નકશાનો ભેદ - 5 Yeshwant Mehta દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • હમસફર - 26

    અ/મ : મને સમજાતું નથી હું શું કહું વીર : મોમ મને ખબર છે અમે...

  • દીકરો

    જૂનું લાકડાની પીઢોવાળું લાંબુ ત્રણ ઓરડાવાળું મકાન છે. મકાનમા...

  • ભીતરમન - 38

    એ લોકો ફાયરિંગમાં સહેજ નિશાન ચુકી જતાં ગોળી મને હૃદયમાં લાગવ...

  • ખજાનો - 37

    ( આપણે પાછળના ભાગમાં જોયું કે સાપોની કોટડીમાં ઝહેરીલા સાપ હો...

  • ફરે તે ફરફરે - 20

    ફરે તે ફરફરે - ૨૦   આજે અમેરિકાના ઘરોની વાત માંડવી છે.....

શ્રેણી
શેયર કરો

નકશાનો ભેદ - 5

નકશાનો ભેદ

યશવન્ત મહેતા

પ્રકરણ – ૫ : વિજય નવી વાત શોધે છે

લાયબ્રેરીમાંથી સૌ પોતપોતાને ઘેર ગયાં. જમ્યાં. એ પછી દોડાદોડ પાછાં મનોજના ઘરના ભોંયરામાં ભેગાં થઈ ગયા.

ડિટેક્ટિવ એજન્સીના બધા જ અફસરો આવી ગયા એટલે મિહિરે વાત રજુ કરી :

“આમતેમ બે કોળિયા જમીને હું પાછો પ્રયોગશાળામાં ગયો હતો. ત્યાં એક ખાનામાં મેં ઇલેક્ટ્રોનિક ચીજવસ્તુઓ બનાવનારી જુદીજુદી કંપનીઓનાં સૂચિપત્રો એકઠાં કર્યાં છે. એ તપાસી જોયા. અહીં જે પ્રકારની ચેતવણીની ગોઠવણનો નકશો છે તે કોસમોસ ઇલેક્ટ્રોનિક્સ દ્વારા બનાવવામાં આવે છે.....”

મનોજ ઊભો થઈ ગયો. “શાબાશ ! તો હવે આપણે બેન્કોમાં, ઝવેરીઓની દુકાનોમાં, શરાફી પેઢીઓમાં અને મિલોમાં ઘૂમી વળવાનું અને કોસ્મોસનું નામ શોધવાનું, બરાબર ને ?”

મિહિરે માથું ધુણાવ્યું. અને એનું માથું ધૂણે ત્યારે બહુ અસરકારક રીતે ધૂણે છે. એનું માથું ખૂબ મોટું છે-વૈજ્ઞાનિક માથું ખરું ને !

એ બોલ્યો, “આ બેલ્લા સાચું જ કહે છે, મનોજ ! તું બહુ ઉતાવળિયો છે...”

બેલા બોલી ઊઠી, “હું એકલા મનોજ માટે નથી કહેતી. બધા જ છોકરા ઉતાવળિયા ને બુધ્ધુ હોય છે.”

જ્ઞાનને લાગ્યું કે આ લોકો હમણાં જ પાછાં લડી પડશે અને મૂળ મુદ્દો વીસરાઈ જશે. એટલે એને વચ્ચે ઝુકાવ્યું : “હવે તમે લોકો ચૂપ રહેશો ? મૂળ વાત ઉપર જ ધ્યાન રાખો ને !”

મિહિર કહે, “હા, મૂળ મુદ્દો એ હતો કે આ નકશામાં જે યંત્ર બતાવ્યું છે તે કોસમોસવાળા બનાવે છે. પણ એ જાત એટલી બધી જાણીતી અને લોકપ્રિય છે કે વધુમાં વધુ લોકો એ જ પસંદ કરે છે. આવડા મોટાં શહેરમાં સેંકડો લોકો પાસે એ હોઈ શકે છે. એ બધાંની શોધ કરતાં વરસેક તો નીકળી જ જાય.”

એ સાંભળીને મનોજ પાછો ખુરશીમાં બેસી પડ્યો. એનો ચહેરો પાછો ઝંખવાઈ ગયો હતો. અને આંખોનું તેજ ઝાખું પડી ગયું હતું.

મિહિર આગળ બોલ્યો, “એટલે આપણને આ નકશો તો મળ્યો છે, પરંતુ એને આધારે કશું શોધતા પહેલાં લૂંટ થઈ જવાની છે.”

