કુવા બહારનું અજવાળું (એક અનોખા સંબંધની વાત) ભાગ ૧ શ્રેયસ ભગદે દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

કુવા બહારનું અજવાળું (એક અનોખા સંબંધની વાત) ભાગ ૧

સ્વાતિને હજી વિશ્વાસ નહતો બેસતો કે એ જેને પ્રેમ કરતી હતી એ વ્યક્તિ આટલો જૂઠો હતો. આખું અસ્તિત્વ એની આસપાસ ઘડીને હવે એકાએક એનાથી દૂર જઈ રહી હતી. જવું જ પડે, ફક્ત એ વ્યક્તિથી દૂર નહીં, એ જુઠથી એક અસત્યથી હવે દૂર જવું જ રહ્યું. અને એ પણ કીધા વગર.

અત્યારે આ સમયે અફસોસ થતો હતો કે પોતે શા માટે આ વ્યક્તિ માટે એનું પોતાનું ઘર છોડયું. આ વ્યક્તિ માટે એણે એની મમ્મીનું ના સાંભળ્યું.

એને એનાં પપ્પાના શબ્દો યાદ આવ્યા. દીકરી જે દિવસે તને એમ લાગે કે તારો એ છોકરા સાથે જીવવાનો નિર્ણય તદ્દન ખોટો છે ત્યારે ફરીથી આ ઘરના દરવાજા તારા માટે ખુલી જશે.

અને એ દિવસે એને પસ્તાવો થઈ આવ્યો. ઘર છોડયું ત્યાંથી લઈને આ ઘર છોડી રહી હતી એ આખા સમય વચ્ચે પોતાની સાથે જે દગો થયો હતો એ અસહ્ય હતો. પણ એ ઘરમાં પગ મુકતા પહેલાં એક ભૂલ સુધારવાની છે. અને એનાં પગ એ દિશામાં વળ્યાં.

·

મમ્મી તમે લોકો જે કહો છો એ મને સમજાતું નથી. એ છોકરાથી તમને લોકોને વાંધો શું છે?

સ્વાતિ દીકરા, અમે શોધીયે છીએને તારા માટે છોકરો. કોઈ સારો છોકરો મળશે એટલે પરણાવી જ દેવી છે તને. પણ આ રાકેશ મને કે તારા પપ્પાને નથી ગમતો.

બે વર્ષથી શોધો છો. મળ્યો કોઈ એવો છોકરો જે મારા લાયક હોય. મારા લાયક રાકેશ જ છે.

તારા માટે શું સારું કે નરસું એ તારા માં-બાપને વધારે ખબર હોય કે તને?

મને મમ્મી, મારી જરૂરિયાતો અને મારા શોખ મુજબ એ છોકરો પરફેક્ટ છે.

સ્વાતિના પપ્પા તમે કેમ કંઈ બોલતા નથી? આ છોકરી બરબાદ થઈ જશે.

શું કહું? જે દલીલો એણે તારી સામે કરી એ જ દલીલો એ મારી સામે પણ કરશે. માણસ જ્યાં સુધી કુવામાં ન પડે ત્યાં સુધી એને નથી સમજાતું કે કુવામાં પાણીની સાથે અંધારું પણ હોય છે. એ અંધારાનો અનુભવ થવા દે આપમેળે સમજ આવી જશે.

એટલે શું હું આપણી દીકરીને હાથે કરીને કુવામાં ધકેલું?

ના... એ જાતે કૂદવા માંગે છે તો રોક નહીં. અમુકવાર જે વાત માં-બાપ નથી સમજાવી શકતા એ વાત સંતાનોને અનુભવ સમજાવી દે છે. બાપ છું... ચિંતા મનેય છે. ભગવાનને પ્રાર્થના કરીશ કે એનો પગ લપસે નહીં. અને એને કુવામાં ફક્ત પાણી જ મળે.

આવી દલીલો ડ્રોઈંગરૂમમાં, ડાઇનિંગ રૂમમાં, બેડરૂમ બહુ વાર થઈ હતી અને છેલ્લે એણે એ ઘર છોડયું હતું.

પપ્પા મમ્મી આશીર્વાદ નહીં આપો….?

અને એનાં પપ્પા છેલ્લી વાર બોલ્યા હતા.

