કુવા બહારનું અજવાળું (એક અનોખા સંબંધની વાત) ભાગ 3 શ્રેયસ ભગદે દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

કુવા બહારનું અજવાળું (એક અનોખા સંબંધની વાત) ભાગ 3

એ ઘરનો ડેલો ખુલ્યો અને સ્વાતિ વળગી પડી એની મમ્મી ને.... એકસામટું રોકી રાખેલું બધું આંશુ વાટે વહી નીકળ્યું.

શું થયું દીકરા....??? અંદર આવ અને રડ નહીં. હું સમજુ છું થયું છે શું. અંદર આવ તારા પપ્પા કાલે જ રાત્રે યાદ કરતા હતાં કે સ્વાતિ ખુશ તો હશે ને? મને એની ચિંતા થાય છે. સ્વાતિ પણ જીદી છે ના પડી એટલે ઉંબરો નહીં ઓળંગે. પણ આપણે એનાં ઘરે જઇયે.... જોઈએ કે દીકરી કેવા ઘરમાં રહે છે. કેમ જીવે છે? આપણે તો એ ઘરનો ઉંબરો ઓળંગવાની મનાઈ નથીને.

પપ્પા યાદ કરે એટલે આવવું તો પડેને. અને હવે હું અહીંથી ક્યાંય નથી જવાની. ક્યાંય નહીં....

એટલે તું....

હા, મમ્મી એટલે મને કુવામાં અંધકાર જ મળ્યો. એ માણસ.... એ વાક્ય પૂરું કરે એ પેહલા રડી પડી. અંદરથી સ્વાતિના પપ્પા આવ્યા એટલે એણે પૂછ્યું કે સ્વાતિ બેટા તારી સાથે કોણ આવ્યું છે?

મમ્મીને મળવામાં એ જમનાબા ને તો ભૂલી જ ગઈ. જમનાબા અંદર આવ્યા અને બેસ્યા... દીકરી મને હજી તારી ઓળખાણ નથી પડતી.

દીકરી કહો છો અને ઓળખવાની ના પાડો છો. મમ્મી....

મમ્મી શબ્દ એ જમનાબાની આંખમાં પૂર ઉમટ્યું. કેટલાં દિવસે આ શબ્દ સાંભળ્યો.... આ શબ્દ સાંભળવા કાન તરસતા હતાં. પણ દીકરી તું મારા સુધી પહોંચી કેવી રીતે?

·

સ્વાતિ હું આજે સાંજે વડોદરા જાઉં છું એક મિટિંગ છે. કાલે રાતે પાછો ફરીશ.

રાહ જોઈશ.... જલ્દી પાછો ફરજે. તારા વગર જીવવાની આદત નથી. સ્વાતિ આ બોલી હતી ત્યારે એને નહતી ખબર કે હવે આગળ એનાં વગર જ જીવવાની આદત પાડવી પડશે.

સાંજે એ ગયો પાછી રાતે જયારે પોતે નીચે લટાર મારવા ઉતરી હતી ત્યારે પેલા બા સાથે વાતો જામી... સમય જતો હતો... બંનેને મજા પડતી હતી. બા ઉપર ચાલીયે. રાકેશ છે નહીં ઊંઘ આવતી નથી.. સમય આમપણ નહીં નીકળે. તમે આવશો તો બેક વાતો થશે અને સમય પણ નીકળી જશે.

પછી સ્વાતિના ડ્રોઈંગરૂમમાં બંને બેસીને વાતો કરતા હતાં એમાં વાતમાં જ પેલા બાને સ્વાતિએ પૂછ્યું કે બા તમે પેલી બાઈની વાત કરતા હતાં... એ વળી કઈ બાઈ...? કઈ બાઈ બહુ ભલી હતી...?

તને કંઈ જ ખબર નથી? ખરેખર.... તું તો બહુ સારા ઘરની લાગે છે. મને એમ કે રાકેશે તને બધું જણાવ્યું હશે પછી જ તું એને પરણી હોઈશ. મને લાગે છે કે તારે સુઈ જવું જોઈએ. તું આ બધું ભૂલી જા. મારી જીભ ખબર નહીં ક્યા સમયે ખુલે છે અને શું બકે છે. એ ઉભા થવા જતા હતાં ત્યાં સ્વાતિ એ એને રોક્યા.

બા આજે આ વાત અધૂરી રાખીને ના જતા મને ઊંઘ નહીં આવે. રાત પણ હજુ ઘણી લાંબી છે.

અમુક રાતો લાંબી જ હોય છે, બેટા. એ જમના બહુ ભલી બાઈ. તારી સાસુ. તારા સસરા ગયા પછી એને રાકેશને કેમ ઉછેર્યો છે આ સોસાયટીમાં બધાં જાણે. પણ રાકેશ... એ છોકરો એવો નીકળશે એ કોઈએ નહતું વિચાર્યું. જમના મારી ખાસ બહેનપણી. મંદિરે જઇયે... સુખ-દુઃખની વાતો કરીયે.... અને રાતે અહીંયા ખુરશી ઢાળીને બેસીયે.... હવે હું એકલી જ બેસું છું....

રાકેશે મને કહેલું કે એમને હવે અહીંયા ગમતું નથી....

તે માની લીધું.... એ તારું ભોળપણ દીકરી. એક દિવસ એ એક છોકરીને પરણી લાવ્યો. એ છોકરીના શોખ ઊંચા. આ સાધારણ ઘરમાં એનો ઉપાડો વધ્યો. પાંચ મહિના થયા હતાં ને એણે ઘર છોડવાની જીદ લીધી. એને આ એક રૂમવાળું ઘર નાનું પડતું. જમના અને રાકેશ એક રૂમમાં સુખેથી રહેતા. જમના એની મેળે જ બહાર પાથરીને નીચે સુવા લાગી. પણ એ છોકરીને એ નડ્યા જ કરે. એક દિવસ તુત માંડયુ કે કા આ ઘરમાં જમનાબા ને કા તો હું.