અને એણે નિરાશામાં ને નિરાશામાં એ ચબરખીને મનોજના ટેબલ ઉપર ફગાવી. પરંતુ ઉપર પંખો ફરતો હતો. એટલે ચબરખી ઉડી અને જ્યાં વિજય બેઠો હતો ત્યાં જઈ પડી. વિજયે તરત જ સાચવીને એ ઉપાડી લીધી. ચબરખી એના હાથમાં પહેલી વાર જ આવી હતી. એણે મોટામોટા ડોળા ફાડીને એને આમતેમ ફેરવીને જોવા માંડી. બધાને લાગ્યું કે વિજય પણ આ નકામી સાબિત થયેલી ચબરખી ઉપર નારાજ થયો છે. કદાચ ફાડી....

એટલે જ્ઞાન ઉતાવળે બોલી ઊઠ્યો, ‘વિજય ! જરા ધ્યાન રાખજે, હોં. એ ચબરખી ખૂબ કામની છે. જે ગુનો બનવાનો છે એનું એકમાત્ર પગેરું છે. અને હજુ...”

પરંતુ વિજયે જાણે એની વાત જ ન સાંભળી હોય એમ બોલવા માંડ્યું, “એય જ્ઞાન ! તને આમાં કશુંક નવું નથી દેખાતું ?”

અખાડિયન પહેલવાન વિજયને વળી આમાં શું નવું દેખાયું હશે, એની સૌને નવાઈ લાગી. વિજય તો ચબરખીને ઊંચી કરીને, બત્તી સામે રાખીને એને જોઈ રહ્યો હતો.

અથવા કહો કે એની આરપાર જોઈ રહ્યો હતો. એની નજરો વીજળીની સિરીઝની જેમ ઉઘાડ-બંધ ઉઘાડ-બંધ થતી હતી. મનોજને પણ બીક લાગી કે આ લલ્લુભાઈ ક્યાંક ચબરખીનો નાશ કરી નાખશે.

એટલે એણેય બૂમ પાડી : “અલ્યા, એમાં કશી નવાઈ ન હોય તો એ મૂકી દે અને જ્ઞાનને સોંપી દે.”

પણ વિજય તો ચબરખીની આરપાર જોતો જ રહ્યો અને બબડતો રહ્યો : “આ કાગળ....હાં, બરાબર....મૂનલિટ બોન્ડ....બરાબર, મને ખાતરી છે કે આ મૂનલિટ બોન્ડ જ છે...”

“મૂનલિટ બોન્ડ ? એ શું ?” મનોજે પૂછ્યું.

બેલા બબડી, “જેમ્સ બોન્ડના મોટા ભાઈનું નામ હશે !”

જ્ઞાન બોલી ઊઠ્યો, “અલ્યા, આ અઘરો કેસ આવી પડવાથી તારું ચસકી તો નથી ગયું ને ?”

વિજય તો જાણે સપનામાં હોય એમ બોલતો જ રહ્યો, “મને ખાતરી છે કે આ મૂનલિટ બોન્ડ જ છે. તમે જાણો છો ને, મારા પપ્પા કાગળનો ધંધો કરે છે.આ એમની લેટેસ્ટ આઈટમ છે. અરે, છેલ્લા પંદર દહાડાથી આ મૂનલિટ બોન્ડની જ વાતો એ રાતદિવસ કરતાં રહે છે.”

મનોજ હવે જરાક ધીરો પડ્યો. “એમ કે ? તો તારા પપ્પા જેનો વેપાર કરે છે એવો આ કાગળ છે, એમ ને ? પણ એ મૂનલિટ બોન્ડ છે એમ તને ક્યાંથી ખબર પડી ?”

વિજય કહે, “વોટરમાર્ક જોઈને.”

“વોટરમાર્ક ? એ શું ?”

વિજય કહે, “દરેક સારા કાગળની અંદર એક ખાસ પદ્ધતિથી અમુક ચિત્ર કે ડિઝાઈન કે અક્ષરો કોતરવામાં આવે છે. કાગળની સપાટી સરખી જ રહે છે, પણ એને પ્રકાશ સામે ધરો તો તરત આછો વોટરમાર્ક દેખાય. તમે ચલણી નોટો જોશો તો એમાં આપણા દેશની રાજમુદ્રાના ત્રણ સિંહનો વોટરમાર્ક હોય છે. એ જ રીતે ટપાલટિકિટના કાગળમાં પણ વોટરમાર્ક હોય છે. એ જ રીતે ઊંચી જાતના કાગળની અંદર પણ એનો ખાસ વોટરમાર્ક હોય છે. કંપનીઓના લેટરપેડ વગેરે બનાવવા માટે સનલિટ બોન્ડ વપરાય છે. એ કાગળ પ્રકાશની સામે ધરશો તો એમાં સનલિટનું નામ વંચાશે. આ મૂનલિટ બોન્ડ નવો કાગળ છે. સનલિટ કરતાં ખૂબ મોંઘો. મારા, પપ્પાજી હમેશાં ચિંતા કરે છે કે આટલો મોંઘો કાગળ આ શહેરમાં કેમ કરીને વેચાશે ?”