દીકરી જે દિવસે તને એમ લાગે કે તારો એ છોકરા સાથે જીવવાનો નિર્ણય તદ્દન ખોટો છે ત્યારે ફરીથી આ ઘરના દરવાજા તારા માટે ખુલી જશે. ત્યાં સુધી આ ઘરમાં પગ નહીં મુકતી. આ ઘર તારું જ છે અને હંમેશા રહેશે. પણ રાકેશના ઘરનો ઉંબરો આ ઘરનો ઉંબરો ઓળંગવા માટે હંમેશને માટે છોડવો પડશે.

અને આજે પોતે એ ઉંબરો છોડીને ફરી એનાં પપ્પાના ઘર તરફ પગ માંડી રહી હતી.

·

કોર્ટમેરેજ કરીને રાકેશ સાથે આ ઘરમાં પ્રવેશી હતી ત્યારે એનાં માં-બાપને છોડયાનો કોઈ અફસોસ નહતો. જાણે એને બધું જ મળી ગયું હતું. રાકેશ સાથે જીવવાનો આનંદ ચરમસીમાએ હતો. સાતથી આઠ મહિના વીત્યા હતા. એકદમ ખુશખુશાલ સમય વીતતો હતો.

આ આઠ મહિનામાં એ બંને રાજસ્થાન અને કચ્છ ફર્યા હતા. ત્યાં કેટલીય રાતો સુખમાં વીતી હતી. રાકેશની આસપાસ સંસાર ભરાતો જતો હતો. જાણે પોતે દુનિયાની સૌથી નસીબદાર સ્ત્રી સાબિત થઈ હતી એની જ નજરમાં. પપ્પા મમ્મી કેટલા ખોટા હતા અને પોતે કેટલી સાચી હતી.

સ્વાતિ....

રાકેશ અટક્યો હતો....

બોલને શું પૂછવું છે?

તને મારા પર વિશ્વાસ છે ને?

રાકેશ આવા સવાલો પૂછવાના હોય. જો વિશ્વાસ ના હોત તો આવી હોત તારી સાથે... લગ્ન જ ન કર્યા હોત.

એકવાત હું તને કહું અને કોઈ બીજા તને એનાથી વિરુદ્ધ કંઈ કહે તો તું કોની વાત પર વિશ્વાસ કરીશ.

રાકેશ તારી વાત પર... પણ અત્યારે તને આ બધું કેમ સૂઝે છે? તું કેમ આવી વાતો કરે છે?

બસ આ જાણવું હતું... એટલે પૂછ્યું... આસપાસ એવા ઘણા હોય છે જેમને તમારા પર વિશ્વાસ નથી હોતો.

હા તો મને એ કોઈ સાથે લાગેવળગે નહીં. મને ફક્ત રાકેશની વાતથી જ મતલબ છે. તું જે કહે એ મારા માટે નક્કર સત્ય છે.

રાકેશ... મારા પરિવારને તારા લીધે છોડયો છે. તારી સાથે લગ્ન કરીને બધું છોડીને આવી... અને જો તને આવા સવાલો થતા હોય તો મારે ડૂબી મરવું જોઈએ.

તો તો પાછળ મારે પણ ડૂબી મરવું પડે. એણે રમૂજ કરી હતી.

રાકેશ તું મારા વિષે બધું જાણે છે. પણ... આજ સુધી... આજ સુધી તે મને તારા વિષે કંઈ જ નથી કહ્યું.

જો સ્વાતિ.... પપ્પા છોડીને ગયા પછી મમ્મી ને ઘરમાં એકલું લાગતું. મમ્મીની એક બહેન ગામડે છે. એ અત્યારે એમની સાથે છે. એને હવે શહેરમાં નથી ગમતું.

તો પછી રાકેશ અહીંથી સીધા જ ત્યાં ગામડે જઇયે. આપણાં લગ્નજીવનને કોઈક વડીલના આશીર્વાદ તો જોઈએને.

જો સ્વાતિ.... માંડ રજા મળી છે. ફરીને પાછું નોકરીએ જવાનું છે. ગામડે જશું તો બીજા બે દિવસની રજા જોઈશે.

રાકેશ તને નથી લાગતું કે આપણે એકવાર મમ્મીને મળવું જોઈએ. એને પણ તારી ચોઈસ વિષે ખબર પડવી જોઈએ.

અને એને મારી ચોઈસ ન ગમી તો...?

તો..... એ બંને ખડખડાટ હસ્યા હતા.

(ક્રમશઃ)