Mounwani books and stories free download online pdf in Gujarati

મૌન વાણી

ઋણ સ્વીકાર
શબ્દમોતીનાં ઝવેરી એવા સર્વ સુજ્ઞ વાચકોને મારા નતમસ્તક વંદન. 'માતૃભારતી' પર પ્રકાશિત કરેલ 'સ્પંદન' લઘુવાર્તા સંગ્રહને આપ સૌ તરફથી ખૂબ જ સારા પ્રતિસાદથી મુજને ધન્ય કર્યો જે મારું અહોભાગ્ય છે. આપ સૌનો આ બહોળો પ્રતિસાદ મને સાહિત્ય સેવા પ્રત્યે પ્રેરણાત્મક ગતિ બક્ષે છે. આપની આ અમીદ્રષ્ટિની પ્રેરણાથી જ અત્રે 'મૌન વાણી' નામે નાનકડો કાવ્યસંગ્રહ પ્રગટ કરવાનું મને બળ પ્રાપ્ત થયું છે. આશા છે પ્રસ્તુત 'મૌન વાણી' માં રજૂ કરેલા પદ્યપ્રયોગો આપ સૌને જરૂર ગમશે.
આપનાં અવિરત અનુરાગનો અભિલાષી...
રાજેન્દ્રકુમાર એન.વાઘેલા
=================================
ચાલ થોડુંક મૌન મૌન રમીએ,
વણ બોલ્યે એકમેકને ગમીએ.

જોઈએ તો ખરાં હ્રદયના ભાવ,
જોવા ખુદને અંતરમાં નમીએ. - ચાલ થોડુંક ૦

તુજ સંગાથ ચાંદ પર સવાર થઈ,
પેલાં ટમટમતાં તારલા વણીએ.

હૈયાનું પારિજાત હળવેથી ખીલે,
ને,મહેકીલા શ્વાસ ચાલ ગણીએ.- ચાલ થોડુંક ૦

આંખના ઉલાળે હોંઠનો મલકાટ,
હળવા ઈશારામાં ચાલ મળીએ.

કશું ન બોલીને બધું જ જણાવે,
મૌન વાણી એવી ગણગણીએ.- ચાલ થોડુંક ૦
###


~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~
મારું બયાન
=================================
જિંદગીની મહેફીલમાં હું મારું બયાન લાવ્યો છું,
એ મહેફીલને સજાવવા એક ફરમાન લાવ્યો છું.

આંખોમાં કંઈક આરઝુ ને દિલમાં મુહોબ્બત,
જીવવાનો ફકત એ જ સામાન લાવ્યો છું.

તમે આપો પછી ભલે સિતમગર હજારો દર્દ,
મલકતા હોંઠોની હું ય મુસ્કાન લાવ્યો છું.

નહિ અપાવું બદનામીયત તમને એ દોસ્તો,
મને ઈશ્વરે બક્ષેલુ થોડુંક ઈમાન લાવ્યો છું.

હા, હું એ જ છું જે આ ગઝલ બોલી રહી,
સમજો કે મારી જાતને બેજુબાન લાવ્યો છું.

ભલે ; તમને પામુ કે ન પામી શકું 'રાજ',
છતાં હ્રદયે તો આપનું જ મુકામ લાવ્યો છું.
###


~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~
એવું કેમ હશે?
=================================
પ્રેમમાં બસ તડપવાનુ જ ! એવું કેમ હશે?
જલતી શમા;ને પીગળવાનુ!એવું કેમ હશે?

ઘણોય હોય છે છેલ્લા સ્વાસ સુધી વિશ્વાસ,
ને , જીવતાજીવ મરવાનું ! એવું કેમ હશે?

મિલનની અદમ્ય આશે ટકાવી હોય જિંદગી,
છતાંય બસ વિરહવાનુ ! એવું કેમ હશે?

અફસોસ નથી મોતનો, છે તે ય મંજૂર હવે,
પણ આપથી બિછડવાનુ ! એવું કેમ હશે?

તરસ્યું મૃગલુ ને પછી મળે ઝાંઝવાના નીર,
બસ, દોડતા જ રહેવાનું ! એવું કેમ હશે?

નહીં બુઝશે પ્યાસ કદી એ જાણવા છતાં,
તેનું એ ચાહવાનું...! એવું કેમ હશે?

જો કે હજીયે બેખબર રહ્યો એ પ્રશ્નથી કે,
જીવવાનું ને પછી મરવાનું! એવું કેમ હશે?

છતાં, હ્રદયના અંતિમ ધબકાર સુધી 'રાજ'
તમને હ્રદય કો'ક ઝંખવાનું! એવું કેમ હશે?
###


~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~
અક્ષરોમાં
=================================
લીધો છે આકાર અશ્રુઓએ અક્ષરોમાં,
ભેજ એથી જ રહ્યો છે અક્ષરોમાં.

પ્રત્યક્ષ છતાં, બયાન જે ન કરી શક્યાં,
એ વેદનાએ શૃંગાર સજ્યો છે અક્ષરોમાં.

ફૂલોનું ખીલવું સાવ સહજ નથી હોતું,
નથી ઓશને વાચા; કે કહે તે અક્ષરોમાં.

ને, સમર્પણ - એ જ મૂલ ખરા પ્રેમનું ,
સાર બધોજ છૂપાયો છે અઢી અક્ષરોમાં.

મળ્યો છે ઝાંઝવાથી ભરપૂર પંથ પ્રેમનો,
છીપાવી છે તરસ બસ થોડાંક અક્ષરોમાં.

બહું સાદગીથી ચાહ્યા છે સનમ તમને,
સમજ નથી એટલી કે બધું કહું અક્ષરોમાં.
###


~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~
કોરો કાગળ
=================================
હે ઈશ્વર!

મુજ ગુનાઓની નૉંધ માટે

પાનાં જો ખૂંટી જાય

તો,

અચકાઇશ નહીં.

નિઃસંકોચ

તું કરી લેજે ઉપયોગ

મુજ કિસ્મતનાં કોરા કાગળનો...!

###


~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~
અંતરનાં ઉદગાર
=================================
તારા ખંજનમાં હલેસે મુજ નાવ,
રે તેના કીધાં ખલાસી મલકાટ.

તારા હેતે હિલોળે મુજ અંતરનો દાવ,
રે એમાં જીત્યાં સાત ભવનાં અવતાર.
#
આખોય ભૂતકાળ જીવવો છે તમારી સંગ,
ને વહેવું છે આ વર્તમાનમાં તમારી સંગ.

પેલી વાસંતી કૂંપળ તણી કુંવારી ક્ષણોનો,
મારે અંગિકાર કરવો છે તમારી સંગ.
###


~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~
ક્યાં સુધી
=================================
મૌનમાં આળોટીશ ક્યાં સુધી?
શબ્દોને વાગોળીશ ક્યાં સુધી?

ધખતા સૂરજમાં તું ભીંજાઈને,
જાતને નીચોવીશ ક્યાં સુધી?

નામ ભલે લખ્યું કિનારે તેમનું,
દરિયાને ઉલેચીશ ક્યાં સુધી?

મહેકતા શ્વાસ પરખાય તો બસ,
ફૂલોને કચડીશ હવે ક્યાં સુધી?

ને,રાખનો ય ઢગલો થવા માંડ્યો,
'રાજ'ખુદને જલવીશ ક્યાં સુધી?
###

રાજેન્દ્રકુમાર એન.વાઘેલા
ભરૂચ

અમારા શબ્દોનું માન,
એ જ અમારું બહુમાન.

🙏જય માતાજી🙏

બીજા રસપ્રદ વિકલ્પો