વિજયની આ વાત સાંભળીને જ્ઞાનના મુખ ઉપર તેજ તેજ છવાઈ ગયું. એ બોલ્યો, “એટલે, મનોજ, આ ચિઠ્ઠી લખનારને શોધી કાઢવાનો એક ઉપાય આ છે........આ કાગળ વાપરનારને શોધી કાઢીએ.”

મનોજના ભેજામાં દરેક વાત જલદી ઊતરી જાય છે. આ નવો તર્ક પણ એ તરત જ સમજી ગયો. એ કહે, “વિજય કહે છે કે આ કાગળ મોંઘો છે. એના ઘરાક મળતા નથી. હજું પંદર દિવસથી જ આ કાગળ બજારમાં આવ્યો છે. એટલે બહુ લોકો સુધી એ નહિ પહોંચ્યો હ્પ્ય. વિજય ! તારા પપ્પાજીએ આ કાગળ કેટલા કેટલા લોકોને વેચ્યો છે, એનો પત્તો મળી શકે ?”

વિજય કહે, “પપ્પાજી એનીસ્તો બબડાટી કરે છે. કહેતા હતા કે આ કાગળ હજુ એક જ પાર્ટીએ ઉઠાવ્યો છે.”

“એક જ ? કોણ ?” મનોજ પાછો ઉત્સાહથી ઉછળ્યો.

“ઓફિસ સ્ટેશનરીની દુકાન.”

વળી મનોજ ઠરી ગયો. “હત્તેરીકી ! સ્ટેશનરીની દુકાનેથી તો સેંકડો લોકો એ કાગળ લઈ ગયા હોય ને ?”

વિજય કહે, “પપ્પાજીને એની જ ચિંતા છે ને ! પેલો સ્ટેશનરી વેચનારો દરરોજ એમનો જીવ ખાય છે. એ કહે છે કે મને આ મોંઘા કાગળના ઘરાક જ મળતાં નથી. કહે છે કે તમારો માલ પાછો લઈ જાઓ !”

જ્ઞાન બોલ્યો, “ત્યારે તો એ દુકાનવાળાએ ઘણા લોકોને એ કાગળ વેચ્યો નહિ હોય. તારા પપ્પાજી એ લોકો પાસેથી થોડીક માહિતી મેળવી શકે ખરા ? આ કાગળ કોણ લઈ ગયું છે એની યાદી મળી જાય તો આપણું કામ સહેલું બની જાય.”

વિજય કહે, “હા, હા, જરૂર. હું મારા પપ્પાજીને પૂછી લઈશ. સાંજે એ દુકાનેથી ઘેર આવે કે તરત જ પૂછીશ.”

પણ સાચી વાત એ છે કે વિજયની ખોપરી બાબત મનોજને કે બીજા કોઈનેય બહુ વિશ્વાસ નહિ. કશાક મારામારીના મામલામાં વિજય મહામૂલો પુરવાર થાય એ સાચું ! પણ જ્યાં અક્કલ લડાવવાની આવે ત્યાં બિચારો લથડિયાં ખાઈ જાય.

એટલે મનોજે કહ્યું, “બરાબર છે, વિજય, તું પપ્પાજી ઘેર આવે કે તરત એમને આ વાત પૂછજે. પણ તારે એકલાએ આ કામ નથી કરવાનું. જ્ઞાન તારી સાથે રહેશે. ડિટેક્ટિવ ઓફિસર જ્ઞાન, તું સાંજે સમયસર વિજયને ઘેર પહોંચી જજે. સવાલો ચતુરાઈથી પૂછજે. આપણો ભેદ છતો ન થઈ જાય એની કાળજી રાખજે. મને લાગે છે કે નકશાના ભેદના આ કેસનો સંપૂર્ણ આધાર હવે આ એક બાબત પર જ છે. તો હવે આપણે બધા વિખેરાઈ જઈએ. હજુ બધાને હોમ વર્ક પણ કરવાનું હશે. કાલે મળજો. આવજો, બેસ્ટ લક !”

*#*#*