રાકેશને થયું કે બૈરી ઘર છોડશે. એની જીદ માનીને એ જમનાબા ને વૃદ્ધાશ્રમ મૂકી આવ્યો. પણ એ છોકરી આ ઘરમાં રહેવા જ નહતી માંગતી. એક રાતે કીધા વગર જ એ રાકેશને છોડીને ગઈ. એનો સંબંધતો તૂટ્યો એક માં દીકરાના સંબંધનેય તોડતી ગઈ.

એક પછી એક સત્યો સાંભળ્યા પછી સ્વાતિ બેસી રહી હતી. કેટલી હલાવી ત્યારે પછી આવી હતી. આંખમાં આંશુનો ઢગલો હતો. એને રહી રહીને એ સત્ય સમજાયું કે પોતે જેને વિશ્વાસ ન તોડવાનું કહેતી હતી એ જ વ્યક્તિ એ એનાં ભરોસા પર થુક્યું હતું. એને હજી રડવું હતું પણ એવો ખભો હવે વૃધાશ્રમમાં દેખાતો હતો અને પપ્પાનું એ ઘર હવે આંખ સામે તરતું હતું. એને એનાં પપ્પાના શબ્દો યાદ આવ્યા. દીકરી જે દિવસે તને એમ લાગે કે તારો એ છોકરા સાથે જીવવાનો નિર્ણય તદ્દન ખોટો છે ત્યારે ફરીથી આ ઘરના દરવાજા તારા માટે ખુલી જશે.

એ રાત ખરેખર લાંબી ચાલી હતી. બા ગયા પછી પોતે ફટાફટ સમાન પેક કર્યો હતો. આંખમાં ઊંઘ તો દૂર સુધી ક્યાંય નહતી અને હવે મનોમન નક્કી કર્યું હતું કે આ ઘરનો ઉંબરો હવે છેલ્લીવાર બહાર જતી વખતે ઓળંગશે. હવે રાકેશને નથી જોવો.... એ ચેહરો હવે અસહ્ય થઈ પડશે. એ સામે આવશે અને અંદર રહેલો પ્રેમ છલકી ઉઠશે તો નહીં જઈ શકે.... પોતે જે ભૂલ કરી હતી એ હવે સુધારવી જરૂરી લાગી. પપ્પાના ઘરે પાછું જતા પહેલાં જમનાબા પાસે જવાનું નક્કી કર્યું.

પછી આજે બપોરે પોતે વૃધાશ્રમ પહોંચી હતી અને અત્યારે ઘરમાં બધાં સાથે ચા પીતા હતાં.

ચા પુરી કરીને જમનાબા એ ખચકાટ સાથે વાત ઉચ્ચારી.

દીકરી.... મને કોઈના ઘરે રેહવું નહીં પાલવે. કાલ સવારે મને પાછી વૃધાશ્રમ મૂકી જજે. હું અહીંયા રહીને તમને લોકોને નડવા નથી માંગતી. મારા દીકરા એ જે તારી સાથે કર્યું એ બધું સાંભળીને મારી અંદરની શાંતિ જતી રહી છે. હું તારી સાથે આંખ નહીં મેળવી શકું.

દીકરી... કહ્યું છે તમે સ્વાતિને તો એ સંબંધે તો રહી શકોને. આ ઘરની પાછળ ગાર્ડનમાં એક રૂમની વ્યવસ્થા છે ત્યાં રેહજો. પણ હવે આ ઘરમાંથી તમને વૃધાશ્રમ તો નહીં જ મોકલીએ. સ્વાતિ એ ભૂલ કરી છે... એને થોડી અક્કલ આવી છે. તમે સાથે રેહશો તો અમને નહીં ગમે એવું ક્યારેય ના વિચારતા. સ્વાતિએ એની જિંદગીના નિર્ણયો એની જાતે લીધા છે. અમે એનાં દરેક નિર્ણયમાં સાથે ઉભા છીએ તો પછી એમાં પણ અમે એની પડખે જ છીએ. આ ઘરમાં રહેતા અચકાશો નહીં. સ્વાતિ તમારી દીકરી જ છે. સ્વાતિના પપ્પાએ કહ્યું હતું. પછી માંડ કચવાતા મને જમનાબા અહીંયા રહેવા તૈયાર થયા હતાં.

સ્વાતિ જો રાકેશના જીવનમાં પહેલાં આવી હોત તો કદાચ આજે રાકેશ અલગ રીતે જીવતો હોત. અમે બધાં ખુશ હોત.

મમ્મી જૂનું ભૂલીને નવી શરૂઆત કરીયે. હું એ જ રાકેશને ઓળખું છે જેને મેં પ્રેમ કર્યો હતો અને તમેય એ જ રાકેશને યાદ રાખજો જેની સાથે તમે ભરપૂર જીવ્યા હતાં.

સ્વાતિ સવારે ગાર્ડનના બાકડાંમાં બેઠી હતી. પોતે કુવાના અંધકારમાંથી બહાર આવી હતી. ત્યાં ફક્ત અંધારું જ મળ્યું એવુંય નહતું. પાણી હતું પ્રેમનું.... રાકેશ તરફથી નહીં તો પોતાના તરફથી તો હતું જ… પણ એ ખુટ્યું પછી અંધકાર વધ્યો…. અને એ કૂવાની બહાર એક નવા સંબંધની કૂંપળ ફૂટી હતી…. અને હવે ફરી આસપાસ અજવાળું પથરાયું હતું.

(સમાપ્ત)