમને જણાવે છે કે વ્યવસ્થા થઈ ગઈ છે અને તેમને પાછળ ગાર્ડન તરફ દોરી જાય છે. બહાર જતી વખતે રાજેશભાઈ ઘરના મહારાજને સાંજે આયોજિત ભોજન કાર્યક્રમની જાણકારી આપીને તે મુજબ તૈયારી કરાવવાનું કહે છે. ગુરુજી અને રાજેશભાઈ ગાર્ડનમાં રહેલ લીમડા નીચે સ્થાન ગ્રહણ કરે છે. એકાંતમાં બેસવાની વાત સાંભળીને રાજેશભાઈને થોડો ખ્યાલ તો આવી જ ગયો હતો કે કોઈ જરૂરી અને મહત્વપૂર્ણ વાત કરવા માટે જ ગુરુજીએ આમ વ્યવસ્થા કરાવી છે.
એ પેહલા રાજેશભાઈ કંઈ પૂછે, ગુરુજી જ વાતની શરૂઆત કરે છે. " રાજેશ, તું જાણે છે કે કૈલાશધામમાં હું શા માટે તને હંમેશા આસિસ્ટન્ટ કહેતો ?"
રાજેશભાઈ:- "ગુરુજી, કારણકે હું હંમેશા બધું જડપથી શીખી જતો અને પછી બીજાને શીખવાડવા માટે તમે જ મને આગળ કરી દેતા." પોતાના શિષ્ય સમયના સ્મરણો યાદ કરતા રાજેશભાઈ ગુરુજીને જવાબ આપે છે.
ગુરુજી:- "હજીય યાદ છે એમને રાજેશ." કહેતા ગુરુજીના મુખ પર સ્મિત આવી ગયું. તેઓ આગળ જણાવે છે. "પણ સાચું કારણ એ નથી રાજેશ જે તને લાગે છે. અને તારા સ્વભાવ મુજબ તું આગળ પ્રશ્નો પૂછે એ પેહલા જ હું તને સંપૂર્ણ હકીકતથી વાકેફ કરીશ. એટલે જ એકાંત સ્થળ પસંદ કર્યું છે તને એ રહસ્ય જણાવા માટે." કહીને થોડી વાર રોકાય છે અને પછી તેઓ વાત કરવાની શરૂવાત કરી.
એવી તો કયું રહસ્ય છે?
શા માટે ગુરુજી જૈનીષ સમક્ષ આ રહસ્ય અત્યારે ઉજાગર નહી કરી શક્યા ?
શા માટે તેઓ રાજેશભાઈને આ રહસ્યથી વાકેફ કરવા માંગે છે ?
શું રાજેશભાઈની પણ કોઈ મહત્વપૂર્ણ ભૂમિકા છે જૈનીષ ના જીવનમાં ?
બધા સવાલના જવાબ છે ગુરુજી પાસે અને તેઓ તમામ સવાલના અને રહસ્યોના પડદાઓ ઉઘાડશે. જોઈશું આવતા ભાગમાં,
રાધે રાધે
હર હર મહાદેવ